મૅન્ટલ હેલ્થ: આત્મહત્યા માટે પ્રેરતી બીમારી બાઇપોલર ડિસઑર્ડર શું છે અને કેવી રીતે બચી શકાય?

  • સુશીલા સિંહ
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PM IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અનિલ (બદલેલું નામ) 11-12 વર્ષનો હતો ત્યારે એટલો ક્રોધમાં આવી ગયો હતો કે પોતાની માતા પર હાથ ઉપાડી દીધો હતો. અનિલનાં માતાએ દીકરાને આ રીતે વારંવાર ગુસ્સે થતા જોયો હતો.

અનિલ રોષમાં આવીને વસ્તુઓ ફેંકવા માંડતો, નાના ભાઈને ધક્કો મારીને પાડી દેતો કે તેને ધોલધપાટ કરી લેતો હતો.

ક્યારેક એટલો હિંસક થઈ જતો હતો કે કાબૂમાં રાખવો મુશ્કેલ બને. શાળામાં પણ મિત્રો સાથે બાખડી પડતો અને વારંવાર મારઝૂડની ફરિયાદ આવતી હતી.

તેનાથી વિપરીત ક્યારેક તે બહુ શાંત થઈ જતો. કોઈ સાથે વાત ના કરે, જવાબ ના આપે. વિના કારણે ઘણી વાર રડવા પણ લાગે અને ઓરડામાં ભરાઈને બેસી જાય. બાળક છે એમ સમજીને માતા આવા વર્તન પર ધ્યાન આપતાં નહોતાં.

ઉંમર વધી રહી છે એટલે હોર્મોનમાં ફેરફારને કારણે અકળાતો હશે એવું પણ લાગ્યું.

જોકે, ધીમે ધીમે માતાને સમજાવા લાગ્યું કે અનિલનું વર્તન બરાબર નથી. તેના મૂડમાં ફેરફાર બહુ ઝડપથી થતો હતો અને તેમાં એક પેટર્ન દેખાવા લાગી હતી. હવે તો વારંવાર વર્તનમાં ફેર દેખાવા લાગ્યો હતો. જે દિવસે પોતાના પર અનિલે હાથ ઉઠાવ્યો ત્યારે લાગ્યું કે હવે હદ થઈ ગઈ છે. તેમને એ વાતનો ડર પેસી ગયો કે ક્યારેક આવેશમાં આવીને તે જાતને જ નુકસાન પહોંચાડી બેસશે.

માતાએ ગભરાઈને ડૉક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યું. મનોચિકિત્સક ડૉક્ટર મનીષા સિંઘલ સાથે માતાએ વાતચીત કરી ત્યારે નિદાન થયું કે અનિલને બાઇપોલર ડિસઑર્ડર છે.

બાઇપોલર ડિસઑર્ડર શું છે?

ઇમેજ સ્રોત, DIMITRI OTIS

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટરોના મતે બાઇપોલર ડિસઑર્ડર એક પ્રકારનો માનસિક વિકાર છે, જે ડોપામાઇન હોર્મોનમાં અસંતુલનના કારણે થાય છે. હોર્મોનમાં અસંતુલનના કારણે વ્યક્તિનો મૂડ અને વર્તન બદલાઈ જાય છે.

બાઇપોલર ડિસઑર્ડરથી પીડાતી વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જાય છે અને તેના કારણે તેનો મૂડ બહુ સારો અથવા બહુ ખરાબ થઈ જાય છે. બાઇપોલરમાં મેનિયા એટલે કે ધૂન ચડવા જેવું પણ થઈ જાય છે.

આવા માનિસક વિકારમાં વ્યક્તિ મોટી મોટી વાતો કરવા લાગે છે, સતત કામમાં પડી જાય છે અને ઊંઘની જરૂર જ પડતી નથી. સતત કામ કરીને પણ વ્યક્તિ તાજીમાજી લાગી શકે છે.

બાઇપોલર ડિસઑર્ડરમાં માણસ પૈસા ઉડાવવા લાગે છે અને કોઈ પણ નિર્ણય લાંબો વિચાર કર્યા વિના કરી નાખે છે. તેનું મન એક જગ્યાએ સ્થિર રહી શકતું નથી.

મનોચિકિત્સક ડૉક્ટર પૂજાશિવમ જેટલી આવા એક દર્દીની વાત કરતાં કહે છે કે વેપારી પરિવારની આ વ્યક્તિએ બિઝનેસમાં આડેધડ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું હતું. તે મોટી મોટી વાતો કરવા લાગ્યો હતો અને મોટા પાયે ખર્ચા કરવા લાગ્યો હતો. તેને નિંદર આવવાનું જ બંધ થઈ ગયું હતું અને પોતાને બહુ શક્તિશાળી સમજવા લાગ્યો હતો.

સાથે જ તેની 'સેક્સ ડ્રાઇવ' પણ વધી ગઈ હતી. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ ત્યાં લોકોને કહેતો કે તમને નોકરી અપાવી દઈશ, મારી સંપત્તિ તમારા નામે કરી દઈશ એવી વાતો કરતો રહ્યો હતો.

ડૉક્ટર કહે છે કે આવી વ્યક્તિઓને વાસ્તવિકતા સમજાતી નથી. આવી સ્થિતિ ઘણી વાર બે અઠવાડિયાંથી પણ વધુ લાંબી ચાલે છે. તેને મેનિયા થવો અથવા ધૂન લાગી જવી, રટણ થઈ જવું એવી રીતે ઓળખવામાં આવે છે.

ટાઇપ ટુ બાઇપોલર(હાઇપોમેનિયા) – આ બીમારીમાં વ્યક્તિ હતાશ અને ઉદાસ થઈ જાય છે. મનમાં ઉદાસીને કારણે વ્યક્તિ વિનાકારણે રડ્યા કરે છે.

કામ કરવામાં મન લાગે નહીં, ઊંઘ ના હોય તો પણ પથારી છોડવાનું મન ના થાય. ઘણી વાર ઊંઘ બહુ વધી પણ જાય. કેટલીક વાર દર્દીને કમજોરી આવી ગઈ છે એવું પણ લાગતું હોય છે. આવી માનસિક સ્થિતિમાં આવ્યા પછી બીજા સાથે હળવામળવાનું બંધ થઈ જાય છે.

વીડિયો કૅપ્શન,

એ ગુજરાતી IAS અધિકારીની કહાણી જેઓ ક્યારેક આત્મહત્યાના વિચારો કરતા હતા

ક્યારે સાવધ થઈ જવું?

ઇમેજ કૅપ્શન,

ડૉક્ટર મનીષા સિંઘલ

રોજબરોજના જીવનમાં ઉતાર-ચઢાણમાંથી આપણે સૌ પસાર થતા હોઈએ છીએ. પરંતુ બે કે ત્રણ દિવસમાં આપણે રાબેતા મુજબ થઈ જતા હોઈએ છીએ.

પરંતુ જો બે અઠવાડિયાં સુધી માનસિક સ્થિતિ બદલાયેલી લાગે તો તેનો અર્થ હાઇપોમેનિયાની સ્થિતિ છે એમ કહી શકાય.

ડૉક્ટર મનીષા સિંઘલના જણાવ્યા અનુસાર એકાદ વાર આવી સ્થિતિમાંથી વ્યક્તિ પસાર થાય ત્યારે સાવધ થઈ જવું જોઈએ કે આ વ્યક્તિ બાઇપોલર ડિસઑર્ડરનો ભોગ બની છે.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર બાઇપોલર કોઈ પણ ઉમરમાં થઈ શકે છે, પરંતુ 20થી 30ની ઉમરમાં આવું થવાની શક્યતા વધારે હોય છે. આજકાલ એવું જોવા મળી રહ્યું છે કે 20થી પણ નાની ઉમરમાં એટલે કે 'અર્લી બાઇપોલર ડિસઑર્ડર'ના કિસ્સા પણ દેખાવા લાગ્યા છે.

દિલ્હીની સેન્ટ સ્ટિફન હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર રૂપાલી શિવલકર કહે છે, ''આ માનસિક વિકાર બહુ સમયથી પ્રચલિત છે, પણ હવે જ તેની ઓળખ થઈ રહી છે. લોકો હવે તેના તરફ જાગૃત થઈ રહ્યા છે અને તેથી બીમારીના કિસ્સા બહાર આવી રહ્યા છે. આજે હવે તેને સામાન્ય ગણવામાં આવે છે અને 100માંથી ત્રણથી પાંચ ટકા લોકોમાં આ ડિસઑર્ડર જોવા મળતા હોય છે.''

શિવલકર કહે છે કે કોઈ વ્યક્તિમાં 40 વર્ષની ઉમર પછી પ્રથમ વાર ડિસઑર્ડર દેખાય તો તેનો સીધો સંબંધ મગજમાં થયેલા ફેરફારો સાથે હોઈ શકે છે. તેને 'ઑર્ગેનિક મૂડ ડિસઑર્ડર' કહેવામાં આવે છે. તેના કારણે મગજની રચનાની તપાસ કરવામાં આવે છે, જેથી તેમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે જાણી શકાય.

બાઇપોલર અને આત્મહત્યાની પ્રેરણા

ઇમેજ સ્રોત, CRAIG F. WALKER / THE DENVER POST

બાળકો કિશોરાવસ્થામાં પ્રવેશ લાગે ત્યારે હૉર્મોન્સમાં ફેરફાર થાય અને તેના કારણે મૂડમાં ફેરફાર દેખાતો હોય છે. કોઈ વાત પર ચીડાઈ જવું, નારાજ થઈ જવું કે ગુસ્સે થઈ જવું તે સામાન્ય થવા લાગે છે. પરંતુ લાંબો સમય સુધી આવી સ્થિતિ રહેતી નથી.

આવા કિસ્સાઓને 'સાયક્લોથાયમિક ડિસઑર્ડર' કહે છે. આવી સ્થિતિમાં ચિત્તવૃત્તિમાં ફેરફાર થાય છે, પરંતુ ગુસ્સો કે ઉદાસીનું પ્રમાણ પ્રમાણસર હોય છે.

કિશોરાવસ્થામાં આવું થતું હોય છે અને તેની કદાચ અવગણના થઈ શકે. પરંતુ બાળકમાં પણ જો બાઇપોલર ડિસઑર્ડર દેખાઈ તેને 'ક્લાસિકલ મેનિયા' અથવા ડિપ્રેશન કહેવામાં આવે છે.

આવાં લક્ષણો બે અઠવાડિયાંથી લાંબા સમય સુધી સતત ચાલતાં રહે તો બાઇપોલરની શંકા થઈ શકે.

થોડા મહિના પહેલાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી તે મામલો મીડિયામાં ભારે ચગ્યો હતો અને જણાવાયું કે તેઓ બાઇપોલર ડિસઑર્ડરથી પીડાતા હતા.

મનોચિકિત્સક ડૉક્ટર પૂજાશિવમ જેટલી કહે છે, ''મેનિયા કે ઉદાસી વખતે આત્મહત્યા કરવાનો પ્રયાસ થાય તેવી શંકા રહે છે. આ બંને સ્થિતિમાં વ્યક્તિ વાસ્તવિકતાને ભૂલી જાય છે. મેનિયામાં આવેલી વ્યક્તિને સમજવાની કે વિચારવાની સ્થિતિમાં રહેતી નથી અને તેને લાગે કે પોતે ધાર્યું કરી શકે છે."

"આવી સ્થિતિમાં દર્દી અંતિમ પગલું ભરી બેસે છે. બાઇપોલર ડિપ્રેશનમાં આત્મહત્યાની શક્યતા વધી જાય છે. વ્યક્તિ હતાશાની વાતો કરવા લાગે ત્યારે તેને એક 'રેડ સિગ્નલ' સમજી લેવું જોઈએ અને તરત તેનો ઇલાજ કરવો જોઈએ."

બીમારીને કાબૂમાં રાખી શકાય છે

ઇમેજ કૅપ્શન,

ડૉ. રૂપાલી શિવલકર

ડૉક્ટર રૂપાલી શિવલકર પણ કહે છે કે બાઇપોલર ડિસઑર્ડરની બીમારી સાથે કોઈ વ્યક્તિ આવે ત્યારે ખાસ જાણવાની કોશિશ થાય છે કે તેને આત્મહત્યાના વિચારો તો નથી આવતા ને?

તેઓ કહે છે કે બાઇપોલરની સ્થિતિ આખી જિંદગી રહી શકે છે. થાઇરૉઇડ, લોહીનું દબાણ, ડાયાબિટિસ, સ્થૂળતા અને માનસિક બીમારી. આ બધી 'નૉન કમ્યુનિકેબલ' બીમારીઓ ગણાય છે. તેના પર કાબૂ રાખી શકાય છે, રાબેતા મુજબનું જીવન જીવી શકાય છે, પણ આખી જિંદગી બીમારી તમારી સાથે જ રહેવાની.

મનોચિકિત્સક ડૉક્ટર મનીષા સિંઘલનું કહેવું છે, ''આવી માનસિક બીમારી જેનેટિક (આનુવાંશિક) પણ હોઈ શકે છે. પરિવારમાં કોઈને માનસિક બીમારી હોય તો બાળકોમાં તેનાં લક્ષણો આવી શકે છે.''

''માનસિક બીમારીઓમાં બાઇપોલર એવી બીમારી છે, જેને કાબૂમાં લઈ શકાય છે અને સામાન્ય જીવન જીવી શકાય છે. વ્યક્તિને બીમારીની જાણકારી આપી શકાય છે, જેથી ભવિષ્યમાં ક્યારેય લાગે કે મૂડમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે ત્યારે ડૉક્ટર પાસે જઈને સલાહ લઈ શકે''.

ડૉક્ટરો કહે છે કે તેના ઇલાજ માટે 'મૂડ સ્ટેબિલાઇઝર' એટલે કે મગજના મેમ્બ્રેનને સ્થિર કરવા માટે દવા આપવામાં આવે છે. ડોપામાઇનનું પ્રમાણ સંતુલિત રાખવામાં આવે છે, જેથી બીમારી કાબૂમાં રહે છે.

ડૉક્ટર્સ કહે છે બાઇપોલર ડિસઑર્ડરના દર્દીઓ રચનાત્મક ગતિવિધિમાં મન પરોવે તો તેમને ફાયદો થાય છે. આવા દર્દીઓની સંભાળ લેવી અને તેમને પ્રેમ આપવો જરૂરી હોય છે. મેનિયા થયો હોય ત્યારે વ્યક્તિઓ ખોટા નિર્ણયો લેતી હોય છે. તે સામાન્ય સ્થિતિમાં આવે ત્યારે તેને પોતાની ભૂલ સમજાતી હોય છે.

આવી સ્થિતિમાં તેને શાંતિથી સાંભળવી અને લાગણી દર્શાવવી જરૂરી હોય છે. સાથે જ તે પોતાના મગજને શાંત રાખે તેની કાળજી પણ લેવી જોઈએ. આવી વ્યક્તિ સૌને હળતી મળતી રહે તે માટે પ્રયાસો કરવા જોઈએ.

નોંધ: દવા અને થૅરપીથી માનસિક બીમારીઓનો ઇલાજ થઈ શકે છે. તેના માટે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. તમારામાં અથવા તમારા કોઈ પરિચિતમાં કોઈ માનસિક પરેશાનીનાં લક્ષણો દેખાતાં હોય તો નીચે આપેલી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ લેવી જોઈએ.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય - 1800-599-0019

ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્મુમન બિહેવિયર ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 9868396824, 9868396841, 011-22574820

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સીઝ - 080 - 26995000

વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઇડ સાયન્સીઝ - 011 2980 2980

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો