સ્ટેચ્યૂ ઑફ યુનિટીના વિસ્તારમાંથી તડીપાર કરાયેલા લખન મુસાફિર કોણ છે?

  • જીગર ભટ્ટ
  • બીબીસી ગુજરાતી માટે
LAKHAN MUSAFIR

ઇમેજ સ્રોત, VITAN

ઇમેજ કૅપ્શન,

LAKHAN MUSAFIR

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસના આદિવાસી જિલ્લાઓમાંથી ગાંધીવાદી કાર્યકર લખન મુસાફિરને હદપાર કરવાનો હુકમ રાજપીપળાના ડેપ્યુટી મૅજિસ્ટ્રેટે આપ્યો છે.

લખન મુસાફિરને રાજપીપળા ડેપ્યુટી મૅજિસ્ટ્રેટે ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 56(ક) હેઠળ નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદ્દેપુર, તાપી જિલ્લામાંથી છ માસ માટે હદપાર કરવાનો હુકમ કર્યો છે.

લખન મુસાફિર પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે 'તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટીને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્તો તથા કેટલીક અસામાજિક મંડળીઓને સાથે રાખી નર્મદા નિગમના જૂદાજૂદા ટૂરિઝમ પ્રોજેક્ટના કામમાં ગેરકાયદેસર મંડળી રચી માણસોને ગુમરાહ કરી વિરોધ કરે છે. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરે છે.'

'સુલેહ શાંતિનો ભંગ કરે છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીને ટાર્ગેટ બનાવી આ વિસ્તારમાં સરકારવિરોધી બેઠકો કરી શાંતિ ડહોળવાના પ્રયત્નો કરે છે.'

તેમના પર હિંસક હુમલાઓ કરવાના, કોમી માનસ ધરાવવાના, લોકોને ડરાવતા હોવાથી કોઈ જુબાની આપવા તૈયાર થતું ન હોવાના, સરકારી કર્મચારીઓ સાથે ઝઘડો કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના પર લાગેલા બે કેસને પણ કારણ તરીકે મૂકવામાં આવ્યા છે.

લખન મુસાફિર પોતાના પર કરાયેલા આક્ષેપોને નકારે છે અને કહે છે, "હું વિદ્યાર્થીજીવનથી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિચારધારાથી આકર્ષાયેલી વ્યક્તિ છું. જેથી તે વિચારોને પરિપૂર્ણ કરવા સર્વોદયની પ્રવૃતિ સાથે જોડાયેલો છું. મારી વિરુદ્ધ ચાલી રહેલા બંને કેસ કોર્ટમાં બાકી છે જેમાં હુ દોષિત ઠરેલ નથી."

લખન મુસાફિર સર્વોદય મંડળની 'પર્યાવરણસુરક્ષા સમિતિ' સાથે જોડાયેલા છે. પર્યાવરણ સુરક્ષા સમિતિનાં સ્વાતિ દેસાઈ કહે છે, "લખનભાઈ પર કરવામાં આવેલા આરોપ સાવ વાહિયાત છે. સરકારે 8 માર્ચે નોટિસ આપી હતી. ત્યાર બાદ લૉકડાઉન આવી જતાં કોઈ સુનાવણી થઈ નહીં. હવે લૉકડાઉન પછી મૅજિસ્ટ્રેટે સરકારી પક્ષને પણ નથી સાંભળ્યો, સાક્ષીઓને નથી સાંભળ્યા, અમને પણ નથી સાંભળ્યાં અને સીધી કાર્યવાહી કરી છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 ઑક્ટોબરે અમદાવાદથી સી-પ્લેનમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચવાના છે, તે સમયે સ્થાનિક આદિવાસીઓ કોઈ વિરોધ ન કરે તે માટે હદપાર કરવાની કાર્યવાહી કરાઈ હોવાનો આરોપ સરકાર પર મૂકાઈ રહ્યો છે.

કોણ છે લખન મુસાફિર?

લખનભાઈ વિશેની માહિતી ખૂબ જ ઓછી મળે છે. પરંતુ ભૂમિપુત્ર મૅગેઝિનમાં લખનભાઈના જીવન પર 'હિંદ સ્વરાજના અદના સૈનિક' નામના લેખમાં લખનભાઈના જીવન વિશે વાત કરવામાં આવી છે.

લેખ પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લાના વતની લખનભાઈના નવજીવનની શરૂઆત એંશીના દાયકામાં થઈ. વિનોબાજીની પ્રેરણાથી ગાય બચે તો ખેતી બચે અને ખેતી બચે તો ગામડાં બચે તે હેતુથી શરૂ કરાયેલા ગૌવંશ બચાવવાના 'દેવનાર (મુંબઈ)ના આંદોલન'માં તેઓ જોડાયા હતા.

1982ની સાલમાં વિનોબાજીના પવનાર આશ્રમમાં સાદગી-સ્વાવલંબનના પાઠ શીખ્યા. તેઓ 1983થી 1986 સુધી જાણીતા સર્વોદય કાર્યકર ડૉ. દ્વારકાદાસ જોષી સાથે વડનગરમાં રહીને રચનાત્મક કાર્યોંમાં જોતરાયા. અહીં તેમણે યુવાશિબિરો યોજી, ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા પ્રયાસો કર્યા અને ગ્રામવિકાસનાં કામો કર્યાં.

લખનભાઈએ ત્રણેક વર્ષ સુધી રાજપીપળા વિસ્તારનાં ગામોમાં બાયોગેસ તેમજ પાયખાનાં અને બાથરૂમ બનાવવાનાં કામ કર્યા તો સજીવખેતીની શરૂઆત પણ તેમણે અહીં કરી.લખનભાઈ મૂળ તો મૌલિક વિચાર અને વિવિધ પ્રયોગોના માણસ. રાજકોટ જિલ્લામાં આવેલી સંસ્થા 'લોકમિત્રા' ઢેઢુકીમાં બાલમંદિર, આંગણવાડી, શિક્ષણ, સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર જેવાં પાયાનાં કામો કર્યાં.

આદિવાસી બાળકોને શાળાએ મોકલ્યાં

ઇમેજ સ્રોત, LAKHAN BHAI

ઇમેજ કૅપ્શન,

LAKHAN MUSAFIR

સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે આવેલા કેવડિયાના કોઠી ગામના રહેવાસી અને કેન્દ્રિય એકલવ્ય સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા આશિષભાઈ તડવી કહે છે, "લખનભાઈએ આદિવાસી બાળકોને સ્કૂલમાં મોકલવાનું મહત્ત્વનું કામ આ વિસ્તારમાં કર્યું છે."

"અહીં આદિવાસીઓનાં 70થી વધારે ગામ છે અને ત્યાં ફરીને તેમણે બાળકોને સ્કૂલે મોકલવા અને શાળામાં પ્રવેશ માટે બાળકોને થોડુંઘણું શિક્ષણ મળી રહે તે માટે શનિવાર અને રવિવારે વર્ગો ચલાવવાનું કામ પણ કર્યું. અમારા જેવા શિક્ષકોને વિનંતી કરે કે ગામમાં વર્ગ લો."

"તેઓ શિક્ષકોને પૈસા આપવા પણ તૈયાર થાય. લખનભાઈના કારણે અનેક આદિવાસી છોકરાઓ ગામમાં શાળાએ જતા થયા છે."

કેવડિયા અને તેની આસપાસના વિસ્તારમાં આદિવાસી બહેનો સાથે કામ કરતાં શોભાબહેન મલબારી કહે છે, "લખનભાઈએ એવાં ખેતઓજારો વિકસાવ્યાં જેનાથી બહેનોનું કામ સરળ થયું."

લખનભાઈના ખેતીના કામ વિશે વાત કરતાં આશિષભાઈ કહે છે, "અહીંના આદિવાસી ગામમાં ચોમાસામાં લોકો મકાઈ, જુવાર, કપાસ સામાન્ય રીતે ઉગાડતા હતા. પરંતુ તેમણે હળદર, શાકભાજી ઉગાડવાં માટે ગામના લોકોને શિક્ષણ આપ્યું. વિવિધ ઝાડની કલમ ગામના લોકોને પહોંચાડી. ગામડાંની વસ્તુઓને બહાર જઈને વેચતા આદિવાસીઓને તેમણે શીખવ્યું."

શોભાબહેન કહે છે, "તેમણે સજીવ ખેતીનો પ્રચારપ્રસાર કર્યો, આદિવાસી લોકોને નવા પાક ઉગાડતા શીખવ્યા. ઉપરાંત પોતે ગામમાં જાતે જતા અને પાકનું નીરિક્ષણ કરતા હતા અને જરૂરી જાણકારી ખેડૂતને આપતા. લોકોને હળદર વાવતા શીખવી જેણે લોકોની જીવનશૈલીને બદલી નાખી. લોકોની આવક તેના કારણે વધી."

"લોકો તેમની મજાક કરતા છતાં પણ તે પોતાની ચિંતા કર્યા વિના સમાજ માટે કામ કરતા હતા."

લખનભાઈએ કરેલો એક મૌલિક અને સફળ પ્રયોગ એટલે રસાયણ વિનાનો (રવિ) ગોળ. જે આજે ગુજરાતમાં અનેક લોકો વાપરે છે.

આશિષ કોઠી કહે છે, "સરકાર 2011-12માં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની કેવડિયા અને તેની આસપાસના વિસ્તારને શહેર બનાવવા માટેનો કાયદો લાવી જેનો ગામ લોકોએ વિરોધ કર્યો. કારણ કે સરકાર આદિવાસીઓની જમીન લઈ લેવા માગતી હતી. લખનભાઈએ આંદોલનમાં પણ મદદ કરી હતી."

તેઓ વધુમાં કહે છે, "બંધારણ આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને નિર્ણયની સ્વતંત્રતા આપે છે. એટલે કે ગ્રામસભાની પરવાનગી વિના આ વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટ થઈ શકે નહીં. પરંતુ સરકાર સીધો જ કાયદો લાવી. આજે લોકોની જમીનો લઈ રહી છે."

'લખનભાઈ જોડે માત્ર બે જોડી કપડાં'

ગુજરાતના નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પાસે આવેલા કેવડિયા ગામના રતિલાલભાઈ તડવી કહે છે, "લખનભાઈ ઘણા સારા માણસ છે. તેમણે અમારાં બાળકોને શાળાએ જતા કર્યાં, અમને ખેતી માટે નવાં બિયારણો આપ્યાં. પાકને સુધારવાની વિવિધ પદ્ધતિઓ સમજાવી. તેઓના અહીંથી આ રીતે જવાથી અમને ઘણું દુ:ખ થયું છે."

"આદિવાસી સમાજ માટે સારું ઇચ્છનાર અને આદિવાસી લોકોનું હિત જળવાઈ રહે તે રીતે પાયાનું કામ કરતા માણસને સરકારે હદપાર કર્યા છે."

તેઓ કહે છે, "લખનભાઈનું એક રૂમના ઝૂંપડામાં રહેતા હતા, તેમની પાસે એક બૅગ હતી જેમાં બે જોડી કપડાં હોય, એક ચપ્પલ હોય, આવો માણસ હિંસક હોય? એમની પાસે એક વધારે કપડું ના હોય. આતો ખૂબ જ શાંત અને સારા માણસ છે તેમની પર લગાવેલા તમામ આરોપો ખોટા છે. આદિવાસી વિસ્તારોમાં કામ કોણ કરશે હવે?"

સામાજિક કાર્યકર મુદિતા વિદ્રોહી કહે છે, "હું મારી માતા સિવાય કોઈની સાથે રહી શકતી ન હતી પરંતુ લખનભાઈ એવી વ્યક્તિ હતી જેમની પાસે હું બાળપણમાં એકલી રહેલી છું. પુરુષ હોવા છતાં મા જેવું તેમનામાં વાત્સલ્ય જોયું છે. એ માણસ રેઇનકૉટ કે છત્રી એટલે ન રાખે કે તેમાં પ્લાસ્ટિક છે અને પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે."

સ્વાતિ દેસાઈ કહે છે, "લખનભાઈ બાળકને શાળાએ મોકલે તે માટે વાલીઓ સાથે ઝઘડે છે, આદિવાસી વિસ્તારોમાં લોકોનો દારૂ છોડાવા માટે તે જેતે વ્યક્તિ સાથે ઝઘડે છે. આ વ્યક્તિ પર સરકાર દારૂનો ધંધો કરે છે જેવા સાવ વાહિયાત આક્ષેપ કરે છે."

પર્યાવરણ સુરક્ષા સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે થતાં નુકસાન અંગે લોકજાગૃતિનાં કામોમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી.

અમારી પણ ધરપકડ કરો

ઇમેજ સ્રોત, LAKHAN BHAI

ઇમેજ કૅપ્શન,

LAKHAN BHAI

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા લખન મુસાફિરને તડિપાર કરવાના હુકમ અંગે કહે છે, "આ તદ્દન હકીકતથી વેગળું છે. લખન જેવો માણસ વિનોબા સાથે રહ્યો છે, રેકૉર્ડ પર વાત જ ખોટી મૂકવામાં આવી છે."

"લખનનો બચાવ લેવામાં આવ્યો નથી. સાક્ષીઓના નિવેદન લેવાયા નથી. બંધારણે આપેલાં અધિકારને ભંગ કરતો આ ચુકાદો છે."

સુરેશ મહેતા ગુજરાતના વિવિધ ક્ષેત્રના 200 લોકોએ હદપાર કરવાની કાર્યવાહી સામે ગુજરાતના મુખ્ય મંત્રી, ગૃહમંત્રી અને ગૃહસચિવને લખેલા પત્રનો ઉલ્લેખ કરતાં કહે છે, "અમે લખ્યું હતું કે જો લખન ગુંડો હોય અને તેને હદપાર કરતા હોવ તો અમે પણ ગુંડા છીએ અમારી પણ ધરપકડ કરો."

સ્વાતિ દેસાઈ કહે છે, "સરકાર ટૂરિઝમ માટે હાલ લોકોની જમીન લઈ રહી છે. અહીંના લોકોની પહેલાં જમીન લીધી. હવે એમનાં ઢોરઢાંખર પણ જમીનમાં જઈ ચરી ન શકે તેમ વાડાબંધી કરી રહી છે. આ અન્યાય સામે સ્થાનિક લોકો અવાજ ઉઠાવે છે. આ અવાજ ઉઠાવવો કયા કાયદા પ્રમાણે ગુનો બને છે. સરકાર જણાવે તો સારું થશે."

મુદિતા વિદ્રોહી કહે છે, "સરકાર ગાંધીવાદી માણસ એક ખુંખાર આતંકવાદી હોય તેમ તેને હદપાર કરી રહી છે."

ગુજરાતમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લૅન ઉડીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે જશે તેની તૈયારી ચાલી રહી છે. તેને આ સાથે જોડી મુદિતા વિદ્રોહી કહે છે, "સી-પ્લૅન ઊડવાનું છે એટલે સરકાર ત્યાંથી લખનભાઈ જેવા માણસોને ત્યાંથી હઠાવી રહી છે."

સ્વાતિ દેસાઈ કહે છે, "સરકારે સી-પ્લૅન દ્વારા વડા પ્રધાન 31 ઑક્ટોબરે ઊતરે તે પહેલાં હદપાર કર્યા હોય તેવું બની શકે છે પરંતુ આ અંગે કાંઈ કહી શકાય નહીં. કારણ કે લખનભાઈને નોટિસ માર્ચ મહિનામાં આપવામાં આવી હતી."

તેઓ વધુમાં કહે છે, "સરકાર અહીંના સ્થાનિક લોકોનો અવાજ દબાવી રહી છે તેમાં ના નથી. અહીં લખનભાઈ હતા ત્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે વડા પ્રધાન આવે, મુખ્ય મંત્રી આવે કે કોઈ પણ મંત્રી આવે ત્યારે તમામ સ્થાનિક નેતાઓને પોલીસ નજરકેદ કરે છે અથવા બંદી બનાવી દે છે."

મુદિતા વિદ્રોહી પણ કહે છે, "સરકાર અનેક વખત લખનભાઈ અને સ્થાનિક નેતાઓને મુખ્ય મંત્રી કે કોઈપણ નેતાની મુલાકાત વખતે જેલમાં મૂકે અથવા કસ્ટડીમાં મોકલી દે છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો