રાહી સરનોબત : એ શૂટિંગ સ્ટાર જેમણે નિવૃત્તિ આરેથી પાછા વળી ટોક્યો ઑલિમ્પિકને નિશાન બનાવ્યું

રાહી સરનોબત
ઇમેજ કૅપ્શન,

રાહી સરનોબત

મહારાષ્ટ્રના કોલ્હાપુરનાં રાહી સરનોબત ભારતનાં સ્ટાર શૂટર છે જેઓ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધાઓમાં તેમની ઉપલબ્ધિઓને કારણે સમાચારોમાં રહે છે.

2019માં જર્મનીના મ્યુનિકમાં આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપ્સમાં તેમણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

તેમણે 25 મીટર પિસ્ટલ શૂટિંગ ઇવેન્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી અને ટોક્યો ઑલિમ્પિક્સ 2021માં પોતાનું સ્થાન મેળવ્યું હતું. તેમને તેમના પ્રદર્શન માટે અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

પ્રેરણા

ઇમેજ કૅપ્શન,

રાહી સરનોબત

રાહી સરનોબત જ્યારે કોલ્હાપુરમાં સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે એનસીસીમાં કૅડેટ હતાં ત્યારે તેમનો પરિચય હથિયારો સાથે થયો. તેઓ કહે છે કે તેઓ પિસ્ટલ ચલાવવામાં સારાં હતાં અને બંદૂક પકડીને સશક્ત અનુભવ કરતાં હતાં.

પરંતુ તેમણે શાળામાં પોતાનાં સહપાઠી તેજસ્વિની સાવંતને 2006માં ઑસ્ટ્રેલિયામાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જિતતાં જોયાં ત્યારથી તેમને શૂટિંગની રમતને ગંભીરતાથી લેવાની પ્રેરણા મળી.

સરનોબત કહે છે કે સાવંતને જ્યારે ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તેમનામાં આ રમત વિશે વધુ જાણવાની ઉત્સુકતા વધી. તેમણે પોતાના શહેરમાં શૂટિંગ શીખવા માટેની વ્યવસ્થાની શોધખોળ શરૂ કરી દીધી.

મુશ્કેલીઓનો સામનો

જલદી જ સરનોબતને અનુભવ થયો તે કોલ્હાપુરમાં શૂટિંગની ગંભીરતાથી ટ્રેનિંગ લેવા માટે સુવિધાઓની કમી છે. તેઓ કહે છે કે આ અંગે પોતાના અસંતોષ વિશે તેઓ પોતાના કોચની સાથે ચર્ચા કરતાં પરંતુ તેમના કોચ તેમને સુવિધાઓના અભાવની જગ્યાએ પોતાની આવડત પર વધુ ધ્યાન આપવાની સલાહ આપતા.

તેમનાં માતાપિતાએ પણ તેમને પૂર્ણ રીતે ટેકો આપ્યો અને એ વાતનું વિશેષ ધ્યાન રાખ્યું કે સુવિધાઓના અભાવને લઈને તેમનો અસંતોષ તેમના સ્વપ્નના રસ્તામાં સંકટ ન બને.

તેઓ મુંબઈમાં વધુ સમય પસાર કરવા લાગ્યાં કારણકે ત્યાં ટ્રેનિંગ માટે વધારે સારી સુવિધાઓ ઉપલબ્ધ હતી. જોકે તેમની સામે અન્ય મુશ્કેલી ઊભી હતી જેમકે પ્રૅક્ટિસ માટે હથિયારો અને દારૂગોળો આયાત કરવા. તેમણે હિંમત ન હારી અને જ્યારે તેમણે રાષ્ટ્રીય કક્ષાએ શૂટિંગ સ્પર્ધામાં મેડલ મેળવવાનું શરૂ કર્યું ત્યારે તેમની મહેનત રંગ લાવી.

સટીક નિશાન સાધ્યું

ઇમેજ કૅપ્શન,

રાહી સરનોબત

ડૉમેસ્ટિક પ્રતિસ્પર્ધાઓમાં તેમનાં સારા પ્રદર્શનને જોતાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમની પસંદગી કરવામાં આવી.

2008માં પૂણમાં આયોજિત યૂથ કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને તેમણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આરંભિક સફળતા મેળવી હતી. તેમણે ઑલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

એક ખેલાડી તરીકે રાહી સરનોબતની કારકિર્દીમાં નબળો સમય પણ આવ્યો પરંતુ તેઓ હંમેશા મજબૂત થઈને બહાર આવ્યાં.

2015માં ઈજાને કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેઓ સંતોષકારક પ્રદર્શન માટે પણ સંઘર્ષ કરી રહ્યાં હતાં. આ એવો તબક્કો હતો જ્યારે તેમને રિટાયરમેન્ટ વિશે પણ વિચારવાની ફરજ પડી હતી.

જોકે તેઓ આ મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યાં અને તેમણે 2018માં જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

તેઓ એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ હાંસલ કરનારાં પ્રથમ ભારતીય મહિલા શૂટર બન્યાં હતાં. ત્યાર બાદ તેમણે આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચૅમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરીને ટોક્યો ઑલિમ્પિક્સમાં ક્વોટા સ્થાન મેળવ્યું.

વર્ષોથી શૂટિંગ રેંજ પર તેમની ઉપલબ્ધિઓનાં પગલે સરનોબતને 2018માં ભારતમાં રમતગમત ક્ષેત્રના સન્માન અર્જુન ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

સરનોબત કહે છે કે અર્જુન ઍવૉર્ડ મેળવવો તેમનાં જીવનની સૌથી રોમાંચક પળ હતી. તેઓ ભારતમાં રમતગમત ક્ષેત્રે સર્વોચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ માટે મજબૂત દાવેદાર બનવાની આશા પણ રાખે છે.

( આ પ્રોફાઇલ બીબીસી દ્વારા રાની સરનોબતને મોકલવામાં આવેલા સવાલોના જવાબ પર આધારિત છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો