અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMનું ગુજરાતની સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં આગમન, કેવી રહેશે ટક્કર?
- રૉકસી ગાગડેકર છારા
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, GETTY IMAGES/HINDUSTAN TIMES
“CAA-NRCના આંદોલનો સમયે જ્યારે કોઈ રાજકીય નેતાએ અમને મદદ નહોતી કરી ત્યારે, રાજકારણમાં અમને ખૂબ એકલુ લાગ્યું હતું. ત્યારથી જ મનોમન નક્કી કરી લીધું હતું કે અમારા અને અમારા જેવા બીજા વંચિતોનું કોઈ રાજકીય પ્રતિનિધિત્વ હોવું જોઈએ.”
આ શબ્દો 35 વર્ષના સુફિયાન રાજપૂતનાં છે, જેણે પોતાના મિત્રો સાથે મળીને લગભગ અઢી મહિના સુધી અજિત મીલ વિસ્તારમાં CAA-NRC વિરુદ્ધ શાહીનબાગની જેમ વિરોધપ્રદર્શન કર્યું હતું.
આ પ્રદર્શનમાં રખીયાલ, બાપુનગર, અજિત મીલ વગેરે વિસ્તારોના અનેક મુસલમાન લોકોએ ભાગ લીધો હતો.
ગુજરાતમાં CAA-NRCની વિરુદ્ધ આ સૌથી લાંબુ ચાલનારું વિરોધપ્રદર્શન હતું. સુફિયાન અને તેમના મિત્રોએ ત્યારે અનુભવ્યું હતું કે તેમના માટે કોઈ મોટા રાજકીય પક્ષના કોઈ નેતાએ મદદ કરી ન હતી.
કદાચ એટલા માટે જ જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાતમાં આવવાનું નક્કી કર્યું તો સુફિયાન રાજપૂત જેવા અનેક લોકો તેમની સાથે તુરંત જોડાઈ ગયા.
ઇમેજ સ્રોત, AIMIM
સુફિયાન રાજપૂત
ઘણા મુસલમાન અને દલિત સમાજના લોકો આ પાર્ટીને તેમના સમાજો માટે ગુજરાતમાં શરૂ થયેલો એક ત્રીજો મોરચો માને છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે AIMIMને કાર્યકર્તાઓ અને ઉમેદવાર શોધવમાં કોઈ તકલીફ પડી નથી, કારણકે ઘણા લોકો આ માટે પહેલાંથી જ તૈયાર હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી સાથે-સાથે AIMIM ગુજરાતભરમાં ગોધરા, ભરૂચ, અને મોડાસામાં પોતાના ઉમેદવારો ઊભા રાખવાની છે.
આ તમામ ચૂંટણીઓમાં 80 જેટલા ઉમેદવારો મુસલમાનોની બહુમતી ધરાવતા વિસ્તારમાં ચૂંટણી લડશે.
આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાંથી 21, ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં 20, ગોધરામાં 22, અને મોડાસા નગરપાલિકામાં આશરે 18 ઉમેદવારો ચૂંટણી લડશે. AIMIMએ મુસલમાન ઉપરાંત દલિત સમાજના લોકોને ઉમેદવારી આપી છે.
જો કે AIMIMના નેતાઓનું માનવું છે કે અમદાવાદમાં તેમને સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને લોકો તેમની વાત સમજી રહ્યા છે.
આ માટે તેમના 21 ઉમેદવારોમાથી 19 મુસલમાન છે અને બાકીનાં દલિત સમાજનાં મહિલાઓ છે.
મુસલમાનોની બહુમતીવાળા વિસ્તારોમાં યોજાતી AIMIMની બેઠકોમાં ઘણી મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. જોકે નિષ્ણાંતો માને છે કે આ ભીડ ખરેખર વોટમાં ફેરવાશે કે નહીં તે જોવાનું રહેશે, કારણકે ગુજરાતમાં આ પહેલાં પણ કોઈ ત્રીજા પક્ષને ક્યારેય લોકોએ સ્વાકાર્યો નથી.
AIMIMના ગુજરતાના પ્રમુખ શાબીર કાબલીવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે ઘણા મુસલમાનોને લાગે છે કે હવે તેમનો અવાજ ઉઠાવનારો કોઈ રાજકીય પક્ષ બચ્યો જ નથી, એટલે લોકો AIMIMને એક સારા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
તેઓ કહે છે કે સામાન્ય રીતે મુસલમાન સમાજની વસતી વધારે હોય, ત્યાં કૉંગ્રેસ પાર્ટીનું જોર વધારે હોય છે.
જો કે ઘણા લોકો માને છે કે આ પ્રક્રિયાથી કૉંગ્રેસના વોટ્સમાં એક મોટું ગાબડું પડી શકે છે.
કાબલીવાલાએ કહ્યું કે અમે લોકો પાસે તેમનો અવાજ જે-તે પ્લૅટફૉર્મ સુધી પહોંચશે તે વાત કરવા માટે જઈ રહ્યા છીએ, તે વાત મોટાભાગના લોકોના ગળે ઊતરી ચુકી છે.
કાબલીવાલા કહે છે, “લોકોનું કહેવું છે કે નાગરિક સુવિધાઓ વગર જ તેઓ જીવી રહ્યાં છીએ, અને ચૂંટેલા કૉર્પોરેટરો જ વાત નથી સાંભળતા.”
મુસલમાન સમાજના જ એક અગ્રણી વકીલ, ઇમ્તિયાઝ પઠાણ ખાડીયા વોર્ડથી AIMIM માટે ચૂંટણી લડી રહ્યા છે.
તેમણે ઇશરત જહાં, શોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર, નરોડા પાટીયાના તોફાનો વગેરે જેવા રાજકીય મહત્ત્વ ધરાવતા કેસોમાં અનેક બીજા વકીલો સાથે કામ કર્યું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં પઠાણ કહે છે, “આ તમામ લોકો પોતાની રીતે જ અમારી સભાઓમાં આવે છે, આ વાત જ સાબિત કરે છે કે લોકોને હવે ત્રીજા મોરચાની જરૂર છે.”
ઇમેજ સ્રોત, AIMIM
ઉલ્લેખનીય છે કે પઠાણ માત્ર મુસલામાન વિસ્તારોમાં જ નહીં પરંતુ દલિત વિસ્તારોમાં પણ પ્રચાર કરવા જઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે તેમને ત્યાં પણ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.
પઠાણ વધુમાં કહે છે, “અત્યાર સુધી અમને ડિફોલ્ટ વોટર્સ તરીકે ગણવામાં આવતા હતા, પણ હવે અમારા વોટની પણ કિંમત થશે. કારણકે હવે અમારા વોટ માટે હરિફાઈ થશે. જે આ પહેલાં નહોતી થતી, કારણકે મુસ્લિમ વોટને કૉંગ્રેસ પાર્ટીના વોટ જ ગણવામાં આવતા હતા.”
AIMIMએ જમાલપુર અને બહેરામપુરા વોર્ડ માટે બે દલિત મહિલાઓને ઉમેદવારી આપી છે.
બીના પરમાર કે જેઓ જમાલપુરથી ઉમેદવારી કરી રહ્યાં છે.
તેઓ ક્યારેય શાળાએ ગયાં નથી પરંતુ તેમને તેમના વિસ્તારની સમસ્યાઓ વિશે જાણકારી છે. તેમણે પોતે પણ એક નાગરિક તરીકે અનેક તકલીફોનો સામનો કર્યો છે.
અમારી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે “હાલમાં અમે તમામ વિસ્તારોમાં પ્રચાર માટે જઈ રહ્યાં છે અને લોકોને લાગે છે કે મારા જેવા અનેક લોકો જેમને કોઈ સાંભળનારું નહોતું તેમનો અવાજ કોઈ સાંભળશે.”
દેશની રાજનીતિમાં AIMIM
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં AIMIMનાં રાષ્ટ્રીય પ્રવક્તા વારીસ પઠાણે કહ્યું હતું કે હાલમાં દેશભરમાં AIMIMના ત્રણ રાજ્યોમાં 14 ધારાસભ્યો, બે સંસદસભ્ય અને અનેક મ્યુનિસિપલ કાઉન્સીલર છે.
મહારાષ્ટ્રમાં AIMIMના 2, બિહારમાં 5 અને હૈદારાબાદમાં 7 ધારાસભ્યો છે.
તેમણે કહ્યું કે ગુજરાતમાં તેમની પાર્ટીની તાતી જરૂર છે, કારણકે મુસલમાન સમાજના લોકો, દલિત સમુદાય, OBC, વગેરેની વસાહતોમાં સ્થિતિ ખૂબ ખરાબ છે.
બિહારના સીમાંચલ વિસ્તારમાં પાંચ ધારાસભ્યોના વિજયથી AIMIMએ અનેક રાજકીય નિષ્ણાતોને ચોંકાવી દીધા હતા.
જો કે બિહારમાં તેમનો પ્રથમ વિજય કિશનગંજ વિધાનસભાની પેટાચૂંટણીથી થયો હતી. 2009માં AIMIMએ હૈદરાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 150માંથી 43 સીટ મેળવી હતી, 2012માં મહારાષ્ટ્રની નાંદેડ મ્યુનિસિપાલિટીમાં 13 સીટો સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું.
ત્યારબાદ 2017માં ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીમાં AIMIMએ 78માંથી 31 સીટ મેળવી હતી. 2022ની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના પ્રથમ ઉમેદવાર પણ AIMIMએ જાહેર કરી દીધા છે. ડૉ. અબ્દુલ મનન, જેઓ આંખના સર્જન છે, તેઓ ઉતરૌલા વિધાનસભા માટે AIMIMના ઉમેદવાર જાહેર થયા છે.
વારીસ પઠામ કહે છે કે અમને આશા છે કે ગુજરાતમાં પણ આવા જ પ્રકારનું પર્ફૉર્મન્સ કરીને 18થી વધુ બેઠક અમદાવાદમાં અને ત્યારબાદ ભરૂચ, ગોધરા અને મોડાસામાં પણ મોટી સંખ્યામાં અમારા કાઉન્સિલરો મૂકી શકીશું.
AIMIMના ગુજરાતના પ્રવક્તા શમશાદ પઠાણે બીબીસી ગુજરાતીને કહ્યું કે મોટી સંખ્યામાં આવતી ભીડ, વોટમાં તબદીલ થશે કારણ કે અમે બધા ઘણા સમયથી એક સારા પર્યાયની શોધમાં હતા અને AIMIM થકી તમામ વંચિત સમુદાયોના લોકોને એક અવાજ મળશે.
શું AIMIM બીજા પક્ષોથી અલગ છે?
રફીક શેખ 10 વર્ષ સુધી કૉંગ્રેસના કૉર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ 2000થી 2010 સુધી કૉંગ્રેસ પાર્ટી માટે જમાલપુરની સીટ જીતતા હતા, પરંતુ પછી તેમને ક્યારેય ટિકિટ આપવામાં આવી ન હતી.
તેઓ આ વખતે AIMIMથી ચૂંટણી લડી રહ્યા છે.
તેમણે કહ્યું કે મને અહીં વધારે આઝાદી અનુભવાઈ રહી છે અને હું માનું છું કે પાર્ટીની અંદર પણ હું મારા લોકોનો અવાજ સારી રીતે પહોંચાડી શકીશ.
અગાઉ બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને AIMIMના પ્રદર્શન અંગે પૂછ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે AIMIM પાસે કાર્યકર નથી, તેમની કોઈ ટીમ નથી કે તેમનો ઇરાદો સ્પષ્ટ નથી.
તેમણે કહ્યું હતું કે "અમે તેમને અમારા પ્રતિદ્વંદ્વી માનતા જ નથી, અમે તો માત્ર ભાજપની સામે જ લડી રહ્યા છીએ. AIMIMએ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે, કારણકે તેમણે મુસલમાન બહુમતીવાળા વિસ્તારમાં જ પોતાના લોકોને ઊભા રાખ્યા છે, જેનો સીધો ફાયદો ભાજપને જ થશે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો