સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : અર્નબ ગોસ્વામીને સંયમ રાખવા હાઈકોર્ટની સલાહ

અર્ણબ ગોસ્વામી

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન શશિ થરુરનાં પત્ની સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં 'સમાંતર તપાસ' અને ખટલો નહીં ચલાવવા પત્રકાર અર્નબ ગોસ્વામીને નિર્દેશ આપ્યા છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, દિલ્હી હાઈકોર્ટમાં જજ મુક્તા ગુપ્તાના કહેવા પ્રમાણે, "અમે મીડિયાની ઉપર નિયંત્રણ લાદવા નથી માગતાં, પરંતુ તપાસ ચાલતી હોય ત્યારે સંયમ દાખવવામાં આવે તે જરૂરી છે."

ગુપ્તાએ નોંધ્યું, 'કૃપા કરીને સમજો કે ક્રિમિલ કેસમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોય ત્યારે મીડિયા દ્વારા સમાંતર તપાસ ન થઈ શકે.'

2017માં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ગોસ્વામી તથા તેમની ચેનલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ આ કેસમાં રિપોર્ટિંગ સમયે સંયમ દાખવશે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ આ કેસમાં શશિ થરુરની પેરવી કરી રહ્યા છે.

તા. 17મી જાન્યુઆરી 2014ના રોજ નવી દિલ્હીની વિખ્યાત હોટલમાં સંદેહાસ્પદ સ્થિતિમાં સુનંદાનો મૃતદેહ મળી આવ્યો હતો.

રિયા ચક્રવર્તી સાથે મીડિયાએ ખોટું કર્યું : ઍમનેસ્ટી ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Ani

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલે રિયા ચક્રવર્તી પર મુખ્યધારાનાં મીડિયા સંસ્થાનોના કવરેજ પર ' ઍમનેસ્ટી ઇન્ડિયા 'એ આકરો વાંધો ઉઠાવ્યો છે.

માનવાધિકાર માટે કામ કરનારી સંસ્થા 'ઍમનેસ્ટી ઇન્ડિયા'ના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અવિનાશ વ્યાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું, "ન્યાય માટે નિષ્પક્ષ ટ્રાયલ સૌથી અગત્યની હોય છે. આ અધિકાર આંચકી લેવો એ એક આરોપી માટે પણ એટલો મોટો જ અન્યાય છે, જેટલો એક પીડિત માટે."

"જે રીતે કેટલાક લોકો, ખાસ કરીને રિયા ચક્રવર્તી અને તેમના પરિવારજનોને મીડિયા ચેનલોઓ જે રીતે અપમાનિત કર્યાં છે, તે એકદમ ખોટું છે."

"મીડિયા એજન્સીઓએ ચોક્કસથી ન્યાયતંત્રને જવાબદાર બનવાની ભૂમિકા ભજવવી જોઈએ પણ તે એક નિષ્પક્ષ અને પ્રભાવી કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ન બની શકે."

"નિષ્પક્ષ ટ્રાયલ ભારતીય બંધારણ અંતર્ગત દરેક નાગરિકોનો અધિકાર છે. "

કંગના બાદ તેમના પડોશી મનીષ મલ્હોત્રાને બીએમસીની નોટિસ

ઇમેજ સ્રોત, MILIND SHELTE/THE INDIA TODAY GROUP/GETTY IMAGES

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતની ઑફિસ પર કથિત અનાધિકૃત નિર્માણ હઠાવવાની કાર્યવાહી બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને કારણદર્શક નોટિસ ફટકારી છે.

બીએમસીની નોટિસમાં કહેવામાં આવ્યું છે, "મુંબઈ મહાનગરપાલિકા કાનૂન, 1888ની કલમ 351(1) અને ચાર એપ્રિલ 2013ની અધિસૂચના અનુસાર આ નોટિસ આપવામાં આવે છે કે મનીષ મલ્હોત્રાએ મંજૂરી વિના પોતાના ઘરના પરિસરમાં નિર્માણ કાર્ય કર્યું છે."

બીએમસીએ કહ્યું છે કે મનીષ મલ્હોત્રા એ બતાવે કે તેમના આ નિર્માણ કાર્યને કેમ ના તોડી પાડવામાં આવે.

આ નોટિસનો જવાબ આપવા માટે મનીષ મલ્હોત્રાને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

બીએમસીની નોટિસ પ્રમાણે મનીષ મલ્હોત્રા પર આરોપ છે કે તેમણે મકાનના પ્રથમ માળને નિવાસમાંથી ઑફિસ તરીકે ઉપયોગ કરતાં પહેલાં કોઈ મંજૂરી લીધી નથી.

એ ઉપરાંત તેમના પર ગેરકાયદે નિર્માણ અને જૂની ડિઝાઇનમાં ફેરફારનો પણ આરોપ છે.

સી.આર.પાટીલના કારણે સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસ વધારે ફેલાયો?

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT TWITTER

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર જ્યારે કોરોના વાઇરસની મહામારી સ્ટૅબલ નથી થઈ ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે વિવિધ જિલ્લાની મુલાકાત લઈ જે રેલીઓ કરી તેના કારણે કોરોના વાઇરસનો ચેપ વધારે ફેલાયો તે અંગે સ્થાનિક નેતાઓએ સવાલ ઊભા કર્યા હતા.

અહેવાલ મુજબ સી.આર.પાટીલે ઑગસ્ટ 18એ સૌરાષ્ટ્ના પ્રવાસની શરૂઆત કરી હતી. અનેક જગ્યાએ પાર્ટી કાર્યકર્તાએ ગરબા કર્યા હતા. ગીરથી શરૂ કરીને તેઓ સોમનાથ, જૂનાગઢ, ખોડલધામ અને રાજકોટની મુલાકાતે ગયા હતા.

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાઉન્સિલ અતુલ રાજાણીએ રાજકોટમાં વધેલા કેસ પાછળ સી.આર.પાટીલના પ્રવાસને જવાબદાર ગણતા અમદાવાદ મિરરને કહ્યું, "બે દિવસ રોકાઈને ઑગસ્ટ 22એ પાટિલે રાજકોટ છોડ્યું. રાજકોટ શહેરમાં તે દિવસે 64 પૉઝિટિવ કેસ હતા. બીજા 35 કેસ જિલ્લામાં આવ્યા હતા. ઑગસ્ટ 15 થી 22ની વચ્ચે રાજકોટમાં કેસનો આંક 60 થી 65ની વચ્ચે હતો."

"પાટીલની રાજકોટની મુલાકાતના પંદર દિવસ પછી કેસમાં 50 ટકાનો વધારો થયો. 6 સપ્ટેમ્બરે રાજકોટ શહેરમાં 101 કેસ નોંધાયા, સપ્ટેમ્બર 6થી 8ની વચ્ચે સરેરાશ 100 કેસ દરરોજ આવતા થયા. જિલ્લામાં પણ કેસની સંખ્યા વધી. 4 સપ્ટેમ્બરે 57 અને 6 સપ્ટેમ્બરે 50 કેસ આવ્યા છે."

જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ અમદાવાદ મિરરને જણાવ્યું, "પાટીલને નવા પ્રદેશ પ્રમુખ બન્યાને 52 દિવસ થયા છે. પરંતુ આ કોરોનાના સમયમાં તેઓ પોતાની મોટી રેલીઓ કરવાને કારણે જાણીતા થયા, તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ખૂબ ઓછું ધ્યાન આપ્યું. સૌરાષ્ટ્રમાં ભાજપના હજારો કાર્યકર્તાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેર્યા વિના ગરબા કર્યા."

આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, જૂનાગઢમાં ઑગસ્ટ 19એ પાટીલની મુલાકાત સમયે 20 કે હતા જ્યારે જૂનાગઢ જિલ્લાના કેસની સંખ્યા સપ્ટેમ્બર 8એ 36એ પહોંચી છે.

મિરરના અહેવાલ મુજબ આ રેલીમાં ભાગ લેનાર અનેક મોટા નેતાઓ બાદમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. સુરતની મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી, રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ, સાંસદ કિરીટ સોલંકી, રાજકોટના ધારાસભ્ય અરવિંદ રય્યામી, સુરેન્દ્રનગરના ભાજપના મહામંત્રી જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલિપ પટેલ, ભાજપ પ્રદેશ યુવા મોરચાના કોશાધ્યક્ષ સત્યદીપસિંહ પરમાર, ભાજપ નેતા ગુણવંતભાઈ ડેકાવાલા, ભગવાનજીભાઈ કથિરિયા, રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજકોટના મેયર બીના આચાર્ય અને બીજા પણ નેતાઓ પણ સંક્રમિત થયા છે.

જોકે, આ મામલે કોઈ એવું ચોક્કસ તારણ મળ્યું નથી કે પાટીલની રેલીઓના કારણે કોરોનાના સંક્રમણમાં ગુજરાતમાં વધારો થયો છે.

રાજકોટમાં થયેલી એક પત્રકાર પરિષદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનના પ્રશ્ન મામલે જવાબ આપતાં કહ્યું હતું કે કોરોનાની ગાઇડલાઇનના તમામ નિયમોનું તેમણે પાલન કર્યું છે.

એપ્રિલથી ઑગસ્ટની વચ્ચે અંદાજે 2.1 કરોડ પગારદાર કર્મચારીઓએ નોકરીઓ ગુમાવી

ઇમેજ સ્રોત, Getty Images

ધ વાયરના અહેવાલ અનુસાર સેન્ટર ફોર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકોનૉમી (સીએમઆઈઈ)એ કહ્યું છે કે એપ્રિલ ઑગસ્ટ દરમિયાન લગભગ 2.1 કરોડ પગારદાર કર્મચારીઓએ નોકરી ગુમાવી દીધી છે.

ઑગસ્ટમાં અંદાજે 33 લાખ અને જુલાઈમાં 48 લાખ પગારદાર લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી.

સીએમઆઈઈના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પગારદાર કર્મચારીઓમાં નોકરીનું નુકસાન માત્ર સહાયક કર્મચારીઓને ઉઠાવવું પડ્યું નથી પરંતુ આમાં ઔદ્યોગિક કર્મચારીઓ અને મોટા કર્મચારીઓ પણ સામેલ છે.

વર્ષ 2019-20માં આખા વર્ષની સરખામણીએ આ ઑગસ્ટમાં પગારદાર કર્મચારીઓની નોકરી 8.6 કરોડથી ઘટીને 6.5 કરોડ થઈ ગઈ છે.

સીએમઆઈઈનું કહેવું છે કે આર્થિક વિકાસ સંકોચાવાના કારણે પગારદાર નોકરીઓમાં પર સૌથી મોટી અસર થઈ છે. પગારવાળી નોકરીઓ આર્થિક વિકાસ અથવા સાહસિકતામાં વૃદ્ધિની સાથે પણ વધી રહી નથી.

લૉકડાઉનને કારણે નોકરી ગુમાવી ચૂકેલા લોકો પાસે ખેતી અંતિમ વિકલ્પ છે, 2019-20 દરમિયાન 11.1 કરોડ કર્મચારીઓની સંખ્યાની સરખામણીએ ઑગસ્ટ સુધી ખેતીમાં રોજગારીમાં 1.4 કરોડનો વધારો થયો છે.

છૂટક કમાણી કરનાર પર ભારે અસર થઈ હતી એપ્રિલમાં 12.1 કરોડમાંથી 9.1 કરોડ લોકોએ નોકરી ગુમાવી. જોકે ઑગસ્ટમાં આમાં સુધારો થયો છે અને હવે 2019-20માં કુલ 12.8 કરોડ નોકરીઓની સરખામણીએ આ 1.1 કરોડ જ ઓછી છે.

સરહદે તણાવની સ્થિતિમાં આજે ભારત અને ચીનના વિદેશમંત્રી વચ્ચે મુલાકાત થશે

ઇમેજ સ્રોત, Reuters

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભારત અને ચીનના વિદેશમંત્રી આજે મોસ્કોમાં મુલાકાત કરશે.

ભારતીય સૈન્યએ લદ્દાખ વિસ્તારમાં મહત્ત્વની હાઇટ્સ પર કબજો કરતા ચીન સુશુલ વિસ્તારમાં જ્યારે આગળ વધ્યું છે ત્યારે બંને દેશો વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ છે.

આ તણાવની સ્થિતિ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન વેંગ યીની મૉસ્કોમાં મુલાકાત થઈ રહી છે.

ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે જયશંકર અને વેંગ બપોરના ભોજન સાથે મીટિંગ કરશે જેને રશિયાના વિદેશ મંત્રી સર્ગે લાવરોવ દ્વારા હોસ્ટ કરવામાં આવી છે.

છેલ્લે બંને નેતાઓ વચ્ચે મુલાકાત વીડિયો કૉન્ફરન્સ દ્વારા 23 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસા પછી થઈ હતી. ગલવાન ઘાટીમાં ભારતીય સૈન્યના 20 જવાનનાં મૃત્યુ થયાં તેના બે દિવસ પછી બંનેએ 17 જૂને ફોન પર વાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે જાણી જોઈને કોરોના વાઇરસના ભયને ઓછો આંક્યો - એક પુસ્તકનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી હિન્દીના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાણતા હતા કે કોરોના વાઇરસ ફ્લૂની સરખામણીમાં વધારે ખતરનાક છે, પરંતુ તેમણે જાણીજોઈને આ મહામારીના પ્રકોપને ઓછી કરીને દર્શાવી છે.

અમેરિકામાં છપાનારા એક નવા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે.

પુસ્તકના લેખક 70ના દાયકામાં વોટરગેટ સ્કૅન્ડલને ઉજાગર કરનારા જાણીતા પત્રકાર અને લેખક બૉબ વુડવર્ડ છે.

બૉબ વુડવર્ડનો દાવો છે કે ટ્રમ્પે ડિસેમ્બર 2019થી જુલાઈ 2020 સુધી તેમને 18 વખત ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

પુસ્તકમાં ટ્રમ્પને ટાંકીને લખવામાં આવ્યું છે કે અમેરિકામાં કોરોનાથી પહેલું મૃત્યુ થયું તે પહેલાં જ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના એક જીવલેણ બીમારી છે.

આ પુસ્તક પર પોતાની વાત મૂકતાં ટ્રમ્પે કહ્યું કે તે નહોતા ઇચ્છતા કે કોરોનાને લઈને લોકોમાં અફરા-તફરી મચી જાય.

અમેરિકામાં હાલ સુધીમાં એક લાખ 90 હજાર લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે.

રફાલ વિમાન આજે ભારતીય વાયુસેનામાં જોડાશે

એનડીટીવીના અહેવાલ અનુસાર પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલી તણાવની સ્થિતિ વચ્ચે પાંચ રફાલ વિમાન આજે અંબાલા ઍરબેઝ પર ઔપચારિક રીતે ભારતીય સૈન્યમાં જોડાશે.

આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયા અને સંરક્ષણ સચિવ અજય કુમાર પણ હાજર રહેશે.

વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું, "કાર્યક્રમ દરમિયાન રાફેલ વિમાનનું ઔપચારિક રીતે અનાવરણ કરવામાં આવે. આ પછી 'સર્વધર્મ પૂજા' કરવામાં આવશે અને ત્યારબાદ રફાલ અને તેજસ કરતબ દેખાડશે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો