રિપબ્લિક ટીવી સહિત ત્રણ ચેનલો પર પૈસા આપીને ટીઆરપી વધારવાનો આરોપ : મુંબઈ પોલીસ

મુંબઈ પોલીસ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

મુંબઈ પોલીસનું કહેવું છે કે તેણે એક એવા રૅકેટનો પર્દાફાશ કર્યો છે, જે અંતર્ગત ન્યૂઝ ચેનલો પૈસા આપીને ચેનલની ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ)ને વધારવાના પ્રયાસ કરતી હતી.

મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે ગુરુવારે એક પત્રકારપરિષદનું આયોજન કરીને સંબંધિત જાણકારી આપી હતી.

તેમના મતે પોલીસને અત્યાર સુધી આવી ત્રણ ચેનલો અંગે જાણકારી મળી છે, જે કથિત રીતે આ રૅકેટમાં સંડોવાઈ છે. પોલીસ કમિશનરે કહ્યું કે આમાં 'રિપબ્લિક ટીવી' પણ સામેલ છે. તેમના મતે રિપબ્લિક ટીવીએ ટીઆરપી સિસ્ટમ સાથે ગેરરીતિ આચરી છે.

જોકે, રિપબ્લિક ટીવીએ સંબંધિત તમામ આરોપો ફગાવી દીધા છે.

ચેનલના એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, "મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે રિપબ્લિક ટીવી પર ખોટો આરોપ લગાવ્યો છે. કેમ કે અમે સુશાંતસિંહ કેસના મામલે તેમના પર સવાલ ઉઠાવ્યા હતા."

"રિપબ્લિક ટીવી મુંબઈ પોલીસ કમિશનર વિરુદ્ધ ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કરશે. BARCનો એક પણ રિપોર્ટ એવો નથી, જેમાં રિપબ્લિક ટીવીનો ઉલ્લેખ હોય. "

"મુંબઈ પોલીસ કમિશનરે અધિકૃત રીતે માફી માગવી જોઈએ અથવા કોર્ટમાં અમને જોઈ લેવા માટે તૈયાર રહેવું જોઈએ. "

પોલીસ કમિશનર અનુસાર બે મરાઠી ચેનલના માલિકોની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે ટીઆરપીનો સીધો સંબંધ જાહેરાત થકી મળનારા પૈસા સાથે છે અને ટીઆરપીમાં થોડો પણ ફેર આવે તો આનાથી હજારો કોરોડની આવક પર અસર પડે છે.

પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી, તેમની પાસેથી 20 લાખ રૂપિયા જપ્ત કરવાનો દાવો કર્યો છે.

પોલીસ અનુસાર શંકાસ્પદ ચેનલોનાં બૅંકખાતાંની તપાસ કરાઈ રહી છે અને એ પણ જોવામાં આવી રહ્યું છે કે ખોટા ટીઆરપી થકી મેળવાયેલી જાહેરાત શું ગુનાનો પૈસો ગણાશે?

મુખ્ય આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

BARC નામની એજન્સી ટીઆરપી નક્કી કરે છે. મુંબઈ પોલીસ અનુસાર BARCએ આ કામ 'હંસા' નામની એક એજન્સીને આપ્યું હતું. પોલીસ અનુસાર આ એજન્સીના કેટલાક અધિકારીઓએ કોઈ ચેનલ વિશેષ પાસેથી પૈસા લઈને ટીઆરપી વધારવાનો સોદો કર્યો હતો.

મુંબઈમાં લગભગ બે હજાર બૅરોમીટર લગાવાયાં છે, જોકે, પોલીસનું કહેવું છે કે જો મુંબઈમાં આવું થઈ રહ્યું હોય તો એની સંપૂર્ણ આશંકા છે કે દેશના બીજા વિસ્તારોમાં પણ આ રમત રમાઈ રહી હોય.

પોલીસના મતે કેટલાંક ઘરોમાં કોઈ વિશેષ ચેનલને પોતાની ટીવી પર લગાવવા માટે દર મહિને લગભગ 400-500 રૂપિયા આપવામાં આવતા હતા.

પોલીસ કમિશનરે કહ્યું કે ચેનલોના જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે તપાસ અનુસાર જે કોઈને પણ બોલાવવાની કે પૂછપરછ કરવાની જરૂર પડશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, પછી તે ચેનલનો ગમે એટલો મોટો અધિકારી કેમ ન હોય.

પોલીસ કમિશનરે કહ્યું કે રિપબ્લિક ટીવીના માલિક અને એડિટર-ઇન-ચીફ અર્ણબ ગોસ્વામીને પણ સમન્સ મોકલવામાં આવશે.

કમિશનર અનુસાર સંયુક્ત આયુક્તના સ્તરના એક અધિકારીની દેખરેખ હેઠળ આ મામલે તપાસ કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો