કોરોના વાઇરસ : ગુજરાતમાં ઘટી રહેલી મહામારી ચૂંટણીપ્રચારમાં ફરી વકરશે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
મુખ્ય મંત્રી સભામાં

ઇમેજ સ્રોત, Twitter/vijayRupani

ઇમેજ કૅપ્શન,

મુખ્ય મંત્રી સભામાં

ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ ઘટી ગયા હોય એમ લાગી રહ્યું પરંતુ રવિવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી વડોદરામાં ચૂંટણીસભામાં ભાષણ આપતી વખતે બ્લડ પ્રેશર લો થતા સ્ટેજ પર ઢળી પડ્યા હતા ત્યારબાદ મુખ્ય મંત્રીને અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હૉસ્પિટલમાં મુખ્ય મંત્રીનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવતા સોમવારે તેઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની સાથે સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાઇરસના કેસ ઘટી ગયા હતા પરંતુ અમદાવાદ મેડિકલ અસૉસિયેશનના ડૉક્ટરોનું કહેવું છે કે કોરોના વાઇરસના કેસ છેલ્લાં બે દિવસમાં ફરીથી વધ્યા છે.

જે પ્રકારે રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ નેવે મૂકી અને માસ્ક વિના પ્રચાર કરી રહ્યા છે, તેના કારણે ડૉક્ટરોને ભય છે કે કોરોના વાઇરસ ફરી વકરશે.

10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં વરિષ્ઠ ડૉક્ટર અને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશન સાથે સંકળાયેલાં મોનાબેન દેસાઈએ સ્થાનિક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે ચૂંટણીમાં અને સામાન્ય રીતે જે પ્રકારે લોકો ફરી રહ્યા છે તેના કારણે કોરોના વાઇરસના કેસ વધી શકે છે અને જે કોરોનાને કાબૂમાં લીધો છે તે વકરી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતના રાજકોટ, સુરત અને ભાવનગરમાં છેલ્લા અઠવાડિયામાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગુજરાતના રાજકોટમાં ફેબ્રુઆરી મહિનાની 1થી 7 તારીખની વચ્ચે 246 કેસ નોંધાયા હતા, 8થી 14 ફેબ્રુઆરીના કુલ કેસની સંખ્યા 286એ પહોંચી હતી. સુરતમાં પણ કોરોના વાઇરસના કેસમાં 3 ટકાનો અને ભાવનગરમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

જોકે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધતા કોરોના વાઇરસની સંખ્યા ચિંતાજનક છે. કારણ કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના કુલ કેસના 70 ટકા કેસ આઠ મહાનગરોમાં નોંધાયા હતા, જ્યારે બીજા અઠવાડિયામાં રાજ્યમાં કેસની સંખ્યા ઘટી છત્તાં આ કેસ 68 ટકા તો છે જ.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર?

ઇમેજ સ્રોત, FACEBOOK/Bharatsinh Solanki

ઇમેજ કૅપ્શન,

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે

ઇન્ડિયન મેડિકલ અસૉસિયેશન, ગુજરાત પાંખના પૂર્વ પ્રમુખ ડૉ. બિપિન પટેલે કહ્યું કે, કોઈ પણ પક્ષની સભા થાય અને વિશ્વ આરોગ્ય સંગઠનની ગાઇડલાઇનનું પાલન ન થાય તો કોરોનાનો ફેલાવો થવાની સંભાવના ચોક્કસ રહેલી છે.

તેમણે વધુમાં કહ્યું કે આ જગ્યાઓએ લોકો માસ્ક પહેરતા નથી અને તેમના મેળાવડા પણ થાય છે તો આવી સ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી શકે છે.

અમદાવાદના જાણીતા ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગે પણ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ કેટલી વકરશે તેનો ખ્યાલ હાલ આવે તેમ લાગી રહ્યું નથી. તે તો પંદર દિવસ કે મહિના પછી જ ખ્યાલ આવશે પરંતુ સ્થિતિ બગડવાની સંભાવના ચોક્કસ રહેલી છે તેમાં તમે ના ન કહી શકો.

તેમણે કહ્યું, જે પ્રકારે રાજકીય પક્ષોની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થતું નથી તે એક કારણ હોઈ શકે છે.

જોકે, કોરોનાની સ્થિતિ વકરવા પાછળ તેઓ માત્ર રાજકીય પક્ષોને જવાબદાર ગણતા નથી પરંતુ લોકોને પણ જવાબદાર ગણાવે છે. તેઓ કહે છે કે 'લોકો શહેરોમાં બેફામ ફરી રહ્યા છે, હોટલમાં જાય છે, લગ્ન પ્રસંગોમાં જાય છે ઉપરાંત શાળાઓને સ્કૂલો પણ ખૂલવાની છે માટે આ સ્થિતિ ચિંતાજનક બની રહી છે.'

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે સોમવારે સવારે પત્રકારપરિષદમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેમને હળવો તાવ બે એક દિવસથી હતો, તેઓ દરરોજ દવા લેતા હતા.

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ અમદાવાદ મેડિકલ અસૉસિયેશનના મીડિયા કન્વીનર ડૉ. મુકેશ મહેશ્વરીને પુછ્યું હતું કે જો આવી તાવ વાળી વ્યક્તિ રેલીમાં હોય તો શું થાય?

તેમણે કહ્યું, "ફ્લૂની સિઝન છે. તેમાં તમને ઇન્ફ્લૂયેન્ઝા, સ્વાઇન ફ્લૂ અને કોરોના એમ ત્રણ રોગ થઈ શકે છે. વળી, દિવસે ગરમી અને રાત્રે ઠંડી આમ આવી ડબલ ઋતુ શરદી ખાસીને આમંત્રણ આપે છે. આવી કોઈ વ્યક્તિથી કોરોનાનો ફેલાવો થઈ શકે છે.

ડૉ. મુકેશ મહેશ્વરીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે લોકોએ લગ્ન પ્રસંગ તમામ જગ્યાએ ચેતવાની જરૂર છે.

બીબીસી ગુજરાતીના ફેસબુક લાઇવમાં અમદાવાદ મેડિકલ અસૉસિયેશનના ડૉક્ટર કમલેશભાઈએ પણ કહ્યું, "હાલ ચૂંટણી છે અને તેમાં જે પ્રકારે છૂટછાટ લેવામાં આવી રહી છે. તેના કારણે ડૉક્ટર અને હેલ્થ વર્કર્સે સ્થિતિને કાબૂમાં કરી છે તે કાબૂ બહાર જઈ શકે છે ઉપરાંત તેમની મહેનત એળે જઈ શકે છે."

કેસ વધવાના અનેક બીજા પણ કારણો છે?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

આમ આદમી પાર્ટીની રેલી

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ' (આઈઆઈપીએચજી)ના નિદેશક ડૉ. દિલીપ માવળંકરે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રિશી બેનરજી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસ હજુ ગયો નથી. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને લોકોએ વર્તવાની જરૂર છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની જરૂર છે અને માસ્ક પહેરવાની જરૂરિયાત છે.

તેઓએ વધુમાં કહ્યું, "લોકો હાલ ફરી રહ્યા છે, હૉટલમાં ખાવા જઈ રહ્યા છે. લોકો ખૂબ છૂટ લઈ રહ્યા છે. આ પ્રકારના વર્તનના કારણે કોરોના વાઇરસ ફેલાઈ શકે છે."

અમદાવાદ મેડિકલ અસૉસિયેશનના જોઇન્ટ સેક્રેટરી અને રેડિયોલોજિસ્ટ ડૉ. સાહિલ શાહે બીબીસી ગુજરાતીને કહ્યું કે આવનારા સમયમાં સ્કૂલો ખૂલવાની છે, કર્ફ્યૂમાં છૂટછાટ આપવામાં આવશે. આ બધા ફેક્ટરને કારણે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવવાની સંભાવના છે.

ડૉ. પ્રવીણ ગર્ગે પણ કહ્યું, "હાલ ચૂંટણીનો માહોલ છે, આવાનારા દિવસોમાં શાળાઓ અને કૉલેજ શરૂ થઈ રહી છે, લગ્ન પ્રસંગો, જાહેર મેળવાડા, હોટલ રેસ્ટોરામાં લોકો ફરી રહ્યા છે. આ બધા કારણો છે કે જેના કારણે કોરોના ફેલાઈ શકે છે."

આ પરિસ્થિતિમાં લોકોએ શું કરવું?

ડૉ. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે લોકોએ ચૂંટણીપ્રચાર હોય કે કોઈ પણ જગ્યા, માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાની જરૂર છે. આ ઉપરાંત જેને થોડા પણ લક્ષણો લાગે તેમણે બહાર ન જવું જોઈએ અને કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ.

તેમણે વધુમાં સરકારને ટેસ્ટિંગની ફેસિલિટી વધારવા પણ કહ્યું હતું.

ડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું કે હાલ કોરોના વાઇરસના કેસ ઓછા આવી રહ્યા છે પહેલાંની જેમ એક હજાર કે તેનાથી વધારે આવી રહ્યા નથી માટે સરકારે આ લોકોને ટ્રેસ કરવા જોઈએ અને ટ્રેસ કરીને આઇસોલેટ કરવા જોઈએ. વળી, એવાં ક્યાં ઝોન છે જ્યાં કોરોના વાઇરસના કેસ વધારે છે ત્યાં સભા થઈ, હોટલ રેસ્ટોરાંમાં મુલાકાત આ બધાને ટ્રેસ કરી કામગીરી કરવી જોઈએ જેથી કંટ્રોલમાં આવે.

તેઓ વધુમાં કહે છે, "બિહારમાં ચૂંટણી થઈ ગઈ છે કોરોના વાઇરસના કેસ વધ્યા ન હતા. એટલે એવી ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ સંભાવનાઓ તો રહેલી છે માટે ચેતવું જોઈએ."

ડૉ. દિલીપ માવળંકરે એમ પણ કહ્યું કે રાજ્કીય પક્ષોએ ચૂંટણીની સભાઓ ખુલ્લી જગ્યાઓમાં રાખવી જોઈએ. બંધ જગ્યાઓએ ના રાખવી. લગ્ન પ્રસંગોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું જોઈએ."

સવારે પ્રેસ કોરન્ફરન્સમાં નીતિન પટેલને પત્રકારોએ પુછ્યું હતું કે તમે રાજકીય પક્ષોને સૂચના આપો કે કોરોના વાઇરસના નિયમોનું પાલન થાય અને તકેદારી જળવાય, તેના જવાબમાં નીતિન પટેલે કહ્યું, અમારી કાયમી સૂચનાઓ છે જે લોકો માસ્ક પહેરીને ફરે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન દરેક જગ્યાએ થાય તેનો તંત્ર દ્વારા ઘનિષ્ઠ અમલ થઈ રહ્યો છે.

જોકે, તંત્ર દ્વારા અમલની નીતિન પટેલની વાત સામે અનેક રેલીઓ અને મેળાવડાઓની તસવીરો પણ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો