કોરોના વૅક્સિન : કોવિડ-19ની રસી મેળવવા માટે કયા દસ્તાવેજો જોઈશે, કેવી રીતે નોંધણી થશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે કોવિશિલ્ડ અને કોવૅક્સિન રસીઓના આકસ્મિક ઉપયોગ માટે મંજૂરી આપી દેવાઈ છે. 16 જાન્યુઆરીથી દેશભરમાં ત્રણ કરોડ ફ્રન્ટલાઇન વર્કરો માટે આ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ બાબતે ડૉક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય આરોગ્યકર્મીઓને ટોચની પ્રાથમિકતા આપવામાં આવશે. જેમની સંખ્યા 80 લાખ કરતાં પણ વધુ હોવાનું અનુમાન છે.

બીજા તબક્કામાં અન્ય ફ્રન્ટલાઇન વર્કરો જેમ કે પોલીસકર્મી, પેરામિલિટરીના જવાનો, આર્મીના જવાનો અને સેનિટાઇઝેશન સાથે સંકળાયેલા વર્કરો સહિત બે કરોડ લોકોને આવરી લેવામાં આવશે.

નોંધનીય છે કે સરકાર દ્વારા 27 કરોડ લોકોનો ડેટા એકઠો કરવામાં આવ્યો છે. આ તમામ લોકો એવા છે જેમની ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે અને સાથે જ ગંભીર માંદગીથી પીડાઈ રહ્યા છે.

ફન્ટલાઇન વર્કરો બાદ આ લોકોને રસી આપવામાં આવશે. તેમજ 50 વર્ષ કરતાં ઓછી વયના લોકો જેઓ કોરોનાનાં લક્ષણોથી પીડાઈ રહ્યા છે તેમને પણ સરકાર આગામી તબક્કાઓમાં સમાવિષ્ટ કરી શકે છે.

ત્યાર બાદની રસીકરણની પ્રક્રિયામાં નામ નોંધાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ વૅક્સિન ઇન્ટેલિજન્સ વર્ક એટલે કે CoWIN ઍપ્લિકેશન લૉન્ચ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ ઍપ્લિકેશન હજુ સામાન્ય લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ બનાવાઈ નથી.

તે હજુ પ્રી-પ્રોડક્ટ સ્ટેજમાં છે. જોકે, વૅક્સિન મેળવવા માટે પ્રાથમિકતા ધરાવતા આરોગ્ય અધિકારીઓ આ ઍપ્લિકેશન મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

અહેવાલ પ્રમાણે 75 લાખ આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકોએ આ ઍપ્લિકેશન મારફતે રજિસ્ટ્રેશન કરાવી પણ લીધું છે.

રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

હાલ સામાન્ય લોકો કોરોના વાઇરસની રસી મેળવવા માટે નોંધણી કરાવી શકતા નથી. પરંતુ એક વખત કાર્યરત્ થયા બાદ આ ઍપ્લિકેશનમાં ચાર મોડ્યૂલ હશે. જેમાં ઍડમિનિસ્ટ્રેશન મોડ્યૂલ, લાભાર્થીની નોંધણી, રસીકરણ અને લાભાર્થી મંજૂરી, અને સ્ટેટસ અપડૅશન હશે.

એક વખત કાર્યરત્ થયા બાદ CoWIN ઍપ કે વેબસાઇટ પર નોંધણી માટેના ત્રણ વિકલ્પો હશે.

જેમાં સેલ્ફ રજિસ્ટ્રેશન, અંગત રજિસ્ટ્રેશન અને બલ્ક અપલોડના વિકલ્પો હશે. આ વિકલ્પો કેવી રીતે કામ કરશે તે હજુ સુધી જાહેર કરાયું નથી.

કદાચ નોંધણી માટે સરકાર કૅમ્પ ઑર્ગેનાઇઝ કરશે જ્યાં લોકો જઈને વૅક્સિન માટે નોંધણી કરાવી શકશે. વધુમાં સર્વેયર અને ડિસ્ટ્રિક્ટ ઍડમિનિસ્ટ્રેટર એક કરતાં વધુ લાભાર્થીઓનાં નામ નોંધી શકશે.

આ ઍપ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ મોબાઇલ પર એક મૅસેજ આવશે. જેમાં વૅક્સિન લગાવવાનો સમય, તારીખ અને સેન્ટરની વિગતો હશે.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હજુ સુધી આ ઍપ ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી. આગામી થોડા દિવસોમાં યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર કે IOS પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરાવી શકે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા અને કિંમત?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

કોરોના વિરુદ્ધ રક્ષણ આપતી રસી મેળવવા માટે નોંધણી કરાવવા માટે અરજદારે ઓળખ રજૂ કરવા માટે ફોટો આઇ. ડી. પ્રૂફ આપવાનું રહેશે.

જે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, મનરેગા જોબકાર્ડ, પાસપોર્ટ કે પોસ્ટઑફિસ ખાતાની પાસબુક કે બીજું કોઈ ઓળખાણ માટેનું કાર્ડ હોઈ શકે છે.

યાદ રાખો કે તમે રજિસ્ટ્રેશન કરાવતી વખતે જે ઓળખપત્ર આપ્યું હશે તે જ સેન્ટર પર લઈને જવાનું રહેશે.

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરાત કરી છે તે પ્રમાણે ફન્ટલાઇન વર્કરો માટે રસીકરણ મફત હશે. જોકે, સામાન્ય લોકોએ આ રસી મેળવવા માટે કેટલી રકમ ચૂકવવાની રહેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ તેમની કંપની દ્વારા નિર્મિત રસી કોવૅક્સિનની કિંમત 200 થી 300 રૂપિયા હોવાની વાત કરી હતી. જોકે, એ પછી એમણે એમ કહ્યું કે આ ભારત સરકારને આપવામાં આવેલી ખાસ કિંમત છે અને રસી બજારમાં 1000 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

ભારતમાં કોરોના વૅક્સિન ખાનગી હૉસ્પિટલોમાં પણ મળી રહેશે. જોકે, ખાનગી ધોરણે તેની કિંમત બમણી હોઈ શકે છે.

ક્યાં મૂકવામાં આવશે રસી?

સરકારની યોજના પ્રમાણે દેશનાં ચાર મોટાં કોલ્ડ સ્ટોરેજ કેન્દ્રો કરનાલ, મુંબઈ, ચેન્નઈ અને કોલકતા સુધી પહેલાં રસી પહોંચાડવામાં આવશે. ત્યાંથી આ રસી 37 રાજ્ય સંચાલિત સ્ટોર્સ સુધી પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ વૅક્સિનના પુરવઠાને જિલ્લાસ્તરે પહોંચાડવામાં આવશે.

શહેરોથી માંડીને ગામડાં સુધી આ રસીકરણના કાર્યક્રમને પૂરો કરવા માટે સમગ્ર દેશમાં અંદાજે સાડા ચાર લાખ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.

નોંધનીય છે કે ભારત બાયોટૅક દ્વારા નિર્મિત રસી કોવૅક્સિનને 12 વર્ષ કરતાં ઓછી ઉંમરનાં બાળકો માટે ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે.

ભારતમાં બીજી કઈ કઈ રસીઓ બની રહી છે?

ભારતમાં હાલ પરવાનગી અપાયેલ રસીઓ સિવાય પણ અમુક રસીઓ ભારતમાં બની રહી છે. જે આગામી ટૂંક સમયમાં ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ બની શકે છે.

કોવિશિલ્ડ અને કોવૅક્સિન સિવાય જે બીજી રસીઓ ભારતમાં બની રહી છે અને વિકાસના જુદા જુદા તબક્કાઓમાં છે તે પૈકી પ્રથમ છે ZyCoV-D. કેડિલા હેલ્થકૅરની આ વૅક્સિન DNA પ્લૅટફૉર્મ પર બની રહી છે. તે હાલમાં ત્રીજા તબક્કામાં છે.

ત્યાર પછી બીજી રસી છે સ્પુતનિક – V. રશિયાની આ રસી ગેમલાયા નૅશનલ સેન્ટરે બનાવી છે. આ રસી હ્યુમન એડનો વાઇરસ પ્લૅટફૉર્મ પર બનાવવામાં આવી છે. હૈદરાબાદની ડૉક્ટર રેડ્ડીઝ લૅબમાં તેનું મોટા પાયે ઉત્પાદન થઈ રહ્યું છે. આ વૅક્સિન ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં છે.

આ સિવાય અમેરિકાની MIT દ્વારા નિર્મિત પ્રોટીન-એન્ટિજન બેઝ્ડ વૅક્સિન પણ હૈદરાબાદમાં બની રહી છે.

HGCO 19 અમેરિકાની HDTની MRNA આધારિત વૅક્સિનનું ઉત્પાદન પુણેની જીનેવા નામની કંપની કરી રહી છે.

આ વૅક્સિનની ટ્રાયલ પ્રાણીઓ ઉપર થઈ ચૂકી છે. હવે તેના પ્રથમ અને બીજા તબક્કાનાં પરીક્ષણો શરૂ થવાનાં છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો