ગુજરાતમાં દારૂબંધી: ઢોંગ, ગાંધીમૂલ્ય કે પોલીસ-નેતાઓનું કરપ્શન?

  • દિપલકુમાર શાહ
  • બીબીસી સંવાદદાતા
વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

વિજય રૂપાણી

ગુજરાતમાં લાંબા સમયથી એક પ્રશ્ન હંમેશાં વિવાદિત રહ્યો છે. એ પ્રશ્ન છે – શું ગુજરાતમાંથી દારૂબંધી હઠવી જોઈએ કે નહીં?

1960માં ગુજરાતની રચના થઈ ત્યારથી જ ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલી છે. જોકે બૉમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્ય બન્યાં હતાં પણ મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી અને ગુજરાતમાં શરૂઆતથી જ છે.

વળી, ચૂંટણીના સમયે અને રાજકીય ગતિવિધિઓના માહોલમાં ગુજરાતમાં ક્યારેક-ક્યારેક દારૂબંધી (પ્રોહિબિશન)નો મુદ્દો જાહેર ચર્ચામાં આવી જતો હોય છે.

ગુજરાતના ઇતિહાસમાં ખાસ કરીને રાજકીય ઇતિહાસમાં રાજ્યમાંથી સંપૂર્ણ દારૂબંધી હઠાવી લેવા મામલે કોઈ પણ રાજકીય પક્ષે સ્પષ્ટ અને કટિબદ્ધ વલણ નથી દર્શાવ્યું એ દર્શાવે છે કે આ પ્રશ્ન કેટલો જટિલ અને વિવાદિત હોઈ શકે છે.

તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હઠાવવા મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ભાજપ-કૉંગ્રેસ બંનેને દારૂબંધી હઠાવવામાં રસ નથી, કેમ કે બંનેને લાભ થઈ રહ્યો છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી ઢોંગ છે અને તેને હઠાવી લેવી જોઈએ.

બીજી તરફ સત્તારૂઢ ભાજપ કહેતો આવ્યો છે કે ગુજરાતની પ્રગતિ-શાંતિ-સુરક્ષામાં દારૂબંધીનું પરિબળ મહત્ત્વનું રહ્યું છે. પરંતુ રાજ્યના જ કેટલાક નાગરિકો સોશિયલ મીડિયા મારફતે દારૂબંધી હઠાવવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે. તેમનું માનવું છે કે પ્રોહિબિશનને કારણે ભ્રષ્ટાચારને વેગ મળે છે અને ગુજરાતીઓ સાથે અન્ય રાજ્યોના લોકોની સરખામણીએ ભેદભાવ થઈ રહ્યો છે.

દારૂબંધી એક જટિલ મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images

આ મુદ્દો કેટલો જટિલ છે એ એના પરથી સમજી શકાય છે કે કેટલાક રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે એક સમયે લોકો ગુજરાતમાં દારૂબંધી રાખવી કે હઠાવવી તેના માટે જનમતસંગ્રહ (રૅફરેન્ડમ) થવો જોઈએ એવી પણ ચર્ચાઓ કરતા થઈ ગયા હતા.

પરંતુ ગુજરાતના પ્રોહિબિશન ઍક્ટના અમલ મામલે પોલીસની ભૂમિકાઓ પર પણ સવાલો ઊઠતા રહ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી (પ્રોહિબિશન)ના મુદ્દા અને પોલીસની ભૂમિકા સહિતની બાબતો વિશે પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાંથી દારૂબંધી હઠાવવી જોઈએ.

અત્રે નોંધવું કે 2017માં રાહુલ શર્માએ ખુદ પોતાની પાર્ટી લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી અને તેમાં દારૂબંધી હઠાવવાનો મુદ્દો પણ સામેલ હતો.

તેમણે કહ્યું, “ગુજરાતમાં દારૂબંધી હઠાવવાથી સંબંધિત ભ્રષ્ટાચાર દૂર થશે અને ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ પણ ઘટી શકે છે. ખરેખર ક્રાઇમ રેટ (ગુનાના દર) વધવા માટે માત્ર દારૂના સેવનનું પરિબળ જવાબદાર નથી હોતું. તેની પાછળ અન્ય ઘણાં કારણો હોય છે.”

“વળી જો ક્રાઇમ અગેઇન્સ્ટ વિમેન (મહિલાઓ) સાથે થતાં ગુનાની વાત કરીએ, તો જે રાજ્યોમાં દારૂબંધી નથી તેવાં રાજ્યો ગુજરાત કરતાં સારી સ્થિતિમાં છે.”

જોકે, પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી જેઓ વડોદરા ખાતે પોલીસ ટ્રેનિંગ સ્કૂલના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે તેમનો મત આ મામલે થોડો અલગ છે.

તેમનું કહેવું છે કે કાયદાના અમલ કે વહીવટી બાબતોમાં કોઈ સમસ્યા હોય તો તેનો ઉપચાર અને નિવારણ કરવું જોઈએ. નહીં કે તેને રદ કરી દેવો.

દારૂબંધીની કેટલી જરૂર છે?

ઇમેજ સ્રોત, ISTOCK

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ભૂતપૂર્વ ‘ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ’ રૅન્ક પર સેવા આપી ચૂકેલા રમેશ સવાણી કહે છે, “શું હત્યા થાય તો એનો અર્થ એવો કે આઈપીસીની કલમ 302 હઠાવી લેવી જોઈએ? જમીન સુધારણા સહિતના કાયદાઓમાં ઉલ્લંઘન થતા જોવા મળે છે. પણ જરૂર છે સમસ્યાના ઉપચારની અને નિવારણ કરવાની.”

દારૂબંધી મામલેના ભ્રષ્ટાચાર મામલે પોલીસની ભૂમિકા પર ઊઠતાં સવાલો વિશે રમેશ સવાણી કહે છે, “કેટલાક પોલીસકર્મી-રાજકારણીઓ વચ્ચેના મેળાપીપણા અને સ્થાપિત હિતોના દૂષણને લીધે સિસ્ટમ બદનામ થાય છે. ખરેખર નેશનલ પોલીસ કમિશનની ભલામણો રાજ્યએ લાગુ કરવી જોઈએ. સ્થિતિ એવી થઈ ગઈ છે કે પોલીસકર્મી ફોર્સમાં દાખલ થાય ત્યારે જ તેની માનસિકતા ફ્યૂડલ થઈ ગયેલી હોય છે.”

“અકાદમીમાં અધિકારીઓને સજારૂપે પોસ્ટિંગ મળતા હોય છે આથી નવા કૅડેટ્સમાં લોકતાંત્રિક મૂલ્યો સીંચવાની પાયાની બાબત ત્યાં જ ખોટકાઈ જતી હોય છે.”

સત્તાના દુરુપયોગ અને નકારાત્મક ભૂમિકા વિશે વધુ પ્રકાશ પાડતા નિવૃત્ત પોલીસ અધિકારી રમેશ સવાણી કહે છે કે પોલીસ રાજકારણીઓનો હાથો બનીને રહી જતી હોય છે.

“રાજ્યમાં સ્ટેટ પોલીસ કમ્પલેઇન ઑથૉરિટી છે. પણ મને નથી ખ્યાલ કે એજન્સીએ કેટલા સામે કેસ ચલાવ્યા અને કેટલાને સજા કરી. તો પછી આવી સંસ્થા રાખવાનો અર્થ શું છે? ખરેખર સંસ્થાને સત્તાઓ આપવી જોઈએ. મારી સર્વિસમાં મેં તો નથી જોયું કે કોઈ પોલીસકર્મી પીધેલી હાલતમાં કે અન્ય પ્રોહિબિશન સંબંધિત મામલામાં પકડાયો હોય તો તેની સામે કેસ થયો હોય.”

તદુપરાંત તેમનું એવું પણ કહેવું છે કે પોલીસકર્મીઓ માટે પૂરતા (હાઉસિંગ) નથી હોતા. તેમની કૉલોની સ્લમ જેવી સ્થિતિમાં હોય છે. ફોર્સના સંખ્યાબળને પહોંચી વળાય એટલાં મકાનો જ નથી.

તેમણે ઉમેર્યું, “પૂરતા પગાર નથી મળતા. ફિક્સ પગાર પર કામ કરવું પડે છે. અને તાલીમમાં પણ કથળેલી પદ્ધતિને લીધે વ્યક્તિની માનસિકતા જ બદલાઈ જાય છે.”

ગુજરાતમાં ક્યારે કેટલો દારૂ પકડાયો?

દરમિયાન ગુજરાતમાં લિકર કન્ઝમ્પશન (દારૂના સેવનનું પ્રમાણ)ની વાત કરીએ તો ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે આર.ટી.આઈ. (રાઇટ ટુ ઇન્ફર્મેશન)ની એક અરજીના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં 2011-12થી 2017-18 દરમિયાન કુલ 3.85 લાખ લિટર દારૂ વેચાયો હતો, જેમાંથી 3.65 લાખ લિટર દારૂ પરવાનાધારકોને વેચવામાં આવ્યો હતો.

આ પરવાનાધારકોમાંથી માત્ર 52,000 પરમિટધારકો ગુજરાતી છે, જ્યારે 3.13 લાખ પરવાનગીઓ ગુજરાતથી બહાર આવેલા પ્રવાસીઓ તેમજ બિઝનેસ ડેલિગેટ્સને આપવામાં આવી હતી.

પરવાનાની દુકાનમાંથી થતા દારૂના વેચાણમાં સુરત સૌથી આગળ છે જ્યારે તેના પછીના ક્રમે અમદાવાદ, વડોદરા અને કચ્છ આવે છે.

લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં ‘પરમિટ લિકર શૉપ’ બહાર લોકોની લાંબી લાઈનો પણ તેની સાક્ષી છે.

જોકે, બીજી તરફ ગુજરાતમાં કૅમિકલયુક્ત શરાબના લીધે પણ ગંભીર ઘટનાઓ બની ચૂકી છે.

વર્ષ 2009 દરમિયાન અમદાવાદમાં ઘટેલી લઠ્ઠાકાંડની ઘટનામાં 136 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ગુજરાતની વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, વર્ષ 2012થી 2014 દરમિયાન ગેરકાયદે દારૂએ રાજ્યમાં 177 લોકોનો ભોગ લીધો હતો.

દારૂબંધી અંગે “બિઝનેસ સ્ટાન્ડર્ડ’ એક લેખમાં સાહિલ પારેખ લખે છે, "દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં સરળતાથી દારૂ મળી રહે છે. પડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવે છે અને પરિવહન, જકાત, પોલીસ અને સરકારી અધિકારીઓનાં ખિસ્સાં ભ્રષ્ટાચારથી ભરી દેવામાં આવે છે. વર્ષ 1999થી 2009 દરમિયાન ગુજરાતમાં દારૂના લગભગ 80 હજાર કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર 9 ટકામાં જ સજા કરી શકાઈ હતી.

'ગાંધીનાં મૂલ્યો સાથે સમાધાન નહીં '

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ગુજરાતમાં દારૂબંધીને લીધે તેની પ્રગતિ થઈ છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રિયલ પીસ (ઉદ્યોગો માટે સુરક્ષિત માહોલ) અને ઉદ્યોગોની પ્રગતિમાં પણ દારૂબંધીનું વિશેષ મહત્ત્વ છે.”

તેમણે વધુમાં કહ્યું,“ગુજરાત મહાત્માની જન્મભૂમિ છે. આ ગાંધીનું ગુજરાત છે. આર્થિક ફાયદાઓની સામે ગાંધીજીનાં મૂલ્યો સાથે સમાધાન ન કરી શકાય.”

ગુજરાતમાં દારૂબંધી હઠાવવા વિશેની માગ મામલે તેમણે વધુમાં કહ્યું કે જેટલા લોકો માગ કરે છે કે દારૂબંધી હઠવી જોઈએ તેના કરતાં વધુ લોકો દારૂબંધી ન હઠવી જોઈએ તેના સમર્થનમાં છે.

પણ બીજી તરફે પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસીને જણાવ્યું, “કોરોનાના લીધે ઘણા લોકોએ રોજગાર અને કામધંધા ગુમાવ્યા છે. મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઉપરાંત લોકો કૅમિકલયુક્ત બનાવટી દારૂના સેવનથી મૃત્યુ પામે છે. હું કેટલાક સમાજની વિધવા બહેનોને મળ્યો, તેમણે મને કહ્યું કે તેમના પતિ ઝેરી શરાબના લીધે મૃત્યુ પામ્યા.”

“મારી સરકાર હતી ત્યારે મેં પ્રયાસ કર્યો હતો પરંતુ એ સમયે દારૂબંધી હઠાવવામાં સફળતા નહોતી મળી. આથી ફરી પ્રયાસ કર્યો છે. હું પોતે દારૂનું સેવન નથી કરતો પણ જો ગુજરાતના લોકોને સેવન કરવું છે તો તેમને સારી ગુણવત્તાની શરાબ મળી રહે અને દારૂબંધીની આડમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ થાય એ માટે કોશિશ કરવી જોઈએ.”

“ગુજરાતમાં જ્યાં જાવ ત્યાં દારૂ મળે છે. લોકો પીવે છે. તો પછી તે સારી ક્વૉલિટીનો પીવે તે જરૂરી છે. મેં દારૂબંધી મામલે એક ન્યૂ સાયન્ટિફિક પૉલિસી પણ તૈયાર કરી છે. સત્તામાં આવ્યાના 100 દિવસમાં જ તે લાગુ કરીશું.”

“ગુજરાતને આલ્કોહોલના વેચાણની રેવન્યૂથી ઘણો લાભ થશે. તેનાથી આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે ખૂબ જ સારી રીતે લાભદાયી યોજના બનાવી શકાશે.”

દારૂબંધી દૂર કરવાથી શું ફાયદો થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images

વડોદરાના રાજીવ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી ‘પ્રોહિબિશન ફ્રી ગુજરાત’ નામનું અભિયાન ચલાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઘરમાં દારૂનું સેવન કરવું એ રાઇટ ટુ પ્રાઇવસીની બાબત છે. એટલે એ અધિકાર હોવો જોઈએ.

તેમના જૂથે હાઈકોર્ટમાં આ મામલે પિટિશન પણ દાખલ કરેલ છે. તેમનું કહેવું છે કે દારૂબંધી ગુજરાતમાં નામ માત્રની છે. ખરેખર બહારના લોકોને પરમિટ આપીને ગુજરાતના લોકો સાથે ભેદભાવ કરાય છે.

તેમણે કહ્યું, “હું છેલ્લાં ઘણાં વર્ષથી આ અભિયાન ચલાવું છું. ગુજરાતને દર વર્ષે હજારો કરોડનું નુકસાન થાય છે. વળી સાથેસાથે દારૂબંધી ભ્રષ્ટાચાર પણ વધારી રહી છે. એટલે એક સારી નીતિ બનાવવાની જરૂર છે. તેનાથી રાજ્યને વર્ષે 1 લાખ કરોડની આવક થઈ શકે છે.”

ગાંધીજીના પુત્ર હરિલાલનાં દોહિત્રી નીલમ પરીખે બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાતમા દારૂબંધી વિશે સ્પષ્ટ મત વ્યક્ત કરી કહ્યું કે ગુજરાતમાંથી દારૂબંધી ન હઠવી જોઈએ.

તેમણે કહ્યુ, “ગુજરાતનું પોતાનું અલગ વ્યક્તિત્વ હોવું જોઈએ. રાજ્ય અને લોકો બંનેએ પોતપોતાની રીતે વિચારીને આ મામલે નક્કી કરવું જોઈએ. ખરેખર તો આખા દેશમાં દારૂબંધી હોવી જોઈએ.”

દારૂબંધીની આવક મુદ્દે થતી દલીલો વિશેના જવાબમાં તેમણે કહ્યું કે ”ગુજરાતે આ મામલે અન્ય રાજ્યોની સાથે સરખામણી ન કરવી જોઈએ”

વધુમાં તેમણે ઉમેર્યું, “ગુજરાત બાપુની જન્મભૂમિ છે. એટલે ગુજરાતે તો તેમના સિંદ્ધાતો-સંદેશાઓનું પાલન કરવું જ જોઈએ. જો (ગુજરાતના) મહાત્માની વાત ગુજરાત જ નહીં માને તો, દેશના અન્ય લોકો કેવી રીતે માનશે?”

બાપુની કટિબદ્ધતાના ગુણની વાત કરતા તેમણે કહ્યું, “બાપુ ઇંગ્લૅન્ડ ગયા ત્યારે કોર્ટમાં પાઘડી ન પહેરવા કહેવાયું. પણ તેમણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આમ તેઓ પોતાની વાત પર અડગ રહ્યા હતા. ખરેખર સત્ય-નીતિ સાથે બાંધછોડ ન કરવી જોઈએ.”

સુરતના સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝના ઑફિશિયેટિંગ ડાયરેક્ટર ડૉ. કિરણ દેસાઈના મતે દારૂબંધી ઘણો જટિલ મુદ્દો છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ગુજરાતમાં દારૂબંધી હઠાવી દેવી જોઈએ, કેમ કે નૈતિકતાનાં ધારાધોરણો ખરેખર સામાજિકીકરણ દ્વારા સમાજમાં સ્થાપિત થવા જોઈએ. રાજ્યે બધી બાબતોમાં દખલ ન કરવી જોઈએ.”

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ગાંધીની જીવનશૈલીના અનુકરણની બાબત લોકો પર છોડવી જોઈએ. વ્યક્તિ સ્વંય નક્કી કરે કે તેણે શું ખાવું-પીવું જોઈએ.

ગુજરાતમાં રૂપાણી સરકારે દારૂબંધી મામલે કડક કાયદો બનાવેલો છે. જેમાં દારૂના વેચાણ, સેવન, વહન અને ઉત્પાદન મામલે દસ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.

ગુજરાતમાં ભવિષ્યમાં દારૂબંધી હઠશે કે નહીં એ બાબતે કેટલાક વિશ્લેષકોનું એવું પણ કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેમણે ખુદ આવું ન કર્યું એ બાબત જ દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધી હઠી શકે કે નહીં એ મુદ્દો કેટલો પડકારરૂપ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો