સરકારે કોરોના રસીનો ભાવ નક્કી કર્યો, જાણો કેટલામાં મળશે રસી? -BBC Top News

તબીબ

ઇમેજ સ્રોત, Getty Images

સરકારે કોરોના વાઇરસ રસીની કિંમત નક્કી કરી છે. 150 રૂપિયાનામાં કોરોના રસીની કિંમત નક્કી કરાઈ છે જ્યારે વહીવટી ખર્ચ રૂપે 100 રૂપિયા અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે. બીજી તરફ ખાનગી હૉસ્પિટલમાં 250 રૂપિયામાં એક વૅક્સિનનો ડોઝ આપવામાં આવશે.

ભારતમાં કોરોના વાઇરસ મહામારી સામે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે અને હવે રસીકરણનો બીજો તબક્કો શરૂ કરવામાં આવી રહ્યો છે.

કોને મળશે રસી?

પહેલી માર્ચથી ભારતમાં કોરોના વાઇરસની રસી માટે બીજા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે એવું સરકારે કહ્યું છે.

'તેઓ કદાચ મને નીચે લાવવા માગે છે'

ઇમેજ સ્રોત, Facebook/@hardikpatel.official

ઇમેજ કૅપ્શન,

હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના નેતા અને કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માને છે કે પાર્ટી તેમનો યોગ્ય ઉપયોગ કરતી નથી અને તેમને નીચે લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 2015માં તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું જે પરિણામ આવ્યું હતું તે અનામતના આંદોલનના કારણે હતું પાર્ટીએ એ સ્વીકારવાની જરૂર હતી.

હાર્દિકે કહ્યું, “પ્રદેશ કૉંગ્રેસ કમિટી દ્વારા મારી એક પણ યાત્રાને નક્કી કરવામાં આવી નથી. બીજા કોઈ કરે કે ન કરે મારે પાર્ટીને મજબૂત કરવી છે માટે હું મારા પગે ઉભો છું.”

તેમણે વધુમાં કહ્યું, “તેઓ કદાચ મને નીચે લાવવા માગે છે. કરવા દો તેમને, હું ફરી ઉભો થઈશ કારણ કે આંદોલન સમયે ભાજપે મને બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો અને હું ઉભો થયો હતો.”

સુરતમાં પાટીદારોના ગઢમાં કૉંગ્રેસની હાર પર હાર્દિક પટેલે કહ્યું, “જો મને શરૂઆતમાં જ કહ્યું હોત કે સુરતમાં તમારે 25 રેલી કરવાની છે તો આવી સ્થિતિ ન આવત. કૉંગ્રેસ પાર્ટીએ આત્મમંથન કરવાની જરૂર છે અને ક્યાં તેઓ નબળાં છે અને ક્યાં ફેઇલ થયા છે તે જાહેરમાં બોલવાની જરૂર છે.”

ઉત્પાદનની બાબતમાં ઉત્તર પ્રદેશ ગુજરાતથી આગળ નીકળી ગયું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અનુસાર કોરોના વાઇરસના કારણે આવેલા લૉકડાઉન છત્તાં પણ ગ્રોસ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રૉડક્ટ(જીએસડીપી)ની બાબતમાં ઉત્તર પ્રદેશ ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યોથી પણ આગળ નીકળી ગયું છે.

નાણા મંત્રાલયના અહેવાલ અનુસાર રાજ્યનું જીએસડીપી 2020-21ના નાણાંકીય વર્ષમાં 19.48 કરોડને પાર કરી ગયું છે. ઉત્તર પ્રદેશે હાલ ઉત્પાદનની બાબતમાં બીજા ક્રમે આવી ગયું છે જે 2019-20માં પાંચમાં ક્રમે હતું.

સૌથી પહેલા ક્રમે મહારાષ્ટ્ર છે. ઉત્તર પ્રદેશ બીજા અને તામિલનાડુ 19.2 લાખ કરોડની સાથે ત્રીજા ક્રમે છે. કર્ણાટક 18 લાખ કરોડ સાથે ચોથા ક્રમે છે. જ્યારે ગુજરાત 17.4 કરોડની સાથે પાંચમા ક્રમે છે.

ગુજરાત 2019-20માં ત્રીજા ક્રમે હતું જે હાલ પાંચમા ક્રમે પહોંચ્યું છે.

રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને બે અઠવાડિયા સુધી વધાર્યો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કોરોના વાઇરસના કેસની સંખ્યામા થઈ રહેલા વધારાને જોતા રાત્રિ કર્ફ્યુને રાજ્યના ચાર શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 15 દિવસ માટે ફરી વધારી દેવામાં આવ્યો છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની હાજરીમાં મળેલી કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે કોરોના વાઇરસના સર્વેલન્સની કામગીરી વધારાય અને રાજ્યની સરહદો પર ઇન્ટેન્સિવ સ્ક્રિનિંગ કરવામાં આવે.

આ ઉપરાંત રાજ્યમાં પહેલી માર્ચથી 60 વર્ષથી ઉપરના અને 45થી 59 વર્ષની અંદર સિરિયસ કૉમોર્બિટીના દરદીને કોરોના વાઇરસની રસી અપાશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 4.07 લાખ હેલ્થ વર્કર અને 4.14 લાખ ફ્રન્ટલાઇન વર્કરને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

રાજ્યના માતા-પિતાએ એક દિકરીની સારવાર માટે બીજી દિકરીને 10 હજારમાં વેચી દીધી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આંધ્રપ્રેદશમાં એક કામદારે 16 વર્ષની મોટી છોકરીની સારવાર કરાવવા માટે 12 વર્ષની છોકરીને 46 વર્ષના માણસને વેચી દીધી હતી.

બુધવારે 46 વર્ષીય વ્યક્તિએ છોકરી સાથે લગ્ન કર્યા હતા. જોકે એક દિવસ પછી મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના અદિકારીઓએ તેને રેસ્ક્યુ કરીને જિલ્લા બાળગૃહમાં મોકલી હતી.

છોકરીના માતા-પિતાએ શરૂઆતમાં 25 હજાર રૂપિયાની માગણી કરી હતી અને પછી 10 હજાર રૂપિયામાં ડીલ નક્કી કરી હતી.

સુબાઐહ નામની વ્યક્તિ છોકરીને લગ્ન કરીને પોતાના ગામે લઈ ગઈ હતો, ત્યાં છોકરી ખૂબ રડતી હતી ત્યારે તેમના પડોશી ઘરે ગયા હતા. તેમણે આ આખા મામલાની જાણ સરપંચને કરી હતી.

સરપંચે બાળ વિકાસ સર્વિસના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે હાલ આરોપી સામે કેસ નોંધ્યો છે.

વીડિયો કૅપ્શન,

મોટેરા : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને ચીયર કરનારાં 77 વર્ષનાં ક્રિકેટ ફેન મજુલાંબા

ભારત ચીન નવી હૉટલાઇન બનાવવા સહમત થયા

બીબીસી હિંદીના અહેવાલ અનુસાર ભારત અને ચીનના વિદેશ મંત્રીઓએ ગુરુવારે ફોન પર 75 મિનિટ વાત કરી અને ગત વર્ષે સરહદે જોવા મળેલા તણાવને ધ્યાનમાં રાખીને ‘સમય પર સંચાર’ સુનિશ્ચિત કરવા બંને દેશો નવી હૉટલાઇન સ્થાપિત કરવા માટે રાજી થયા છે.

જોકે આવનારા સમયમાં સ્થિતિને સારી કરવા માટે બંનેના વિચાર અલગ અલગ છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ચીની સમકક્ષ વાંગ યી સેને કહ્યું કે ગત વર્ષે દ્વિપક્ષીય સંબંધ પર અસર થઈ અને સરહદી વિવાદ ઉકેલવામાં સમય લાગ્યો. અને બેશક અશાંતિ અને હિંસા સહિત બીજી સમસ્યાઓથી સંબંધમાં નકારાત્મક અસર પડશે.

તેમણે ભારપૂર્વક કહ્યું કે સરહદી સંબંધોને સામાન્ય કરવા માટે પૂર્ણ ડિસએન્ગૅજમેન્ટ અને સરહદ પર તણાવ ઓછો કરવા કામ કરવું પડશે.

ભારતના વિદેશ મંત્રાલયે તેમને કહ્યું, “આ સેક્ટરમાં સૈન્યની વચ્ચે તણાવ ઓછો કરવા માટે ટકરાવવાળા તમામ બિંદુઓ પર ડિસૅન્ગેજમેન્ટ કરવાની જરૂર છે. માત્ર આનાથી જ શાંતિ થઈ શકે છે અને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સ્થિતિ બની શકે છે.”

વાંગ યીએ કહ્યું, “ભારતની ચીન નીતિમાં કંઈક અસ્થિરતા છે અને પોતાની વાત પર કાયમ ન રહેવા જેવી વસ્તુઓ દેખાય છે.” જેના કારણે બંને દેશોના વ્યવહારિક સહયોગ પર અસર થઈ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો