અમદાવાદમાં બેસી અમેરિકામાં કોવિડથી પરેશાન લોકોના પૈસા પડાવી લેવાની કહાણી

  • ઋષિ બેનરજી
  • બીબીસી ગુજરાતી
પ્રતકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતકાત્મક તસવીર

કોરોના મહામારીને કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા અમેરિકન નાગરિકો સાથે લૉનના નામે કથિત રીતે છેતરપિંડી કરનારા બે યુવાનોની અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ લોકો અમેરિકાનાં એ રાજ્યોના નાગરિકોને લક્ષ્ય બનાવી રહ્યા હતા જ્યાં કોરોના વાઇરસની સૌથી વધારે અસર દેખાઈ રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારમાં રહેતા રિયાઝ શેખ અને હાટકેશ્વરના સ્વપ્નિલ ક્રિશ્ચિયન ડમી કૉલ-સેન્ટર ચલાવતા હતા.

અમદાવાદ રિવરફ્રન્ટથી બંને નાણાભીડ અનુભવી રહેલા અમેરિકન નાગરિકોને ફોન કરીને લૉન અપાવવાની વાત કરતા હતા.

જો સામેની વ્યક્તિ લૉન લેવા રાજી થઈ જાય તો પ્રૉસેસિંગ ફીના નામે તેમની પાસે પૈસાની માગણી કરતા હતા અને પૈસા મળી ગયા બાદ ફોન સ્વિચ-ઑફ કરી દેતા હતા.

પોલીસને બંને પાસેથી લૅપટૉપ મળી આવ્યું છે, જેમાં 16 ઍક્સેલ ફાઇલ છે. આ ફાઇલોમાં વિદેશી નાગરિકના ડેટા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકામાં કોરોનાથી પ્રભાવિત રાજ્યોમાં મહામારીને પગલે લોકોને લૉનની જરૂર પડે એવી સ્થિતિ હોઈ શકે છે અને બન્ને આરોપીઓ આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યા હતા.

કૉલ સેન્ટર કઈ રીતે કામ કરતું હતું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

સાબરમતી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નીરજ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમદાવાદના મેધાણીનગરમાં રહેતા દિપેશ રાધાણી માટે રિયાઝ અને સ્વપ્નિલ કામ કરતા હતા. દિપેશે બંનેને અમેરિકન નાગરિકોનાં નામ, ફોન નંબર અને બૅન્ક ખાતાંની માહિતી આપી હતી."

"બંને વૉટ્સઍપ અને ટૉક નાઉ મૉબાઇલ ઍપલિકેશન મારફત કોવિડના કારણે આર્થિક મુશ્કેલી વેઠી રહેલા અમેરિકાના લોકો સાથે સંપર્ક કરતા હતા. બંને 500 - 1000 અમેરિકન ડૉલરની લૉન આપવાની વાત કરતા હતા."

"જો વ્યક્તિ લૉન લેવા માટે હા પાડે તો તેમને ગિફ્ટ કૂપન લેવા માટે કહેવામાં આવતું. ગિફટ કૂપનમાં જે કોડનંબર હોય તે દિપેશ મગાવી લોતો અને એના થકી પૈસા પોતાના ખાતામાં નખાવી લેતો હતો."

તેઓ વધુમાં જણાવે છે કે દિપેશ રાધાણી આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર છે. રિયાઝ અને સ્વપ્નિલ તેમના માટે કામ કરતા હતા. અત્યાર સુધી દિપેશે બંનેને 40, 000 રૂપિયા ચૂકવ્યા છે.

દિપેશ સાથે બંનેની મુલાકાત કઈ રીતે થઈ?

તેના જવાબમાં ઇન્સ્પેક્ટર નીરજ પટલે જણાવે, "પાનના ગલ્લે ત્રણેય પહેલી વાર મળ્યા હતા અને પછી તેમની અવારનવાર મુલાકાત થતી રહેતી હતી. આવી એક મુલાકાતમાં દિપેશે બંનેને પૈસા કમાવવા માટે કૉલ સેન્ટરનો રસ્તો દેખાડયો."

નાયબ પોલીસ કમિશનર ઝોન 2, વિજય પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે રિયાઝ અને સ્લપ્નિલ 'પૅ-ડે લૉન સ્કીમ'ના નામે ઠગાઈ કરતા હતા.

"બંને દિપેશ રાધાણી ઉર્ફે નિખિલ પાસેથી લીડ મેળવતા હતા. 2018માં મેધાણીનગર નગર પોલીસે ડમી કૉલ સેન્ટર પકડી પાડ્યું હતું. કૉલ સેન્ટર દિપેશ ચલાવતો હતો અને કૉલ સેન્ટરમાંથી પોલીસને 84 લાખ રોકડા મળ્યા હતા."

તેઓ જણાવે છે કે દિપેશ બીજાં રાજ્યોમાં પણ આવું કૉલ સેન્ટર ચલાવે છે કે કેમ તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.

દિપેશ સાથે બીજા કેટલા લોકો જોડાયા છે, તેની પણ તપાસ ચાલી રહી છે.

શું હોય છે પૅ-ડે?

ઇનવેસ્ટોપીડિયા વેબસાઇટ અનુસાર પૅ-ડે ટૂંકા ગાળાની લૉન હોય છે, જે ખૂબ ઉંચા વ્યાજે ગ્રાહકોને આપવામાં આવે છે.

લૉન લેનારની મહિને કેટલી આવક છે, તેના આધારે લૉનની રકમ નક્કી કરવામાં આવે છે.

વેબસાઇટ મુજબ પૅ-ડે લોનનું વ્યાજ વધુ હોવાના કારણે કોઈ સિક્યોરિટીની જરૂર હોતી નથી. આ લૉનને એક પ્રકારની અસુરક્ષિત વ્યક્તિગત લૉન ગણવામાં આવે છે.

પૅ-ડેનો સામાન્ય રીતે અર્થ થાય છે પગાર પર લૉન લેવી. લૉન લેનાર પૉસ્ટ ડેટેડ (આગામી તારીખ)નો ચેક લૉન આપનારને લખી આપે છે અને જોઈતી રકમ ઉધાર લઈ લે છે.

જ્યારે વ્યક્તિનો પગાર થઈ જાય છે, ત્યારે ઉધાર લીધેલ રકમ વ્યાજ સહિત પરત ચૂકવી દેવામાં આવે છે.

વેબાસાઇટ મુજબ જે રકમનું ધિરાણ કરવામાં આવે છે તેનો દિવસ પ્રમાણે વ્યાજ ગણવામાં આવે છે.

સામાન્યત રીતે ક્રૅડિટ કાર્ડમાં જે રીતે વ્યાજની ગણતરી કરવામાં આવે છે, તે રીતે પૅ-ડેમાં પણ કરવામાં આવે છે.

અમેરિકામાં મોકળું મેદાન?

સુરતમાં સાયબર એક્સપર્ટ તરીકે કાર્યરત સ્નેહલ વકીલ જણાવે છે, "કૉલ સેન્ટર જ્યારે લૉનની ઑફર કરે છે ત્યારે વ્યક્તિને 5 -10 અમેરિકન ડૉલર જમા કરવાનું કહે છે."

"નજીવી રકમ હોવાના કારણે જો કૉલ સેન્ટર પૈસા લીધા બાદ સંપર્ક ન કરે તો પણ વ્યક્તિ ફરિયાદ કરવાનું ટાળે છે. આ પરિસ્થિતિનો ડમી કૉલ સેન્ટરો લાભ લઈ રહ્યાં છે."

તેઓ જણાવે છે કે કૉલ સેન્ટરો વૉટસઍપ અને બીજી સોશિયલ ઍપનો ઉપયોગ કરે છે કારણ કે વિદેશમાં લોકો સાથે વાત કરવા માટે આ સૌથી ઝડપી અને સરળ માધ્યમ છે. ઍપમાં થતી વાતચીત સામાન્ય રીતે રૅકૉર્ડ થતી નથી.

"ઍપ મારફત તમે એવી લીંક મોકલી શકો છો, જેના પર કોઈ વ્યક્તિ ક્લિક કરે તો તેમની સંપૂર્ણ માહિતી કૉલ સેન્ટરને મળી જાય છે."

"આવું ઘણા કિસ્સામાં બન્યું પણ છે. અમેરિકામાં હજી જનરલ ડેટા પ્રોટેકશન રેગ્યુલેશન ન હોવાના કારણે ડમી કૉલ સેન્ટરને મોકળું મેદાન મળી રહે છે. યુરોપમાં આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે."

ગુજરાતમાં અગાઉ પણ ડમી કૉલ સેન્ટર પકડાયાં

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલી વખત નથી જ્યારે ગુજરાત પોલીસે અમેરિકન નાગરિકોને છેતરી રહેલું કૉલ સેન્ટર પકડી પાડ્યું હોય

જૂન 2020માં ડિટેક્શન ઑફ ક્રાઇમ બ્રાંચ (ડીસીબી)ના અધિકારીઓએ વડોદરાના માંજલપુર વિસ્તારમાં દરોડો પાડીને ડમી કૉલ સેન્ટર પકડી પાડ્યુ હતું.

  • ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર ત્રણ યુવકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય યુવકો અમેરિકન નાગિકોને ફૉન કરીને લૉનની ઑફર કરતા હતા. લૉન મંજૂર કરાવવા માટે યુવકો પૈસાની માંગણી કરતા હતા અને રકમ મળી ગયા બાદ ફૉન સ્વીચ ઑફ કરી દેતા હતા.
  • ડીએનએ મુજબ ફેબ્રુઆરી 2019માં અમદાવાદ પોલીસના સાયબર સેલ વિભાગે પ્રહ્લાદનગરસ્થિત 'પૅલેડિયમ પ્લાઝા'માં દરોડા પાડીને ડમી કૉલ સેન્ટર પકડી પાડ્યુ હતું. પોલીસે 32 લોકોની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ કૉલ સેન્ટરનો સ્ટાફ અમેરિકન નાગિરકોને ફૉન કરતી વખતે પોતાની ઓળખ સોશિયલ સિક્યૉરિટી ઍડમિનિસ્ટ્રેશન (એસએસએ)ના અધિકારી તરીકે આપતો હતો અને તેમની પાસે નાણાં પડાવી લેતો હતો.
  • ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એહવાલ મુજબ નવેમ્બર 2019માં સાણંદ સર્કલ નજીક 'સિગ્નેચર -2 બિલ્ડીંગ'માં સરખેજ પોલીસે દરોડા પાડીને બે ડમી કૉલ સેન્ટરને પકડી પાડ્યાં હતાં. દરોડામાં પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ કૉલ સેન્ટરનો સ્ટાફ અમેરિકન નાગરિકોને ફૉન કરીને તેમને પૅ-ડે લૉન ઑફર કરતું હતું. લૉન મંજુર કરાવવા બદલ પૈસાની માગણી કરવામાં આવતી હતી. પૈસા મળી ગયા બાદ ફૉન બંધ કરી દેવામાં આવતો આવતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો