કૂ વિરુદ્ધ ટ્વિટર : ભારત સરકાર સોશિયલ મીડિયા ન્યૂકમરની તરફેણ કેમ કરે છે?

  • શ્રુતિ મેનન
  • બીબીસી રિયાલિટી ચૅક
કૂનો લોગો ભારતીય લોકોના મોબાઇલ ફોન પર દેખાતો સામાન્ય લોગો બનતો જઈ રહ્યો છે
ઇમેજ કૅપ્શન,

કૂનો લોગો ભારતીય લોકોના મોબાઇલ ફોન પર દેખાતો સામાન્ય લોગો બનતો જઈ રહ્યો છે

પીળા રંગનું આ નાનું ચિક (પક્ષીનું બચ્ચું) ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવના પરિણામ સ્વરૂપે દિવસે ને દિવસે વધુ લોકપ્રિય બનતું જઈ રહ્યું છે.

પોતાના અમેરિકાસ્થિત પ્રતિદ્વંદ્વીની સરખામણીએ સરકારી વિભાગો દ્વારા નવી માઇક્રોબ્લોગિંગ ઍપ કૂને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

ટ્વિટરનું ‘બેવડું વલણ’

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારે ટ્વિટર સમક્ષ તેમના દાવા અનુસાર ફૅક ન્યૂઝ ફેલાવી રહેલાં કેટલાંક એકાઉન્ટ બંધ કરવાની માંગણી કરી હતી.

ભારત સરકારે ટ્વિટર પર બેવડા વલણના આરોપ મૂક્યા છે. તેમણે આરોપ કર્યો છે કે ટ્વિટરે યુ. એસ. કૅપિટોલ બિલ્ડિંગ પર થયેલા હિંસક બનાવોમાં ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવાનારા સામે જે રીતે કાર્યવાહી કરી હતી, તેવી કાર્યવાહી દિલ્હીમાં લાલ કિલ્લા પર થયેલાં પ્રદર્શનો બાબતે કરી નથી.

ટ્વિટરે શરૂઆતમાં તો ભારત સરકારની વાત માની પરંતુ પાછળથી પોતાનો નિર્ણય ઉલટાવી સસ્પેન્ડ કરાયેલાં તમામ એકાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યાં.

નોંધનીય છે કે સરકાર ઇચ્છતી હતી કે ટ્વિટર કેટલાક પત્રકારો, સમાચાર સંસ્થાઓ અને વિરોધ પક્ષના નેતાઓનાં એકાઉન્ટ બ્લોક કરી દે.

આ વિવાદ ચાલુ છે ત્યારે હવે ભારત સરકારના સમર્થકો અને સત્તાધારી પક્ષના રાજનેતાઓ દ્વારા પોતાની વાત મૂકવા માટે નવા પ્લૅટફૉર્મ કૂનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. તેમજ ટ્વિટરને ભારતમાં બૅન કરવા માટેનું હૅશટૅગ પણ તેઓ શૅર કરી રહ્યા છે.

કૂ શું કરી શકે છે?

કૂ અંગેની એક ચોક્કસપણે રસપ્રદ વાત એ છે કે તે હાલ અંગ્રેજી સહિત પાંચ રાષ્ટ્રીય ભાષાઓમાં ઑપરેટ થઈ રહ્યું છે, તેમજ તે વધુ 12 ભાષાઓ રજૂ કરવાનું છે.

ગત વર્ષે માર્ચ માસમાં લૉન્ચ થયેલ આ માઇક્રોબ્લોગિંગ ઍપને ભારત સરકાર દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે.

કૂ મોટા ભાગે ટ્વિટરની જેમ જ કામ કરે છે. તેમજ અત્યાર સુધી 30 લાખ લોકોએ કૂ ઍપ ડાઉનલોડ કરી છે જે પૈકી એક તૃતીયાંશ ભાગના યુઝરો ઍક્ટિવ છે.

કૂના સમર્થકો કોણ છે?

ઇમેજ કૅપ્શન,

ભારતીય મંત્રાલયો કૂને પ્રત્યાયન માટેનું પ્રાથમિક માધ્યમ બનાવતી જઈ રહી છે

આ મહિનાની શરૂઆતમાં કૂની પૅરન્ટ કંપની બેંગ્લુરુસ્થિત બૉંબિનેટ ટૅક્નૉલૉજીસે એક પ્રોજેક્ટ માટે 4.1 મિલિયન ડૉલરનું ભંડોળ એકઠું કર્યું હતું.

કૂના મુખ્ય સમર્થકો પૈકી એક છે મોહનદાસ પઈ, જેઓ IT જાયન્ટ ઇન્ફોસિસના કો-ફાઉન્ડર અને ભાજપના સમર્થક છે.

ટ્વિટર પર કેટલાક યુઝરોએ દાવો કર્યો હતો કે કૂ ઍપને ચાઇનીઝ સપોર્ટ પણ હતો.

જોકે, આ બાબતે સ્પષ્ટતાં કરતાં કૂના ચીફ ઍક્ઝિક્યૂટિવ અપ્રામેયા રાધાક્રિષ્નાએ કહ્યું હતું કે શરૂઆતમાં તેમાં ચાઇનીઝ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ હતું પરંતુ હવે તેવું નથી.

શું કૂ એ ભારતનું ‘પાર્લર’ છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

યુ. એસ. બૅઝ્ડ ઍપ પાર્લર

ભારતમાં નિર્મિત કૂને ભાજપના ઘણા સમર્થકો અને નેતાઓનું સમર્થન મળી રહ્યું છે ત્યાં જ બીજી તરફ કેટલાક યુ. એસ.સ્થિત સોશિયલ મીડિયા ઍપ પાર્લર સાથે તેની સામ્યતા તરફ ધ્યાન દોરી રહ્યા છે.

પાર્લરએ એક ‘ફ્રી સ્પીચ’ પ્લૅટફૉર્મ તરીકે પોતાની જાતને પૉઝિશન કર્યું અને ઝડપથી તે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોમાં ઘણું લોકપ્રિય બની ગયું. જેમાં QAnon જેવાં કૉન્સ્પિરસી થિયરી ગ્રૂપ પણ સામેલ હતાં.

ટ્વિટરનું નુકસાન ભારતમાં કૂનો ફાયદો બની રહ્યો છે. કારણ કે ભારતના ઘણા મંત્રીઓ, સરકારી વિભાગો અને કેટલીક હસ્તીઓએ પણ પોતાનાં એકાઉન્ટ કૂમાં ક્રિએટ કર્યા છે.

આના પગલે તેમના સમર્થકોએ પણ તેમને આ ઍપ પર અનુસરવાનું શરૂ કરી દીધું છે.

તાજેતરમાં જ ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજી મંત્રી, રવિં શંકર પ્રસાદે કહ્યું કે હવે તેમના આ ઍપ પર પાંચ લાખ કરતાં વધુ ફૉલૉઅર છે. તેમજ પાછલા અમુક દિવસોમાં જ તેમના મંત્રાલયના એકાઉન્ટના 1,60,000 કરતાં વધુ ફૉલૉઅર થઈ ગયા છે.

આ અંગે રાધાક્રિષ્નાએ એક નિવેદનમાં કહ્યું કે, “આટલી બધી નામચીન હસ્તીઓ અને સરકારના કેટલાક ટોચના વિભાગો દ્વારા ઉપયોગની શરૂઆત અને તેમના પ્રોત્સાહનને કારણે અમે ઘણા ઉત્સાહિત છીએ.”

ગયા મહિને એક સ્થાનિક ટેલિવિઝન ચેનલ રિપબ્લિક ટીવીએ પણ કૂ સાથે એડિટોરિયલ પાર્ટનરશિપની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે રિપબ્લિક ટીવી ભારતમાં સૌથી વધારે જોવાતી ટીવી ચૅનલ હોવાનો દાવો કરે છે પરંતુ ભાજપતરફી વલણને કારણે તે વિવાદમાં સપડાઈ છે.

કૂ પરની મોસ્ટ પોપ્યુલર પોસ્ટને આ ચૅનલ પર ફીચર કરવામાં આવે છે તેમજ તેનાં ટ્રેન્ડિંગ હૅશટૅગ ટીવી પ્રોગ્રામોમાં પ્રમોટ કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વાઇબો ચીનની માઇક્રોબ્લોગિંગ ઍપ છે

ઘણા આ ઍપને સરકારના સમર્થકો સાથે નિકટતાભર્યા સંબંધોને કારણે ચાઇનીઝ મૅસેજિંગ ઍપ વીબો સાથે સરખાવી રહ્યા છે.

ડિજિટલ ઍક્ટિવિસ્ટ નિખિલ પાહ્વા કહે છે કે, “ભારતનું આત્મનિર્ભર બનવાનું આહ્વાન ગ્લોબલ પ્લૅટફૉર્મો વિરુદ્ધના વલણને પ્રેરે છે. મને ચિંતા છે કે ભારતમાં કદાચ ભવિષ્યમાં એક પણ ગ્લોબલ પ્લૅટફૉર્મ ઑપરેટ નહીં કરતું હોય તેવું પણ બની શકે છે.”

પાહ્વા આગળ વાત કરતાં કહે છે કે કૂની કાર્યક્ષમ કન્ટેન્ટ મોડરેશનની પ્રક્રિયાનો અભાવ પણ ચિંતાનો વિષય છે. “કારણ કે બધાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મો પર સાચાં નામ અને ઓળખ સાથે પણ મોટા પ્રમાણમાં હેટ સ્પીચની પોસ્ટો મુકાતી હોય છે.”

ટ્વિટરના મુકાબલામાં માત્ર કૂ અને પાર્લર જ નહોતાં. પરંતુ મસ્તોદોન અને ટૂતર જેવી ઍપ પણ તેની સામે શરૂ થઈ હતી પરંતુ તેઓ વધુ લોકપ્રિય થઈ શકી નહોતી.

વર્ષ 2019માં ભારતમાં મસ્તોદોન ત્યારે લોકપ્રિય બન્યું જ્યારે એક પ્રસિદ્ધ ધારાશાસ્ત્રીનું એકાઉન્ટ ટ્વિટર દ્વારા સસ્પેન્ડ કરી દેવાયું હતું.

ઘણા ઉદારમતવાદીઓએ ટ્વિટર પર ખુલાસા વગર એકાઉન્ટ બ્લૉક કરવાનો આરોપ મૂક્યો અને મસ્તોદોન યુઝ કરવાનું શરૂ કરી દીધું હતું.

પરંતુ મોટા ભાગે જે લોકોએ ટ્વિટર છોડ્યું હતું તેઓ પાછળ પરત તેમાં જ જોડાઈ ગયા હતા.

પાહ્વા આ અંગે વાત કરતાં કહે છે કે, “કોઈને ય ટ્વિટર જેટલી સફળતા મળી નથી. કારણ કે તે આપણને વૈશ્વિક યુઝરો દ્વારા માહિતી અને સમાચાર સુધીનું એક્સેસ આપે છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો