KKR vs RR : કોલકાતાના બૉલર્સની 'કમાલ' સામે રાજસ્થાનના ખતરનાક બૅટ્સમૅન ધ્વસ્ત

  • તુષાર ત્રિવેદી
  • વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
માવી

ઇમેજ સ્રોત, Bcci/ipl

હજી બે દિવસ અગાઉ લગભગ હારની બાજીને જીતમાં ફેરવી નાખનારી ટીમ રાજસ્થાન રૉયલ્સની સજુ સેમસન અને રાહુલ તિવેટીયા સહિતની બેટિંગ લાઇનઅપ બુધવારે ખેરવાઈ ગઈ.

રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રૉયલ્સે જે ચમકાટ દાખવ્યો હતો તે રાતોરાત ગાયબ થઈ ગયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સના યુવાન બૉલર્સે આ વખતે કમાલ કરી હતી.

શિવમ માવી અને કમલેશ નાગરકોટી પણ અંડર-19 વર્લ્ડકપ જીતેલી ભારતીય ટીમના જ સદસ્યો છે, જેમણે રાહુલ દ્રવિડના કોચિંગમાં શાનદાર બૉલિંગ દ્વારા દેશને સફળતા અપાવી હતી.

હવે આ જ બૉલર કોલકાતા નાઇટ રાઇડર્સ મારફતે આઈપીએલમાં કમાલ કરી રહ્યા છે.

બુધવારે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં છ વિકેટે 174 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

રાજસ્થાને જે રીતે રવિવારે બેટિંગ કરી હતી તે જોતાં આ સ્કોર તેઓ આસાનીથી વટાવી શકશે તેમ લાગતું હતું પરંતુ અંતે તેઓ 20 ઓવરમાં નવ વિકેટે 137 રન જ કરી શક્યા હતા.

આમ કોલકાતા નાઇટ રાઇડર્સનો 37 રનના પ્રભાવશાળી માર્જીનથી વિજય થયો હતો.

માવી અને નાગરકોટીની વેધક બૉલિંગ

ઇમેજ સ્રોત, Bcci/ipl

રાજસ્થાનના આવા કંગાળ પ્રદર્શન માટે તેના બૅટ્સમૅનની ભૂલો કરતાં શિવમ માવી અને કમલેશ નાગરકોટીની વેધક બૉલિંગ જવાબદાર હતી.

શિવમ માવીએ જોઝ બટલર અને સંજુ સેમસન જેવા બે ખતરનાક બૅટ્સમૅનને આઉટ કરી દીધા હતા તો બીજી તરફ નાગરકોટીએ રોબીન ઉથપ્પા અને રિયાન પરાગને આઉટ કરીને રૉયલ્સના મિડલ ઑર્ડરનો પ્રતિકાર ખતમ કરી નાખ્યો હતો.

સૌથી મોંઘા ક્રિકેટર પેટ કમિન્સે પ્રારંભમાં જ સ્ટીવ સ્મિથની વિકેટ લઈને રાજસ્થાનના ગઢમાં ગાબડું પાડ્યું હતું. સ્મિથ ત્રણ અને સંજુ સેમસન આઠ રન જ કરી શક્યા હતા.

પંજાબ સામેની મૅચમાં અશક્યને શક્ય કરી દેખાડનારા રાહુલ તિવેટીયા પાસેથી બુધવારે પણ એવી જ બેટિંગની અપેક્ષા રખાતી હતી પરંતુ એ દિવસે સાત સિક્સર ફટકારનારા આ ખેલાડી બુધવારે માત્ર એક સિક્સર સાથે 14 રન કરી શક્યા હતા.

ઇંગ્લૅન્ડના ટોમ કરને થોડી લડત આપી હતી પરંતુ તે સિવાય સમગ્ર ઇનિંગ્સ દરમિયાન રાજસ્થાન રૉયલ્સ મૅચ જીતવાની તો ઠીક લડત આપવાની સ્થિતિમાં પણ ન હતું.

ટોમ કરને છેક સુધી ટકીને પરાજયનું માર્જીન ઘટાડવાનો પ્રયાસ કરતી અડધી સદી ફટકારી હતી.

તેમણે 36 બૉલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા, જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો.

175નો લડાયક પડકાર

ઇમેજ સ્રોત, Bcci/IPL

આ સિઝનમાં અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે તેની ઇનિંગ્સમાં ખાસ ચમકારો દાખવ્યો ન હતો, પરંતુ ત્રણ ચાર બૅટ્સમૅનના સહિયારા પ્રયાસને કારણે ટીમ 175 રનનો લડાયક પડકાર આપવામાં સમર્થ રહી હતી.

કોલકાતા માટે ઓપનર શુભમન ગિલે શાનદાર બેટિંગ કરીને 34 બોલમાં 47 રન ફટકાર્યા, તો ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઇઓન મોર્ગને અંતિમ ઓવર્સમાં ઝડપી બેટિંગ કરીને 23 બૉલમાં અણનમ 34 રન ફટકાર્યા હતા.

તેમણે બે સિક્સર ફટકારી હતી. એક સમયે ટીમનો સ્કોર 150ની આસપાસ રહે એમ લાગતું હતું પરંતુ મોર્ગનની બેટિંગને કારણે તેઓ 175 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યા હતા.

આક્રમક બૅટસમૅન આન્દ્રે રસલે ત્રણ સિક્સર સાથે 34 રન ફટકાર્યા હતા.

એમ લાગતું હતું કે રસલ સેટ થઈ ગયા છે અને તે વધુ એક વાર ઝંઝાવાત સર્જવા સજ્જ છે.

તે જ સમયે અંકિત રાજપૂતના એક અત્યંત બહારના બૉલને કવર પર ફટકારવા જતાં તેઓ જયદેવ ઉનડકટના હાથમાં બાઉન્ડરી પર ઝડપાઈ ગયા હતા.

નીતિશ રાણાએ 22 રનનું યોગદાન આપ્યું હતું.

આર્ચરની બે મહત્ત્વની વિકેટ

રાજસ્થાન માટે જોફરા આર્ચરે પ્રભાવશાળી બૉલિંગ કરી હતી. તેમણે ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને શુભમન ગિલ અને કૅપ્ટન દિનેશ કાર્તિકની એમ બે મહત્ત્વની વિકેટ લીધી હતી.

બંને ટીમ હવે તેમની આગામી મૅચ ત્રીજી ઓક્ટોબરે રમશે. રાજસ્થાનનો મુકાબલો રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોર અને કોલકાતાનો મુકાબલો દિલ્હી કૅપિટલ્સ સામે થશે.

બીજી બેટિંગ કરનારી ટીમે વધારે સિક્સર ફટકારી છે

આ વખતે પ્રારંભથી જ રોમાંચક મૅચ રમાઈ રહી છે, એમાંથી બે મૅચ તો ટાઈમાં પરિણમી હતી.

એવામાં સંજુ સેમસન, રાહુલ તિવેટીયા, મયંક અગ્રવાલ, કેઇરોન પૉલાર્ડ અને ઈશાન કિશન જેવા બૅટ્સમૅન તો રન દોડવાનું પસંદ કરતાં જ નથી.

તેઓ રન દોડવાને બદલે માત્ર સિક્સર પર આધાર રાખે છે અને તેમાં જ તેમને સફળતા મળે છે. આમ થવાને કારણે આ વખતે ટુર્નામેન્ટનું આકર્ષણ પણ વધી ગયું છે.

બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાયેલી મૅચ સાથે કુલ 12 મૅચ રમાઈ ચૂકી છે અને તેમાં 178 સિક્સર જોવા મળી છે. તેમાંય બીજી બેટિંગ કરનારી ટીમ વધારે સિક્સર ફટકારતી જોવા મળી છે.

આ સિઝનની 12 મૅચમાં પહેલાં બેટિંગ કરનારી ટીમે 86 સિક્સર ફટકારી છે, જેની સરખામણીએ બીજી બેટિંગ કરનારી ટીમે 92 સિક્સર ફટકારી છે.

આ સિઝનમાં રાજસ્થાનના સંજુ સેમસન છવાઈ ગયા છે. તેઓ માત્ર બે જ મૅચમાં 16 સિક્સર ફટકારીને મોખરે છે તો મયંક અગ્રવાલે ત્રણ મેચમાં 11 સિક્સર ફટકારી છે અને ત્રીજા ક્રમે બે બૅટ્સમૅન છે.

લોકેશ રાહુલે ત્રણ ઇનિંગ્સમાં નવ અને ઈશાન કિશને એક જ ઇનિંગ્સમાં નવ સિક્સર ફટકારી છે.

આઈપીએલમાં આ વખતે ટોસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો ટ્રૅન્ડ છે.

કદાચ તમામ ટીમ બીજી બેટિંગ કરવાનું જ વિચારતી હશે અને તેથી જ બીજી બેટિંગ કરનારી ટીમો વધુ સિક્સરો ફટકારી રહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો