શિવાની કટારિયા : સ્વિમિંગ સમર કૅમ્પથી સમર ઑલિમ્પિક સુધી

શિવાની કટારિયા

2016માં ભારતનાં મહિલા તરવૈયા શિવાની કટારિયાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી. તેમણે ઑલિમ્પિક રમતોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 12 વર્ષ બાદ કોઈ મહિલા આ સિદ્ધિ હાંસલ કરી શક્યાં હતાં.

હાલમાં થાઇલૅન્ડના ફુકેત ખાતે તેમની તાલીમ ચાલી રહી છે. તેઓ ટોકિયો ઑલિમ્પિક માટે પોતાની દાવેદારી જાળવી રાખવા માગે છે.

મહિલાઓની 200 મીટર ફ્રિ-સ્ટાઇલ ઇવૅન્ટમાં રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કર્યો અને 2016ની દક્ષિણ એશિયન ગેમ્સમાં પણ સુવર્ણપદક જીત્યો છે. જોકે સ્વિમિંગ પ્રત્યેનું તેમનું આકર્ષણ અસામાન્ય રીતે થયું હતું.

શિવાનીનો ઉછેર હરિયાણાના ગુડગાંવ ખાતે થયો છે. તેઓ માત્ર છ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા તેમને સમર કૅમ્પમાં સ્વિમિંગ ક્લાસમાં લઈ ગયાં. શિવાની કહે છે કે શરૂઆતના દિવસોમાં તેઓ સ્વિમિંગ કરવાં જતાં, ત્યારે સ્વપ્નેય ઑલિમ્પિક રમતોત્સવમાં જવાનું નહોતું વિચાર્યું.

જળક્રીડાથી કૅરિયરની કથા

શિવાની ગુડગાંવમાં પોતાનાં ઘરની પાસે બાબા ગંગનાથ સ્વિમિંગ સૅન્ટર ખાતે અમસ્તાં જ મનોરંજન માટે તરવા માટે જતાં. અહીંથી જ કટારિયાને યોગ્ય દિશા મળી અને તેમણે સ્થાનિક તરણસ્પર્ધામાં ભાગ લીધો.

જોકે જિલ્લાસ્તરે સ્પર્ધામાં વિજયે શિવાનીમાં આત્મવિશ્વાસનો સંચાર થયો. એ પછી તેમણે સ્વિમિંગને સિરિયસલી લેવાનું શરૂ કર્યું અને રાજ્ય તથા રાષ્ટ્રીયસ્તરની સ્પર્ધાઓ માટે દિવસમાં બે વખત ટ્રેનિંગ લેવાં લાગ્યાં.

શિવાનીનું કહેવું છે કે વ્યવસાયિકસ્તરે આગળ વધવામાં પરિવારે તેમને પૂરતો સહયોગ આપ્યો. માતા-પિતાએ આર્થિક બોજ ઉઠાવ્યો, તો તાલીમમાં બહેનને સાથ આપવા માટે ભાઈએ પણ સ્વિમિંગ પુલમાં ઝંપલાવ્યું.

પુલમાં ભાઈએ સજ્જડ સ્પર્ધા આપી, જેના કારણે શિવાનીના પર્ફૉર્મન્સમાં ઉત્તરોત્તર સુધાર થયો. સખત પરિશ્રમને કારણે અપેક્ષિત પરિણામ મળવાં લાગ્યાં અને તેમને રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધાઓમાં વિજય મળ્યો. અને પોતાના વયજૂથની સ્પર્ધાઓમાં અનેક રૅકૉર્ડ બનાવ્યા.

શિવાની કહે છે કે જુનિયરસ્તરની સ્પર્ધાઓમાં સફળતાએ તેમને સિનિયર લૅવલની સ્પર્ધા માટે તૈયાર કર્યાં.

ગુડગાંવથી ફુકેત વાયા બેંગ્લોર

સફળ સ્પૉર્ટ્સ કૅરિયર આસાનીથી નથી બનતી. તેના માટે ખૂબ જ ભોગ આપવો પડે છે તથા અનેક પડકારોને પાર કરવા પડે છે. ગુડગાંવ ખાતે તાલીમ સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કર્યા બાદ શિવાનીને પણ આ વાત સમજાઈ.

એ સમયે હરિયાણામાં પાણીને ગરમ કરી શકાય તેવા સ્વિમિંગ-પુલ ન હતા, જેનાં કારણે શિયાળા દરમિયાન પૂરતી પ્રૅક્ટિસ થઈ શકતી ન હતી. આ બ્રૅકને કારણે જે કોઈ ક્ષમતા કેળવી હોય તે વેડફાઈ જતી હતી.

ગુડગાંવમાં તાલીમ સંબંધિત અનેક મર્યાદાઓ પ્રત્યે શિવાની સભાન બન્યાં. આથી 2013માં તેમણે ગુડગાંવથી બેંગ્લુરુ સ્થળાંતર કરવું પડ્યું, જેથી કરીને આખું વર્ષ પ્રૅક્ટિસ થઈ શકે તથા ત્યાંની વધુ સારી તાલીમી સવલતોનો લાભ મળે.

કૅરિયર સંબંધિત આ દાવ સફળ રહ્યો. 2013માં જ કટારિયા એશિયન ઍજ ગ્રૂપ ચૅમ્પિયનશિપમાં છઠ્ઠા ક્રમે રહ્યાં. આ સ્પર્ધાએ શિવાનીને આંતરરાષ્ટ્રીયસ્તરની સ્પર્ધાઓ માટે માનસિક દૃષ્ટિએ તૈયાર કર્યાં.

2014માં યૂથ ઑલિમ્પિકમાં શિવાનીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 2016માં ગૌહાટી ખાતે આયોજિત દક્ષિણ એશિયાઈ રમતોત્સવમાં તેમણે સુવર્ણપદક જીત્યો.

આ બધાને કારણે તેઓ 2016ની રિયો ઑલિમ્પિક સ્પર્ધામાં સ્થાન મેળવવાં પ્રેરાયાં. રિયોમાં તેઓ કોઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યાં.

કટારિયા કહે છે કે રિયોમાં જે કંઈ શીખવા મળ્યું, તે અનુભવે તેમને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કર્યાં.

2017માં હરિયાણા સરકારે કટારિયાને 'ભીમ ઍવૉર્ડ'થી સન્માનિત કર્યાં. તેઓ દેશ માટે અનેક મૅડલ જીતવા માગે છે. ભારતીય ખેલાડીઓને આપવામાં આવતો 'અર્જુન પુરસ્કાર' પણ શિવાની હાંસલ કરવાનું સપનું સેવે છે.

શિવાનીનું કહેવું છે કે દેશમાં ખેલસંબંધિત સવલતો વધી છે, પરંતુ હજુ પણ દેશમાં મહિલા કૉચનો અભાવ છે, જેમની મદદથી દેશને આંતરરાષ્ટ્રીયસ્તરની મહિલા ખેલાડીઓ મળી શકે તેમ છે.

(શિવાનીની પ્રોફાઇલ તેમને ઈ-મેલ પર મોકલવામાં આવેલા સવાલના આધારે તૈયાર કરવામાં આવી છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો