અમેરિકાના કેન્ટુકીમાં વાવાઝોડાને લીધે 50 લોકોનાં મોતની આશંકા - BBC TOP NEWS

અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યના ગવર્નર એન્ડી બેશિયરે આ વાવાઝોડાને કેન્ટુકીના ઇતિહાસનું સૌથી ખરાબ વાવાઝોડું ગણાવ્યું હતું.

તેમણે કહ્યું છે કે મૃત્યુઆંક 100 સુધી પહોંચી શકે છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

શુક્રવારની રાત્રે આવેલા વાવાઝોડાએ દક્ષિણ ઇલિનૉઇસમાં એમેઝોન વેરહાઉસને તબાહ કરી નાખ્યું હતું.

અમેરિકાના ઘણા પ્રદેશોમાં સતત વાવાઝોડું ફૂંકાઈ રહ્યુ છે, જેના કારણે ઘણા કર્મચારીઓ એમેઝોનના વેરહાઉસમાં ફસાયેલા છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે લગભગ 100 લોકો મેફિલ્ડની મીણબત્તી બનાવતી ફેક્ટરીમાં હતા.

બેશિયરે કહ્યું છે કે "મને લાગે છે કે આપણે એ ફેક્ટરીમાંથી ઓછામાં ઓછા 12 ગુમાવીશું."

વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે કે શુક્રવારની રાત્રે આવેલા વાવાઝોડાએ દક્ષિણ ઇલિનૉઇસમાં એમેઝોન વેરહાઉસને તબાહ કરી નાખ્યું હતું.

છત ધરાશાયી થવાથી કેટલા લોકો ઘાયલ થયા તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિક ઇમરજન્સી સેવા સંસ્થાએ ફેસબુક પર જણાવ્યું છે કે તેનાથી ભારે નુકસાન થયું છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતી સારાહ બિયેરમેને કહ્યું છે કે તેમના સાથીની હજુ કોઈ ભાળ મળી નથી.

ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથે વાત કરતા તેમણે કહ્યું, "મેં તેની સાથે આજે રાત્રે લગભગ 8 વાગ્યે વાત કરી હતી. તે પહેલાં મેં તેને મેસેજ કર્યો હતો. અને તે પોતાની વાન મૂકવા માટે વેરહાઉસ જઈ રહ્યા હતા. તે પછીથી મારી તેમની સાથે વાત નથી થઈ શકી."

અમિત શાહે કહ્યું, 'મોદી સરકાર બાદ જ હિંદુ મંદિરોને માન મળ્યું'

ઇમેજ સ્રોત, Getty Images

ઉમિયાધામના શિલાન્યાસ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું.

જેમાં તેમણે કહ્યું કે, "ભારતમાં વર્ષોથી હિંદુઓનાં મંદિરો અપમાનિત હતાં, 2014માં મોદી સરકાર આવી એ બાદ આ મંદિરોને ફરી માન મળ્યું છે."

તેમણે કહ્યું કે, "ઉત્તરાખંડમાં આવેલી હોનારત બાદ હમણાં જ વડા પ્રધાન મોદીએ ફરી સમગ્ર કેદારધામના પુનર્વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું અને થોડા દિવસોમાં જ કાશી વિશ્વનાથ મંદિરનું નવું નજરાણું આપ સૌ સમક્ષ મુકાશે."

ઉમિયાધામને લઈને તેમણે કહ્યું કે, "આપણા દેશમાં મંદિરો માત્ર ધર્મનાં કેન્દ્રો જ નહીં, પરંતુ સમાજસેવા અને ઊર્જાનાં કેન્દ્રો પણ રહ્યાં છે. આ પાટીદારોનું ઊર્જાકેન્દ્ર બનીને રહેશે."

પાકિસ્તાની રૂપિયો તળિયે, એક ડૉલર એટલે 178 પાકિસ્તાની રૂપિયા

ઇમેજ સ્રોત, Getty Images

વધી રહેલી મોંઘવારી અને ખાલી થઈ રહેલાં વિદેશી હૂંડિયામણના કારણે પાકિસ્તાની રૂપિયો ડૉલરની સરખામણીએ રેકૉર્ડ સ્તરે તૂટ્યો છે. શુક્રવારે 0.06 ટકા ઘટીને 177.71 પ્રતિ ડૉલર થઈ ગયો હતો.

ટૉપલાઇન સિક્યૉરિટીઝના એક સર્વે પ્રમાણે, આર્થિક બજારમાં 43 ટકા લોકોનું માનવું છે કે વર્ષ 2022ના અંત સુધીમાં પાકિસ્તાની રૂપિયો અમેરિકન ડૉલરની તુલનામાં 180-185 સુધી પહોંચી જશે.

પાકિસ્તાની રૂપિયો છેલ્લા સાત મહિનાથી નબળો પડી રહ્યો છે અને આ વર્ષે 14 મેના રોજ 22 મહિનાની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો હતો.

ત્યાર બાદથી અત્યાર સુધીમાં તેમાં 16.7 ટકા એટલે કે 25.44 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

જાહેરમાં નમાજને જરાય સાંખી નહીં લઈએ - હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુરુગ્રામમાં જાહેરમાં નમાજ પઢવા મુદ્દે ટિપ્પણી કરી છે.

હરિયાણાના ગુરુગ્રામમાં જાહેરમાં નમાજ પઢવા અંગે હિંદુવાદી સંગઠનોના વિરોધ વચ્ચે હરિયામાના મુખ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે જાહેરમાં 'નમાજ પઢવાને જરાય સાંખી નહીં લેવાય.'

શુક્રવારે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, "જાહેરમાં નમાજ પઢવાને સાંખી નહીં લઈએ અને આના નિરાકરણ માટે નવી રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."

તેમણે જણાવ્યું કે, "ગુરુગ્રામમાં જે પણ સ્થળોએ જાહેરમાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી, તેને પાછી ખેંચી લેવામાં આવી છે."

વર્ષ 2018માં હિંદુ અને મુસ્લિમ સમુદાયોમાં જાહેરમાં નમાજ પઢવાને લઈને સર્જાયેલા વિવાદ વચ્ચે 37 સ્થળો પર નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.

છેલ્લા બે મહિનાથી દર શુક્રવારે હિંદુવાદી સંગઠનો ત્યાં વિરોધપ્રદર્શન કરી રહ્યાં છે.

ઓમિક્રૉન વૅરિયન્ટ : ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં ઘેરાઈ રહ્યું છે સંકટ?

ઇમેજ સ્રોત, Getty Images

શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના વધુ સાત કેસો નોંધાયા છે, જેની સાથે દેશમાં આ વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 32 થઈ ગઈ છે.

સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી હતી કે, નોંધાયેલા નવા 7 કેસો પૈકી 3 મુંબઈના છે અને 4 પીંપરી ચિંચવાડના રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અહીં કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ કેસોની સંખ્યા 17 થઈ ગઈ છે.

હાલમાં દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટનાં કુલ કેસોની સંખ્યા 32 છે.

જે પૈકી સૌથી વધુ 17 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારબાદ નવ કેસ રાજસ્થાનમાં છે, 3 કેસ ગુજરાતમાં છે, 2 કેસ કર્ણાટકમાં અને 1 કેસ દિલ્હીમાં નોંધાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો