વિજય રૂપાણીએ કહ્યું, ગુજરાતના ચાર મહાનગરમાં કર્ફ્યૂ યથાવત્ રહેશે

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે આગામી પંદર દિવસ સુધી રાજ્યના ચાર મહાનગરમાં રાત્રી 10 વાગ્યા પછીનો કર્ફ્યૂ યથાવત્ રહેશે. કોઈ છૂટછાટ આપણે આપતા નથી.

તેમણે છુટછાટ ન આપવાનું કારણ જણાવી કહ્યું, "આ એટલા માટે કે ખૂબ કેસ કંટ્રોલ થઈ રહ્યા છે. થોડી ધીરજ અને થોડો સહકાર લોકો આપે પછી યોગ્ય લાગે તે પ્રમાણે અમે નિર્ણય કરીશું."

ગુજરાતમાં દિવાળી બાદ વધેલા કોરોના વાઇરસના કેસને કાબૂમાં લેવા માટે 4 મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.

પહેલાં 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. પછી તેમાં ફેરફાર કરીને રાત્રીના 10થી 6 સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.

ખેડૂતો અને મોદી સરકાર વચ્ચે નવમી બેઠક શરૂ, સમાધાન આવશે?

ઇમેજ સ્રોત, ANI

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર કૃષિકાયદાઓને લઈને કેન્દ્ર સરકાર અને આંદોલન કરી રહેલા ખેડૂતોની વચ્ચે આજે નવમા તબક્કાની ચર્ચા છે.

ગત આઠમી જાન્યુઆરીએ છેલ્લી બેઠક મળી હતી, જેમાં કંઈ પરિણામ આવ્યું ન હતું. ખેડૂતો કૃષિકાયદાઓને રદ કરવાની માગને લઈને અડગ છે.

સંયુક્ત કિસાન મોરચાના બલબીરસિંહ રાજેવાલે કહ્યું, "અમે સરકાર સાથે ચર્ચા કરીશું. અમારે બહારની કમિટી સાથે ચર્ચા કરવી નથી. અમારી મુખ્ય માગ કૃષિકાયદાઓને પરત લેવાની છે, તેનાથી ભટકાવવાની આ વાત છે."

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, "સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લાં મને ચર્ચા કરવા માટે તૈયાર છે. અમે ખેડૂતોની તમામ સમસ્યા માટે સંવેદનશીલ છીએ."

12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓને ચકાસવા માટે ચાર સભ્યોની કમિટી બનાવી હતી. જોકે ખેડૂત સંગઠનોએ તેમની સાથે ચર્ચા નહીં કરે તેમ કહ્યું હતું.

અદાણીને છ ઍરપૉર્ટ સંચાલન માટે મળે તે પહેલાં નાણા મંત્રાલયે વાંધો ઉઠાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમદાવાદ ઍરપૉર્ટ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર 2019માં ઍરપૉર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પર કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય અને નીતિ આયોગે વાંધો ઉઠાવ્યો હતો. જેને ધ્યાન પર લીધા વિના અમદાવાદ ઍરપૉર્ટ અદાણી જૂથને આપવા માટેનો રસ્તો સાફ કર્યો હતો.

અમદાવાદ, લખનૌ, મૅંગ્લોર, જયપુર, ગુવાહાટી અને થિરુવનંથપુરમ આ છ ઍરપૉર્ટનું ખાનગીકરણ કરવું એ એનડીએ સરકારનો ખાનગીકરણનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો.

કેન્દ્ર સરકારની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કમિટીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રોસેસની પ્રપોસલની ચર્ચા 11 ડિસેમ્બર, 2018માં કરી હતી.

આની ચર્ચાના દસ્તાવેજ ઇન્ડિયન એક્સપ્રેસના હાથમાં લાગ્યા હતા.

આર્થિક બાબતોના મંત્રાલયે કહ્યું હતું કે "આ છ ઍરપૉર્ટ પ્રોજેક્ટ મૂડીરોકાણવાળો પ્રોજેક્ટ છે, નાણાકીય જોખમ અને કામગીરીના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હરાજીમાં ભાગ લેનારને એક કંપનીને બે કરતાં વધુ ઍરપૉર્ટ આપવા ન જોઈએ. જુદી જુદી કંપનીઓને પ્રોજેક્ટ આપવાથી સ્પર્ધામાં પણ સરળતા રહેશે.”

નીતિ આયોગે ઍરપૉર્ટની હરાજીને લઈને કહ્યું, "હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિની ટેક્નિકલ ક્ષમતામાં ઘટાડો પ્રોજેક્ટને જોખમમાં મૂકી શકે છે અને સરકાર જે ગુણવત્તાની સેવા આપવા બાધ્ય છે તેની સાથે સમાધાન કરે છે."

અદાણી ગ્રૂપ સાથે અનુભવી જીએમઆર ગ્રૂપ, ઝ્યુરિચ ઍરપૉર્ટ અને કોચીન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ જેવાં અનુભવી એકમોએ ભાગ લીધો હતો.

કોરોનાના રસીકરણ પહેલાં કેન્દ્રએ તમામ રાજ્યને આપ્યા મહત્ત્વના આદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કોરોનાની રસી

એનડીટીવીના અહેવાલ અનુસાર 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના વાઇરસના રસીકરણના અભિયાનની શરૂઆત થશે અને આને લઈને તમામ રાજ્યોને રસી પહોંચાડી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ગુરુવારે મહત્ત્વના આદેશ આપ્યા હતા.

જે મુજબ માત્ર 18 વર્ષ અથવા તેનાથી ઉપરની વ્યક્તિને રસી આપી શકાય છે.

જો કોઈ વ્યક્તિને બીજી કોઈ બીમારી હોય અને તેને કોરોનાની વૅક્સિન આપવામાં આવે તો બીજી બીમારીની રસી 14 દિવસ પછી આપવામાં આવે.

પહેલો ડોઝ જે વૅક્સિનનો લાગે તેનો જ બીજો ડોઝ લાગવો જોઈએ. ઇન્ટરચૅન્જની પરવાનગી નથી.

જે મહિલાઓ ગર્ભવતી છે, બાળકના જન્મ પછી હાલ પુખ્ત નથી થઈ અથવા જે બાળકોને સ્તનપાન કરાવી રહી છે તો તેમને વૅક્સિન નહીં અપાય.

જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જણાય છે તો તે વ્યક્તિને 4થી 8 અઠવાડિયાં પછી રસી અપાશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો