કેવીએલ પાવની કુમારી : આઠ વર્ષની ઉંમરથી વેઈટ લિફ્ટિંગ કરતાં ખેલાડી

કે.વી.એલ. પાવની કુમારી

યુવાન ભારતીય વેઇટલિફ્ટર કે.વી.એલ. પાવની કુમારીએ એ ઉંમરે વજન ઊંચકવાનું શરૂ કર્યું હતું, જ્યારે સામાન્ય રીતે બાળકોને તેમની સ્કૂલબેગ ઉપાડવામાં મુશ્કેલી પડતી હોય છે.

પાવનીને શરૂઆતથી જ તેમનાં માતાપિતાએ પ્રોત્સાહન આપ્યું હતું. તેમનાં માતાપિતાએ પોતાનાં ઍક્ટિવ દીકરી પાછળ તમામ શક્તિઓને લગાવી દીધી.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાના જી કોથાપાલ્લી ગામના આ પરિવારે દીકરી પાવનીને હૈદરાબાદની તેલંગણા સ્પૉર્ટ્સ એકૅડેમીમાં 2011માં દાખલ કરાવી. તે સમયે પાવનીની ઉંમર માત્ર આઠ વર્ષની હતી.

પાવની અને તેમના પરિવારની કટિબદ્ધતાને ત્યારે ફળ મળ્યું જ્યારે તેમણે રાજ્ય અને રાષ્ટ્રીયસ્તરે પોતાની વયવર્ગની ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

વર્ષ 2020 પાવની માટે એ રીતે યાદગાર રહ્યું કે તેમણે ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે યોજાયેલી એશિયન યૂથ અને જુનિયર ચૅમ્પિયનશિપની જુનિયર અને યૂથ કૅટેગરીમાં બે સિલ્વર મેડલ જિત્યાં.

ઉતાર-ચડાવવાળી સફર

એક દુર્ગમ વિસ્તારમાંથી આવતા હોવાના કારણે સ્પૉર્ટ્સની ટ્રેનિંગ સરળતાથી મેળવવી પાવની માટે મોટો પડકાર હતો. આથી તેમનાં માતાપિતાને એક આકરો નિર્ણય કરવો પડ્યો અને તેમણે દીકરીને આઠ વર્ષની ઉંમરે પોતાના ઘરેથી દૂર મોકલી દીધી.

કોચ પી. મણિક્યાલ રાવ તેમને પોતાની એકૅડેમીમાં લઈ ગયા. યુવા લિફ્ટર કહે છે કે તેમના કોચ તરફથી મળેલા માર્ગદર્શને તેમને સ્પૉર્ટ્સ વુમન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એકૅડેમીના દિવસોમાં રજાઓમાં પણ પોતાના ગામે પરત જવાને બદલે તેઓ એકૅડેમીની બહાર રહેતાં અને સ્પર્ધાઓની પ્રૅક્ટિસ કરતાં.

પાવનીની ટ્રેનિંગ યોગ્ય દિશામાં ચાલતી હતી, મેદાનમાં અને બહાર પણ જિંદગી તેમની પરીક્ષા લઈ રહી હતી.

તેમના ગરીબ ખેડૂત પિતાને 2018ની આસપાસ નાજુક તબિયતને કારણે ખેતી છોડવી પડી.

પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયો અને કુમારી રમત પર ધ્યાન ન આપી શક્યાં. એ તબક્કો તેમના માટે મુશ્કેલ હતો અને તે 2019 સુધી ચાલ્યો.

ધમાકેદાર વાપસી

જોકે કુમારીનો પરિવાર તેમને જરૂરી આર્થિક ટેકો પૂરો પાડવા અસમર્થ હતો, પણ તેમને માનસિક અને ભાવનાત્મક ટેકાની કોઈ કમી નહોતી.

એ જ વર્ષે ઑક્ટોબરમાં બિહારના બોધગયામાં 15મા યૂથ (સબ-જુનિયર પુરુષ ઍન્ડ મહિલા), 56મા મૅન અને 32મા વિમેન (જુનિયર) નેશનલ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપનું આયોજન થયું.

તેમણે બેસ્ટ લિફ્ટરનો ઍવૉર્ડ જિત્યો અને યૂથ સેક્શનની બે ટુર્નામેન્ટમાં પણ રેકૉર્ડ બનાવ્યા.

બોધગયાનું પ્રદર્શન તેમના માટે ખૂબ જ વિશ્વાસ વધારનારું બન્યું, જેના કારણે પાવનીને ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં 2020માં યોજાયેલી એશિયન યૂથ અને જુનિયર વેઇટ લિફ્ટિંગ ચૅમ્પિયનશિપ સુધી વેગ મળ્યો.

વીડિયો કૅપ્શન,

89 વર્ષની વયે ઉત્સાહથી કાર ચલાવતા દાદી

તેમણે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં યુવા અને જુનિયર બંને સેક્શનમાં સિલ્વર મેડલ જિત્યા.

તાશ્કંદમાં મળેલી સફળતાથી પાવનીને ઓળખ મળી. તેઓ સ્વીકારે છે કે આ તેમની એક લાંબી કારકિર્દીની શરૂઆત હતી.

તેઓ કહે છે કે દેશ માટે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તેમનું સપનું છે અને સખત મહેનત કરવા તૈયાર છે.

પાવનીના મતે, સ્પૉર્ટ્સમાં મહિલાઓ માટે કોચિંગ મહત્ત્વપૂર્ણ છે અને સફળ કારકિર્દી માટે નૈતિક અને આર્થિક સહયોગ પણ મહત્ત્વનો છે.

તેઓ યુવા સ્પૉર્ટ્સ વુમનને ઉચ્ચસ્તરે સારું પ્રદર્શન કરવા માટે શારીરિક અને માનસિક રીતે મજબૂત થવાની સલાહ આપે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો