બાબરી મસ્જિદ ચુકાદો : 'કોર્ટે એક દિવસની જેલ કે એક રૂપિયાનો દંડ તો કરવો હતો'

  • સમીરાત્મજ મિશ્ર
  • અયોધ્યાથી, બીબીસી ગુજરાતી માટે
અયોધ્યાના આ મહિલા કહે છે કે "જ્યારે બહુમત એમની સાથે છે, તો ભલા એમને કોણ સજા કરી શકે?"

ઇમેજ સ્રોત, JITENDRA TRIPATHI/BBC

ઇમેજ કૅપ્શન,

અયોધ્યાના આ મહિલા કહે છે કે "જ્યારે બહુમત એમની સાથે છે, તો ભલા એમને કોણ સજા કરી શકે?"

બુધવારે દેશ અને દુનિયાની નજર જે મહત્ત્વના કેસ પર હતી એનો ચુકાદો તો લખનઉમાં સીબીઆઈ વિશેષ અદાલતમાં આવ્યો પણ એનું કેન્દ્રબિંદુ અયોધ્યા હતું.

મંગળવારે રાત સુધી અયોધ્યામાં લોકોને એના વિશે ખાસ જાણકારી નહોતી, પરંતુ બુધવારે સવારે અચાનક વધેલા સુરક્ષા બંદોબસ્ત અને તંત્રની ચોકસાઈને કારણે એ આભાસ થઈ ગયો કે આજે કોઈ ખાસ દિવસ છે.

બુધવારે બપોરે 12 વાગે લખનઉની વિશેષ સીબીઆઈ અદાલતે એ નિર્ણય આપી દીધો કે 6 ડિસેમ્બર, 1992ના રોજ વિધ્વંસ કરવામાં આવેલી બાબરી મસ્જિદને લઈને જે 32 લોકો પર 27 વર્ષથી આરોપ હતો તે તમામ નિર્દોષ છે. આ નિર્ણય પછી પણ અયોધ્યાની સડક પર માહોલ પહેલાં જેવો જ હતો.

આ વિશે હનુમાનગઢીમાં સાધુવેશમાં ફરી રહેલા એક સજ્જન બોલ્યા, "પોલીસવાળા ખોટીખોટી શંકાઓ કરી ફોર્સ વધારી દે છે, અયોધ્યામાં હિન્દુ-મુસલમાન પરસ્પર કદી નથી લડતાં."

અદાલતના નિર્ણય અગાઉ જ અધિગ્રહીત સ્થળ (જ્યાં રામમંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે) પાસે ટેઢી બજાર વિસ્તારમાં બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીના ઘરે મીડિયાકર્મીઓનો જમાવડો થઈ ચૂક્યો હતો.

બીબીસી સાથેની વાતચીતમાં ઇકલાબ અંસારીએ કહ્યું કે, "નિર્ણય તો નવ નવેમ્બરે આવી જ ગયો હતો. અમે તો ઇચ્છીએ છીએ કે બધા અમનથી રહે. જ્યારે કોર્ટને લાગે છે કે મસ્જિદ તોડવામાં કોઈ દોષી નથી તો અમે શું કરી શકીએ. જોકે એ વાત અલગ છે કે ફક્ત અયોધ્યાના જ નહીં આખી દુનિયાના લોકોએ એ દિવસે શું થયું એ જોયું છે."

"આવા ચુકાદાની આશા નહોતી"

ઇમેજ સ્રોત, JITENDRA TRIPATHI/BBC

જોકે ઇકબાલ અંસારી એમના આવા જ નિર્ણયની આશા હતી કે નહીં એ વિશે કંઈ સ્પષ્ટ કહી નથી રહ્યા.

ટેઢી બજાર પાસેની મસ્જિદમાં નમાઝ પઢીને આવેલા મોહમ્મદ આઝમ કહે છે "અમે તો શું, જે લોકો દોષી છે એ લોકો પોતે પણ આવા ચુકાદાની આશા નહીં રાખતા હોય. એ લોકો પોતે એલાન કરી રહ્યા હતા કે અમે જેલ જવા માટે તૈયાર છીએ. મતલબ, એમને પણ સજા થશે અને જેલ જવું પડશે એવી આશંકા તો હશે જ. ઠીક છે ન્યાયપાલિકાનો ખૂબ ખૂબ આભાર."

મોહમ્મદ આઝમની વાતચીતની રીત એ દર્શાવી રહી છે કે તેઓ સીબીઆઈની વિશેષ અદાલતે આપેલા ચુકાદાને કેવી રીતે જોઈ રહ્યા છે. જોકે એમની પાસે ઊભેલા વાહિદ કુરૈશી પોતાની નિરાશા સીધી વ્યક્ત કરે છે.

વાહિદ કુરૈશીએ કહ્યું, "અદાલત ફક્ત એક દિવસની સજા આપી દેત, એક રૂપિયો દંડ કરી તો પણ અમને લાગત કે હા કંઈક તો ન્યાય થયો. નિરાશ તો અમે નવ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયથી જ થઈ ગચા હતા પણ હવે તો કંઈ કહેવાનું જ રહ્યું નથી."

ટેઢી બજારમાં આવેલી આ મસ્જિદ નાની ચોક્કસ છે પણ અહીં અનેક લોકો નમાઝ પઢવા માટે આવે છે. જોકે સીબીઆઈની વિશેષ અદાલતે આપેલા ચુકાદા અંગે બે-ચાર લોકો સિવાય કોઈ વાત કરવા તૈયાર નથી. લોકોનું એ જ કહેવું છે કે "શું વાત કરીએ અને વાત કરવાથી વળશે શું?"

મસ્જિદ તોડી પાડી તે યાદ છે

ઇમેજ સ્રોત, JITENDRA TRIPATHI/BBC

અયોધ્યામાં કલમ 144 લાગુ છે અને અદાલતના નિર્ણયને પગલે હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવેલું છે.

જોકે તેની અસર ન તો રસ્તાઓ પર દેખાય છે કે ન તો અહીંના લોકો પર. સડક પર અવરજવર સામાન્ય રીતે રોજ હોય એવી જ છે. અલબત્ત, બપોરે મોટા ભાગની દુકાનો બંધ હતી.

નયાઘાટ પર અમુક લોકો ચા પીતા મળ્યા અને તેઓ સીબીઆઈ કોર્ટના નિર્ણય પર ખૂબ ખુશ હતા.

મનોજ પાંડેય કહે છે કે "મારું ઘર અહીંથી 10 કિલોમિટર દૂર છે અને અમારા ઘરે અમને એ કહેવામાં આવતું કે કેવી રીતે ભગવાન રામની જન્મભૂમિને નષ્ટ કરી મસ્જિદ બનાવવામાં આવી. મસ્જિદ કારસેવકોએ ચોક્કસ તોડી હતી પણ જેમને આરોપી બનાવવામાં આવ્યા હતા એમનો કોઈ જ દોષ ન હતો એટલે અદાલતનો એકદમ નિર્ણય યોગ્ય છે."

એમની પાસે ઊભેલાં એક વૃદ્ધ મહિલાને અદાલતના ચુકાદા વિશે તો ખબર ન હતી, પરંતુ 6 ડિસેમ્બર, 1992ના રોજ મસ્જિદ તોડવામાં આવી એ ઘટના બખૂબી યાદ હતી.

એમણે કહ્યું, "લાખો લોકો બહારથી આવ્યા હતા કારસેવા કરવા. હવે બધાને ખબર હતી કે શું કરવા જઈ રહ્યા છે. આટલા બધા લોકો હોય તો જૂની મસ્જિદ તૂટે જ."

મહિલાએ કહ્યું, "બધો બહુમતનો ખેલ છે. જેની પાસે બહુમત છે એની પાસે બધું છે અને જ્યારે બહુમત એમની પાસે છે તો ભલા કોણ સજા આપી શકે?"

જોકે એમને જ્યારે અદાલતના નિર્ણય અને બહુમતના આંતરસંબંધ વિશે પૂછવામાં આવ્યું તો એમણે ફક્ત સ્મિત કર્યું.

"બધા છૂટી જશે વિચાર્યું નહોતું"

ઇમેજ સ્રોત, JITENDRA TRIPATHI/BBC

અયોધ્યાના સંતોએ અદાલતના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને મીઠાઈ વહેંચી. એમણે જય શ્રીરામના નારાઓ પણ લગાવ્યા અને હનુમાનગઢી પાસે અમુક સંતો ખુશી મનાવતા જોવા મળ્યા.

એક સંત સિદ્ધેશ્વર નાથે કહ્યું, "આ મામલે ખરેખર ન્યાય થયો છે. સત્યની જીત થઈ છે. અયોધ્યામાં રામમંદિર બનવા જઈ રહ્યું છે અને હવે તમામને મુક્ત કરી દીધાં, આ સઘળું રામની કૃપાથી જ સંભવ બન્યું છે."

વીડિયો કૅપ્શન,

અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસના સાક્ષી પત્રકારોએ એ દિવસે શું જોયું હતું?

સંતોનું કહેવું છે કે મોટા ભાગના લોકોને છોડી મુકાશે એવી આશા તો એમને હતી પણ અદાલત તમામને નિર્દોષ જાહેર કરશે એવું કદી નહોતું વિચાર્યું.

ચુકાદાથી નાખુશ મોહમ્મદ આઝમ મશહૂર શાયર રાહત ઇન્દૌરીનો એક શેર સંભળાવી એમનું દુખ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "ઇન્સાફ જાલિમોની કી હિમાયત મેં જબ જાયેગા, યહી હાલ રહા તો અદાલત કૌન જાયેગા."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો