દિલ્હી : ટ્રૅક્ટર પરેડમાં હિંસા અંગે પોલીસ અને સંયુક્ત કિસાન મોરચાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર જે દૃશ્યો સર્જાયા એવું કદાચ ક્યારેય જોવા મળ્યું નહોતું.
દર વર્ષે દિલ્હી 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી માટે સજ્જ હોય છે પરંતુ આ વર્ષે દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રૅક્ટર રેલી થઈ અને તેમાં હિંસા અને અરાજકતા જોવા મળી.
દિવસ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે તો અનેક પોલીસને તથા લોકોને ઈજા થઈ હોવાનું કહેવાય છે.
આજની હિંસા માટે સંયુક્ત કિસાન મોરચાએ આંદોલનમાં ઘૂસી આવેલા અરાજક તત્ત્વોને જવાબદાર ગણાવ્યા તો પોલીસે કહ્યું કે આંદોલનકારીઓએ શરતોનું પાલન નથી કર્યું અને હિંસા કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.
સંયુક્ત કિસાન મોરચાએ હિંસાની નિંદા કરી અને એ કરનાર સાથે સંબંધ નહીં હોવાની જાહેરાત કરતાં પરેડ પૂર્ણ થઈ ગઈ હોવાનું કહ્યું છે.
પોલીસે શું કહ્યું?
દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, રેલીનો રૂટ અને સમય ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે અનેક બેઠકો યોજ્યા બાદ નિયત કરાયો હતો.
તેમનું કહેવું છે કે ખેડૂતો નિયત સમય પહેલાં અને નિયત કરાયેલા રૂટ સિવાયના રસ્તાઓ પર ટ્રૅક્ટર્સ લઈને આવી ગયા હતા અને તોડ-ફોડ કરી હતી, જેમાં અનેક પોલીસકર્મી ઈજાગ્રસ્ત પણ થયા છે.
તેઓ કહે છે કે પ્રદર્શનકારીઓએ જાહેર સંપત્તિને પણ નુકસાન કર્યું છે.
શ્રીવાસ્તવે એએનઆઈને કહ્યું, "હું વિરોધ કરનારા ખેડૂતોને અપીલ કરું છું કે હિંસા ન આચરે, શાંતિ જાળવી રાખે અને નિયત કરાયેલા રૂટ પ્રમાણે પાછા જતા રહે."
દિલ્હીના સંયુક્ત પોલીસ કમિશનર આલોક કુમારે કહ્યું કે, પોલીસો સામે હિંસા કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે.
યોગેન્દ્ર યાદવે કરી હિંસાની નિંદા
યોગેન્દ્ર યાદવે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ સંયુક્ત કિસાન મોરચા દ્વારા નક્કી કરવામાં આવેલ રુટ પર જ પરેડ કરે.
ટ્વિટમાં યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, દરેક સાથીઓને અપીલ છે કે સંયુક્ત કિસાન મોરચા દ્વારા નક્કી કરવામાં આવેલા રુટ પર જ પરેડ કરે. તેનાથી અલગ થવાની આંદોલનને જ નુકસાન થશે. શાંતિ જ ખેડૂત આંદોલનની તાકાત છે. શાંતિ ભંગ થશે તો આંદોલનને નુકસાન થશે.
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રૅક્ટર પરેડમાં થયેલ બબાલને લઈને વિરોધ પક્ષના નેતા કેન્દ્ર સરકારને સૂચન આપી રહ્યા છે. ખેડૂતોના સંયુક્ત મોરચાએ પરેડ દરમિયાન થયેલ હિંસાની નિંદા કરી છે.
એક નિવેદન બહાર પાડીને મોરચાએ જણાવ્યું છે કે, "આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારા બધા પ્રયાસો છતાં અમુક સંગઠન અને અમુક અસામાજિક તત્વોએ હજુ સુધી શાંતિપૂર્ણ રહેલા અમારા આંદોલનમાં ઘૂસણખોરી કરી, રુટ અને શિસ્તનું ઉલ્લંધન કરીને નિંદનીય કાર્ય કર્યું છે. અમે હમેશાં માનીએ છીએ કે શાંતિ અમારી સૌથી મોટી શક્તિ છે. આવી હરકતોથી આંદોલનને નુકસાન થાય છે."
રાહુલ ગાંધી, સંજય રાઉત અને શરદ પવારે શું કહ્યું?
તેમણે સરકારને અપીલ કરી છે કે તેઓ ખેડૂતોની વાત સાંભળે અને દેશહિત માટે કૃષિકાયદા પરત લે.
શિવસેના નેતા અને પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદક સંજય રાઉતે ટ્વિટમાં કહે છે, "સરકારની ઇચ્છા હોત તો દિલ્હીમાં થઈ રહેલી હિંસા અટકાવી શકી હોત. દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેનું સમર્થન કોઈ ન કરી શકે. કોઈ પણ હોય લાલ કિલ્લો અને તિરંગાનું અપમાન સહન નહીં કરીએ. પરતું માહોલ કેમ બગડી ગયો? સરકાર ખેડૂત વિરોધી કાયદા રદ કેમ નથી કરી રહી? શું કોઈ અદૃશ્ય હાથ રાજકારણ કરી રહ્યું છે?"
ગુજરાત કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે ખેડૂતોને બદનામ કરવાનો પ્રયત્ન ન થવો જોઈએ.
તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, "ખેડૂતોને બદનામ ન કરો કારણકે આ જ ખેડૂત છેલ્લાં બે મહિનાથી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા. હાલની મોદી સલ્તનત ખેડૂતોના ભાવિ સાથે રમત રમી રહી છે ત્યારે એક પણ મીડિયા સત્ય બતાવવાની હિંમત નથી કરી રહી. ખેડૂત અમારી શાન છે અને તમે ખેડૂતોને દુઃખી કરી રહ્યા છો."
પંજાબના મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે, "દિલ્હીમાં આઘાત પમાડનાર દૃશ્યો. અમુક તત્વો દ્વારા હિંસા સ્વીકાર્ય નથી. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જે શાખ ઊભી કરી છે તેને આ નુકસાન કરશે. ખેડૂત નેતાઓએ પોતાને આનાથી અલગ કરી દીધા છે અને ટ્રૅક્ટર રેલીને અટકાવી દીધી છે. હું સાચા ખેડૂતોને દિલ્હી છોડીને સરહદ પાછા આવી જવા માટે અપીલ કરું છું."
એનસીપી નેતા શરદ પવારે જણાવ્યું કે, "જે રીતે આંદોલનનું સંચાલન કરવામાં આવ્યું છે તે દુઃખદ છે. વિપક્ષમાં બેસેલા અમે બધા ખેડૂતોના સર્મથનમાં છીએ અને હું અપીલ કરું છું - હવે તમે (ખેડૂતો) શાંતિથી પોતાના ગામ પરત ચાલ્યા જાવ, સરકારને તમને દોષ આપવાનો કોઈ મોકો ન આપવો જોઈએ."
તેમણે વધુમાં જણાવ્યું કે, "આજે જે કંઈ પણ થયું તેનો કોઈ પણ સમર્થન નહીં કરે પરતું તેની પાછળના કારણોને નજર અંદાજ નહી કરી શકાય. જો લોકો શાંતિથી બેઠા હતા તેમની અંદર ગુસ્સો ફૂટ્યો, કેન્દ્ર સરકારે પોતાની જવાબદારી પૂર્ણ ન કરી. સરકારે પરિપક્વતાથી સાચો નિર્ણય લેવો જોઈએ."
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો