રામવિલાસ પાસવાન કેમ કહેવાતા હતા 'મોસમ વૈજ્ઞાનિક'?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
રામવિલાસ પાસવાન

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું ગુરુવારે નિધન થઈ ગયું. તેમના પુત્ર અને સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આની જાણકારી આપી.

તેમણે પોતાના પિતાની તસવીર સાથે લખ્યું, "પાપા...હવે તમે આ દુનિયામાં નથી પણ મને ખબર છે કે તમે જ્યાં પણ હશો ત્યાં મારી સાથે હશો."

"મિસ યુ પાપા"

રામવિલાસ પાસવાન મોદી સરકારમાં ઉપભોક્તા મંત્રી હતા. લાંબા સમયથી તેમની તબિયત સારી નહોતી ચાલી રહી અને દિલ્હીની ઍસ્કૉર્ટ્સ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતા.

તેમના નિધનના સમાચાર આવતાં જ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું.

કેન્દ્રીય મંત્રિ નીતીન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યું, "ગરીબ, વંચિત તથા શોષિતના ઉત્થાનમાં પાસવાનજીનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે."

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યું, "રામવિલાસ પાસવાનજીના કસમયે નિધનના સમાચાર દુઃખદ છે. ગરીબ-દલિત વર્ગે આજે પોતાનો એક બુલંદ રાજકીય અવાજ ગુમાવી દીધો. તેમના પરિવારજનો સાથે મારી સંવેદના."

દલિતોના મજબૂત નેતા

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

બિહાર પોલીસની નોકરી છોડીને રાજનીતિના મેદાનમાં ઉતરેલા રામવિલાસ પાસવાન, કાંશીરામ અને માયાવતીની લોકપ્રિયતાના સમયમાં પણ બિહારના દલિતોના મજબૂત નેતા તરીકે લાંબો સમય સુધી ટકી રહ્યા હતા.

રાજકુમારી દેવી સાથે લગ્ન અને બે દીકરીઓ બાદ તેમણે રીના શર્મા સાથે લગ્ન કર્યાં જેમનાથી તેમને પુત્ર ચિરાગ પાસવાન અને એક દીકરી પણ છે.

બિહારની રાજનીતિમાં આવું ઘણી વાર થયું છે કે રામવિલાસ પોતાનાં પ્રથમ પત્ની, બંને દીકરીઓ અને ઓછામાં ઓછા એક જમાઈના કારણે ચૂપ રહેવા માટે મજબૂર રહ્યા હોય.

બિહારમા ગત વિધાનસભાની ચૂંટણીના સમયમાં તેમના પુત્ર ચિરાગ પાસવાને તેજસ્વી અને તેજ પ્રતાપ પર કેટલીક હલકી ટિપ્પણીઓ શરૂ કરી તો, લાલુના પુત્રોએ વળતા જવાબમાં રામવિલાસ પાસવાનના બીજા લગ્નની યાદ અપાવી ત્યાર પછી ચિરાગ પાસવાને મૌન સાધવું જ યોગ્ય સમજ્યું હતું.

ગત ચૂંટણીમાં તેમણે જ છેલ્લી ઘડીએ મુઝફ્ફરપુરની એક બેઠકથી પોતાનો ઉમેદવાર બદલીને એક જમાઈને ઊભા રાખવા પડ્યા હતા કેમ કે તેમના જમાઈએ આ મામલે ઘણો હંગામો કર્યો હતો. પછી થયું એવું કે જમાઈની તો જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી પરંતુ જે ઉમેદવાર બદલવામાં આવ્યા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી જીતી ગયા હતા.

રાજનીતિ પર પકડ

ઇમેજ સ્રોત, MAIL TODAY

અંગત જીવનો વિશે થતી ટીકા-ટિપ્પણીઓ છતાં તેઓ ઘણા પહોંચેલ રાજનેતા હતા. 50 વર્ષ સુધી ધારાસભ્ય અને સાંસદ જ નહીં પણ 1996થી લગભગ તમામ સરકારોમાં મંત્રી પણ રહ્યા.

તેમના અસાધારણ રાજકારણ સામે તમામ ચિત્ત થઈ ગયા. દેવગૌડા-ગુજરાલથી લઈને અટલ બિહારી વાજપેયી, મનમોહનસિંહ અને નરેન્દ્ર મોદી સહિતના અનેક વડા પ્રધાનોને સાધવું સાધારણ કામ નથી હોતું.

આ સિવાય તેમણે પોતાના કાર્યકર્તાઓ પર ખાસ ધ્યાન આપ્યું અને આટલા લાંબા સમય સુધી તેમના કાર્યકર્તાઓ અથવા સમર્થકોની નારાજગીની કોઈ મોટી વાત સામે ન આવી.એ મામૂલી વાત નથી.

તેઓ જ્યારે રેલમંત્રી બન્યા તો તેમણે પોતોના મતક્ષેત્ર હાજીપુરમાં રેલવેનું પ્રાદેશિક મુખ્યાલય બનાવડાવ્યું હતું.

તેમને રાજકારણના મોસમ વૈજ્ઞાનિક માનવામાં આવતા હતાં.

ક્યારેક તેમના મિત્ર રહેલા અને ક્યારેક વિરોધી રહેલા લાલુ યાદવે તેમને 'સૌથી મોટા મોસમ વૈજ્ઞાનિક'ની પદવી આપી હતી.

વરિષ્ઠ પત્રકાર અરવિંદ મોહનના જણાવ્યા અનુસાર તેમના વિશે કહેવાતું હતું કે તેઓ રાજકારણમાં આવી રેહલા ફેરફારોને સૌથી પહેલાં અને સૌથી સારી રીતે ઓળખી લેતા હતા.

એ પાછળ તેમનો લાંબો રાજકીય અનુભવ અને પોતાના ફાયદો જોવાની આદત પણ હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો