દિલ્હીના 'બાબા કા ઢાબા' પર ભારે ભીડ કેમ એકઠી થઈ ગઈ? - સોશિયલ

બાબા કા ઢાબા

ઇમેજ સ્રોત, @AAMAADMIPARTY

સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક કલાકોથી બે તસવીરો ભારે ચર્ચા જગાવી રહી છે. બન્ને તસવીરોમાં એક વ્યક્તિ છે, જોકે બન્નેમાં એમનો ભાવ અલગઅલગ છે. એક તસવીરમાં એ વૃદ્ધ રડી રહ્યા છે, જ્યારે બીજીમાં હસી રહ્યા છે.

થોડા જ કલાકોમાં વૃદ્ધ દંપતીના ચહેરા પર હાસ્ય રેલાવી દેવાનો ચમત્કાર કર્યો છે, સોશિયલ મીડિયાએ. સોશિયલ મીડિયાએ એવી તાકાત બતાવી કે એક રીતે અભિયાન શરૂ થઈ ગયું અને એ બાદ સામાન્ય અને ખાસ તમામેતમામ પ્રકારના લોકોએ તેમની મદદ માટે અપીલ કરી.

વાત એમ છે દક્ષિણ દિલ્હીના માલવિયનગર વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી ખાવાની નાની દુકાન ચલાવે છે. કેટલાક કલાકો પહેલાં વાઇરલ થયેલા એક વીડિયોમાં વૃદ્ધ દંપતી જણાવે છે કે તેઓ ગત 30 વર્ષથી આ 'ઢાબા' ચલાવે છે.

એ વાઇરલ વીડિયોમાં આ વૃદ્ધ દંપતીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. 80 વર્ષના વૃદ્ધે જણાવ્યું કે તેઓ અને તેમનાં પત્ની સવારે છ વાગ્યે ઊઠીને ખાવાનું બનાવવાની તૈયારી કરે છે અને સાડા નવ વાગ્યા સુધી ખાવાનું બનાવે છે.

કેટલું કમાઈ લો છો? એવો પ્રશ્ન પુછાતાં એ વૃદ્ધ રડતારડતા જણાવે છે કે ચાર કલાકમાં માત્ર પચાસ રૂપિયા જ કમાયા છે.

તેમનું કહેવું હતું કે કમાણી તો પહેલાં પણ ખાસ કંઈ નહોતી પણ આ કોરોનાકાળે એમની હાલત ખરાબ કરી નાખી છે.

વસુંધરા તન્ખા શર્માએ વીડિયો ટ્વીટ કરતાં લખ્યું, "આ વીડિયોથી ભારે દુઃખ થયું છે. દિલ્હીવાળાઓ, જો તમને તક મળે તો 'બાબા કા ઢાબા' પર જાઓ અને ખાવાનું ખાઓ."

જોતજોતામાં આ વીડિયો ટ્વિટર પર વાઇરલ થઈ ગયો અને ટૉપ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયો.

સામાન્ય માણસથી લઈને જાણીતા લોકો સુધી સૌ કોઈ આ વૃદ્ધ દંપતીની મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર આવી ગયા.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું, "ટ્વિટર સારું પણ કરી શકે છે!"

રવિના ટંડને લખ્યું, "જે કોઈ પણ બાબા કા ઢાબા પર ખાવા જાય, એ મને પોતાની એક તસવીર મોકલે. હું એ તસવીરને પ્રેમાળ સંદેશ સાથે પોસ્ટ કરીશ."

કૃષ્ણાએ ટ્વીટ કર્યું, "અત્યારે માત્ર ત્યાં એ માટે ટોળે ન વળો કે સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ છે. બધું શાંત પડી જાય ત્યારે ત્યાં જઈને જુઓ કે શું સ્થિતિ છે."

આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ પણ ટ્વીટ કર્યું, "બાબા કા ઢાબા પર ગયો અને જેવું કે મેં વચન આપ્યું હતું, વૃદ્ધ દંપતીના ચહેરા પર હાસ્ય લાવવા માટે જે જરૂરી હતું એ કર્યું. એમનું ધ્યાન રાખીશ અને એમના જેવા લોકોની મદદ માટે અભિયાન શરૂ કરી રહ્યો છું."

અભિનેત્રી સોનમ કપૂરે પણ ટ્વીટ કરીને આ વૃદ્ધ દંપતીની મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ આ વીડિયો શૅર કર્યો અને લખ્યું. "આવો. આપણે તેમનું હાસ્ય પરત લાવીએ. આપણે આપણા પડોશના દુકાનદારોની મદદ કરવાની જરૂર છે."

પોલીસ અધિકારી રાહુલ શ્રીવાસ્તવે લખ્યું કે વૃદ્ધના આંસુ લૂંછવા માટે તેમની વાતોને આગળ વધારો.

આ ઢાબાનાં વૃદ્ધ મહિલાએ સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું,"કંઈ કમાણી નહોતી થઈ રહી. કોઈ ગ્રાહક નહીં. વધેલું ખાવાનું ઘરે લઈ જતાં અને એ જ ખાઈ લેતાં."

"બાળકો એમની કમાણી આપતાં નથી. દીકરી મારી પાસે રહે છે અને એ પણ કંઈ કરતી નથી."

જોકે, તેમણે ઉમેર્યું, "આજ સવારથી જ ભારે ભીડ છે. લોકો ચા પીને ગયા છે. ખાવાનું લઈને ગયા છે."

"ગૅસ ખતમ થઈ ગયો છે અને હવે ઘરેથી સિલિન્ડર મગાવ્યું છે. આજે આટલા લોકો ઢાબા પર આવ્યા છે તો અમે બહુ ખુશ છીએ."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો