સ્થાનિકસ્વરાજ ચૂંટણી : ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતોની ચૂંટણીઓ માટે મતદાન

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્દી
કૉંગ્રેસ ભાજપના ઝંડા

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/GETTY

રવિવારે રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત ઉપર મતદાન થવાને ગણતરીના કલાકો બાકી છે. જેના ચૂંટણી પરિણામો મંગળવારે (બીજી માર્ચે) જાહેર થશે.

આ ચૂંટણીઓ અગાઉ નવેમ્બર 2020માં યોજાનાર હતી, પણ કોરોના વાઇરસના સંક્રમણના પગલે ચૂંટણીઓને ત્રણ મહિના માટે પાછળ ઠેલવવામાં આવી હતી. મહામારીને સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓમાં મતદાન અને મતગણતરી અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મંગળવારે રાજ્યની છ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણીપરિણામ જાહેર થયા હતા, જેમાં ભાજપે તમામ મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખી હતી. સ્થાનિકસ્વારજની ચૂંટણીઓને રાજ્યની રુપાણી સરકાર અંગે જનતાના 'મિડ-ટર્મ મૅન્ડેટ' તરીકે જોવામાં આવે છે.

તમામ મતદાન મથકો ઉપર વી.વી.પી.એ.ટી. વગર ઈ.વી.એમ. દ્વારા મતદાન થવાનું છે.

નવેમ્બર-2015માં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કૉંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ભાજપ બીજા ક્રમે ધકેલાઈ ગયો હતો. જેના માટે અનામત આંદોલનને કારણે પાટીદારોમાં રહેલા આક્રોશને જવાબદાર માનવામાં આવે છે.

મ્યુનિસિપલ કૉર્પોરેશનના ચૂંટણીપરિણામની અસર?

ઇમેજ સ્રોત, Hardikpatel.official@Facebook

આ પહેલાં મંગળવારે છ મ્યુનિસિલ કૉર્પોરેશન (અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર)ના ચૂંટણીપરિણામ જાહેર થયા હતા.

ભાજપે તમામ છ કૉર્પોરેશન ઉપરનો કબજો જાળવી રાખ્યો હતો. કુલ 575 બેઠક ઉપર મતદાન થયું, જેમાં 483, કૉંગ્રેસને 55, આમ આદમી પાર્ટીને 27, બહુજન સમાજ પક્ષને ત્રણ તથા અપક્ષને એક બેઠક મળી હતી.

સ્વાભાવિક રીતે આ પરિણામોથી ભાજપના કાર્યકરોનું મનોબળ વધ્યું હોય. પરંતુ શહેરી વિસ્તારોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોની અસર અર્ધશહેરી કે ગ્રામ્ય વિસ્તારો ઉપર પડે જ, એવું જરૂરી નથી.

પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ નવેમ્બર-2015માં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપે તમામ છ મહાનગરપાલિકા ઉપરનો કબજો જાળવી રાખ્યો હતો, પરંતુ તેની અસર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઉપર જોવા નહોતી મળી.

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 1197, કૉંગ્રેસને 673, અપક્ષને 205, બસપાને ચાર તથા અન્યોને એક બેઠક ઉપર વિજય મળ્યો હતો.

જિલ્લા પંચાયતમાં ભાજપને 368, કૉંગ્રેસને 595 તથા અપક્ષને નવ બેઠક ઉપર વિજય મળ્યો હતો. તાલુકા પંચાયતમાં ભાજપને 2019, કૉંગ્રેસને 2,555, અપક્ષને 141, બસપાને બે તથા અન્યોને બે બેઠક ઉપર વિજય મળ્યો હતો.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે તેનું તાજેતરના ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન (99 બેઠક) કર્યું હતું. જોકે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનું પુનરાગમન થયું હતું અને પાર્ટીએ સળંગ બીજી વખત રાજ્યની તમામ 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.

ચૂંટણીકાર્યક્રમની જાહેરાત થઈ તે સમયે રાજ્યના ચૂંટણી કમિશનર રાજ્યના ચૂંટણી પંચે નિર્ધારિત પરંપરાનું પાલન કર્યું છે, અગાઉ પણ બંને ચૂંટણીઓ અલગ-અલગ તારીખોએ આયોજિત થઈ છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ચાલુ વર્ષે કોવિડ-19 માટેના પ્રૉકોલનું પાલન કરવાનું હોય અલગ-અલગ ચૂંટણીઓને એકસાથે યોજવાનું તથા પરિણામો જાહેર કરવાનું મુશ્કેલ બન્યું હતું.

છેલ્લી ઘડીના પ્રયાસ

ઇમેજ સ્રોત, Getty Images / AFP

પરંપરાગત રીતે ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ એમ બે પક્ષ વચ્ચે ચૂંટણી યોજાતી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટી તથા AIMIMની ઍન્ટ્રી થઈ છે. તમામ રાજકીયપક્ષોએ મતદારોને આકર્ષવા છેલ્લી ઘડી સુધી પ્રયાસ કર્યા હતા.

ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે તેમના ગઢ નવસારીમાં રોડશો કર્યો હતો. પાટીલના નેતૃત્વમાં ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના નેતા, પદાધિકારીઓના પરિવારજનો તથા ત્રણ-ટર્મથી ચૂંટાનારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

તો ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં બાઇક રેલી યોજી હતી. આ જિલ્લો ધાનાણીનો ગઢ છે. મહાનગરપાલિકાના ચૂંટણીપરિણામો બાદ કૉંગ્રેસનું મનોબળ તૂટ્યું છે, ત્યારે આ ચૂંટણીના પરિણામ ઑક્સિઝનનું કામ કરી શકે છે.

AIMIMએ મોડાસા, ગોધરા અને ભરૂચ જેવી લઘુમતીઓના પ્રભુત્વવાળી નગરપાલિકાઓમાં પ્રથમ વખત પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.

હૈદરાબાદસ્થિત ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અસદુદ્દીન ઓવૈસીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદની જમાલપુર બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય સબીર કાબુલીવાલાની ગુજરાતના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી. પાર્ટીએ છોટુભાઈ વાસાવાની બી.ટી.પી. (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) સાથે ગઠબંધન કર્યું છે.

દિલ્હીના મુખ્ય મંત્રી તથા આમ આદમી પાર્ટી સુરતમાં રોડશૉ દરમિયાન નાગરિકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

પાટીદાર, ભાજપ અને ત્રીજો ખૂણો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

સુરતમાં આપના સુંદર પ્રદર્શન પાછળ પાટીદાર ફૅક્ટર કારણભૂત હોવાનું રાજકીય વિશ્લેષકોનું તારણ

મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી દરમિયાન સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક સાથે આપ મુખ્ય વિરોધપક્ષ બન્યો છે. અહીં પાટીદારોએ નારાજ થઈને ભાજપ-કૉંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું હોવાનું વિશ્લેષકોનું માનવું છે.

પાટીદારોએ આમ આદમી પાર્ટીના સ્વરુપે 'ભાજપનો વિકલ્પ' શોધવાનો પ્રયાસ કર્યો હોય તેવો આ ત્રીજો પ્રયાસ છે. ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન આ મતદારવર્ગના વલણ ઉપર પણ રાજકીય વિશ્લેષકોની નજર રહેશે.

તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીથી નારાજ ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે ઑગસ્ટ-2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. જેમાં ગોરધન ઝડફિયા નંબર-ટુ હતા.

આ પાર્ટીમાં મુખ્યત્વે પાટીદારો જોડાયેલા હતા અને ભાજપને પાઠ ભણાવવાનો હેતુ હતો. 2012ની વિધાનસભા ચૂંટણીમાં જી.પી.પી.ને બે બેઠક મળી હતી.

2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે જી.પી.પીનું ભાજપમાં વિલનીકરણ કરી દેવામાં આવ્યું હતું. એ સમયે નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર આજે પી.એમ. છે, જ્યારે ઝડફિયા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે.

2015માં અનામત આંદોલનની વચ્ચે પાટીદારો કૉંગ્રેસ તરફ ઢળ્યા હતા. એ સમયે આંદોલનના નેતા અને હાલમાં ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કૉંગ્રેસને મત આપવા આહ્વાન કર્યું હતું.

ભાજપનું માનવું છે કે પાટીદાર પાર્ટી વિમુખ નથી થઈ રહ્યો અને જો પાટીદારો ભાજપની સાથે ન હોત, તો સુરત સિવાયની મ્યુનિસિપલ કૉર્પોરેશનની બેઠકો ઉપર પણ તેની અસર જોવા મળી હોત.

પાર્ટીને આશા છે કે જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ તે પોતાનું પ્રદર્શન દોહરાવશે.

નગરપાલિકાની ચૂંટણી વિશે

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન,

મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

- 81 નગરપાલિકાના 680 વૉર્ડની બે હજાર 720 બેઠક ઉપર ચૂંટણી યોજાશે. જેમાંથી અનુસૂચિત જાતિ માટે 185 (જેમાંથી મહિલાઓ માટે 113), અનુસૂચિત જનજાતિ માટે 107 (જેમાંથી મહિલાઓ માટે 66), સામાજિક-આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 269 (જેમાંથી મહિલાઓ માટે 142) અને સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1039 બેઠક અનામત રાખવામાં આવી છે.

- આણંદ જિલ્લામાં સૌથી વધુ છ (આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ અને સોજિત્રા) નગરપાલિકામાં ચૂંટણી યોજાશે

- દાહોદ (દાહોદ), જામનગર (સિક્કા), જૂનાગઢ (કેશોદ), નર્મદા (રાજપીપળા), પોરબંદર (પોરબંદર-છૈય્યા), રાજકોટ (ગોંડલ), તાપી (વ્યારા), વલસાડ (ઉંમરગામ) જિલ્લામાં એક-એક નગરપાલિકાની ચૂંટણી યોજાશે

- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ (39) આણંદ જિલ્લો સૌથી મોટો, અહીં 212 બેઠક ઉપર મતદાન થશે

- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ જામનગર (સિક્કા), નર્મદા (રાજપીપળા), તાપી (વ્યારા) અને વલસાડ (ઉંમરગામ) સૌથી નાના જિલ્લા. દરેકમાં સાત-સાત બેઠક ઉપર મતદાન યોજાશે.

- 13 વૉર્ડ સાથે સંખ્યાની દૃષ્ટિએ આણંદ જિલ્લાની આણંદ, કચ્છ જિલ્લાની ગાંધીધામ, ખેડા જિલ્લાની નડિયાદ, મોરબી જિલ્લાની મોરબી, પોરબંદર જિલ્લાની પોરબંદર-છૈય્યા, સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાઓ સૌથી મોટી.

- છ વૉર્ડ સાથે સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ જિલ્લાની બારેજા, અમરેલી જિલ્લાની બાબરા અને દામનગર, આણંદ જિલ્લાની સોજિત્રા, અરવલ્લી જિલ્લાની બાયડ, બનાસકાંઠા જિલ્લાની ભાભર, ભરૂચ જિલ્લાની આમોદ, ભાવનગર જિલ્લાની વલ્લભીપુર, બોટાદ જિલ્લાની બરવાળા, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામરાવળ, ગીર-સોમનાથ જિલ્લાની સૂત્રાપાડા અને તલાળા, ખેડા જિલ્લાની કણજારી, કઠલાલ તથા ઠસારા, મોરબી જિલ્લાની માળિયા-મિયાણા, નવસારી જિલ્લાની ગણદેવી, પંચમહાલ જિલ્લાની સેહરા, સાબરકાંઠા જિલ્લાની વડાલી સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી અને ચોટિલા અને વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાઓ સૌથી નાની.

જિલ્લા પંચાયતની ચૂંટણી વિશે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

કૉંગ્રેસને આશા છે કે તે નવેમ્બર-2015નું પ્રદર્શન આ વખતે પણ દોહરાવશે

- 31 જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકમાં 63 બેઠક અનુસૂચિત જાતિ (31 મહિલાઓ માટે અનામત), 260 બેઠક અનુસૂચિત જનજાતિ (131 મહિલાઓ માટે અનામત), સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ માટે 96 (48 મહિલાઓ માટે અનામત) માટે અનામત છે. આ સિવાય સામાન્યવર્ગની મહિલાઓ માટે 278 બેઠક અનામત છે, જ્યારે 285 બેઠકો બિનઅનામત છે.

- 50 બેઠક સાથે દાહોદની જિલ્લાપંચાયત સૌથી મોટી

- 18-18 બેઠક સાથે પોરબંદર અને ડાંગની જિલ્લા પંચાયતો સૌથી નાની

- 11-11 તાલુકા પંચાયત સાથે અમરેલી અને રાજકોટ સૌથી મોટા જિલ્લા

તાલુકા પંચાયતની ચૂંટણી વિશે

ઇમેજ સ્રોત, Nurphoto

ઇમેજ કૅપ્શન,

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ મુસ્લિમ બહુમતીવાળી ગોધરા અને મોડાસા સહિતની નગરપાલિકાની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું છે

Nurphoto અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ મુસ્લિમ બહુમતીવાળી ગોધરા અને મોડાસા સહિતની નગરપાલિકાની ચૂંટણીઓમાં ઝંપલાવ્યું છે

- 231 તાલુકાપંચાયતમાં ચાર હજાર 774 વૉર્ડમાંથી અનુસૂચિત જાતિ માટે 344 (જેમાંથી મહિલાઓ માટે 172), અનુસૂચિત જનજાતિ માટે એક હજાર 232 (જેમાંથી મહિલાઓ માટે 633), સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માટે 463 (જેમાંથી મહિલાઓ માટે 232) તથા સામાન્ય વર્ગની મહિલાઓ માટે 1385 બેઠક અનામત રાખવામાં આવી છે.

- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ 238 બેઠક (નવ તાલુકા પંચાયત) સાથે દાહોદ સૌથી મોટો જિલ્લો

- વૉર્ડસંખ્યાની દૃષ્ટિએ 48 બેઠક (ત્રણ તાલુકા પંચાયત) ડાંગ સૌથી નાનો જિલ્લો

- તાલુકા પંચાયતની સંખ્યાની દૃષ્ટિએ અમરેલી (11) જિલ્લો સૌથી મોટો

- તાલુકા પંચાયતની સૌથી ઓછી સંખ્યા (ત્રણ) ડાંગ, પોરબંદર અને ગાંધીનગર જિલ્લામાં

ચૂંટણીની પ્રક્રિયાની તારીખો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીકાર્યક્રમ ઉપર વિહંગાવલોકન કરીએ તો:

8 ફેબ્રુઆરી - જાહેરનામું પ્રસિદ્ધ થયું

13 ફેબ્રુઆરી - ઉમેદવારી નોંધણીની છેલ્લી તારીખ હતી

15 ફેબ્રુઆરી - ઉમેદવારી ફોર્મની ચકાસણી થઈ

16 ફેબ્રુઆરી - ઉમેદવારી પરત ખેંચી શકવાની તારીખ હતી

28 ફેબ્રુઆરી - મતદાન યોજાશે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી)

1 માર્ચ - પુનર્મતદાન (જો જરૂર પડે તો)

2 માર્ચ - મતગણતરી

મળતી માહિતી મુજબ, ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ અને પોલીસના 44 હજાર જવાન, હૉમગાર્ડના 54 હજાર જવાન તથા કેન્દ્રીય અર્ધલશ્કરી સુરક્ષાબળોની 12 કંપનીઓ નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે સુરક્ષાવ્યવસ્થા સંભાળશે.

ગુજરાતના ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીપ્રક્રિયા કેમ?

ઇમેજ સ્રોત, Bhargav Parikh

બંધારણીય જોગવાઈ મુજબ, રાજ્યસભા, લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીપ્રક્રિયા (ચૂંટણીની તારીખથી ચૂંટણીપરિણામની જાહેરાત) કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવે છે.

જ્યારે, મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા ગ્રામપંચાયતની ચૂંટણી (સામાન્ય, મધ્યસત્રી કે પેટા) રાજ્યના ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવે છે.

બંધારણના અનુચ્છેદ 243 (કે)ની જોગવાઈ હેઠળ સપ્ટેમ્બર-1993માં ગુજરાત ચૂંટણીપંચની સ્થાપના કરવામાં આવી હતી. બંધારણના 73મા તથા 74મા સુધાર દ્વારા પંચાયત તથા મ્યુનિસિપાલિટીના ગઠન સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી હતી.

સમગ્ર ચૂંટણીપ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાને લાગુ કરાવવાની તથા મળેલી ફરિયાદો ઉપર કાર્યવાહી કરવાની સત્તા પંચને મળેલી છે.

કોરોના : પ્રક્રિયામાં પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રસીકરણ છતાં મતદારોના મન પર કોરોનાનો ભય રાજકીયપક્ષો માટે પડકારજનક

કોરોનાને કારણે પંચે ઉમેદવારી, પ્રચાર, મતગણતરી તથા ઉજવણી મુદ્દે માર્ગદર્શિકા જાહેર કરી છે. કૉર્પોરેશનના હદવિસ્તારોમાં ચૂંટણી બાદ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે મતદારોને પોલિંગ સ્ટેશન સુધી લઈ આવવા રાજકીય પક્ષો ઉપરાંત ચૂંટણીપંચ માટે પડકારજનક હશે.

ગુજરાતના ચૂંટણીપંચે કોરોના વાઇરસના ફેલાવાને જોતાં મતદાનની પ્રક્રિયા સંદર્ભે સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ જાહેર કર્યાં છે.

જે મુજબ, મતદાનમથકમાં પ્રવેશનાર દરેક વ્યક્તિનું થર્મલગનથી તાપમાન માપવું, દરેક મતદારે માસ્ક પહેરવું અને હાથ ધોવા. આ માટે સાબુ તથા હૅન્ડ-સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવા સ્થાનિક વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો