બાબરી મસ્જિદ કેસ પહેલાં જ્યારે-જ્યારે CBIની તપાસ પર સવાલો થયા

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
વિવાદિત બાબરી મસ્જિદ

ઇમેજ સ્રોત, DOUGLAS E. CURRAN/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

વિવાદિત બાબરી મસ્જિદ

બાબરી મસ્જિદના વિધ્વંસના મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. આ ચુકાદો આવતાં કેટલાક તેની તરફેણ કરી રહ્યા છે, તો કેટલાક આ ચુકાદાને અન્યાય સમાન ગણાવ્યો છે.

તો અગાઉ પણ દેશમાં કેટલીક ઘટનાઓ, હત્યાકાંડ મામલે તપાસ કરતી એજન્સી સીબીઆઈ માટે અનેક સવાલ કરવામાં આવ્યા છે.

હાલમાં બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુકેસની તપાસ પણ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપી દેવામાં આવી છે.

જોકે સમયાંતરે સીબીઆઈના તપાસ પર સવાલ ઊઠે છે. એક વખતે સીબીઆઈને 'પાંજરામાં બંધ પોપટ' પણ કહેવાઈ હતી, સમયસમયે કેન્દ્ર સરકારોઓ પોતપોતાના હરીફો સામે સીબીઆઈનો ઉપયોગ કર્યાના આક્ષેપો પણ થયા છે.

તો જાણીએ દેશના એવા વિવાદિત કેસ જેમાં સીબીઆઈની તપાસ માટે આંગળી ચીંધવામાં આવી હોય અથવા તો શંકા વ્યક્ત કરવામાં આવી હોય.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ

બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.

આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 32 દોષીઓ હતાં.

ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ ચુકાદાનું સ્વાગત કરીને ટ્વીટ કર્યું, "સીબીઆઈની વિશેષ અદાલત દ્વારા વિવાદાસ્પદ ઢાંચાના વિધ્વંસ મામલે આરોપિત તમામ દોષિતોને સસન્માન નિર્દોષ જાહેર કરવાના નિર્ણયનું રાષ્ટ્રીય સ્વયંસેકવ સંઘ સ્વાગત કરે છે."

બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે ચુકાદો આવ્યા બાદ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અને સાંસદ અસદઉદ્દીન ઔવેસીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ ઇતિહાસનો એક કાળો દિવસ છે અને ગુનેગારોને ક્લિનચીટ આપવામાં આવી રહી છે.

તો કૉંગ્રેસના રણદીપસિંહ સુરજેવાલાએ ભાજપ અને આરએસએસ પર ભાગલાવાદી રાજનીતિ કરવાનો અને સત્તા માટે દેશની એકતાને ખંડિત કરવાનો આરોપ મૂક્યો.

આ મામલો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઈ રહ્યો છે. અયોધ્યાની વિવાદિત જમીનના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાંની કેટલીક બાબતો અને સીબીઆઈના ચુકાદામાં વિસંગતી હોવાનો પણ આક્ષેપ થયો છે.

સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસ

ઇમેજ કૅપ્શન,

સોહરાબુદ્દીન શેખનો મામલો પણ દેશભરમાં ચર્ચાનું કારણ બન્યો હતો

સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ અને કૌસરબીની કથિત હત્યાનો મામલો પણ દેશભરમાં ચર્ચાનું કારણ બન્યો હતો.

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ ઍન્કાઉન્ટર તથા કૌસરબીની કથિત હત્યાના તમામ 22 આરોપીઓને મુક્ત કરી દીધા હતા.

કોર્ટે ચુકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ અને કથિત ગુના વચ્ચેના સંબંધને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.

સીબીઆઈના સ્પેશિયલ જજ એસ. જે. શર્માએ કહ્યું, "હું માર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારો માટે દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હું લાચાર છું. કોર્ટ પુરાવાના આધારે ચુકાદો આપે છે. દુર્ભાગ્યપણે આ કેસમાં પૂરતા પુરાવા નથી."

મુંબઈમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે જે સાક્ષીઓ અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા તે કોઈ કાવતરા કે હત્યાને સાબિત કરવા માટે પૂરતા નથી.

આ કેસમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનના હાલના અને નિવૃત્ત પોલીસ અધિકારી પર હત્યા, કાવતરું ઘડવા અને અન્ય આરોપો હતા.

આ કેસમાં કુલ 38 લોકો પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહ, ઉચ્ચ પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ થતો હતો.

2014થી 2017ની વચ્ચે કુલ 16 લોકો અને પછી 22 લોકો એટલે કે તમામ 38 લોકો આ કેસમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આ કેસની ટ્રાયલ 2007માં શરૂ થઈ હતી, કુલ 210 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી જેમાં 92 સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હતા.

2014માં અમિત શાહ અને રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા સહિત ગુજરાત અને રાજસ્થાનના સિનિયર આઈપીએસ અધિકારીઓ મળીને કુલ 15 વ્યકિતઓને મુંબઈ સીબીઆઈ કોર્ટે પુરાવાના અભાવે કેસમાંથી હઠાવી દીધા હતા.

2005ના નવેમ્બર મહિનામાં સોહરાબુદ્દીન શેખ, તેમનાં પત્ની કૌસરબી અને તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યાં હતાં.

આ દરમિયાન ગુજરાત ઍન્ટિ-ટૅરરિઝમ સ્કવૉડે તેમની બસ રોકી અને તેમને અમદાવાદ બહાર દિશા નામના એક ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યાં.

ત્રણ દિવસ બાદ મતલબ કે 26 નવેમ્બર 2005ના રોજ એક કથિત ઍન્કાઉન્ટરમાં સોહરાબુદ્દીનની હત્યા કરી દેવામાં આવી. કૌસરબીની પણ હત્યા કરી દેવામાં આવી.

દિલ્હીનો આરુષિ હત્યાકેસ

ઇમેજ સ્રોત, FIZA

ઇમેજ કૅપ્શન,

16 મેના રોજ આરુષિ પોતાના રૂમમાં મૃત મળી હતી

દેશમાં આરુષિ હત્યાકાંડ પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.

દિલ્હી પાસેના નોઇડામાં રહેતી દંત ચિકિત્સક રાજેશ તલવારની 14 વર્ષીય પુત્રી આરુષિ તલવાર અને નોકર હેમરાજની 15-16 મે, 2008ની રાતે નોઇડામાં ઘરે જ હત્યા કરી દેવાઈ હતી.

16 મેના રોજ આરુષિ પોતાના રૂમમાં મૃત મળ્યાં હતાં. ધારદાર હથિયારથી તેમની હત્યા કરાઈ હતી. એક દિવસ બાદ નોકર હેમરાજનો મૃતદેહ રાજેશ તલવારના પડોશીની છતથી મળ્યો હતો.

નૂપુર તલવાર અને તેમના પતિ રાજેશ તલવાર પર પોતાનાં પુત્રી અને નોકર હેમરાજની હત્યાના આરોપ લાગ્યા હતા.

આ કેસની તપાસ કરતી સીબીઆઈએ જૂન 2008માં એફઆરઆઈ નોંધી હતી અને સીબીઆઈએ રાજેશ તલવારની પૂછપરછ કરી હતી.

26 નવેમ્બર, 2013માં સીબીઆઈની અદાલતે તલવાર દંપતીને દોષી ઠેરવ્યું હતું. જોકે તલવાર દંપતી બધા આરોપથી ઇન્કાર કરતું હતું.

સીબીઆઈ કોર્ટના નિર્ણય સામે તલવાર દંપતીએ અરજી કરી હતી અને તેને મંજૂર કરીને અલાહાબાદ હાઈકોર્ટે તેમને આરુષિ હત્યાકાંડમાંથી મુક્ત કરી દીધાં હતાં.

એનડીટીવીના એક અહેવાલ અનુસાર, હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આરોપી રાજેશ તલવાર અને નૂપુર તલવારને શંકાનો લાભ મળવો જોઈએ, કેમ કે નીચલી કોર્ટનો નિર્ણય ઠોસ સબૂતોને આધારે નહીં, પણ પરિસ્થિતિથી ઉપજેલા સબૂતોને આધારે લેવાયો હતો.

આરુષિ મામલે પત્રકાર અવિરુક સેને આરુષિ નામનું એક પુસ્તક લખ્યું હતું અને તેમાં અવિરુકે સીબીઆઈની તપાસપ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા.

પુસ્તક અનુસાર, સીબીઆઈએ ઘટનાસ્થળ પરથી જે નમૂના એકઠા કર્યા હતા અને પ્રયોગશાળામાં મોકલ્યા હતા, તેની સાથે કથિત રીતે ચેડાં કર્યાં હતાં.

આ મામલે નિર્ણય આવતા અંદાજે નવ વર્ષ લાગ્યાં હતાં, તમામ સબૂત એકઠા કરાયા હતા અને અનેકની પૂછપરછ પણ કરાઈ હતી.

2જી સ્પેક્ટ્રમ કૌભાંડ

ઇમેજ સ્રોત, Getty Images

સીબીઆઈની તપાસ સામે કરવામાં આવેલા સવાલોમાં એક કેસ 2જી સ્પેક્ટ્રમ કૌભાંડનો પણ સામેલ છે.દિલ્હીની એક કોર્ટે 2-જી કૌભાંડ મામલે તમામ આરોપીને છોડી મૂક્યા હતા.

આ 17 આરોપીઓ પર 14 વ્યક્તિઓ અને ત્રણ કંપની (રિલાયન્સ ટેલિકૉમ, સ્વાન ટેલિકૉમ, યુનિટેક) પણ સામેલ હતી.

સીબીઆઈના વિશેષ જજ ઓ. પી. સૈનીએ 700 પાનાંના પોતાના આદેશમાં આરોપીઓ સામે છેતરપિંડી, લાંચ લેવાનો અને પુરાવા સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો હતો, જે કોર્ટ સામે ટકી શક્યો નહોતો.

કૅગના રિપોર્ટમાં વર્ષ 2008માં સ્પેક્ટ્રમ ફાળવણી મામલે સવાલ કરવામાં આવ્યા હતા અને બાદમાં આ 2-જી કૌભાંડ સામે આવ્યું હતું.

આ મામલે નિર્ણય આવ્યા બાદ સીબીઆઈની તપાસને લઈને ઘણા સવાલ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈની ઢીલી નીતિ સામે સવાલ

ઇમેજ સ્રોત, MANJUNATH KIRAN via getty images

તો દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી નજીબ અહમદ મામલો પણ ચર્ચામાં આવ્યો હતો.

નજીબ 15 ઑક્ટોબર, 2016માં રહસ્યમય રીતે ગૂમ થયા હતા. આ કેસની તપાસ પણ સીબીઆઈ કરી રહી છે. જોકે હજુ સુધી સીબીઆઈને આમાં કોઈ સફળતા મળી નથી.

રૉબર્ટ વાડ્રાની કંપની સ્કાઈ લાઇટ હૉસ્પિટાલિટીને હરિયાણાના માનેસરમાં અપાયેલી જમીન ફાળવણીનો મામલો પણ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.

જોકે તેની તપાસ ધીમી ચાલી રહી છે અને તેમાં હજુ કંઈ ખાસ સામે આવ્યું નથી.

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2013માં બહુચર્ચિત શારદા ચીટફંડ મામલે પણ અંદાજે 200 લોકો સામે આરોપ લાગ્યા હતા.

તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મુખ્ય નેતાઓ સહિત મૂડીવાડીઓનાં નામ સામે આવ્યાં હતાં. આ રોકાણકારો સાથે છેતરપિંડીનો મામલો હતો.

આ મામલે સીબીઆઈએ આરોપનામું પણ દાખલ કર્યું છે, જોકે જેમના પર આરોપ લાગ્યા છે, તેમની સામે કેટલા નક્કર પુરાવા મળ્યા છે, એ સામે આવ્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો