કૉંગો ફીવર : ગુજરાતમાંથી જેનો વૅરિયન્ટ મળ્યો એ કોરોનાથી 'વધુ ખતરનાક' રોગ શું છે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી

કૉંગો ફીવરનો 'એશિયન-પશ્ચિમી આફ્રિકન વૅરિયન્ટ' ભારતમાં પહેલવહેલી વખત કોઈ માણસના શરીરમાંથી મળી આવ્યો છે, આ વૅરિયન્ટ ગુજરાતના કૉંગો ફીવરના દરદીના શરીરમાંથી મળ્યો છે.

વર્ષ 2019માં ગુજરાતમાં કૉંગો ફીવરના 34 કેસ નોંધાયા હતા, તેનો અભ્યાસ કરતી વખતે આ વૅરિયન્ટ અંગે જાણ થઈ છે.

કોરોના વાઇરસના સંક્રમણ કરતાં કૉંગો ફીવર વધારે જીવલેણ હોવાનું તારણ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુજરાતમાં જિનોમ સિક્વન્સિંગ વખતે કૉંગો ફીવરનો એશિયન-પશ્ચિમી આફ્રિકન વૅરિયન્ટ મળી આવ્યો છે.

2019માં ગુજરાતમાં કૉંગો ફીવરના નોંધાયેલા 34 કેસો પૈકી 17 દરદીઓનાં મૃત્યુ થયાં હતાં, એટલે એ વખતે આ રોગથી મૃત્યુનું જોખમ 50 ટકા જેટલું નોંધાયું હતું.

જોકે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પ્રમાણે કૉંગો ફીવરમાં મૃત્યુદર 30 ટકા જેટલો હોય છે અને બીમારીના બીજા સપ્તાહ દરમિયાન મૃત્યુની સંભાવના વધુ રહેલી હોય છે.

સપ્ટેમ્બર 2020માં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ વણસી રહી હતી, એ વખતે ગુજરાત અને તેના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પર પાલઘર પાસે વસેલાં ગામોમાં કૉંગો ફીવરની દહેશતને કારણે ઍલર્ટ જારી કરાઈ હતી.

‘કૉંગો ફીવર’ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

છેલ્લા એક દાયકામાં કૉંગો ફીવરના કેસમાં વધારો જોવા મળ્યો છે.

કૉંગો ફીવર સામાન્યપણે જાનવરો થકી ફેલાય છે. મોટાભાગે આ રોગ ઘેટાં-બકરાં જેવાં પશુઓમાં હોય છે, જેમના સંપર્કમાં મનુષ્ય આવવાથી કૉંગો ફીવર ફેલાય છે.

દાયકાઓથી આને જવલ્લે જ થતો રોગ માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા એક દાયકામાં કૉંગો ફીવરના કેસમાં વધારો જોવા મળ્યો છે.

અત્યાર સુધીમાં આ રોગના કેસ યુરેશિયા અને આફ્રિકા સહિત ઉત્તર-પશ્ચિમ ચીન, મધ્ય એશિયા, દક્ષિણ અને પૂર્વ યુરોપ, આફ્રિકા તેમજ મધ્ય-પૂર્વના 30 જેટલા દેશોમાં નોંધાી ચૂક્યા છે.

કૉંગો ફીવરનો સૌપ્રથમ કેસ 1944માં ક્રિમિયામાં નોંધાયો હતો. જ્યારે 1956માં કૉંગોમાં એક વ્યક્તિ બીમાર થઈ હતી, તેની બીમારી માટે કૉંગો ફીવરને જવાબદાર ગણવામાં આવ્યો હતો.

કૉંગો ફીવરનાં લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

2020માં ગુજરાત-મહારાષ્ટ્ર સરહદનાં ગામોમાં કૉંગો ફીવરની દહેશતને પગલે ઍલર્ટ જારી કરાઈ હતી.

સામાન્યપણે કૉંગો ફીવરને કારણે માથામાં દુખાવો થાય છે. સાથે તાવ આવે, કમરમાં દુખાવો થાય, પેટમાં દુખાવો થાય અને ઊલટી થાય.

WHO પ્રમાણે બે કે ચાર દિવસ બાદ વધુ ઊંઘ આવવા લાગે છે, તણાવ થાય છે અને સુસ્તી લાગી શકે છે.

કેટલાક દરદીઓના હૃદયના ધબકારા વધી જતા હોય છે.

દરદીઓને પાંચ દિવસ બાદ કિડની પર સોજો આવી શકે છે અને લીવર પણ ફેલ થઈ શકે છે.

સામાન્યપણે કૉંગો ફીવરથી પીડિત દર્દીનું બીમારીના બીજા અઠવાડિયા દરમિયાન મૃત્યુ થાય છે.

જે દર્દીઓ બચી જાય છે, તેમની હાલત નવમા અથવા તો દસમા દિવસે સુધરતી હોય છે.

કૉંગો ફીવરથી બચવા શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

WHO પ્રમાણે કૉંગો ફીવરથી બચવાની કોઈ રસી નથી.

WHO પ્રમાણે કૉંગો ફીવરથી બચવાની કોઈ રસી નથી; એથી આ બીમારીથી બચવાનો મુખ્ય રસ્તો છે, લોકોમાં જાગૃતિ ફેલાવવી.

લોકોને કૉંગો ફીવરના ખતરા અંગે માહિતી આપવાની જરૂર છે અને સાથે જ એ જણાવવાની જરૂર છે કે કેવી રીતે આ વાઇરસના સંપર્કમાં આવવાથી બચી શકાય.

જ્યારે પ્રાણીઓ પાસે કામ કરતા હોવ ત્યારે હાથમાં ગ્લવ્ઝ પહેરવા જોઈએ.

તાવ આવે તો સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરવાના બદલે, તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

2011, 2019માં ગુજરાતમાં કૉંગો ફીવરના કેસ

વીડિયો કૅપ્શન,

કોરોના વાઇરસ અને લોહી વચ્ચે શું સંબંધ છે તે તમે જાણો છો?

ભારતમાં સૌથી પહેલાં ગુજરાતમાં જ કૉંગો ફીવરના કેસ નોંધાયા હતા.

કૉંગો ફીવરને કારણે વર્ષ 2011માં પણ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક મહિલા અને તેમની સારવાર કરનારાં ડૉક્ટર તેમજ નર્સનાં પણ મૃત્યુ થયાં હતાં.

જે મહિલાની સારવાર ચાલી રહી હતી, તેઓ મૂળે સાણંદ તાલુકાના કોલાટ ગામનાં હતાં.

આ ઘટના બાદ કોલાટ ગામની નજીકના 5 કિલોમિટર જેટલા વિસ્તારમાં સ્વાસ્થ્ય અધિકારીઓની 20 ટીમોને તપાસ માટે મોકલવામાં આવી હતી. જોકે, તેમની તપાસમાં બીજો કોઈ કેસ સામે આવ્યો ન હતો.

WHOના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2013માં પણ અમરેલી જિલ્લામાં કૉંગો ફીવરના કેસ સામે આવ્યા હતા.

WHOના રિપોર્ટમાં તો એવી વાત પણ સામે આવી હતી કે 2011માં જ્યારે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં, તે પહેલાં વર્ષ 2010થી જ કૉંગો ફીવરે ગુજરાતમાં પગ પેસારો કરી લીધો હતો.

2019માં ગુજરાતમાં કુલ 34 કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના કેસ ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતા.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો