સુશાંતસિંહ રાજપૂત : મનોરંજનથી મીડિયા ટ્રાયલ સુધી, એ જન્મદિવસ અને આજનો જન્મદિવસ

સુશાંતસિંહ રાજપૂત

ઇમેજ સ્રોત, Getty Images

જો અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હયાત હોત, તો ગુરુવારે તેઓ 35મો જન્મદિવસ ઊજવી રહ્યા હોત.

જોકે ચાહકો તેમને ભૂલ્યા નથી અને તેમના જન્મદિનના એક દિવસ અગાઉ જ સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચા હતી અને #SushanSinghRajput #SushantBirthdayCelebration જેવા હૅશટૅગ દ્વારા ચાહકોએ તેમને મિસ કર્યા હતા.

ગુજરાતની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ 'કાપ્યો છે' દ્વારા ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું હતું અને આંગળીના વેઢે ગણી શકાય તેટલી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં ચાહકોનાં હૃદયમાં અનોખું સ્થાન ઊભું કર્યું હતું.

જૂન-2020માં તેમનું અવસાન થયું. મુંબઈ પોલીસનું કહેવું છે કે સુશાંતે આત્મહત્યા કરી હતી, જોકે કેટલાક ચાહકોનું માનવું હતું કે તેમની હત્યા કરવામાં આવી હતી.

હાલ સર્વોચ્ચ અદાલતના આદેશને આધારે સી.બી.આઈ. દ્વારા તેમના મૃત્યુ વિશે તપાસ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં બોલીવૂડના અનેક મોટાં માથાંઓ પર સુશાંતને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ લાગ્યા છે, પરંતુ હજુ સુધી કશું નક્કર બહાર નથી આવ્યું.

એ જન્મદિવસ, આ જન્મદિવસ

'હાઈ upadhyayneelam3111, મહેરબાની કરીને તમે ચિંતા ન કરશો. અમે તમારી સાથે જ છીએ. અમે વહેલામાં વહેલી તકે તમારો સંપર્ક સાધીશું. હું ટ્વિટર ઉપરના તમામ મિત્રોને વિનંતી કરીશ કે પ્રાર્થના કરે અને શક્ય એટલી મદદ કરે.'

સામાન્ય રીતે કોઈ ફિલ્મસ્ટાર પોતાના જન્મદિવસે ચાહકોની શુભેચ્છા બદલ આભાર માનતું ટ્વીટ કરે અથવા તો કોઈ સાથી કલાકાર કે હસ્તીએ આપેલી શુભેચ્છાને રિ-ટ્વીટ કરે અને તેની ઉપર પ્રતિક્રિયા આપે.

પરંતુ ઉપરોક્ત ટ્વીટ સુશાંતસિંહ રાજપૂતે પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડર @itsssr ઉપરથી પોતાના 34મા જન્મદિવસે તા. 21મી જાન્યુઆરી 2020ના કર્યું હતું. જોકે આ એક વર્ષના ગાળામાં ઘણું બધું બદલાઈ ગયું છે.

ગત વર્ષે 14 જૂને સુશાંત તેમના બાંદ્રા ખાતેના નિવાસસ્થાનેથી મૃતઅવસ્થામાં મળી આવ્યા. સુશાંતની સફળતામાં પોતાની સફળતાને જોતા અનેક ચાહકો હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયા.

સુશાંતના પિતાએ તેમના વતન પટણામાં અભિનેતાના મૃત્યુ સંદર્ભે સુશાંતનાં કથિત પ્રેમિકા રિયા ચક્રવર્તી, કર્મચારી સૅમ્યુઅલ મિરિન્ડા તથા અન્યો સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરી અને તેમની ઉપર નાણાકીય ગેરરીતિ આચરવાનો તથા આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ મૂક્યો.

આ મુદ્દે રાજકારણ પણ ભળ્યું અને ભાજપ-શિવસેના સામે-સામે આવી ગયાં. બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.

બોલીવૂડ-રાજકારણ અને ડ્રગ્સનું કૉકટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ધોની સાથે સુશાંતસિંહ

સોશિયલ મીડિયા પર સુશાંતસિંહ રાજપૂતના મૃતદેહની, પોસ્ટમૉર્ટમ અને સંજોગો તથા સ્થિતિને ટાંકીને અનેક 'થિયરી' તથા 'કૉન્સપિરસી થિયરી' વહેતી થઈ, જેમાં મહારાષ્ટ્રના એક રાજકીય પરિવાર પર આરોપ મૂકવામાં આવ્યા.

મુંબઈ તપાસ કરવા પહોંચેલી બિહાર પોલીસની ટીમને ક્વોરૅન્ટીન કરી દેવામાં આવી, જેના કારણે વાતનું વતેસર થઈ ગયું. અલગ-અલગ અદાલતોમાં આવી થિયરી વહેતી કરનારા કેટલાક લોકો સામે કેસ પણ દાખલ થયા છે.

આ સિવાય મુંબઈ પોલીસ પર મહારાષ્ટ્ર સરકાર તથા બોલીવૂડના દિગ્ગજોના દબાણ હેઠળ કેસને દબાવવાના આરોપ લાગ્યા. મીડિયામાં આ મુદ્દો છવાયેલો રહ્યો અને 'સમાંતર તપાસ' ચાલી.

તાજેતરમાં બૉમ્બે હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનું રિપૉર્ટિંગ કરતી વખતે 'મીડિયા ટ્રાયલ થયું છે.' કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સના કહેવા મુજબ, 'રિપબ્લિક ટીવી', 'ઇન્ડિયા ટુડે' તથા 'ટાઇમ્સ નાઉ' જેવી ચેનલોએ એકતરફી તથા સનસનાટીપૂર્ણ રિપૉર્ટિંગ કર્યું.

એક તબક્કે રિયાએ ખુદને સુશાંતની ગર્લફ્રૅન્ડ જણાવીને અમિત શાહને વિનંતી કરી કે આ કેસની તપાસ સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપવામાં આવે.

બીજી બાજુ, 'રિપબ્લિક ટીવી'ના માલિક અર્ણવ ગોસ્વામીનું કહેવું છે કે સુશાંતસિંહ રાજપૂત તથા અન્ય કેસનું વ્યાપર રિપૉર્ટિંગ કરવા બદલ તેમની સામે ટી.આર.પી. કેસની તપાસ શરૂ કરવામાં આવી છે તથા બંધ કરી દેવાયેલો ઇન્ટિરિયર ડિઝાઇનરનો કેસ ફરી ખોલવામાં આવ્યો છે.

સુશાંતના પિતાની ફરિયાદને આધારે બિહારની નીતિશકુમાર સરકારે સમગ્ર કેસમાં સી. બી. આઈ. તપાસની ભલામણ કરી. કાયદાકીય જંગને અંતે સુપ્રીમ કોર્ટે પણ તેની પર મંજૂરીની મહોર મારી.

CBIએ તપાસ હાથ ધરી. ત્યારબાદ નાણાંકીય ગેરરીતિના આરોપોની વચ્ચે ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ તથા મૃતક ઍક્ટર દ્વારા નશાકારાક પદાર્થોનું સેવન કરવામાં આવતું તેવા આરોપોને કારણે કેન્દ્રીય તપાસ સંસ્થા નાર્કૉટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પણ ઝંપલાવ્યું.

વળતી કાયદાકીય કાર્યવાહીમાં સુશાંતસિંહનાં બહેન પર ઍક્ટરને વાંધાજનક દવાઓ આપવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો.

બોલીવૂડ સુધી રેલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કેસની તપાસ કરવા પહોંચેલી બિહાર પોલીસની ટીમને બળજબરીપૂર્વક ક્વોરૅન્ટીન કરાતા અટકળોને વેગ મળ્યો

ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી તથા સુશાંતસિંહ બાંદ્રા ખાતેના નિવાસસ્થાને કથિત રીતે લીવ-ઇન રિલૅશનશિપમાં રહેતાં હતાં. પિતા કે. કે. સિંહની ફરિયાદના આધારે રિયા ચક્રવર્તી અને ડ્રગ્સ પૅડલર્સ સાથે તેમનાં કથિત સંબંધોની તપાસ થઈ.

રિયા પર ડ્રગ્સ ખરીદવા માટે નાણાં આપવાનો આરોપ લાગ્યો અને તેમના ભાઈની પણ ધરપકડ થઈ. આ દરમિયાન રિયા, દીપિકા પાદુકોણ તથા બોલીવૂડના અન્ય સ્ટાર્સના ડ્રગ્સ સંબંધિત કથિત વૉટ્સઍપ ચેટ પણ વાઇરલ થયા. લગભગ એક મહિનાના જેલવાસ બાદ રિયાને જામીન મળ્યાં હતાં.

બોલીવૂડના સ્થાપિત હિતોએ સુશાંતની કારકિર્દી ખતમ કરી દેવાનો પ્રયાસ કર્યો હતો, તેવા આરોપોની વચ્ચે મુંબઈ પોલીસે બોલીવૂડની 50 જેટલી હસ્તીઓની પૂછપરછ કરી. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતના કહેવા પ્રમાણે, મુંબઈ પોલીસે સમયસર તપાસ ખતમ ન કરી દેવાને કારણે અફવાઓને વેગ મળ્યો.

ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સને સુશાંતનાં મૃતદેહના નમૂના મોકલવામાં આવ્યા. કેટલાક મીડિયાગૃહોએ દાવો કર્યો કે AIIMSએ આત્મહત્યાની પુષ્ટિ કરી છે, જેના કારણે વિવાદ વકરી ગયો.

સિરિયલ 'પવિત્ર રિશ્તા' અને 'એમ. એસ. ધોની : ધ અનટૉલ્ડ સ્ટૉરી', 'પી.કે.', 'દિલ બેચારા', 'સોનચીડિયા' તથા 'કેદારનાથ' જેવી ફિલ્મો દ્વારા ચાહકોના હૃદયમાં જીવતા રહેશે.

CBI કે ED કે NCBની તપાસમાં નક્કર કશું બહાર નથી આવ્યું અને ચાહકો માટે અનેક સવાલ હજુ નિરુત્તર જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો