નવરાત્રીમાં ગરબાના આયોજનની પરવાનગી આપવી સંભવ નથી : નીતિન પટેલ - TOP NEWS

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
બુધવારે યોજાયેલી ગુજરાત સરકારની કૅબિનેટની બેઠક બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું, "ગુજરાત સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. સરકાર પોતે અધિકૃત રીતે કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન નહીં કરે."
ખાનગી ગરબા અંગે તેમણે કહ્યું, "ગરબાના સંચાલકોએ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી છે કે અમે ગરબાનું આયોજન નહીં કરીએ. ડૉક્ટરોનો આગ્રહ છે કે કોરોનાનું સંક્રમણને ધ્યાને લેતા રાજ્ય સરકારે મોટા ગરબાના આયોજનને મંજૂરી આપવી જોઈએ નહીં."
"એટલે ખાનગી પાર્ટીપ્લૉટ કે વ્યવસાયિક ગરબાને પરવાનગી આપવાની શક્યતા મને જણાતી નથી."
મહોલ્લા, શેરી અને સોસાયટીમાં યોજાતા ગરબા અંગે તેમણે કહ્યું, "મર્યાદિત સંખ્યામાં ધાર્મિક પ્રવૃતિને ધ્યાનમાં રાખી મહોલ્લા શેરી અને સોસાયટીમાં યોજાતાં ગરબાને કેવી રીતે મંજૂરી આપવી તેનો કોઈ નિર્ણય કર્યો નથી."
"ભારત સરકાર અનલૉક-5માં જે પ્રકારે છૂટછાટ આપે તે પ્રમાણે અમે પણ આગળ વિચારીશું."
આણંદ : 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારને મૃત્યુદંડ
એનડીટીવીના અહેવાલ અનુસાર આણંદની સ્પેશિયલ કોર્ટે ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર અને બાદમાં બાળકીની હત્યા કરનારને મૃત્યુદંડની સજા સંભળાવી છે.
આણંદની સ્પેશિયલ કોર્ટે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઑફેન્સ(પોસ્કો) ઍક્ટ હેઠળ સજા સંભળાવી હતી.
ત્રણ વર્ષ અગાઉ રાજુ દેવીપૂજકે કરેલા આ કૃત્યને કોર્ટે "રેરેસ્ટ ઑફ ધ રેર" કહ્યું હતું. કોર્ટે તેને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
ગુજરાતના પાડોશી જિલ્લામાં કોંગો ફીવરની ઍલર્ટ
ઇમેજ સ્રોત, Getty Images
વેધર ડૉટ કૉમના અહેવાલ અનુસાર ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કોંગો ફીવરને કારણે ઍલર્ટ જાહેર કરાઈ છે.
પાલઘરના ક્લેક્ટર ડૉ. માણેક ગુરસાલેએ કહ્યું, "અમે તમામ મીટના વેચાણકર્તાઓને સફાઈ અને આરોગ્યનાં જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. ગ્લવ્સ પહેરવા, બૂટ પહેરવા, જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરવો, માસ્ક, અને ગુજરાતની સરહદેથી મહારાષ્ટ્રમાં લાવવામાં આવતા જાનવરોની તપાસ કરવી જોઈએ."
જિલ્લાના સિવિલ સર્જન કંચન વનારેએ કહ્યું, "પાલઘરમાં હાલ કોંગો વાઇરસ ફેલાયો નથી પરંતુ પડોશી રાજ્ય ગુજરાતના સરહદી જિલ્લાના તલસારી તાલુકામાં ચેપીરોગ ફેલાયો હોવાના કારણે આ જાહેરાત કરવામાં આવી છે."
સરકારે જાહેર કરેલા પરિપત્રમાં લખ્યું છે, "જો તેની સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો એક તૃત્યાંશ જેટલા દર્દીનાં મૃત્યુ થઈ શકે છે, વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ અનુસાર 10થી 40 ટકા લોકો મૃત્યુ પામે છે. તેની વૅક્સિન હાલ સુધી શોધાઈ નથી."
અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટમાં 1168 કરોડ રૂપિયાની અનિયમિતતા ધ્યાને આવી
ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાની પબ્લિક સેક્ટર ઍન્ટર્પ્રાઇઝની કમિટીને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં 1168 કરોડ રૂપિયાની અનિયમિતતા જોવા મળી છે.
કમિટીનું સંચાલન ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી બાબુ બોખરિયા કરી રહ્યા છે, તેમણે આરોપીઓ પાસેથી પૈસાને પરત લેવા અને ખોટા ખર્ચ તથા અનિયમિતતા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવા કહ્યું છે.
પીએસઈ કમિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ સ્તરીય કમિટી ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપે તે પહેલાં મેગા (મેટ્રોલિંક ઍક્સપ્રેસ ગાંધીનગરથી અમદાવાદ) કંપની દ્વારા મોટી ખરીદી કરવાની અને વર્ક-ઑર્ડર આપવાની કામગીરી ખૂબ જ ઊંચા ભાવે કરવામાં આવી હતી.
“584 કરોડના 1868 વર્ક-ઑર્ડર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વિના સીધા જ ઊંચા ભાવે આપવામાં આવ્યા હતા. 201 કરોડનાં 672 કામ કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વિના અપાયા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રોજેક્ટને મંજૂરી આપે તે પહેલાં જ 383 કરોડના 1196 વર્ક-ઑર્ડરને મંજૂર કરી દેવામાં આવ્યા હતા.”
આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળ કામ કરતી મેગા કંપનીમાં મોટી નાણાંકીય અને બીજી અનિયમિતતા જોવા મળી છે. તેની તપાસ વિવિધ સ્તરે ચાલી રહી છે.
સુરતમાં બે મહિનામાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના એક લાખ લોકોએ નોકરી ગુમાવી
ઇમેજ સ્રોત, Getty Images
સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટમાં છેલ્લા બે મહિનામાં એક લાખ લોકોએ નોકરી ગુમાવી છે. ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશન અને દક્ષિણ ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સની ટેક્સ્ટાઇલ કમિટીએ કરેલા એક સર્વેમાં આ વિગત બહાર આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને દક્ષિણ ગુજરાત ચૅમ્બર ઑફ કૉમર્સની ટેક્સ્ટાઇલ કમિટીના ચૅરમેન દેવકિશન મંઘાની કહે છે, "સર્વેનો મુખ્ય ઉદ્દેશ માર્કેટની સ્થિતિને સમજવાનો હતો. એક લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી તે જાણીને ખૂબ દુખ થયું છે, અમને એ પણ જાણવા મળ્યું કે ટેસ્ક્ટાઇલ માર્કેટમાં ભાડે રહેલી 20 ટકા દુકાન લૉકડાઉન પછી પણ ખૂલી નથી."
માસિક ભાડું બચાવવા માટે 25 ટકા દુકાનમાલિકોએ એક માર્કેટમાંથી બીજા માર્કેટમાં પોતાની દુકાન બદલી છે.
વર્ષ 2019માં ઉત્તર પ્રદેશમાં મહિલાઓ અને દલિતો સામે સૌથી વધારે કેસ
ધ વાયર નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોને ટાંકીને લખે છે કે વર્ષ 2019 મહિલાઓ અને દલિતોની વિરુદ્ધમાં સૌથી વધારે કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે.
2019માં ભારતમાં મહિલાઓ વિરુદ્ધમાં હિંસાના કુલ ગુના 4,05,861 નોંધાયા છે, જેમાંથી 59,835 કેસ માત્ર ઉત્તર પ્રદેશમાં જ નોંધાયા છે. જે દેશની કુલ સંખ્યાના 14.7 ટકા છે. તે પછી બીજા ક્રમે રાજસ્થાન 41,550 કેસ, મહારાષ્ટ્રમાં 37144 કેસ નોધાયા છે.
વર્ષ 2019 દરમિયાન ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોની વિરુદ્ધમાં કુલ 45,935 કેસ નોંધાયા છે, જેમાં 11,829 કેસ એકલા ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. દેશના કુલ કેસની સરખામણીના 25.8 ટકા કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે, જે સૌથી વધારે છે.
દેશમાં અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારના ગુનામાં ગત વર્ષ 2019ની સરખામણીમાં સાત ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો