ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ : ગુજરાતમાં પવનચક્કીને લીધે કેમ લુપ્ત થઈ રહ્યાં છે દુર્લભ પક્ષી?

  • સાગર પટેલ,
  • બીબીસી ગુજરાતી સંવાદદાતા
ઘોરાડ

ઇમેજ સ્રોત, Zubin Ashra

ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ઘોરાડ ગુજરાતમાં લુપ્ત થતી જતી પક્ષીઓની પ્રજાતિઓમાં મોખરે છે.

આ એ જ પક્ષી છે જે ભારતના રાષ્ટ્રીય પક્ષીની પસંદગી વખતે પ્રબળ દાવેદાર મનાતું હતું અને તેની પસંદગી માટે માગ પણ થઈ હતી, જોકે એ પછી મોરને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું; પી. થનકપ્પન નાયરે તેમના પેપર 'ધ પીકૉક કલ્ટ ઇન ઍશિયા'માં આ વિશે ઉલ્લેખ કર્યો છે.

ગુજરાતમાં હવે આ પ્રજાતિનું એક પણ નર પક્ષી બચ્યું નથી અને માત્ર પાંચ માદા ઘોરાડ બચ્યાં છે, એવું વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન ડૉ. વાય. વી. ઝાલા કહે છે.

નોંધનીય છે કે ઘોરાડ ઉડાણ ભરવા સક્ષમ પક્ષીઓમાં દુનિયાનું સૌથી વધુ વજન ધરાવતું પક્ષી છે. ઘોરાડ મૂળ ભારતીય પક્ષી છે, જે ગુજરાત, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળે છે.

ગુજરાતમાં આ પક્ષીઓ કચ્છના અબડાસા, લખપત અને દોણ વિસ્તારમાં જોવા મળતાં હતાં. ઘાસનાં મેદાનોવાળો વિશાળ વિસ્તાર ઘોરાડના રહેઠાણ અને પ્રણયકાળ માટે અનુકૂળ હોવાનું મનાય છે.

મોટા કદને કારણે આ પક્ષી આકાશમાં વધુ ઊંચાઈએ ઊડી શકતું નથી.

ઇમેજ સ્રોત, cop 13

ગુજરાતમાં અને વિશેષ કરીને કચ્છમાં પાછલાં કેટલાંક વર્ષોમાં વિકસિત થઈ રહેલા પવનચક્કીનાં પ્રોજેક્ટ અને તેની પાવરલાઇનને કારણે ઘોરાડ પક્ષીઓનાં મોત નીપજી રહ્યાં હોવાનું નિષ્ણાતો માને છે.

ગુજરાતમાં ઘોરાડની આ સ્થિતિ બાબતે બીબીસી ગુજરાતીએ ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ વાઇલ્ડલાઇફ ઍન્ડ ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડન શ્યામલ ટિકેદાર સાથે વાત કરી. તેમણે આ મામલે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું.

2020માં 'કૉન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઑફ માઇગ્રેટરી સ્પીસિસી ઑફ વાઇલ્ડ ઍનિમલ્સ'ની કૉન્ફરન્સનું તેરમું સત્ર ગુજરાતમાં મળવાનું હતું.

આ કૉન્ફરન્સના ચિહ્નમાં ઘોરાડ પક્ષીની છબિ રાખવામાં આવી હતી.

અન્ય રાજ્યોમાં પણ ઘટતી સંખ્યા

ઇમેજ સ્રોત, ZUBIN ASHRA

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડીન ડૉ. વાય. વી. ઝાલાએ જણાવે છે કે “ગુજરાત સહિત દેશનાં કેટલાંક અન્ય રાજ્યોમાં પણ આ પક્ષીની સંખ્યા ઓછી થઈ રહી છે.”

“રાજસ્થાનમાં 150 ઘોરાડ બચ્યાં છે. હાલ રાજસ્થાનમાં તેમનાં સંરક્ષણ માટે બ્રીડિંગસેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં હાલ 14 પક્ષીઓને રખાયાં છે.”

ગુજરાતમાં આ પક્ષીઓની પરિસ્થિતિ વિશે વાત કરતાં કહે છે, “ગુજરાતમાં હવે એક પણ નર ઘોરાડ નથી, તેથી ગુજરાતમાં હવે પક્ષીની આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે એવું કહી શકાય.”

“રાજસ્થાનથી નર પક્ષી લાવીને પણ ગુજરાતમાં આ પક્ષીનું સંરક્ષણ કરી શકાય તેમ નથી.”

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઝુબીન આશરા આ મુદ્દે વાત કરતાં જણાવે છે કે, ‘ધ ગ્રેટ’ વિશેષણ બીજા કોઈ પક્ષી અને પ્રાણીના નામની આગળ લગાવવામાં આવતું નથી. માત્ર ઇન્ડિયન બસ્ટર્ડ(ઘોરડ)ની આગળ વિશેષણ પ્રયોજાય છે.”

“હું ચાર વર્ષ સતત ઘોરાડની ફોટોગ્રાફી માટે કચ્છ ગયો ત્યારે એક જ વખત મને ઘોરાડના ફોટો ક્લિક કરવાની તક મળી. ગુજરાતમાં ઘોરાડની સ્થિતિ કેવી છે, તેનો અંદાજ આના પરથી જ આવી જાય છે.”

તેઓ કહે છે, “હું નસીબદાર છું કે જ્યારે એક નર ઘોરાડ માદાને રિઝવતું હતું, ત્યારે હું ફોટો ક્લિક કરી શક્યો. સાથે જ દુખ પણ હતું કે એ જ ફોટોના બૅકગ્રાઉન્ડમાં ઘોરાડનાં મૃત્યુનું કારણ પવનચક્કી પણ દેખાતી હતી.”

જીવલેણ પવનચક્કી

ઇમેજ સ્રોત, ZUBIN aSHRA

ઘોરાડની ઘટતી જતી સંખ્યાનું કારણ દર્શાવતાં ઝાલા કહે છે, “ઘોરાડના રહેણાક વિસ્તારમાં હાલમાં ઘણી બધી જગ્યાએથી પવનચક્કીની પાવરલાઇન પસાર થાય છે. જેના કારણે અવારનવાર આ પક્ષીઓને અકસ્માત નડે છે.”

આ સમસ્યાનો ઉકેલ સૂચવતાં તેઓ જણાવે છે:

“જો ઘોરાડના વિસ્તારમાંથી પાવરલાઇન હઠાવવામાં આવે કે પાવરલાઇનને અંડરગ્રાઉન્ડ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તો જ ગુજરાતમાં આ પક્ષીઓનું પુનર્વસન શક્ય બનશે.”

“પક્ષીઓને ચેતવવા માટે વપરાતા બર્ડ રિફ્લેક્ટરો બજારમાં ઉપલબ્ધ છે, જેના ઉપયોગ દ્વારા આવા અકસ્માતની સંખ્યા ઘટાડી શકાય છે.”

તેઓ આ મુદ્દે વધુ વાત કરતાં જણાવે છે, “કચ્છના ભૂકંપ બાદ જે વિકાસ થયો છે તે કારણે પણ આ પક્ષીઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે."

"ગુજરાતમાં જેમ સિંહના સંરક્ષણ માટે કામગીરી થાય છે, તેવી જ રીતે અન્ય વન્યજીવો અને પક્ષીઓના સંરક્ષણ માટે પણ કામગીરી થવી જોઈએ.”

ઘોરાડના સંરક્ષણ માટે ઉચિત ઉકેલ સૂચવતાં ઝુબીન કહે છે, “એક વન્યપ્રેમી તરીકે મારી ઇચ્છા છે કે ઘોરાડના પુનર્વસનની દિશામાં પગલાં ભરવાં જોઈએ."

"પવનચક્કીઓને સ્થળાંતરિત કરવામાં આવે અથવા પાવરલાઇન્સ અંડરગ્રાઉન્ડ કરવામાં આવે, સાથોસાથ સ્થાનિક લોકોને ઘોરાડ વિશે માહિતગાર કરવાની પણ જરૂર છે.”

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો