કોરોના વાઇરસ ચીનની લૅબમાંથી ફેલાયો હોય એના કોઈ પુરાવા નથી : WHO

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઇરસની ઉત્પત્તિની સંભાવનાની તપાસ કરી રહેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે કહ્યું કે "એ વાતના કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા કે આ વાઇરસ ચામાચીડિયા કે પૅંગોલિનમાંથી ફેલાયો છે, જોકે આ પ્રાણી કોઈ મહામારીના સંભવિત સ્રોત હોઈ શકે છે."
ટીમે એ પણ કહ્યું કે આ વાઇરસ ચીનની લૅબમાંથી લિક થઈને માણસ સુધી પહોંચ્યો હોય એ થિયરી પણ સાચી લાગતી નથી.
ચીનની મુલાકાત પૂરી થતા પહેલાં મંગળવારે એક પત્રકારપરિષદમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમના પીટર બેન ઍમ્બારેકે કહ્યું કે "તેમને એ વાતના પણ પુરાવા નથી મળ્યા કે ડિસેમ્બર 2019થી પહેલાં ચીનના વુહાનની એક માર્કેટમાંથી આ વાઇરસની ફેલાવવાની શરૂઆત થઈ."
બેન ઍમ્બારેકે કહ્યું કે "અત્યાર સુધીમાં જે જાણકારી સામે આવી છે તેના આધારે કોરોના વાઇરસ લૅબોરેટરીમાંથી લિક થઈને માણસો સુધી પહોંચ્યો એ થિયરી સાચી લાગતી નથી. એ બિલકુલ શક્ય નથી કે વાઇરસ લૅબમાંથી ફેલાયો હોય."
એ વાતની આશંકા કરાઈ રહી હતી કે વુહાનના સીફૂડ માર્કેટમાંથી કોરોના વાઇરસ ફેલાયો હતો.
બેન ઍમ્બારેકનું કહેવું હતું કે તેમને વાઇરસની ઉત્પત્તિનાં નવાં પ્રમાણ ચોક્કસ મળ્યાં છે, પણ તેનાથી મહામારીનું સ્વરૂપ બદલાતું નથી.
રાજીવ કપૂરનું હાર્ટઍટેકથી નિધન
ઇમેજ સ્રોત, Neetu Kapoor
બોલીવૂડ કલાકાર અને કપૂર ખાનદાન સાથે સંબંધ ધરાવતા અભિનેતા રાજીવ કપૂરનું નિધન થયું છે.
નીતુ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીર મૂકીને આ વાતની જાણ કરી હતી.
આ સાથે જ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ ટ્વીટ કરીને માહિતી આપી કે હાર્ટઍટેકને લીધે રાજીવ કપૂરનું નિધન થયું.
58 વર્ષના રાજીવ કપૂર રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ હતા.
જોકે, તેમણે વધુ ફિલ્મો નથી કરી પરંતુ 'રામ તેરી ગંગા મેલી' ફિલ્મથી તેમણે ડેબ્યૂ કર્યું હતું.
કેજરીવાલની પુત્રી સાથે ઑનલાઇન 34 હજારની ઠગાઈ
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનાં પુત્રી હર્ષિતા સાથે એક વ્યક્તિએ કથિતપણે 34,000 રૂપિયાની ઠગાઈ કરી છે. પોલીસ દ્વારા અપાયેલ માહિતી અનુસાર હર્ષિતાએ એક ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર સોફા વેચવા માટે મૂક્યો હતો, ઠગાઈ કરનાર શખસે તેમનો ખરીદદાર બનીને સંપર્ક સાધ્યો હતો.
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે આ ઘટનાની ફરિયાદ દિલ્હીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનને મળતાં રવિવારે પોલીસે IPCની લાગતીવળગતી કલમો હેઠળ FIR દાખલ કરી છે.
સોફા ખરીદવામાં રસ પ્રગટ કરનાર એક શખસે હર્ષિતાનો સંપર્ક સાધ્યો હતો. હર્ષિતાએ શૅર કરેલી એકાઉન્ટ ડિટેઇલ્સ યોગ્ય છે કે કેમ તે ચકાસવા માટે પહેલાં આ શખસ તેમના ખાતામાં થોડી રકમ ટ્રાન્સફર કરી હતી.
ત્યારબાદ આ શખ્સે હર્ષિતાને એક QR કોડ મોકલ્યો અને વેચાણ માટે નક્કી કરેલ રકમ ટ્રાન્સફર કરવા માટે તે QR કોડ સ્કૅન કરવાનું કહ્યું. પરંતુ જ્યારે હર્ષિતાએ આ શખસ દ્વારા સૂચવાયેલ પગલાં લીધાં તો તેમના ખાતામાં પૈસા જમા થવાના સ્થાને તેમના ખાતામાંથી 20,000 રૂપિયા કપાઈ ગયા.
ભારતે ચીન કરતાં વધુ વખત LAC ઓળંગી છે : વી. કે. સિંઘ
ધ સ્ક્રોલના એક અહેવાલ મુજબ ભારતના કેન્દ્રીય મંત્રી વી. કે. સિંઘે ધ હિંદુ અખબારને કહ્યું છે કે ભારતે ચીન કરતાં વધુ વખત વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC ઓળંગી છે.
વી. કે. સિંઘ, જેઓ ભૂતપૂર્વ સેનાધ્યક્ષ હતા, તેમણે કહ્યું છે કે, “જો ચીને 10 વખત સીમા ઓળંગી હશે તો આપણે ઓછામાં ઓછું 50 વખત આવું કર્યું હશે.”
સિંઘે આગળ વાત કરતાં કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સીમાંકન બાબતે બંને દેશોની જુદી જુદી ધારણાઓ છે.
તેમણે કહ્યું કે, “ચીને પાછલાં વર્ષોમાં ઘણી વખત પોતાની ધારણા મુજબ LAC પાર કરી છે. તેવી જ રીતે અમે પણ અમારી ધારણા મુજબ ઘણીવાર સીમા ઓળંગી છે, તમને એ વાતની ખબર પડતી નથી કારણ કે ચીનનાં માધ્યમો તેનું કવરેજ કરતાં નથી.”
તેમણે કહ્યું કે જ્યારે ચીને વર્ષ 2020માં પૂર્વ લદ્દાખમાં સીમા ઓળંગી, ત્યારે ભારતની પણ પ્રતિક્રિયા આવી. ત્યારે સ્થિતિ નિયંત્રણમાં હતી.
“આજે ચીન પ્રેશરમાં છે, કારણ કે અમે સીમા પર એવાં સ્થાનોએ બેઠા છીએ, જ્યાં તેને ગમતું નથી.”
બીજી તરફ વી. કે. સિંહના આ નિવેદન પર ચીને પણ પ્રતિક્રિયા આપી છે.
ચીનના વિદેશમંત્રીના પ્રવક્તા વાંગ વેન્બિને ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક સમાચારનો હવાલો આપતાં કહ્યું છે કે ભારત સતત ભારત-ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સતત ઘર્ષણની સ્થિતિ પેદા કરી રહ્યું છે. અખબાર અનુસાર સીમા પર તણાવનું આ મુખ્ય કારણ છે.
વિદેશમંત્રીના પ્રવક્તાએ કહ્યું કે, “અમે ભારતને આગ્રહ કરવા માગીએ છીએ કે બંને દેશો એકમેકની સંમતિથી જે સમજૂતી પર પહોંચ્યા છે તેને પ્રામાણિકતાથી લાગુ કરે અને સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાની રક્ષા માટે પગલાં ભરે.”
ગુજરાતમાં સ્ટાર્ટઅપ વર્કફોર્સમાં નવ ટકાનો ઘટાડો
ઇમેજ સ્રોત, GETTY IMAGES
વિજય રૂપાણી
લૉકડાઉન બાદ વર્કફૉર્સમાં ઘટાડો એક સામાન્ય ઘટના બની ગઈ હતી. આવું જ કંઈક ગુજરાતના સ્ટાર્ટઅપ સાથે પણ બન્યું છે. વર્ષ 2019ની સરખામણીએ ગુજરાતમાં સ્ટાર્ટઅપમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં નવ ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેન્દ્રીય કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીના ડેટા પ્રમાણે વર્ષ 2019માં સ્ટાર્ટઅપમાં કામ કરતા લોકોની સંખ્યા 10,539 હતી જે વર્ષ 2020માં ઘટીને 9,577 થઈ ગઈ છે.
અમદાવાદસ્થિત ફિકોલિંક ટેક્નૉલૉજીસના ફાઉન્ડર સુમિત મોહંતીએ આ વલણ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “અમે લૉકડાઉન પછી નવા લોકોને રોજગારી આપવાનું બંધ કરી દીધું હતું કારણ કે અમારા સેક્ટરમાં મંદી જોઈ શકાતી હતી. આટલો સમય પસાર થઈ ગયા છતાં પણ વૃદ્ધિની ઝડપ વધી શકી નથી. અમે આવનારા નાણાકીય વર્ષમાં પોતાનો વર્કફોર્સ વધારવાની આશા રાખીએ છીએ.”
ગુજરાતસ્થિત વધુ એક લીગલ-ટેક સ્ટાર્ટઅપ લીગલવીઝે પણ મહામારીના વર્ષ દરમિયાન નવા લોકોને તક આપવાનું બંધ કરી દીધું હતું.
લીગલવીઝના ફાઉન્ડર શ્રીજય શેઠે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “લૉકડાઉન બાદથી અમે રોજગારી સર્જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ડિજિટલ અડોપ્શનના કારણે અમારો બિઝનેશ વધવાની શરૂઆત થવાની સાથે જ અમે રિક્રૂટમેન્ટ શરૂ કરી દીધી છે.”
હૅકરની અમેરિકાના એક શહેરનું પાણી ઝેરી કરવાની કોશિશ
અમેરિકામાં અધિકારીઓનું કહેવું છે કે એક કૉમ્પ્યૂટર હૅકરે ફ્લોરિડા રાજ્યના એક શહેરના પાણી પુરવઠા માટેના યંત્રને હૅક કરીને પાણીમાં ઝેરી રસાયણ ભેળવવાની કોશિશ કરી છે.
તેમણે જણાવ્યું કે એક હૅકરે ઓલ્ડસ્માર શહેરની વૉટર ટ્રીટમેન્ટ સિસ્ટમને હૅક કરીને પાણીમાં સોડિયમ હાઈડ્રોક્સાઇડનું પ્રમાણ વધારવાની કોશિશ કરી છે.
પરંતુ એક કર્મચારીની તેના પર નજર પડી ગઈ અને તેણે આ પ્રક્રિયા અટકાવી દીધી.
પાણીમાં એસિડિટી રોકવા માટે સોડિયમ હાઈડ્રોક્સાઇડનો ઉપયોગ ઓછી માત્રામાં કરવામાં આવે છે, તેની માત્રા વધારવાના ખરાબ પરિણામ આવી શકે છે.
ઓલ્ડસ્માર શહેરના મેયરનું કહેવું છે કે કોઈ ખરાબ ઇરાદાવાળી વ્યક્તિએ આ કર્યું છે.
અત્યાર સુધી આ મામલે કોઈ ધરપકડ નથી થઈ અને એ પણ ખબર નથી પડી શકી કે હૅકિંગનો આ પ્રયત્ન અમેરિકામાંથી જ થયો હતો કે કોઈ બહારના દેશમાંથી.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો