IND Vs AUS બ્રિસબેન ટેસ્ટ : જેનો ત્રણ દાયકાથી કાંકરો નથી ખર્યો એ ઑસ્ટ્રેલિયન ગઢ ટીમ ઇન્ડિયા જીતી શકશે?

  • તુષાર ત્રિવેદી
  • વરિષ્ટ રમતગમત પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
અજિંક્ય રહાણે

ઇમેજ સ્રોત, EPA/SCOTT BARBOUR

હાલમાં ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ચાર ટેસ્ટની સિરીઝ 1-1થી સરભર છે અને હવે ટીમ તેના આખરી પડાવ બ્રિસબેનમાં છે. જ્યાં 15મી જાન્યુઆરીથી ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાલમાં તો ભારત પાસે છે. 2018-19માં વિરાટ કોહલીની ટીમે સિરીઝ જીતી હતી. હવે તેણે આ ટ્રોફી જાળવી રાખવાની છે અને બંને ટીમ આ માટે આકરી મહેનત કરી રહી છે ત્યારે સિરીઝનું પરિણામ અંતિમ ટેસ્ટ પર આવી પહોંચ્યું છે અને ભારતની ટીમ પર ઈજાગ્રસ્ત ખેલાડીઓને કારણે ચિંતાના વાદળ છવાયેલાં છે.

બ્રિસબેન ખાતે રમાનારી મૅચ નિર્ણાયક બની ગઈ છે. ભારતે સિડનીમાં અદ્ભુત લડત આપીને મૅ્ચ બચાવી લીધી હતી.

આ મૅચ ભારત જીતી શકે તેમ હતું જ નહીં પરંતુ છેલ્લા દિવસે રિષભ પંતે થોડા સમય માટે ચમત્કાર દાખવ્યો તેને કારણે મૅચ ભારતના પક્ષમાં આવે તેવી શક્યતા થોડા સમય માટે જોવા મળી હતી.

અંતે હનુમા વિહારીએ અડીખમ બૅટિંગ કરીને મૅચ બચાવી લીધી. જો સિડનીમાં જ ભારત હારી ગયું હોત તો તો સિરીઝનું પરિણામ ત્યાં જ નક્કી થઈ ગયું હોત પણ નવા વર્ષની પહેલી ટેસ્ટને અંતે પણ સ્કોર 1-1થી જ સરભર રહ્યો હતો.

માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની કોઈ પણ ટીમ માટે બ્રિસબેનમાં જીતવું ક્યારેય આસાન રહ્યું નથી.

હકીકત તો એ છે કે 1988ના નવેમ્બરમાં એટલે કે 32 વર્ષ અગાઉ બ્રિસબેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિયન રિચાર્ડ્સની આગેવાની હેઠળની કેરેબિયન ટીમે ટેસ્ટ જીતી હતી.

ગોર્ડન ગ્રિનીજ, ડેસમન્ડ હેઇન્સ, માલ્કમ માર્શલ અને કર્ટની વોલ્શ જેવા ધુરંધરોની મદદથી વેસ્ટ ઇન્ડિઝે નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.

બસ, છેલ્લા 32 વર્ષમાં ગાબા ખાતે ઑસ્ટ્રેલિયાનો આ એકમાત્ર પરાજય હતો.

આ સિવાય ગાબા ખાતે 1989થી અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયા 31 ટેસ્ટ રમ્યું છે અને તેમાંથી 24 મૅચમાં તેનો વિજય થયો છે જ્યારે સાત મેચ ડ્રૉ રહી છે.

ભારતીય ટીમમાં ફોર્મ અને ફિટનેસમાં સાતત્યનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રિષભ પંત

ભારત માટે આશ્વાસનરૂપ બાબત એક જ છે કે આ સાત ડ્રૉ ટેસ્ટમાંથી એક મૅચમાં તે રમ્યું હતું. 2003-04માં સૌરવ ગાંગુલીની ટીમે અહીં ડ્રૉ કરાવવામાં સફળતા હાંસલ કરી હતી.

એ મૅચમાં સૌરવ ગાંગુલીએ ખુદે 144 રન ફટકાર્યા હતા તો બૉલિંગમાં ઝહીર ખાને કમાલ કરીને પાંચ વિકેટ ખેરવી હતી.

ભારત પાસે અત્યારે બૅટિંગ અને બૉલિંગ બંને મજબૂત છે એટલે તે લડત આપી શકે તેવી સ્થિતિમાં છે પરંતુ સૌથી મોટી ચિંતા અડધી ટીમ ઈજાગ્રસ્ત છે એની છે. બીજી તરફ કાંગારુ ટીમમાં એવા કોઈ સુપરસ્ટાર ખેલાડીઓ નથી પણ તેમની આક્રમકતામાં સહેજે ઘટાડો થયો નથી.

ઇમેજ સ્રોત, EPA/DEAN LEWINS

સ્ટિવ સ્મિથ ફોર્મમાં આવી ગયા છે, મેરનસ લબુશેન પણ સારી બૅટિંગ કરી રહ્યા છે. પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્ક પ્રતિભાશાળી છે જેની સામે આ સિરીઝમાં ભારતે સારો દેખાવ કરેલો છે એટલે ભારત પાસે બ્રિસબેનમાં લડતની અપેક્ષા રાખી શકાય પણ સાથે સાથે એ પણ જોવાનું કે આ વખતની ભારતીય ટીમ પાસે ફોર્મ અને ફિટનેસ બંનેમાં સાતત્યનો અભાવ છે.

કોરોનાકાળ બાદ ખેલાડીઓ તેમની ફિટનેસ જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે.

એક તરફ વિરાટ કોહલીની ગેરહાજરી, મોહમ્મદ શમી કે ઉમેશ યાદવની પણ ગેરહાજરી અને તેમના વિના માત્ર 17 ટેસ્ટના અનુભવી હોવા છતાં એકદમ જ સિનિયર બની ગયેલા જસપ્રિત બુમરાહ સામે અપેક્ષાઓનો ભાર છે પણ તેઓની ફિટનેસ પણ શંકામાં છે.

રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, સિડની ટેસ્ટમાં છેલ્લા દિવસે નહીં પરંતુ છેલ્લા કલાકોમાં હીરો બની ગયેલા હનુમા વિહારી પણ ઘાયલ છે.

ભારતનું બિનઅનુભવી બૉલિંગ આક્રમણ

ઇમેજ સ્રોત, ICC TWITTER/ANI PHOTO

ઇમેજ કૅપ્શન,

ભારત માટે કેટલો મુશ્કેલ રહેશે બ્રિસ્બેન ટેસ્ટનો મુકાબલો?

બૉલિંગમાં રવિચંદ્રન અશ્વિનને બુમરાહની સાથે ભારતનો સ્ટ્રાઇક બૉલર ગણી શકાય પણ આ વખતે બ્રિસબેનમાં રમવાનું છે. મેલબોર્ન અને સિડની કરતાં બિલકુલ વિપરીત પરિસ્થિતિમાં રમવાનું છે. જોકે, બુમરાહ રમશે કે નહીં તે હજી નક્કી નથી. ડૉક્ટરો મહેતન કરી રહ્યા છે પણ આખરી ઇલેવન સુધી કહી શકાય એમ નથી.

ભારત સામે મોટો પડકાર ગાબાની પિચ રહેશે. ભારતે ભલે મેલબોર્ન ટેસ્ટ જીતી હોય અને સિડની ટેસ્ટ ડ્રૉ કરાવી હોય પણ બ્રિસબેન અલગ બાબત છે.

અહીંની વિકેટ ઝડપી બૉલર્સને જ મદદરૂપ થતી હોય છે. જસપ્રિત બુમરાહ જેવા બૉલર કમાલ કરી શકે પણ તેઓ ઘાયલ છે. તેમની સામે મિશેલ સ્ટાર્ક,જોઝ હેઝલવૂડ અને કમિન્સ છે. નાથાન લાયન પણ અહીં અસરકારક રહ્યા છે.

આ બૉલરોની સરખામણીએ ભારતનું બૉલિંગ આક્રમણ બિનઅનુભવી છે. મહોમ્મદ સિરાઝ અને ટી નટરાજન પાસે અનુભવ નથી. સૈની પણ નવોદિત છે.

2013-14માં આ જ મેદાન પર ભારતનો પરાજય થયો ત્યારે હેઝલવૂડ સામે મુરલી વિજયને બાદ કરતાં બાકીના બૅટ્સમૅન લાચાર પુરવાર થયા હતા.

બીજા દાવમાં શિખર ધવને 81 રન ફટકાર્યા હતા પરંતુ મિશલ જ્હોનસનનું રોલર ફરી વળ્યુ અને બાકીના બૅટ્સમૅનનો ધબડકો થયો હતો.

ભારતનો બ્રિસબેનમાં ખરાબ ઇતિહાસ

ઇમેજ સ્રોત, EPA/DEAN LEWINS

વર્તમાન સિરીઝમાં અજિંક્ય રહાણેની સદી કે રિષભ પંતની ઇનિંગ્સને બાદ કરતાં ભારત કે ઇવન એકાદ બે ઇનિંગ્સને બાદ કરતાં ઑસ્ટ્રેલિયાએ બૅટિંગમાં ખાસ કમાલ કરી નથી.

તેનો અર્થ એ થયો કે સિરીઝમાં બૉલરોનું જ વર્ચસ્વ રહ્યું છે. જે જે મૅચમાં પરિણામ આવ્યાં છે તે તમામમાં બૉલિંગને કારણે જ ટીમને લાભ થયો છે. અને બૉલિંગમાં તો બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયાના બૉલર કોઈને ફાવવા દે તેમ નથી. આ જ બાબત ભારત સામે મોટો પડકાર બની રહેવાની છે.

બ્રિસબેનના મેદાન પર ભારત છમાંથી પાંચ ટેસ્ટ હારેલું છે. 1977-78માં બોબ સિમ્પસનને 11 વર્ષ બાદ ફરીથી ટીમની આગેવાની સોંપાઈ હતી ત્યારે પણ આ મેદાન પર તો ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવી ગઈ હતી.

1991-92માં સાક્ષાત સચીન તેંડુલકર ભારતીય ટીમમાં હતા અને અઝહરુદ્દીનની ટીમ હરીફની સામે ટક્કર લઈ શકે તેમ હતી તેમ છતાં અહીં તેનો દસ વિકેટે પરાજય થયો હતો.

આમ બ્રિસબેનમાં ભૂતકાળ ભારતની તરફેણમાં નથી અને વર્તમાનમાં ફિટનેસ ભારતની તરફેણમાં નથી.

ભારતે સિડની ટેસ્ટ બચાવીને જે આત્મવિશ્વાસનું સંપાદન કર્યું છે તેના આધારે જ તેણે 15મી જાન્યુઆરીએ બ્રિસબેનમાં રમવાનું છે. ભારત બ્રિસ્બેન ટેસ્ટ જીતી જાય અને સિરીઝ પોતાને નામે કરે તો એ 2021માં ક્રિકેટ વિશ્વમાં સૌથી મોટી ઘટના લેખાશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો