'કોરોના પછી શ્વાસ લેવામાં તકલીફ પડી, તપાસ કરાવી તો ખબર પડી કે મને બ્રેસ્ટ કૅન્સર છે'

  • ઋષિ બેનરજી
  • બીબીસી ગુજરાતી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

"કોરોના વાઇરસની સારવાર લેવાના કારણે મને શ્વાસ લેવામાં બહુ તકલીફ થતી હતી અને મને ડાબા સ્તનમાં બહુ દુખાવો થતો હતો. સારવારના કારણે ફેફસાંમાં કેટલી અસર થઈ છે, તે જણવા માટે મેં સિટી સ્કૅન કરાવ્યું પરતું તેમાં સ્પષ્ટ માહિતી ન મળતાં તેમણે ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટરમાં એચઆરસીટી ટેસ્ટ કરાવ્યો."

"ટેસ્ટ વખતે ડૉક્ટરને બ્રેસ્ટમાં ગાંઠ દેખાઈ અને તેમને મને મૅમોગ્રાફી કરાવવાની સલાહ આપી. ડૉક્ટરની સલાહ મુજબ મેં ટેસ્ટ કરાવ્યો અને રિપાર્ટમાં મને ફર્સ્ટ સ્ટૅજ બ્રેસ્ટ કૅન્સર હોવાની વાત સામે આવી. જો એચઆરસીટી ટેસ્ટ ન કરાવ્યો હોત તો મને કૅન્સર છે, તે બહાર આવ્યું ન હોત."

આ શબ્દો છે રૂપલ મંઘાણીના જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ડૉક્ટર છે. તેમને એપ્રિલ મહિનામાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. એસવીપી હૉસ્પિટલ અને ત્યારબાદ સ્ટર્લિંગ હૉસ્પિટલમાં સારવાર કરાવી હતી.

સ્ટર્લિંગ હૉસ્પિટલમાં નવ દિવસ સુધી સારવાર લીધા બાદ તેમને હોમ આઇસોલેશનમાં રહેવા માટે જણાવવામાં આવ્યું. હોમ આઇસોલેશન વખતે તેમને શ્વાસની તકલીફ થતાં તેમણે પહેલાં સિટી સ્કૅન કરાવ્યો અને બાદમાં એચઆરસીટી ટેસ્ટ.

રૂપલ મંઘાણી કહે છે, "જ્યારે રિપોર્ટમાં બહાર આવ્યું કે મને બ્રેસ્ટ કૅન્સર છે ત્યારે હું આઘાતમાં સરી પડી. કંઈ જ સમજાતું નહોતું કે પરિવારના લોકોને કઈ રીતે આ વિશે જણાવીશ. કોરોના વાઇરસથી સંક્રમિત થવાના કારણે પહેલાંથી મારા પરિવારના સભ્યો બહુ ચિંતામાં હતા."

વીડિયો કૅપ્શન,

કૅન્સર સામે જીવવાની જંગ લડતી સુરતની યુવતી

સિનિયર ડૉક્ટરોની સલાહ લીધા બાદ તેમણે મૅમોગ્રાફી અને સોનોગ્રાફી કરાવવાનું નક્કી કર્યું. બંને રિપોર્ટમાં નિદાન થયું કે તેમને કૅન્સર છે.

જોકે સારી વાત એ હતી કે પ્રથમ સ્ટૅજનું કૅન્સર છે અને ઑપરેશનથી તેઓ સાજાં થઈ શકે છે.

તેઓ કહે છે, "હું રિપોર્ટ લઈને સીધી ઘરે આવી ગઈ. રાતે મેં મારા પરિવારના સભ્યોને વીડિયો કૉલ કરીને કૅન્સર થયું હોવાની જાણ કરી. સાંભળીને બધા અચંબિત થઈ ગયા પરંતુ મેં બધાને સમજાવ્યા અને કહ્યું કે સારવાર કરાવવાથી હું સાજી થઈ જઈશ."

મંઘાણી જણાવે છે, "ઑપરેશન માટે હું અને મારા પરિવારના સભ્યો તૈયાર હતા પરંતુ જ્યાં સુધી કોરોના વાઇરસનો રિપોર્ટ નૅગેટીવ ન આવે ત્યાં સુધી ઑપરેશન શક્ય નહોતું. ડૉક્ટરોએ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી રિપોર્ટ નૅગેટીવ ન આવે ત્યાં સુધી બાયોપ્સી ન થઈ શકે."

"સાત વખત મારો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને આઠમી વખત જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે રિપોર્ટ નૅગેટિવ આવ્યો અને મારું ઑપરેશન થયું અને એક દિવસ બાદ મને રજા આપવામાં આવી."

ઑપરેશન સહેલું નહોતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

28 દિવસથી કોરોના વાઇરસની સારવારના કારણે રૂપલ મંઘાણી અશક્ત થઈ ગયાં હતાં પણ તેમ છતાં તેમણે ઑપરેશન કરાવવાનું નક્કી કરી લીધું હતું.

ઑપરેશન પહેલાં તેમને અમુક દવાઓ બંધ કરવાની ફરજ પડી, જેમાં મહત્ત્વની ઍન્ટી-ગોગલેન્ટ પણ હતી.

મંધાણી કહે છે, "કોરોના વાઇરસના કારણે ફેફસાંમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે અને લોહીને પાતળું રાખવા માટે ઍન્ટિ-ગોગલેન્ટ આપવામાં આવે છે. લોહી પાતળું થઈ જાય તો ઑપરેશન કરવું અશક્ય છે કારણકે લોહી વહેતું બંધ ન થાય અને વધારે લોહી વહી જાય તો જીવ જોખમાઈ શકે છે."

પાંચ દિવસ સુધી તેમને ઍન્ટિ-ગોગલેન્ટ દવા લીધી નહીં, જેના કારણે તેમને બહુ તકલીફ થઈ.

તેઓ કહે છે, "કોરોના વાઇરસના કારણે શ્વાસનળીમાં સોજો ચઢી ગયો હતો અને ઑપરેશન કરનાર ડૉક્ટરોને આ વિશે માહિતી ન હતી. ઑપરેશન વખતે ઑક્સિજનની જરૂર પડતાં તેમની શ્વાસનળીમાં ઑક્સિજન પાઇપ નાખવામાં આવી, જેના કારણે મારી સ્વરપેટીમાં ગંભીર અસર થઈ હતી."

"ઑપરેશન બાદ મને શરીરમાં બહુ દુખાવો હતો અને કોઈ પૅઇનકિલર પણ કામ કરતી નહોતી છતાં બીજા દિવસે હું ઘરે આવી."

ત્રણ મહિનાની સારવાર અને ચૅકઅપ બાદ હવે રૂપલબહેન પાછાં નોકરી પર આવી ગયાં. તેઓ હાઇપરટેન્શનની અને બ્લડ-પ્રૅશરની સારવાર લઈ રહ્યાં છે, પણ એ વાતની ખુશી છે કે બ્રેસ્ટ-કૅન્સરને તેઓ માત આપી શક્યાં છે.

સારું થયું કે એચઆરસીટી ટેસ્ટ કરાવ્યો

વીડિયો કૅપ્શન,

‘મને કેમ 14 વર્ષની વયે જ અંડાશયનું કૅન્સર થયું?’

ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટરમાં કાર્યરત્ રેડિયોલૉજિસ્ટ કોમલ વડગામા જણાવે છે કે રૂપલ મંઘાણીને ફેફસાંમાં શું અસર થઈ છે તેનો ટેસ્ટ કરાવવા માટે અમે આવ્યાં હતાં અને બ્રેસ્ટ કૅન્સર વિશે ખબર પડી.

તેઓ ઉમેરે છે, "તેમનો કોરોના વાઇરસ માટે સિટી સ્કૅન થૉરેક્સ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ટેસ્ટ દરમિયાન મને ગાંઠ દેખાઈ અને મેં તેમને મેમોગ્રાફી કરવા માટે જણાવ્યું. સારું થયું કે ટેસ્ટ કરવામાં આવ્યો નહિતર બ્રેસ્ટ કૅન્સર છે એ બહાર આવત નહીં. આ બીમારી જો ડિટેક્ટ ન થઈ હોત તો આખા શરીરમાં ફેલાઈ ગઈ હોત.”

તેઓ જણાવે છે કે જો સમયસર મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવે ત્યારે બ્રેસ્ટ કૅન્સર પ્રથમ સ્ટૅજમાં ડિટેક્ટ થઈ જાય છે, પણ ઘણી વખત મહિલાઓ ટેસ્ટ કરાવતાં નથી.

તેઓ જણાવે છે કે કોરોના વાઇરસના કારણે હૉસ્પિટલોમાં ઘણી બધી બીમારીઓની સારવાર અટકી ગઈ છે અને બ્રેસ્ટ કૅન્સર પણ તેમાં સામેલ છે.

વડગામા ઉમેરે છે, "કોરોના વાઇરસના કારણે લોકો બહુ જરૂર ન હોય તો હૉસ્પિટલમાં જતા નથી, જેના કારણે બ્રેસ્ટ કૅન્સર જેવી બીમારીના ટેસ્ટ અને સારવાર પર અસર થાય છે."

કોરોના વાઇરસ એક મોટું કારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

હૉસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓ કોરોનાની સારવારમાં જોડાઈ જતાં બીજા જીવલેણ રોગોની સારવાર પર અસર થઈ છે.

ખાસ કરીને બ્રેસ્ટ કૅન્સર સાથે સંકળાયેલા લગભગ 40% ઑપરેશન કોરોના મહામારીના લીધે થયાં નથી.

સરકારી આંકડા મુજબ, વર્ષ 2018 દરમિયાન ભારતમાં સ્તન કૅન્સરને કારણે લગભગ 87,000 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે સ્ત્રીઓમાં જોવા મળતાં કૅન્સરના 28% કેસોમાં બ્રેસ્ટ કૅન્સર હતું.

બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ સાથે વાત કરતાં દિલ્હીની મણિપાલ હૉસ્પિટલના સર્જિકલ ઓન્કોલૉજિસ્ટ અને સ્તન કૅન્સરના નિષ્ણાત વેદાંત કબરા કહે છે, "ભારત પાસે અમેરિકા, ઇંગ્લૅન્ડ અને કૅનેડા જેવા વિકસિત દેશોમાં છે, તે પ્રકારના કોઈ સરકારી સ્ક્રિનિંગ પ્રોગ્રામ નથી. આ કારણે સ્તન કૅન્સરના 60-70% દર્દીઓ ત્રીજા તબક્કામાં પહોંચી ગયા પછી હૉસ્પિટલમાં આવે છે."

તેઓ જણાવે છે, "કોરોના વાઇરસ પહેલાં જેઓ આ બીમારી વિશે જાણતાં નહોતા તેમણે કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરાવ્યા નહોતા પણ જેમને બ્રેસ્ટ કૅન્સર અને તેનાં લક્ષણો વિશે માહિતી હતી તેવી વ્યક્તિઓ પણ હૉસ્પિટલ આવતી નહોતી."

ભારત સરકારના આયુષ્માન સ્વાસ્થ્ય પ્રોજેક્ટ અંતર્ગત 2020ની શરૂઆત સુધીમાં આશરે 70 લાખ મહિલાઓની સ્તન કૅન્સર અને 30 લાખ વ્યક્તિઓની સર્વાઇકલ કૅન્સર માટે તપાસ કરવામાં આવી છે.

કૅન્સર નિષ્ણાતોનો મત છે કે ભારતમાં બ્રેસ્ટ કૅન્સરની સ્થિતિ હજુ બગડી શકે છે કારણે મહિલાઓમાં આ રોગનું પ્રમાણ સૌથી વધુ છે. આવનારાં 10 વર્ષમાં બ્રેસ્ટ કૅન્સર બીજાં કૅન્સરને પાછળ મૂકી શકે છે.

કૅન્સર નિષ્ણાત રાકેશ ચોપરાએ બીબીસીને જણાવ્યું કે લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે જાગૃતિ લાવવા માટે માટે ભારત સરકારે અભિયાન ચલાવ્યું અને તે સફળ થયું. એનાથી અડધા પ્રયત્નો પણ જો બ્રેસ્ટ કૅન્સર માટે કરવામાં આવે તો આવનારી ત્સુનામીથી બચી શકાશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો