આદિવાસી મહિલાઓનાં જીવનમાં અજવાળું પાથરતી મહિલા સહકારી બૅન્ક

હાંગાતી બૅન્ક

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડળ ગામે આદિવાસી સહકારી મહિલા બૅન્ક 35 ગામોની મહિલાઓનાં જીવનમાં અજવાળું પાથરી રહી છે.

1999થી કાર્યરત્ આ સહકારી બૅન્ક સ્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આદિવાસી વિસ્તારની મહિલાઓને નાણાકીય રીતે પગભર કરવાની સાથોસાથ બૅન્ક મહિલાઓને રોજગારી પણ પૂરી પાડી રહી છે.

આજે સમગ્ર તાપી જિલ્લામાં માંડળ ગામની આ સહકારી બૅન્ક સૌથી સારી નાણાકીય સ્થિતિમાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં બૅન્કનાં પ્રમુખ કમળાબહેન ગામીત જણાવે છે કે, "આદિવાસી મહિલાઓ ઊંચા વ્યાજે પૈસા ઉછીને લેતાં હતાં અથવા સોનારા પાસે પોતાનું ઘરેણાં ગીરો મૂકતાં હતાં. ગરીબ મહિલાઓને વ્યાજના ચક્કરમાંથી છોડાવવા માટે અમે આ બૅન્કની શરૂઆત કરી હતી."

"આજે અમારા 3470 સભાસદો છે અને બૅન્કનું ભંડોળ 4 કરોડ રૂપિયા છે. મહિલા સભાસદો દર મહિને પોતાની ક્ષમતા મુજબ નાણાં જમા કરાવે છે, જે 5 રૂપિયા પણ હોઈ શકે અથવા 1000 રુપિયા પણ. સભાસદોને પૈસાની જરૂર હોય ત્યારે તેમને વ્યાજે પૈસા આપવામાં આવે છે."

તાપી જિલ્લામાં માંડળ ગામની આ બૅન્ક, મહિલા સહકારી બૅન્ક તરીકે પણ ઓળખાય છે કારણ કે નવ લોકો જે અહીં કામ કરે છે તે બધી મહિલાઓ છે, ફિલ્ડ સ્ટાફમાં પણ મહિલા છે અને સભાસદો પણ.

બૅન્કમાં સભાસદોને વાર્ષિક ચાર ટકાનું વ્યાજ આપવામાં આવે છે અને લોનના બદલામાં વાર્ષિક 12 ટકાનું વ્યાજ લેવામાં આવે છે.

700 સભ્યો અને 9000 રૂપિયાની મૂડીથી શરુ થઈ

બૅન્ક જ્યારે શરૂ થઈ ત્યારે માત્ર 700 સભ્યો હતાં અને મૂડી માત્ર 9000 રૂપિયા હતી. શરૂઆતમાં માત્ર માંડળ ગામની મહિલાઓ હતી, જેમાં આજુબાજુની ગામની મહિલાઓ જોડાઈ અને આજે બૅન્કમાં 35 ગામનાં મહિલાઓ સભ્ય છે.

બૅન્કની સ્થાપના વિશે વાત કરતાં કમળા ગામીત કહે છે, "બૅન્ક શરૂ કરવા માટે અમને ઘણી તકલીફ પડી છે. પુરુષપ્રધાન સમાજમાં આ કાર્ય કરવું અઘરું હતું. લોકો કહેતા કે બહેનો બૅન્ક ન ચલાવી શકે અને કોઈ પણ પ્રકારનો હિસાબ પણ ન રાખી શકે. આ બધી વાતોની પરવા કર્યા વગર અમે આગળ વધ્યાં અને બૅન્કની સ્થાપના કરી."

"અહીં કામ કરતી બહેનોને શરૂઆતમાં તેમનાં ઘરમાંથી પણ જોઈએ એવો સહકાર મળતો નહોતો, પરતુ્ં સમય જતાં આમાં પરિવર્તન આવ્યું છે. બૅન્કની સફળતા જોઈને સમાજ પણ માનતો થયો છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે છે."

આદિવાસી મહિલાઓની જીવનમાં પરિવર્તન આવ્યું છે

ફિલ્ડ વર્કર આશાબહેન જણાવે છે કે, "ગુજરાત સરકાર દ્વારા બૅન્કને માત્ર કૉમ્પયુટરની સહાય કરવામાં આવી છે અને આખી બૅન્ક અમે જાતે ઊભી કરી છે. મહિલાઓમાં બચત અને ધિરાણ વિશેની સમજ કેળવવાની સાથેસાથે અમે તેમને પગભર બનાવવાના પ્રયાસો પણ કરીએ છીએ."

આશાબહેન 7 ગામોમાં જઈને સભાસદો પાસેથી બચતની રકમ ભેગી કરે છે. તેઓ પોતે પણ સભાસદ છે અને નિયમિત રીતે બચત કરે છે.

તેઓ વધુમાં જણાવે છે કે, "ખેતીવાડી, પશુપાલન અને શિક્ષણ માટે બૅન્ક દ્વારા ધિરાણ આપવામાં આવે છે, જે એકદમ સરળ નિયમો પર આપવામાં આવે છે. ઘણાં સભાસદોએ મકાન બાંધવા માટે પણ લોન લીધી છે. માત્ર બૅન્કનાં સભાસદોને લોન આપવામાં આવે છે."

છેલ્લાં 20 વર્ષથી નિયમિત રીતે બેંકમાં બચત કરી રહેલાં માંડળ ગામનાં મીરાંબહેન ગામીત કહે છે કે, "નાની બચત દ્વારા મેં સારી એવી મૂડી ભેગી કરી છે. શિક્ષણ અને મકાન બનાવવા માટે જ્યારે મને પૈસાની જરૂર હતી, ત્યારે બૅન્ક દ્વારા જોઈતી મદદ કરવામાં આવી હતી."

"હું 20 રૂપિયાથી લઈને 1000 રુપિયા સુધીની દર મહિને બચત કરું છું. મારી બચત મને જરૂરીયાતના સમયમાં ઘણી મદદરૂપ પુરવાર થઈ છે. મારા ગામની બધી મહિલાઓ આ બૅન્કની સભ્ય છે."

તાપી જિલ્લામાં અને ગુજરાતમાં માંડળ ગામ એ હાંગાતીના ગામ તરીકે ઓળખાય છે, જે આદિવાસી બહેનો માટે ગૌરવ લઈ શકાય તેવી બાબત છે. જ્યારે પણ તાપી જિલ્લામાં મહિલા બચત અંગેની વાત નીકળે છે ત્યારે માંડળ ગામ અને હાંગાતી બૅન્કનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે.

હાંગાતી એટલે બહેનપણીઓ

બૅન્ક જે બિલ્ડિંગમાં ચાલે છે, તેનું નામ હાંગાતી છે. તાપી જિલ્લામાં ગામીત સમાજનો બહુ મોટો વર્ગ છે. આદિવાસી ગામીત બોલીમાં બહેનપણીને હાંગાતી કહેવામાં આવે છે.

છેલ્લાં 21 વર્ષથી આ બૅન્ક તેનાં સભ્યોની ખરી સહેલી સાબિત થઈ રહી છે. આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત અને આદિવાસી મહિલા સભાસદો ધરાવતી આ સહકારી બૅન્ક તેની વિશ્વસનીયતાને કારણે તાપી જિલ્લાની કરોડપતિ બૅન્ક બની ગઈ છે.

ફિલ્ડ વર્કર અરુણા ગામીત જણાવે છે કે, "ગુજરાતમાં દલિત અને આદિવાસી મહિલા સંચાલિત આવી 32 જેટલી સહકારી મંડળી છે આ તમામમાં સોનગઢના માંડળની હાંગાતી બહેનોની મંડળી આર્થિક રીતે સહુથી મોખરે છે."

ગુજરાતમાં 220 સહકારી બૅન્કો

ગુજરાતમાં 220 અર્બન સહકારી બૅન્કો હાલ કાર્યરત્ છે. ગુજરાત અર્બન કૉ-ઓપરેટીવ બૅન્ક્સ ફેડરેશન અનુસાર રાજ્યમાં 31 માર્ચ 2017 સુધી 220 બૅન્કો છે અને કુલ શાખાઓની સંખ્યા 1023 છે.

આ બૅન્કોમાં કુલ ડિપૉઝિટ 50174 કરોડ રૂપિયા છે, જ્યારે બધી બૅન્કોનું કુલ ધિરાણ 26954 કરોડ રૂપિયા છે. 220 બૅન્કોની કુલ વર્કિંગ કૅપિટલ 62801 કરોડ રૂપિયા છે.

ફેડેરેશન અનુસાર સહકારી બૅન્કોનો નફો સતત વધી રહ્યો છે. ફેડેરેશન અનુસાર 2017માં ગુજરાતમાં સહકારી બૅન્કોનો નફો 548 કરોડ રૂપિયા હતો, જ્યારે 2016માં નફાનો આંકડો 359 કરોડ રૂપિયા હતો.

ગુજરાતમાં સહકારી બૅન્કોની જે 1023 શાખાઓ છે, તેમાં સભાસદોની સંખ્યા 2017 પ્રમાણે 29,55,564 છે. થાપણદારોની સંખ્યા 1,01,12,212 છે જ્યારે લોન લેનાર વ્યક્તિઓની સંખ્યા 5,71,724 છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો