યતીન ઓઝાને દોષી ઠેરવતાં ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું? - TOP NEWS

ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Kalpit bhachech

ગુજરાત હાઈકોર્ટે વકીલ યતીન ઓઝા સામેના અદાલતી અવમાનના કેસમાં ચુકાદો આપતાં કહ્યું કે વકીલે કરેલાં સારાં કાર્યો તેમને કોર્ટ પર હુમલો કરવાનો પરવાનો આપતાં નથી.

ધ હિંદુના અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે વકીલ યતીન ઓઝાને કોર્ટની અવમાનના બદલ બે હજાર રૂપિયાનો દંડ અને 'રાઇઝિંગ ઑફ ધ કોર્ટ'ની સજા ફટકારી છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણી અને એન. વી. અંજારિયાની ખંડપીઠે અદાલતની અવમાનના કેસનો ચુકાદો સંભળાવ્યો હતો.

કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું છે કે "કોઈ પણ વ્યક્તિ સંસ્થાથી મહાન હોતી નથી."

"વકીલો માટે અવાજ ઉઠાવવાને નામે, તેઓ કે તેણી સંસ્થાની ઇમેજ ખરડાય એ રીતે અભિવ્યક્તિ અને કથનની કોઈ પણ હદે ન જઈ શકાય."

"તેમનું કોઈ પણ કૃત્ય અથવા તેમણે કરેલાં સારાં કામો અદાલત પર હુમલો કરવાનો પરવાનો આપતાં નથી."

યતીન ઓઝાના વકીલે અપીલમાં જવા માટે સ્ટે માગતાં હાઈકોર્ટે આ ઑર્ડર પર સ્ટે આપ્યો હતો.

હાઈકોર્ટના પૂર્વ સિનિયર કાઉન્સિલર યતીન ઓઝાએ પાંચમી જૂને કોર્ટની રજિસ્ટ્રી પર પક્ષપાત કરવાનો અને કોર્ટમાં 'ભ્રષ્ટાચાર'ના આક્ષેપ કર્યા હતા. જોકે તેને પુરાવા આપી શક્યા ન હતા.

હળદર અને ઉકાળાથી કોરોનાની સારવાર મામલે મોદી સરકાર પર તબીબોના સવાલ

ઇમેજ સ્રોત, Getty Images

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાઇરસના ઉપચાર માટે આયુર્વેદિક પદ્ધતિ અને યોગના ઉપચારની ગાઇડલાઇન જાહેર કરી છે. આ પછી ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને તેની સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

હળદર અને ઉકાળાથી કોરોનાની સારવાર મામલે પણ બંને પક્ષો વચ્ચે મતાંતર છે.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કેન્દ્રીય આરોગ્યમંત્રીને પૂછ્યું હતું કે કોરોના વાઇરસની જવાબદારી કેમ આયુષ મંત્રાલયને સોંપવામાં આવતી નથી?

તેમણે પૂછ્યું, "તમારા મંત્રાલયના કેટલા સાથીઓએ આ પ્રોટોકોલ હેઠળ સારવાર લેવાનું પસંદ કર્યું છે."

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનના વૈજ્ઞાનિક પુરાવાઓ માગ્યા છે અને તમામ પુરાવાઓને જાહેર લોકો જાણી શકે તે માટે મૂકવા માટે કહ્યું છે.

અલંગ તરફ આવતા જહાજમાં જોખમી મટીરિયલ હોવાની ઍલર્ટ

ઇમેજ સ્રોત, SEA SHEPHERD

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગુજરાતના દરિયાકાંઠે આવી રહેલા એક જહાજને લઈને ગુજરાત સરકારના વિભાગે ઍલર્ટ જાહેર કરી છે.

શિપ રિસાઇકલિંગ ઇન્ડસ્ટ્રીસ ઍસોસિયેશનના માનદ સેક્રેટરીએ કહ્યું, "ગુજરાત પોલીસ દ્વારા અમને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે તમારા સભ્યોને જાણ કરો કે આ શિપને ખરીદવામાં ન આવે. હવે એવું લાગી રહ્યું છે કે આ જહાજને કોઈ નહીં ખરીદે."

ગુરુવારે ભારતીય પર્યાવરણ પર સંશોધન કરતી સંસ્થા ટૉક્સિક લિંકે એક પત્ર લખીને જાણ કરી હતી કે 'જે નેટ' નામના જહાજ પર '1500 ટન જોખમી મટીરિયલ' છે.

ગુજરાતમાં જહાજ તોડવાની પ્રવૃતિ પર ધ્યાન રાખતી સંસ્થા ગુજરાત મૅરિટાઇમ બોર્ડના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું, "ઇન્ટેલિજન્સ બ્યૂરો અને કોસ્ટગાર્ડે પણ આ જહાજને લઈને તપાસ કરી છે. આ પ્રકારનું કોઈ જહાજ આવનારા પાંચ દિવસમાં અલંગમાં આવવાનું નથી. તેના કોઈ ચોક્કસ અહેવાલ નથી અને કોઈ શિપ બ્રેકરેતેની જાહેરાત કરી નથી."

અધિકારીએ વધુમાં કહ્યું, "અમે ચાર મહિના પહેલાં જ ઍલર્ટ કરી દીધી હતા અને હાલ પણ તપાસ ચાલુ છે."

બોલવાની આઝાદીનો હાલના દિવસોમાં સૌથી વધારે દુરુપયોગ - સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ધ વાયરના અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે હાલના સમયમાં બોલવાની અને અભિવ્યક્તિની આઝાદીના અધિકારનો 'સૌથી વધારે' દુરુપયોગ થયો છે.

સુપ્રીમ કોર્ટમાં હાલ તબલિગી જમાતના કેસમાં મીડિયા કવરેજને લઈને કેસ ચાલી રહ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે આવું કહ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ વી.રામાસુબ્રમણિયનની પીઠે વીડિયો કૉન્ફરન્સિંગથી જમીયત-ઉલેમા-એ-હિંદ અને અન્યની અરજી પણ સુનવણી કરતાં સરકાર તરફથી કરેલા જવાબને 'જવાબથી બચવાવાળો' અને 'નિર્લજ્જ' કહ્યો છે.

તેમણે કહ્યું, "બોલવાની અને અભિવ્યક્તિની આઝાદીનો હાલના સમયમાં સૌથી વધારે દુરુપયોગ થઈ રહ્યો છે."

જોકે પીઠ એ વાતથી નારાજ હતી કે સૂચના પ્રસારણમંત્રાલયના સચિવની જગ્યાએ અધિક સચિવે ઍફિડેવિટ દાખલ કરી, જેમાં તબલિગી જમાતના મુદ્દા પર 'બિનજરૂરી' અને 'બેતુકી' વાતો કહેવામાં આવી છે.

પીઠે આકરી રીતે કહ્યું, "તમે આ કોર્ટની સાથે આ પ્રકારનું વર્તન કરી ન શકો, જેવું આ કેસમાં તમે કરી રહ્યા છો."

ગુજરાતમાં મહિલાઓની સલામતીનો દાવો ખોટો - હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, TWITTER/HARDIK PATEL

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત કૉંગ્રેસના કારોબારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જામનગર કથિત રેપ કેસનાં પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા હતા.

હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યસભાના સંસદસભ્ય પરિમણ નથવાણીના ટ્વીટને ટાંકીને કહ્યું તેમનું છેલ્લું ટ્વીટ કહે છે કે જિલ્લામાં ભયનો માહોલ છે.

હાર્દિકે કહ્યું, "CAGના અહેવાલ અનુસાર ગુજરતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 3500 રેપ થયા છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં શાંતિ અને સલામતીની સરકારની વાત ખોટી છે. આ ઘટના પરિમલભાઈની વાતનો પુરાવો આપે છે."

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કહે છે, "આ પ્રકારની ઘટનાઓને સાંખી લેવાય નહીં. અમે અહીં રાજકીય ટીકાટીપ્પણી કરવા આવ્યા નથી. હું વિજય રૂપાણી સરકારને પણ કહેવા માગુ છું કે પીડિતા અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે આપણે સાથે ઊભા રહીએ."

બિહાર ચૂંટણી : દાવેદાર પૂર્વ ડીજીપીની જગ્યાએ કૉન્સ્ટેબલને ટિકિટ

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર બિહારની વિધાનસભાની ચૂંટણીમાં જ્યાંથી બિહારના પૂર્વ ડીજીપી ચૂંટણી લડવાના હતા, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કૉન્સ્ટેબલને ટિકિટ આપી છે.

પાર્ટીએ અહીંથી સૌથી જૂના કાર્યકર્તા પરશુરામ ચતુર્વેદીને ઉમેદવાર બનાવ્યા છે. પરશુરામ ચતુર્વેદી બિહાર પોલીસના પૂર્વ કૉન્સ્ટેબલ છે.

હકીકતમાં બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ચૂંટણી પહેલાં સ્વૈચ્છિક નિવૃતિ લઈને જેડીયુમાં જોડાઈ ગયા હતા.

ચર્ચા હતી કે તેમને બક્સર અથવા બ્રહ્મપુરથી ચૂંટણીની ટિકિટ આપવામાં આવશે. પરંતુ તેમને બંનેમાંથી કોઈ પણ જગ્યાએ ટિકિટ આપવામાં આવી નથી.

ભાજપ અને જેડીયુ વચ્ચે ગઠબંધન હોવાના કારણે આ સીટ પરથી જેડીયુના સ્થાને ભાજપે પૂર્વ કૉન્સ્ટેબલને ટિકિટ આપી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો