યશસ્વિનીસિંહ દેસ્વાલ : એ નિશાનેબાજ જેમનું લક્ષ્ય ટોક્યો ઑલિમ્પિક છે

યશસ્વિનીસિંહ

ઇમેજ સ્રોત, YASHASWINI DESWAL

ઇમેજ કૅપ્શન,

યશસ્વિનીસિંહ

યશસ્વિનીસિંહ દેસ્વાલ એક ભારતીય રમત શૂટર છે.

તેમણે રિયો ડી જાનેરોમાં 2019ના આઈએસએસએફ વર્લ્ડ કપમાં 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2021 સમર ઑલિમ્પિક્સમાં ભારત માટે ક્વોટા પૉઝિશન મેળવ્યું હતું.

ભારતના નવી શૂટિંગ પ્લેયર 23 વર્ષીય યશસ્વિનીસિંહ દેસ્વાલ 2021 ટોક્યો ઑલિમ્પિકમાં ભારત માટે પદક મેળવનારાં એક મજબૂત દાવેદાર છે.

યશસ્વિનીએ 15 વર્ષની ઉંમરે રમતગમતના શૂટિંગમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેમણે પાછું વળીને જોયું નથી.

ત્યારથી દર વર્ષે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સારું એવું પ્રદર્શન કરતા રહે છે.

પ્રેરણા ક્યાંથી મળી

ઇમેજ સ્રોત, YASHASWINI DESWAL

ઇમેજ કૅપ્શન,

યશસ્વિનીસિંહ

યશસ્વિની દેસ્વાલનો જન્મ 30 માર્ચ, 1997ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.

તેઓ તેમના પિતા સાથે નવી દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સ 2010 દરમિયાન શૂટિંગ સ્પર્ધા જોવા ગયાં ત્યારે તેમને શૂટિંગમાં રસ પડ્યો હતો.

દેસ્વાલ કહે છે કે તેમને સમજાયું કે શૂટિંગમાં ભારતમાં માળખાગત સુવિધાઓ અને સાધનોની મર્યાદાને કારણે ઘણા પડકારો છે. પરંતુ તેમના પિતા એક પોલીસ અધિકારી હતા અને રમતગમતના ઉત્સાહી પણ હતા.

તેમને દેસ્વાલને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તેમણે 10 મીટર કૅટેગરીમાં ઍર પિસ્ટલ શૂટર તરીકે શરૂઆત કરી હતી અને તેમનાં માતાપિતાએ શૂટિંગના અભ્યાસ માટે ચંદીગઢના પંચકુલામાં તેમના ઘરે શૂટિંગ રેન્જ ગોઠવી હતી.

મહાનિરીક્ષક (નિવૃત્ત) અને આંતરરાષ્ટ્રીય શૂટર ટી.એસ. ધીલ્લોન તેમના કોચ બન્યા હતા.

યશસ્વિનીએ પૂણે ખાતે ડિસેમ્બર 2014માં યોજાયેલી 58મી રાષ્ટ્રીય શૂટિંગ ચૅમ્પિયનશિપમાં જુદીજુદી કૅટેગરીમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને તેમના માતાપિતાનો વિશ્વાસને વધાર્યો હતો.

દેસ્વાલે આંતરરાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ ઇવેન્ટ્સમાં પણ સારું પ્રદર્શન ચાલુ રાખ્યું.

તેમણે જૂન 2017માં જર્મની ખાતે આયોજિત આઈએસએસએફ (આંતરરાષ્ટ્રીય રમતગમત શૂટિંગ ફેડરેશન) જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી.

દેસ્વાલને રમતના પડકારોની સાથે બીજી અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો, કેમ કે તેમને દેશની સાથેસાથે વિદેશમાં પણ વિવિધ ટુર્નામેન્ટોમાં ભાગ લેવાનો હતો.

વ્યાવસાયિક સિદ્ધિઓ

દેસ્વાલે 2012માં શૂટિંગની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. તેમણે ચીનના નાનજિંગમાં 2014માં સમર યૂથ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કર્યું હતું, જ્યાં તેમણે 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહ્યાં હતાં.

2016ના આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં તેમણે જર્મનીના સુહલમાં એક સિલ્વર મેડલ જીત્યો હતો.

અઝરબૈજાનના કબાલા ખાતે 2016માં સાઉથ એશિયન ગેમ્સમાં તેમણે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

2017માં આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે 235.9ના રેકૉર્ડની બરાબરી કરી અને ગોલ્ડ મેડલ જીત્યો.

દેસ્વાલે રિયો ડી જાનેરોમાં 2019ના આઈએસએસએફ વર્લ્ડ કપમાં 2021 માટેનો સમર ઑલિમ્પિક્સ માટે ક્વોટા સ્પૉટ બુક કરવા માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઑક્ટોબર 2020માં દેસ્વાલે આંતરરાષ્ટ્રીયની પાંચમી ઑનલાઇન શૂટિંગ ચૅમ્પિયનશિપ આવૃત્તિમાં ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ એનઆરએઆઈ દ્વારા અધિકૃત ન હોવાથી તેવા કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ભારતીય રાષ્ટ્રીય રાઇફલ ઍસોસિયેશન (એનઆરએઆઈ) દ્વારા તેમને ઠપકો અપાયો હતો.

જોકે તેમના કોચ ટી. એસ. ધીલ્લોને કહ્યું કે તેણે કદાય એટલા માટે કાર્યક્રમમાં ભાગ લીધો હશે કે કોવિડ સંબંધિત પ્રતિબંધો દરમિયાન પ્રૅક્ટિસની જરૂર હતી. પરંતુ તે ભવિષ્યમાં એનઆરએઆઈ માર્ગદર્શિકાનું પાલન કરશે એવી સલાહ આપી હતી.

(આ લેખ યશસ્વિની સિંહે બીબીસીને ઈ-મેઇલ મારફતે મોકલેલા જવાબો પર આધારિત છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો