સુરતમાં લૉકડાઉન દરમિયાન ‘ખીચડી-કઢી કૌભાંડ’ આચરવામાં આવ્યું?

  • દિપલકુમાર શાહ
  • બીબીસી સંવાદદાતા
સુરત મહાનગર પાલીકા દ્વારા લૉકડાઉન સમયે ગરીબોને ભોજન પૂરુ પડાયું હતું તે સમયે કમિશનર બંછાનિધી પાનીએ મુલાકાત લીધી હતી તેની તસવીર

ઇમેજ સ્રોત, Twitter@@CommissionerSMC

ઇમેજ કૅપ્શન,

સુરત મહાનગર પાલીકા દ્વારા લૉકડાઉન સમયે ગરીબોને ભોજન પૂરુ પડાયું હતું તે સમયે કમિશનર બંછાનિધી પાનીએ મુલાકાત લીધી હતી તેની તસવીર

સુરતમાં કોરોનાકાળ દરમિયાન લૉકડાઉનના સમયમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, એ મામલે એક વિવાદ સર્જાયો છે.

લૉકડાઉનના સમયગાળામાં સરકાર- સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સેવાભાવી સંસ્થાઓએ સંયુક્ત સહયોગ દ્વારા સેવાભાવી કામગીરી કરી હતી.

સ્થાનિક મીડિયાએ પણ આ કામગીરીને ઘણી બિરદાવી હતી અને કામગીરીની ઘણી પ્રશંશા પણ થઈ હતી. પરંતુ હવે આ મામલે એક વિવાદ સર્જાયો છે.

મામલો એમ છે કે સુરત શહેર જિલ્લા કૉંગ્રેસમાં બક્ષીપક્ષ વિભાગના પ્રમુખ કલ્પેશ બારોટ દ્વારા સુરત મહાનગર પાલિકામાં એક આરટીઆઈ ફાઈલ કરવામાં આવી હતી.

જેમાં તેમણે લૉકડાઉન દરમિયાન વિવિધ એનજીઓને તેમની વિવિધ કામગીરી માટે પાલિકાએ કેટલા પૈસા ચૂકવ્યા છે કે કેમ, તે સહિતના પ્રશ્નો સાથેની માહિતીઓ માગી હતી.

જોકે આરટીઆઈમાં જે માહિતી બહાર આવી છે તેને લઈને સવાલો અને વિવાદ સર્જાયા છે. આ વિવાદ 'ખીચડી-કઢી કૌભાંડ' તરીકે સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાઈ રહ્યો છે.

આ વિવાદ વિશે કહેવાઈ રહ્યું છે કે કેટલીક સંસ્થાઓએ લૉકડાઉનના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને મફતમાં ભોજન તો કરાવ્યું પરંતુ બાદમાં તેમણે સુરત મહાનગરપાલિકા સમક્ષ બિલ મૂક્યા અને તેમને તેનાં નાણાં ચૂકવવામાં આવ્યાં છે.

છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક મીડિયામાં આ મામલે અહેલાવો પણ પ્રકાશિત થયા છે. બીબીસીએ આ અંગે વધુ જાણવાની કોશિશ કરી.

શું ભ્રષ્ટાચાર થયો છે?

ઇમેજ સ્રોત, Twitter@mysuratsmc

આરટીઆઈ કરનારા કલ્પેશ બારોટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મેં જુલાઈમાં આરટીઆઈ કરી હતી કે સરકારે (મહાનગરપાલિકા)એ એનજીઓ (બિન-સરકારી સંગઠન અથવા સેવાભાવી સામાજિક સંસ્થાઓ)ને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કરી હોય તો તેની યાદી આપો. જેનો મને જવાબ મળ્યો. જોકે મને હજુ પણ પૂરતી માહિતી નથી મળી."

"કુલ લગભગ 14 જેટલી સંસ્થાને 22 કરોડ જેટલા રૂપિયા ચૂકવાયા છે. આમાં ભાજપના નજીકના લોકો પણ સામેલ છે. જેમાં એક 'પુરોહિત થાળી'નું નામ પણ સામેલ છે."

"ખરેખર ભાજપના નેતાઓએ આ સંસ્થાઓની કામગીરીનો પ્રચાર પણ કર્યો હતો. ઘણી પબ્લિસિટી કરવામાં આવી હતી. જનતા સમક્ષ આ સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવે છે એવું બતાવવામાં આવ્યું હતું પણ વાસ્તવિકતા કંઈક અલગ નિકળી છે."

"કૉર્પોરેશન (મહાનગરપાલિકા)ના અધિકારીઓની ભૂમિકા પર પણ શંકા થાય છે. આ મુદ્દે અન્ય સેવાભાવી સંસ્થાઓ જેમણે ખરેખર સાચે જ મફતમાં ભોજન પૂરું પાડ્યું હતું તેમણે પણ સ્થાનિકતંત્રને આવેદન પત્ર આપી આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે."

"એટલે આ એક કૌભાંડ જ છે. જેની તપાસ થવી જોઈએ. કેમ કે જો તમારે સેવા જ કરવી હતી અને તેની જાહેરાતો પણ એ લોકો સેવા કરે છે એવી કરાઈ હતી, તો પછી તેના બિલ શું કામ મૂકવામાં આવ્યાં?"

અત્રે નોંધવું કે સ્થાનિક મીડિયામાં પણ આ મામલે ઉપરોક્ત મુદ્દાની નોંધ લેવામાં આવી છે. અને તેમાં પણ આ પ્રકારના સવાલ ઊઠ્યા છે.

જોકે, જે સંસ્થાને બિલ ચૂકવાયાં છે અને જેમનાં નામ આરટીઆઈના જવાબમાં બહાર આવ્યાં છે, તે તમામ સંસ્થાઓનો સંપર્ક નથી કરી શકાયો.

બિલ મૂકનારી સંસ્થાનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, KALPESH BAROT

ઇમેજ કૅપ્શન,

આરટીઆઈની કોપી

આરટીઆઈ કરનારા કલ્પેશ બારોટે જે એક નામનો ઉલ્લેખ કર્યો, બીબીસીએ તેમનો સંપર્ક કર્યો.

સુરતમાં 'પુરોહિત થાળી' નામની રેસ્ટોરાંના માલિક દિનેશ રાજપુરોહિત સાથે બીબીસીએ વાતચીત કરી. આ સંસ્થાને પણ બિલ ચૂકવાયું હોવાનું આરટીઆઈમાં બહાર આવ્યું છે.

તેમણે આ સમગ્ર મામલે કહ્યું, "પ્રારંભમાં જ્યારે જનતા કર્ફ્યુ અને પછી લૉકડાઉનનો સમયગાળો હતો ત્યારે અમે જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન રહે એ માટે તેમના ભોજનની વ્યવસ્થા કરી હતી."

"અમે વિવિધ વિસ્તારોમાં વિવિધ વ્યક્તિઓ મારફતે સેવાના ભાવ સાથે મફતમાં ભોજન પુરૂ પાડવા માટે ફૂડ પૅકેટ મોકલતા હતા. આ કામગીરી અમે માત્ર સેવાના ભાવથી કરતા હતા."

"જોકે, આ દરમિયાન મને કૉર્પોરેશનના અધિકારીએ સંપર્ક કરી લિંબાયત ઝોનના ભાઠેના કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓ અને સ્ટાફ માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવા કહ્યું."

"250 રૂપિયામાં બે ટાઇમ નાસ્તો અને જમવાનું પૂરુ પાડવા માટેનો વર્ક ઑર્ડર પણ ઇસ્યૂ કર્યો હતો. જોકે મેં અધિકારીને સામેથી સવાલ કર્યો હતો કે તમે તમારા કૉન્ટ્રેક્ટરને આ કામગીરી સોંપો, પણ તેમણે કહ્યું હતું કે તે પહોંચી વળે તેમ નથી. એટલે આપ ફૂડ પૅકેટ પૂરાં પાડો."

ઇમેજ સ્રોત, FB@dineshrajpurohit

ઇમેજ કૅપ્શન,

ભોજન તૈયાર કરતું રસોડું

"આથી અમે 6 દિવસ સુધી ફૂડ પૅકેટ (ભોજન-નાસ્તો) ભાઠેના કોવિડ કેર સેન્ટરને પૂરા પાડ્યાં હતાં. જેનાં બિલના પૈસા ચૂકવાયા છે. જીએસટી સહિતનો ઇનવૉઇસ પણ ચોખ્ખા હિસાબ સાથે ઉપલબ્ધ છે."

"પરંતુ આની સાથોસાથ સુરતના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને અમે 1 લાખ 8 હજાર જેટલાં ફૂડપૅકેટ મફતમાં પણ વહેંચ્યાં છે. જેના માટે અમે કોઈ પણ પ્રકારના પૈસા નથી વસૂલ્યા. મફતમાં પૂરાં પાડેલાં ફૂડપૅકેટ બદલ મહાનગરપાલિકાએ અમને સર્ટિફિકેટ પણ પૂરુ પાડ્યું છે."

"હું ભાજપ-આરએસએસ સાથે સંકળાયેલો છું એટલો ખોટી રીતે છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

"મારા ત્યાંથી ઘણા વિસ્તારોમાં મફતમાં ફૂડ પૅકેટ ગયાં છે. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવીના વિધાનસભા-વિસ્તાર સહિતના ઘણા વિસ્તારોમાં સેવાના ભાવ સાથે મફતમાં ફૂડ પૅકેટ મોકલાયાં હતાં."

સુરત મહાનગરપાલિકાનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Twitter@mysmcsurat

જોકે બીજી તરફ આરટીઆઈ કરનારા કલ્પેશ બારોટ અને કૉગ્રેસનો આક્ષેપ છે કે ઉપરોક્ત સંસ્થાઓ જેમણે બાદમાં ભોજનનાં બિલ મૂક્યાં તેમની કામગીરીને ભાજપના નેતાઓએ બિરદાવી હતી અને એનો પ્રચાર કર્યો હતો અને ઉપરાંત પક્ષ સાથે સંબંધિત લોકોનાં નામ પણ બહાર આવ્યાં છે.

આ સમગ્ર મામલે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર બંછાનિધી પાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોરોના વાઇરસની મહામારી સમયે માનવસંકટ ઊભું થયું હતું જેમાં તમામ લોકો સાથે મળીને જરૂરિયાતમંદોની સેવા કરી હતી.

તેમણે કહ્યું, "આ વિવાદ ઊભો કરાયો છે. સેવાભાવી સંસ્થાઓએ તેમની યથાશક્તિ મુજબ સહાય કરી હતી. પછી એક સમય આવ્યો જ્યારે તેઓ આર્થિક અને શારીરિક બંને રીતે થાકી ગઈ એટલે પછી મહાપાલિકાએ ફૂટપૅકેટદીઠ ભાવ નક્કી કરીને તેમને કામ સોંપ્યું જેથી કોઈ પણ ગરીબ વ્યક્તિ ભુખી ન રહે."

"એ સમયે ટૅન્ડરપ્રક્રિયા કરવી પણ મુશ્કેલ લાગી હતી અને એનજીઓએ સહકાર આપ્યો એટલે પછી આ રીતે તેમને બિલ ચૂકવી દેવાયાં. કોઈએ ભૂખ્યાને ખવડાવ્યું હોય તો એને પૈસા તો ચૂકવવા જ પડે. એ માનવતાનો ધર્મ છે. જે સંસ્થાઓએ કામગીરી કરી તેમના પર જો સવાલો ઊભા કરાશે તો ભવિષ્યમાં કોઈ પણ સંસ્થા મુશ્કેલીના સમયમાં આગળ નહીં આવે."

ભાજપ-કૉંગ્રેસની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, FB@Nitin Bhajiyawala

ઇમેજ કૅપ્શન,

નીતિન ભજીયાવાલા ભાજપ સુરત શહેર પ્રમુખ

આ દરમિયાન બીબીસીએ સમગ્ર મામલે સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવીનું શું કહેવું છે તે જાણવા તેમનો પણ સંપર્ક કર્યો પરંતુ તેમણે કહ્યું કે તેઓ આ મામલે તેઓ કોઈ સત્તાવાર નિવેદન આપવા આપવા નથી માગતા.

તેમનું કહેવું છે કે આ મામલે તેમના પક્ષના પદાધિકારી જ નિવેદન આપે તે યોગ્ય છે.

આથી બીબીસીએ ભાજપના સુરત શહેરના પ્રમુખ નીતિન ભજીયાવાળા સાથે વાતચીત કરી.

તેમણે બીબીસીને કહ્યું કે મેયરે પહેલાં જ કહી દીધુ છે કે આ મામલે તપાસ કરીશું.

તેમણે ઉમેર્યું, "મેં ખુદ કેટલાય લોકોને સ્વખર્ચે જમાડ્યા હતા પરંતુ મેં કોઈ બિલ નથી મૂક્યાં. વળી જો કોઈએ પહેલાં સેવા કરવાનો પ્રચાર કર્યો અને પછી બિલ મૂક્યાં તો એ યોગ્ય ન કહેવાય. આવું ન કરવું જોઈએ."

"અને જ્યાં સુધી પક્ષના લોકો દ્વારા આવી સંસ્થાઓના પ્રચારની વાત છે તો જો આવું કંઈક ધ્યાને આવશે તો ચોક્કસ એ વિશે પણ કામગીરી કરવામાં આવશે."

સુરત શહેરના મેયર જગદીશ પટેલે બીબીસીને જણાવ્યું કે છે તેઓ આ મામલે વધુ તપાસ કરાવશે.

જોકે તેમણે અન્ય આક્ષેપો પાયાવિહોણા હોવાનું પણ કહ્યું હતું.

'બિલની ચૂકવણીનો આંકડો શંકા ઊપજાવનારો'

ઇમેજ સ્રોત, FB@BABURAYKA

ઇમેજ કૅપ્શન,

સુરત શહેર કૉંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા

સામા પક્ષે શહેર કૉંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાનું કહેવું છે કે આ સમગ્ર મુદ્દે કંઈક તો ખોટું થયું જ છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું,"અમે મજબૂત રજૂઆત કરીશું અને તપાસ માટે પ્રયાસ કરીશું. કેમ કે જે રીતે ચર્ચાઓ થઈ રહી છે એ જોતા લાગે છે કે કંઈક તો ખોટું થયું છે."

મહાનગરપાલિકાની ભૂમિકા વિશે તેમણે કહ્યું, "શરૂઆતમાં લોકોને એમ હતું કે પાલિકા મફતમાં જમાડી રહી છે. તો પછી આ નવા ફૂડ પૅકેટવાળા ક્યાંથી બહાર આવ્યા? એટલે કંઈક તો ખોટું થયુ છે. અમે આગામી દિવસોમાં પત્રકારપરિષદ પણ કરીશું."

જોકે, સુરતના વરિષ્ઠ પત્રકાર અને દક્ષિણ ગુજરાતની બાબતોના જાણકાર મનોજ મિસ્ત્રીનું કહેવું છે કે જે પ્રકારે ચૂકવણીનો આંકડો બહાર આવ્યો છે તે શંકા સર્જનારો છે.

તેમણે વધુમાં કહ્યું, "ખરેખર ભોજનવિતરણ થતું હતું ત્યારે જ કેટલાક લોકોને શંકા હતી. જેટલા મોટા પાયે ભોજન જમાડવામાં આવ્યું હોવાની વાત છે, તો ખરેખર એટલી મોટી સંખ્યામાં લોકો ભૂખ્યા હતા જ નહીં."

"વળી, 5-6 રૂપિયાની કિંમતના ફૂડપેકેટના તેમણે 10-15 રૂપિયા ચૂકવ્યા છે. ઉપરાંત એ સમયે કોઈ ગણવા નહોતું ગયું. એટલે એનો કોઈ નિશ્ચિત હિસાબ જ નથી કે કોણે કેટલાં ફૂડપેકેટ વહેંચ્યાં."

"બીજી બાજુ 'છાંયડો' સહિતની અન્ય સંસ્થાઓએ પણ લાખો લોકોને ખવડાવ્યું. પણ તેમણે આવા કોઈ બિલ નથી મૂક્યા."

"જોકે એ સમયે ઍપિડેમિક ઍક્ટ લાગુ હતો એટલે કોઈ પ્રકારના ટૅન્ડરિંગની સિસ્ટમ લાગુ કરવી મુશ્કેલ હતી."

ભાજપની નજીકની વ્યક્તિઓને આ પ્રકારનાં બિલ ચૂકવાયાં હોવાની જે ચર્ચાઓ તથા વિપક્ષ કરેલા આક્ષેપોની બાબત વિશે પૂછતા તેમણે કહ્યું,"રાજનીતિમાં આવું થતું હોય છે, ભાજપ હોય કે કૉંગ્રેસ કેટલાંક કામો આપવા બાબતે આવી ભલામણો થતી રહેતી હોય છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો