નરેન્દ્ર મોદીને સવાલ પૂછનાર પત્રકારોના અનુભવની કહાણી

  • આશિષ દીક્ષિત
  • સર્વિસ ઍડિટર, બીબીસી મરાઠી
મોદી

ઇમેજ સ્રોત, PIB

નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરનાર દરેક પત્રકાર એક વાત સ્વીકારે છે કે તેઓ વાક્પટુ છે. બહુ સારી રીતે સંવાદ કરી શકે છે. પણ આ સંવાદ ખરેખર છે કેવો? શું ખરેખર તેઓ તમારા સવાલનો જવાબ આપે છે - મુશ્કેલ અને સુસંગત સહિત બધા પ્રકારના સવાલોના જવાબ આપે છે ખરા? કે પછી તેમણે જે કહેવું હોય તે જ કહે છે?

નરેન્દ્ર મોદી 70 વર્ષના થયા છે, તે સાથે તેમના ઇન્ટરવ્યૂ વધારે ને વધારે ઓછા થવા લાગ્યા છે. તેમના છેલ્લા કેટલાક ઇન્ટરવ્યૂની ટીકાઓ થઈ હતી કે તેમાં ભાગ્યે જ આકરા સવાલો પૂછાયા હતા.

છ વર્ષ પહેલાં વડા પ્રધાન બન્યા પછી તેમણે એક પણ વાર પત્રકારપરિષદ કરી નથી, જેની પણ સાર્વત્રિક ટીકા થઈ છે.

આથી અમે નક્કી કર્યું કે નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરવાની તક મળી હોય તેવા કેટલાક વરિષ્ઠ પત્રકારોનો સંપર્ક કરવો. અમે તેમને પૂછ્યું કે મોદીને સવાલો પૂછવાનો અનુભવ કેવો રહ્યો. સ્મિતા પ્રકાશ, વિજય ત્રિવેદી, રાજદીપ સરદેસાઈ અને નવદીપ ધારીવાલ પાસેથી જાણીએ તેમના અનુભવો:

સ્મિતા પ્રકાશ

(ANI ન્યૂઝ એજન્સી)

ઇમેજ સ્રોત, Youtube

ઇમેજ કૅપ્શન,

સ્મિતા પ્રકાશ

મેં નરેન્દ્ર મોદીના બે ઇન્ટરવ્યૂ કર્યા છે. એક 2014માં કર્યો હતો, જ્યારે તેઓ હજી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. બીજો ઇન્ટરવ્યૂ લોકસભા ચૂંટણીના પાંચ મહિના અગાઉ જાન્યુઆરી 2019માં.

હું કહીશ કે પ્રથમ ઇન્ટરવ્યૂ વધારે સારો હતો. 2014ના બે વર્ષ પહેલાં હું ગુજરાત ગઈ હતી અને તેમનો ઇન્ટરવ્યૂ કરવો હતો, પણ ત્યારે શક્ય બન્યું નહોતું. તેથી 2014 વખતે શું થશે તેની મને કલ્પના નહોતી. મેં એવું પણ સાંભળ્યું હતું કે તેમને પત્રકારો માટે શંકાઓ રહેતી હતી.

પરંતુ તેઓ મને ખૂબ મજાના અને જિનિયસ તરીકે જણાયા. તેમણે મને એવું નહોતું કહ્યું કે 'આ ને પેલું ના પૂછતા'. હું તે વખતે સિંગાપોરસ્થિત ચેનલ ન્યૂઝ એશિયા માટે પણ કામ કરતી હતી અને તે ચેનલ માટે પણ હું કેટલીક બાઇટ્સ લેવા માગતી હતી.

મને નવાઈ લાગી કે નરેન્દ્ર મોદીને વિદેશનીતિ વિશે સારી એવી સમજ હતી. તેઓ વડા પ્રધાન બન્યા તે પહેલાં વિદેશનીતિમાં તેઓ શિખાઉ હતા એમ ઘણાને લાગતું હતું. તેમણે સિંગાપોરના દર્શકોને ધ્યાનમાં રાખીને પ્રતિસાદ આપ્યો હતો અને તેની સારી છાપ ત્યાં પડી હતી.

મારા માટે રેટિંગ ખાતર ઇન્ટરવ્યૂ નહોતો, કેમ કે અમારી બધી સબસ્ક્રાઇબર ચેનલો પર તે ચાલવાનો હોય છે. ઇન્ટરવ્યૂ આ બધી ચેનલો માટે સુસંગત હોવો જોઈએ. મારો ઇન્ટરવ્યૂ કરણ થાપર પ્રકારનો ના હોય. એક એજન્સી તરીકે મારે લાંબા જવાબો લેવાના હોય છે, જેથી દરેક ચેનલ પોતાની રીતે તે ટૂંકા અને ઍડિટ કરી શકે.

તમને લાગતું હોય કે મૂંઝવે એવો સવાલ છે તે તમે નરેન્દ્ર મોદીને પૂછશો તો જવાબ આપશે. પણ જવાબ પોતાની મરજી પ્રમાણે જ આપશે.

ઇન્ટરવ્યૂ પહેલાં કે પછી નરેન્દ્ર મોદીના વલણમાં કોઈ ફેર પડતો નથી. માત્ર વચ્ચે પાણી પીએ. લાંબા ઇન્ટરવ્યૂ પછી થાક્યા હોય તેવું લાગે નહીં. તેઓ એવું નહીં કે આ સવાલ કેમ તમે મને બેથી ત્રણ વાર પૂછ્યો. ઇન્ટરવ્યૂ પૂરો થાય એટલે તેઓ બસ જતા રહે છે.

2014ના ઇન્ટરવ્યૂ પછી તેમણે મને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે બધી ચેનલો પર એક સાથે ઇન્ટરવ્યૂ ચાલશે એવો તેમને ખ્યાલ નહોતો.

વિજય ત્રિવેદી

(સત્ય હિન્દી માટે કામ કરતાં વિજય ત્રિવેદીએ NDTV India માટે ઇન્ટરવ્યૂ કર્યો હતો)

ઇમેજ સ્રોત, Youtube

ઇમેજ કૅપ્શન,

વિજય ત્રિવેદી

એપ્રિલ 2009માં મને નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. તેમણે મને અમદાવાદ બોલાવ્યો. ત્યાં સુધીના 20 વર્ષ દરમિયાન મારે તેમની સાથે સારા સંબંધો રહ્યા હતા. તેઓ દિલ્હીમાં મહામંત્રી તરીકે હતા ત્યારે ઘણી વાર મેં તેમના ઇન્ટરવ્યૂ કર્યા હતા. તેઓ દર દિવાળીએ મને શુભેચ્છા માટે ફોન કરતા હતા. તેઓ બહુ સારા યજમાન હતા. તમારી સારી મહેમાનગતિ કરે.

વહેલી સવાર હતી. અમે એક નાના હેલિકૉપ્ટરમાં અમદાવાદથી નીકળ્યા. તેમાં ચાર માટે જ જગ્યા હતી અને અમે પાંચ જણ હતા.

તે વખતે નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કરવો એ રસપ્રદ પ્રક્રિયા હતા. તેઓ બહુ મક્કમ અને સ્પષ્ટપણે પોતાના વિચારો ત્યારે રજૂ કરતા. ઘણા નેતાઓ પૉલિટિકલી કરૅક્ટ રહેવા કોશિશ કરતા, પણ તેઓ ચોખ્ખી ભાષામાં જ વાત કરતા હતા. જેમ કે 2008માં પક્ષના બીજા લોકો સ્પષ્ટ અભિપ્રાય આપવા માગતા નહોતા, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અડવાણી જ પીએમ તરીકે દાવેદાર રહેશે.

અમે અમરેલી જઈ રહ્યા હતા. મોદીજીએ કહ્યું, 'આપણે 45 મિનિટમાં પહોંચીશું અને તે પછી ત્યાંથી બીજો 30 મિનિટનો પ્રવાસ છે. તમારે જ્યારે ઇન્ટરવ્યૂ કરવો હોય ત્યારે કરી શકો છો.' મેં પ્રશ્નોતરી શરૂ કરી અને તે દરમિયાન આગળ પૂછ્યું કે, શું તમે 2002ના રમખાણો માટે નૈતિક જવાબદારી લો છો ખરા અને હિંસા માટે માફી માગશો ખરા?

નરેન્દ્ર મોદીએ મને સામો સવાલ કર્યો: 'તમારામાં હિંમત છે ખરી સોનિયા ગાંધીને એવું પૂછવાની કે શું તેઓ 1984ના રમખાણો માટે માફી માગશે?' મેં કહ્યું કે સોનિયા ગાંધીનો ઇન્ટરવ્યૂ કરવાનો થશે ત્યારે આ સવાલ પૂછીશ.

મેં ફરીથી તે સવાલ પૂછ્યો. તેમણે જવાબમાં જે કહેવું હતું તે જ કહ્યું. મેં ફરીથી સવાલ પૂછ્યો. તેઓ ચૂપ થઈ ગયા અને કૅમેરા આડે હાથ ધરી દીધો. મારા તરફ ધ્યાન આપવાનું બંધ કરીને તેમણે પોતાની ફાઇલો જોવાનું શરૂ કર્યું. અવાજ કરી રહેલા હેલિકૉપ્ટરમાં મૌન છવાયેલું રહ્યું હતું.

અમે નીચે ઉતર્યા ત્યારે મોદીજીએ મારા ખભે હાથ મૂકીને કહ્યું કે, 'કદાચ આપણી આ છેલ્લી વાતચીત છે.' તેમની એ પ્રથમ સભાનું કવરેજ કરીને હું પરત આવ્યો ત્યારે મને લીધા વિના જ તેમનું હેલિકૉપ્ટર જતું રહ્યું હતું. તેમના સ્થાનિક સહાયકે કહ્યું કે મને પરત લઈ જવા માટે કારની વ્યવસ્થા થઈ ગઈ છે. મેં તે લેવાનો ઇનકાર કર્યો અને તેના બદલે એક ટ્રેક્ટર પર સવાર થઈને સ્થળે પહોંચ્યો.

નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂ અટકાવવા માટેની કોશિશ કરી નહોતી. અમે પૂરો ઇન્ટરવ્યૂ ચલાવ્યો. મારા તંત્રીએ તેમાંથી પ્રોમો બનાવ્યો હતો - જેમાં જણાવાયું હતું કે - 'ઇન્ટરવ્યૂ એટલે મૌન.' મને કલ્પના પણ નહોતી કે આ ઇન્ટરવ્યૂ આટલો બધો ચર્ચાસ્પદ બનશે.

એ ઇન્ટરવ્યૂ પછી આજ સુધી નરેન્દ્ર મોદીએ મારી સાથે વાત કરી નથી. હું તેમના કાર્યક્રમોનું કવરેજ કરતો રહ્યો હતો અને તેઓ અમેરિકાના પ્રવાસે હતા ત્યારે કવરેજ માટે પણ ગયો હતો. ફક્ત એક વાર અમે એકબીજાની સામે આવ્યા હતા ત્યારે તેમણે સૌહાર્દનું અભિવાદન કર્યું હતું.

નરેન્દ્ર મોદી માટે મારા મનમાં કોઈ ડંખ નથી. ક્યારેય હતો પણ નહીં. આજે રસ્તામાં તેમને મળવાનું થાય તો હું ફરી એ જ કરીશ - તેમને પ્રશ્નો પૂછીશ.

રાજદીપ સરદેસાઈ

(હાલમાં India Today સાથે કન્સલ્ટિંગ ઍડિટર રાજદીપે NDTV અને CNN-IBN માટે મોદીના ઇન્ટરવ્યૂ કર્યા હતા)

ઇમેજ સ્રોત, Youtube

ઇમેજ કૅપ્શન,

રાજદીપ સરદેસાઈ

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે મેં તેમના ઘણાં ઇન્ટરવ્યૂ કર્યા હતા. પણ સૌથી યાદગાર રહ્યો મારો છેલ્લો સપ્ટેમ્બર 2012માં લેવાયેલો ઇન્ટરવ્યૂ. તે વખતે તેમણે મને બસમાં તેમની સીટ પાસે નીચે બેસાડ્યો હતો. તેમના મનમાં મારા માટે રોષ દેખાતો હતો અને પત્રકારો માટે શંકાઓ હતી. આકાર પટેલ તેને સૌથી ઉત્તમ પત્રકારત્વનો નમૂનો કહે છે.

તેમનો પ્રથમ ઇન્ટરવ્યૂ મેં 1990ની રથયાત્રા વખતે કર્યો હતો. તેમણે સફેદ કૂર્તા પાયજામો પહેર્યો હતો. તે ટીવી પહેલાંના દિવસો હતો. મોદી મજબૂત અને સ્પષ્ટ વક્તા તરીકે દેખાઈ આવ્યા હતા.

2001માં 9/11 આતંકવાદી હુમલાના બે કે ત્રણ દિવસ પછી અમે ત્રાસવાદ વિશે એક કાર્યક્રમ કરી રહ્યા હતા. પ્રમોદ મહાજન સરકારમાં હતા એટલે કાર્યક્રમમાં આવવા તૈયાર નહોતા. હું શાસ્ત્રી ભવનમાં નરેન્દ્ર મોદીને મળ્યો અને તેઓ ડિબેટમાં આવવા માટે તરત તૈયાર થઈ ગયા. તમે આ વિષય લઈ રહ્યા છો તે સારું છે એમ તેમણે મને કહ્યું હતું.

નરેન્દ્રભાઈ એ દિવસોમાં સહેલાઈથી મળી જતા હતા. તેમની પાસે દરેક સવાલનો જવાબ રહેતો હતો. તેઓ ક્યારેય અગાઉથી પ્રશ્નોની માગણી કરતા નહોતા. હવે તેમના ઘણા ઇન્ટરવ્યૂ પીઆર જેવા જ લાગે છે. પીઆર પૂર્વેના દિવસોમાં મોદીના ઇન્ટરવ્યૂ કરવાની મજા હતી.

2002ના રમખાણો વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. મેં ઇન્ટરવ્યૂ કર્યો અને ઑફિસ આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ટેપ ફસાઈ ગઈ છે. તેથી તે દિવસે અમારે રાત્રે 11 વાગ્યે ફરી તે ઇન્ટરવ્યૂ કરવો પડ્યો. તેમણે ફરીથી એ જ સવાલોના જવાબો આપ્યો. એકનો એક ઇન્ટરવ્યૂ બે વાર કરવાની તમે કલ્પના કરી શકો?

વીડિયો કૅપ્શન,

નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શું કહે છે ગુજરાતના યુવાનો?

નવદીપ ધારીવાલ

(BBC News સાથે કામ કરતી વખતે મોદીનો ઇન્ટરવ્યૂ કરેલો)

ઇમેજ સ્રોત, Youtube

ઇમેજ કૅપ્શન,

નવદીપ ધારીવાલ

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વખતે બીબીસી માટે મેં નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેઓ સમિટ બાબતમાં બહુ ઉત્સાહી હતા. તેઓ એનઆરઆઈ સમુદાયને એવો મેસેજ આપવા માગતા હતા કે ગુજરાત શું કરી શકે છે અને મૂડીરોકાણ માટે સુવર્ણ તક રહેલી છે.

તેઓ ઇન્ટરવ્યૂ માટે આવ્યા, અમે હાથ મિલાવ્યા અને થોડી વાતચીત કરીને ઇન્ટરવ્યૂ શરૂ કર્યો. હું તેમને સમિટ ઉપરાંત રમખાણો માટે પણ સવાલો પૂછવા માગતી હતી. પત્રકારત્વની રીતે તે જ યોગ્ય હતું. મને હતું કે વિશ્વભરના દર્શકો તે જાણવા માગતા હશે અને આ સવાલો પૂછવાનો પ્રથમ મોકો હતો.

મેં આ રીતે તેમને સવાલ પૂછેલો: 'તમે લોકોને રાજ્યમાં રોકાણ કરવા માટે જણાવી રહ્યા છો કે જ્યારે તમારા રાજ્યમાં હજારો મુસ્લિમોની હત્યા થઈ રહી છે...' તેમણે સવાલનો જવાબ ના આપ્યો. મેં ફરીથી તેમને એ સવાલ પૂછ્યો એટલે તેમણે માઇક્રૉફોન કાઢી નાખ્યું અને ઇન્ટરવ્યૂમાંથી જતા રહ્યા.

તેમનો મેસેજ સ્પષ્ટ હતો: હું અહીં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે છું અને બીજી કોઈ બાબત માટે વાત કરીશ નહીં.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો