સુરત ઓએનજીસીમાં આગ : 'એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો'

સુરત આગ

ઇમેજ સ્રોત, Dharmesh Amin

સુરતના હજિરા ખાતે ઓએનજીસી પ્લાન્ટમાં વહેલી સવારે આગ ફાટી નીકળી છે, સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.

આ અંગે એએનઆઈએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં દૂરથી વિસ્ફોટ થતો જોઈ શકાય છે. સ્થાનિકોએ સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનને જણાવ્યું કે વિસ્ફોટને લીધે એવું લાગ્યું કે જાણે ધરતીકંપ આવ્યો છે.

સુરતના કલેક્ટર ડૉ. ધવલ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "હજીરા ઓએનજીસી પ્લાન્ટ ખાતે આગની ઘટના નોંધાઈ છે. રાતે અઢી વાગ્યે હાઈડ્રો કાર્બનનું વૅપર ક્લાઉડ બન્યું હોવાનું ધ્યાને આવ્યું હતું અને 3:05 વાગ્યે ત્રણ વિસ્ફોટ થયા હતા."

"ઓએનજીસી, એસએમસી, હજીરાની આસપાસના ઉદ્યોગનોના ફાયર-ટૅન્ડરો અને ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. પોલીસ, મામલતદાર, સીઆઈએસએફના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. હાલ સુધી જાનહાનિનો કોઈ રિપોર્ટ નથી."

"ગૅસને ડિપ્રૅસરાઇઝ્ડ કરવાની કામગીરી ઓએનજીસી દ્વારા કરાઈ રહી છે. આગ હાલમાં પ્લાન્ટના સીમાક્ષેત્રમાં જ મર્યાદિત છે એટલે પ્લાન્ટની બહાર કોઈ અસર નથી."

ઇમેજ સ્રોત, Dharmesh Amin

સુરતના અડાજણ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ઇશ્વર પટેલે બીબીસીને જણાવ્યું, "ઓએનજીસીની મુંબઈથી હજીરા આવતી પાઇપ લાઇનમાં આગ લાગી હતી."

"આગ હવે કાબૂમાં આવી ગઈ છે પણ પાઇપ લાઇનમાં લીકેજને કારણે થોડી આગ હજુ નીકળી રહી છે અને જ્યાં સુધી લીકેજ બંધ નહીં કરાય ત્યાં સુધી એ આગ ચાલુ રહેશે."

"આગની આ ઘટનામાં ઓએનજીસીના બે કર્મચારીઓ અને એક સિક્યૉરિટી કર્મચારી મિસિંગ છે જેમની શોધ ચાલી રહી છે."

"આગ ઓલવવાની કામગીરીમાં સુરત ફાયર વિભાગના વેસુ, અડાજણ અને પાલનપુર ફાયર-સ્ટેશનની પાંચ ફાયર ટીમો જોડાઈ હતી અને સાથે ઓએનજીસીના આઠથી દસ ફાયર ફાઇટરો પણ કામગીરીમાં જોડાયા હતા."

સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જે. પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "હાલ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને આગને મોટા ભાગે કાબૂ કરી લેવાઈ છે."

"શરૂઆતના તબક્કે ઓએનજીસીના પોતાના કુલિંગ પ્લાન્ટ અને આજુબાજુની કંપનીઓનાં ફાયર વાહન પણ તુરંત ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાના કામમાં લાગ્યાં હતાં."

"પાઇપલાઇનમાં લીકેજને કારણે બ્લાસ્ટથી આ આગ લાગી હતી. હાલ લીકેજને અટકાવવાની કામગીરી ચાલી રહી છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો