BBC ISWOTY: નૉમિનીની જાહેરાત, પીટી ઊષાએ કહ્યું, પીવી સિંધુ અને મેરી કોમ પાસેથી ઑલિમ્પિક મેડલની આશા

ભારતનાં પ્રખ્યાત દોડવીરાંગના પીટી ઊષાને આશા છે કે ટોક્યો ઑલિમ્પિક્સમાં પીવી સિંધુ અને મેરી કોમ મેડલ લાવે શકે છે.
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધ યર ઍવૉર્ડ 2020 માટે શૉર્ટલિસ્ટ કરેલાં ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી જે અંગેની પ્રેસ વાર્તામાં પીટી ઊષા પણ જોડાયાં હતાં જ્યાં તેમણે આ અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યાં.
ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતનારાં ખેલાડીઓ વિશે તેમણે કહ્યું, પીવી સિંધુ અને મેરી કોમ ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને મેડલ અપાવી શકે છે. સિંધુએ ગત વખતે ઑલિમ્પિક મેડલ જીત્યો હતો એટલે આ વખતે પણ તેમની પાસેથી આશા રાખી શકાય કે તેઓ ગોલ્ડ મેડલ લાવશે. મેરી કોમ પણ સારું પ્રદર્શન કરી રહ્યાં છે એટલે તેઓ પણ મેડલ લાવશે એવી આશા છે. "
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર- 2ના નૉમિનેશનની જાહેરાત નવી દિલ્હી ખાતે એક વર્ચુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં કરવામાં આવી હતી.
આ ઍવૉર્ડ ભારતીય મહિલા ખેલાડીઓનાં યોગદાન અને ઉપલબ્ધિઓને સન્માનિત કરવા માટે યોજવામાં આવે છે.
2021માં આ ઍવૉર્ડ માટે પાંચ મહિલા ખેલાડીઓને નામાંકિત કરવામાં આવ્યાં છે.
જેમાં નિશાનેબાજ મનુ ભાકર, દોડવીર દુતી ચંદ, ચેસ ખેલાડી કોનેરુ હમ્પી, કુસ્તીબાજ વિનેશ ફોગટ અને હૉકી ખેલાડી રાની સામેલ છે.
પી ટી ઊષા અને પૅરા ઍથ્લીટ માનસી જોશી આ પ્રેસ કૉન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં.
બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર 2021 નો ઍવૉર્ડ પ્રભાવશાળી ભારતીય મહિલા ઍથ્લીટ્સ, ખેલાડીઓને સન્માનિત કરે છે અને મહિલા ખેલાડીઓનાં સંઘર્ષની પ્રેરણાદાયક કહાણીઓ પણ તમારા સુધી લાવે છે.
વર્ચ્યુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં દેશ ભરમાંથી અનેક ભાષાઓના ખેલ પત્રકારો જોડાયા હતા.
ડિજિટલ મીડિયામાં ભારતીય મહિલા ખેલાડીઓને મળતા કવરેજ વિશે વાત કરતાં માનસી જોશીએ કહ્યું , "મહિલા ખેલાડીઓ વિશે ડિજિટલ મીડિયામાં બહુ નથી લખવામાં આવતું. ભારતમાં તો મહિલા ખેલાડીઓને મળતું કવરેજ ખૂબ જ ઓછું છે. આપણે લોકોએ મહિલા ઍથ્લીટ્સ વિશે વધારે વાત કરવી જોઈએ. તેમનાં સંઘર્ષો અને ઉપલબ્ધિઓ વિશે વધારે લખવું જોઈએ જેનાથી આ અંતરને ભરી શકાય."
તેમણે આગળ કહ્યું. "બીબીસીની આ પહેલથી લોકોમાં મહિલા ખેલાડીઓ વિશે જાગરુકતા વધી છે. આનાંથી પૅરા-બૅડમિન્ટનમાં લોકોની રુચિ વધી છે."
આટલા વર્ષોથી રમતજગતમાં આવેલા પરિવર્તન વિશે વાત કરતા પી ટી ઊષાએ કહ્યું કે જ્યારે તેમણે ભારત માટે મેડલ જીત્યા ત્યારે એવી સુવિધાઓ નહોતી જેવી અત્યારનાં ખેલાડીઓને મળે છે.
તેમણે કહ્યું, " જ્યારે હું રમતી હતી ત્યારે બહુ સગવડ નહોતી અને વિદેશમાં રમવાનો અનુભવ ન હોવાને કારણે હું મેડલ ન જીતી શકી. હવે પરિવર્તન આવ્યું છે, વિદેશી કોચ છે જે ઍથ્લીટ્સને ટ્રેનિંગ આપે છે. તેમને સારી સગવડ મળે છે પરંતુ તેમાં હજી સુધાર થઈ શકે છે. દરેક શાળામાં એક રનિંગ ટ્રૅક અને બાળકોને રમવા માટે એક નાનો કોર્ટ હોવો જોઈએ."
પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે પીટી ઊષાને પૂછવામાં આવ્યું કે શું મહિલાઓની રમતગમતમાં ઍક્સપાયરી ડેટ હોય છે, કારણ કે લગ્ન પછી એક છોકરીના જીવનમાં ઘણું બદલાય જાય છે.
આની પર પી ટી ઊષાએ જવાબ આપ્યો , "મને નથી લાગતું કે મહિલાઓની કોઈ ઍક્સપાયરી ડેટ હોય છે. મેં મારું કરિયર 1976-77માં શરૂ કર્યું હતું. 1990 સુધી હું સક્રિય હતી. મેં 102 આંતરરાષ્ટ્રીય મેડલ મેળવ્યા. મેં મારી સ્પૉર્ટ્સ સ્કૂલ શરૂ કરી અને મારાં બે વિદ્યાર્થીની ઑલિમ્પિયન બન્યાં હતાં. 1980માં મારાં લગ્ન થયાં, મારો દીકરો છે, પતિ અને માતા મારી સાથે છે. હું પરિવાર, કરિયર બંને સંભાળી શકું છે. મને લાગે છે કે લગ્ન પછી પરિવારના સમર્થનથી તમે તમારી કારકિર્દી આગળ વધારી શકો છો."
બીબીસીની ભારતીય ભાષાઓના પ્લેટફૉર્મ્સ પર BBCISWOTY ઍવૉર્ડ વિજેતાનું ચયન વાચકો દ્વારા ઑનલાઇન થશે. બીબીસી એક યુવા ખેલાડીને ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડથી પણ સન્માનિત કરશે અને એક પૂર્વ પ્રભાવશાળી ખેલાડીને લાઇફ ટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરશે.
વોટિંગ લાઇન 24 ફેબ્રુઆરી સુધી ખુલી રહેશે અને વિજેતાની જાહેરાત આઠ માર્ચે દિલ્હીમાં એક કાર્યક્રમમાં થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો