પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ક્યારે યોજાશે? આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં શો છે ચૂંટણીકાર્યક્રમ?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
પશ્ચિમ બંગાળમાં મતદાન

ઇમેજ સ્રોત, Twitter/CEOBihar

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાશે, જે ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષા મમતા બેનરજીનું રાજકીય ભાવિ નક્કી કરશે. આ સાથે જ આ ચૂંટણી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની છે.

અહીં તૃણમુલ કૉંગ્રેસ, ભાજપ તથા કૉંગ્રેસ-ડાબેરી પક્ષો અને ઇન્ડિયા સૅક્યુલર ફ્રન્ટની યુતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

મમતા બેનરજીને આશા છે કે તેમનો પક્ષ સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતવામાં સફળ રહેશે, જ્યારે ભાજપ અહીં પોતાનો ગઢ સ્થાપિત કરવા માગે છે.

294 ધારાસભ્યોવાળી વિધાનસભા માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે અને બીજી મેના રોજ પરિણામ જાહેર થશે.

ચોથી મે સુધીમાં આગામી વિધાનસભાના ગઠનસંબંધિત સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે.

આગામી સમયમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડચેરી વિધાનસભાની ચૂંટણી પણ યોજશે.

પશ્ચિમ બંગાળમાં ત્રિપાંખિયો જંગ

ઇમેજ સ્રોત, DEBAJYOTI CHAKRABORTY/NURPHOTO VIA GETTY IMAGES

પાંચ રાજ્યોમાંથી સૌથી વધુ 'હાઈ-વૉલ્ટેજ ડ્રામા' પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે. ગત બે વિધાનસભાથી અહીં મમતા બેનરજીના નેતૃત્વમાં ઑલ ઇન્ડિયા તૃણમુલ કૉંગ્રેસની સરકાર છે.

ગત વિધાનસભા બાદ મમતાએ સુભેન્દુ અધિકારી, મુકુલ રૉય અને દિનેશ ત્રિવેદી જેવા દિગ્ગજ નેતા ગુમાવ્યા છે.

જોકે, ભાજપે હજુ સુધી કોઈ પણ નેતાને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે પ્રૉજેક્ટ નથી કર્યા. નિષ્ણાતો માને છે કે આંતરિક સાઠમારીને ટાળવા માટે ભાજપ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર પણ નહીં કરાય.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા તથા કેન્દ્રીય મંત્રીઓના વારંવારના પશ્ચિમ બંગાળના પ્રવાસથી સ્પષ્ટ છે કે ભાજપ કોઈ કચાશ નથી છોડવા માગતો.

બીજી બાજુ, મમતા બેનરજીએ ચૂંટણીવ્યૂહના રચનાકાર પ્રશાંત કિશોરની મદદ લીધી છે, જેઓ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી તથા 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ સાથે હતા. કિશોરનો દાવો છેકે ભાજપ ત્રણ આંકડા સુધી નહીં પહોંચી શકે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ન જાય તે માટે સૅન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ઇન્ડો-તિબેટિયન પોલીસ ફોર્સ, સૅન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સની ટુકડીઓને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી છે.

અહીં ટી.એમ.સી., કૉંગ્રેસ તથા ડાબેરીઓનું ગઠબંધન થયું નહોતું. મમતાને લાગે છે કે તેઓ ભાજપને પહોંચી વળવા માટે સક્ષમ છે.

કૉંગ્રેસ તથા ડાબેરીઓ સાથે અબ્બાસ સિદ્દિકી છે, જેઓ ફુરફુરા શરીફના પિરઝાદા છે અને તેમણે આઈ.એસ.એફ.ની સ્થાપના કરી છે. દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, હુગલી, હાવડા તથા બર્ધમાન જેવા લઘુમતી સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારોમાં તેમની ખાસ્સી પકડ છે.

સિદ્દિકીનું કહેવું છે કે મમતા બેનરજીએ મુસલમાનો સાથે 'દગો' કર્યો છે, જ્યારે ભાજપ મમતા બેનરજી ઉપર 'હિંદુવિરોધી તથા મુસ્લિમતુષ્ટિકરણ' કરવાનો આરોપ મૂકે છે.

અહીં ભાજપ ખુદને સત્તાના મુખ્ય દાવેદાર તરીકે રજૂ કરી રહ્યો છે. ટી.એમ.સી. પણ માને છે કે તેની મુખ્ય સ્પર્ધા ભાજપની સાથે જ છે.

મમતા બેનરજીનું ભાવિ

ઇમેજ સ્રોત, Sanjay Das

ઇમેજ કૅપ્શન,

મમતા બેનરજી સામે સતત ત્રીજી વખત મુખ્ય મંત્રી બનવાનો પડકાર

મમતા બેનરજીએ વિદ્યાર્થીકાળમાં કૉંગ્રેસ સાથે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને જિલ્લા તથા રાજ્યસ્તરે પાર્ટીમાં અલગ-અલગ સ્તરે ભિન્ન-ભિન્ન પદ ઉપર રહ્યાં.

1998માં તેમણે કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો અને ઑલ ઇન્ડિયા તૃણમુલ કૉંગ્રેસની સ્થાપના કરી. લોકસભામાં સંખ્યાબળના આધારે તેમની પાર્ટીને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એન.ડી.એ. તથા ડૉ. મનમોહન સિંહના નેતૃત્વવાળી યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સની સરકારમાં પ્રધાનપદ મળ્યાં.

સિંગુર અને નંદીગ્રામમાં સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનનો વિરોધ કરીને તેમને ડાબેરીઓની ટક્કર લઈ શકે તેવાં રાજ્યવ્યાપી પ્રભુત્વધરાવતાં જનનેતાની છાપ ઊભી કરી.

જોકે, વિધાનસભાની ચૂંટણીમાં તેમને મોટી સફળતા 2011માં મળી. તેમણે ડાબેરી મોરચાના 34 વર્ષ જૂના શાસનને હઠાવવામાં સફળતા મેળવી અને પાર્ટીએ તેમના નેતૃત્વમાં સરકાર બનાવી.

ભાજપને ભરોસો કેમ?

ઇમેજ સ્રોત, Nurphoto

ઇમેજ કૅપ્શન,

અમીત શાહની હાજરીમાં ટી.એમ.સી.ના શુભેન્દુ અધિકારી ભાજપમાં જોડાયા હતા

કેન્દ્રમાં ભાજપની સરકાર બની તે પછી રાજ્યમાં રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયાં છે. 2016ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તૃણમુલ કૉંગ્રેસને 211 બેઠક મળી હતી અને પાર્ટી ફરી સત્તા ઉપર આવી હતી. કૉંગ્રેસને 32, ડાબેરી મોરચાને 44 તથા ભાજપને ત્રણ બેઠક મળી હતી.

એ સમયે તૃણમુલ કૉંગ્રેસને 45 ટકા, ડાબેરીઓને 25 ટકા, કૉંગ્રેસને 12 ટકા, જ્યારે ભાજપને 10 ટકા મત મળ્યા હતા.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભાજપની બેઠક સંખ્યા બે (2014માં) થી વધીને 18 ઉપર તથા મતની ટકાવારી 10થી વધીને 40% ઉપર પહોંચી છે.

43% મત સાથે તૃણમુલ કૉંગ્રેસને લોકસભાની 22 બેઠક મળી હતી. કૉંગ્રેસને બે બેઠક મળી હતી, જ્યારે ડાબેરીઓનું ખાતું પણ ખુલ્યું ન હતું. કૉંગ્રેસ તથા ડાબેરીઓની મતોની સંયુક્ત ટકાવારી 10 ટકા કરતાં પણ ઓછી રહેવા પામી હતી.

આમ ભાજપ તથા ટીએમસી વચ્ચે મતની ટકાવારીમાં ત્રણ ટકા જેટલો તફાવત રહ્યો હોવાથી પાર્ટીને આશા છે કે તે 200 કરતાં વધુ બેઠક જીતી લેશે.

294 બેઠક 23 જિલ્લામાં વહેંચાયેલી છે. જેમાં સૌથી વધુ 33 બેઠક 24-પરગણા જિલ્લામાં આવેલી છે.

પશ્ચિમ બંગાળમાં મહત્ત્વપૂર્ણ ઉમેદવારો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ તથા ટી.એમ.સી.માંથી પાર્ટીમાં સામેલ થયેલા મુકુલ રૉય

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પોતાની પરંપરાગત ભવાનીપુર (કોલકત્તા) ઉપરાંત નંદીગ્રામ બેઠક ઉપરથી પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

પરંપરાગત રીતે આ બેઠક ઉપર સુવેન્દુ અધિકારીનું પ્રભુત્વ રહ્યું છે, જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે.

જો ભાજપ ઉમેદવાર બનાવે તો પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષ ઉપરાંત ટી.એમ.સી.માંથી આવેલા સુવેન્દુ અધિકારી, રાજીવ બેનરજી, બૈશાલી દાલમિયા, અશોક ડિંડા અને હાવડા મ્યુનિસિપલ કૉર્પોરેશનના પૂર્વ મેયર રતિન ચક્રવર્તીના રાજકીય ભાવિનો ફેંસલો થશે.

પશ્ચિમ બંગાળની વર્તમાન વિધાનસભાની મુદ્દત 30મી મેના રોજ પૂર્ણ થાય છે.

શું છે ચૂંટણીકાર્યક્રમ?

વીડિયો કૅપ્શન,

મહુઆ મોહિત્રાએ અમિત શાહના ‘જય શ્રી રામ’ના નારા પર શું કહ્યું?

પશ્ચિમ બંગાળમાં આ વખતે આઠ તબક્કામાં મતદાન થશે, ગત વખતે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.

પ્રથમ તબક્કામાં (30 બેઠક ઉપર તા.27મી માર્ચ), બીજા તબક્કામાં (30 બેઠક ઉપર પહેલી એપ્રિલે) યોજાશે.

ત્રીજા તબક્કામાં (31 બેઠક ઉપર છઠ્ઠી એપ્રિલે), ચોથા તબક્કામાં (44 બેઠક ઉપર, 10મી એપ્રિલે) અને પાંચમા તબક્કામાં (45 બેઠક ઉપર 17મી એપ્રિલે ) વૉટર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

છઠ્ઠા તબક્કામાં 43 બેઠક ઉપર 22મી એપ્રિલે, સાતમા તબક્કામાં 36 બેઠક ઉપર 26મી એપ્રિલે, આઠમા અને અંતિમ તબક્કામાં 35 બેઠક ઉપર 29મી એપ્રિલે મતદાન યોજાશે.

ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ કરેલી રજૂઆતો, રાજ્યના ભૌગોલિક વ્યાપક તથા સુરક્ષાવ્યવસ્થાને જોતાં આઠ તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો છે.

અગાઉ પણ સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હોવાનું ચૂંટણી કમિશનરનું કહેવું હતું. જોકે, મમતા બેનરજીએ આટલો લાંબો કાર્યક્રમ ભાજપને લાભ પહોંચાડવા માટે ગોઠવવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો.

કોરોનાકાળમાં ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ચૂંટણીપંચના સભ્યોએ આસામ, તામિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ તથા પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. તેમણે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજકીપક્ષોના પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળી હતી.

પંચના કહેવા પ્રમાણે, કાર્યક્રમ નક્કી કરતી વખતે તેમણે બિહુ, વેસુ, રમઝાન, અને ઇસ્ટર જેવા તહેવાર, સી.બી.એસ.ઈ. તથા સ્ટેટ ઍજ્યુકેશન બૉર્ડની પરીક્ષાની તારીખોને ધ્યાને લીધા છે.

જો ઉપરોક્ત પરીબળોને અવગણવામાં આવે તો તેની સીધી અસર મતદાનની ટકાવારી પર થઈ શકે છે, જે ઉમેદવારના વિજય-પરાજયને અસર કરી શકે છે.

અગાઉ એક બૂથ ઉપર 1500 મતદાર મતદાન કરતા, પરંતુ કોવિડને કારણે મતદાન મથક ઉપર ભીડ ન થાય તે માટે આ સંખ્યા ઘટાડીને એક હજાર કરી દેવામાં આવી છે. આ સિવાય તમામ પોલિંગ સ્ટેશન ગ્રાઉન્ડ-ફ્લૉર ઉપર જ રાખવાનો પંચે નિર્દેશ આપ્યો છે.

ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીને ફ્રન્ટલાઇન વર્કર તરીકે જાહેર કરવામાં આવ્યા, જેથી તેઓને વૅક્સિનેશનમાં પ્રાથમિકતા અપાશે અને તેઓ ચૂંટણીપ્રક્રિયામાં સામેલ થાય તે પહેલાં રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

કોવિડને કારણે ઉમેદવારીની પ્રક્રિયા ઑફલાઇન ઉપરાંત ઑનલાઇન પણ થઈ શકશે.

ઉમેદવારી, પ્રચાર, મતદાન અને મતગણતરી દરમિયાન કોવિડ-19 સંબંધિત નિષેધાત્મક આદેશોનું પાલન કરવા નિર્દેશ આપ્યા છે.

મતદાનનો સમય તમામ સ્થળોએ એક કલાક વધારાશે. આ પહેલાં ઑક્ટોબર-નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલી બિહારની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ વધારાનો સમય આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, VVPAT અને EVMનાં પરિણામોની સરખામણી કરવાની હોય અગાઉની જેમ ઝડપભેર ચૂંટણીપરિણામ નહીં મળે અને ચિત્ર સ્પષ્ટ થવામાં વાર લાગી શકે છે. વધેલી બૂથસંખ્યા પણ મતગણતરીના સમયને અસર કરશે.

આસામ : ભાજપનો પૂર્વનો ગઢ

ઇમેજ સ્રોત, Getty Images

હાલમાં જે પાંચ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાંથી માત્ર આસામમાં જ ભાજપનું શાસન છે. 2016માં આસામમાં પહેલી વખત ભાજપની સરકાર બની હતી.

પાર્ટીએ સર્બાનંદ સોનોવાલને મુખ્ય મંત્રી બનાવ્યા હતા. જોકે, મુખ્ય ભૂમિકા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હેમંત બિશ્વા શર્માએ ભજવી હોવાનો દાવો કરવામાં આવે છે.

126 બેઠકવાળી વિધાનસભામાં ભાજપનો સ્ટ્રાઇકરેટ બે-તૃતીયાંશ કરતાં વધુનો રહ્યો હતો. એ સમયે કૉંગ્રેસ તથા ઑલ ઇન્ડિયા યુનાઇડેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ અલગ-અલગ લડ્યાં હતાં.

ભાજપની સામે પૂર્વોત્તરના ગઢને બચાવી રાખવાનો પડકાર હશે. લગભગ 40 લાખ લોકોના નામ નાગરિક યાદીમાંથી ગાયબ છે. તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

ભાજપ એન.આર.સી. લાગુ કરવા ઉપર અડગ છે, જે આગામી ચૂંટણીમાં નિર્ણાયક મુદ્દો બની શકે છે.

આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં (47 બેઠક ઉપર 27મી માર્ચ), બીજા તબક્કામાં (39 બેઠક ઉપર પહેલી એપ્રિલ) અને ત્રીજા તબક્કામાં (40 બેઠક, છઠ્ઠી એપ્રિલે) ચૂંટણી યોજાશે. રાજ્યવિધાનસભાની મુદ્દત 31મી મેના સમાપ્ત થાય છે.

તામિલનાડુ : બે પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ

તામિલનાડુમાં ઑલ ઇન્ડિયા અન્ના દ્રમુક કઝગમ્ (એ.આઈ.એ.ડી.એમ.કે.) તથા ડી.એમ.કે. (દ્રવિડ મુનેત્ર કઝગમ્) એમ મુખ્ય બે પ્રાદેશિકપક્ષો વચ્ચે સ્પર્ધા છે.

ત્રણેક દાયકાથી એક વખત ડી.એમ.કે.ની સરકાર બને તો બીજી વખત એ.આઈ.એ.ડી.એમ.કે.ની સરકાર બને તેવો ક્રમ જોવા મળી રહ્યો હતો. પરંતુ 2016માં પ્રથમ વખત શાસકપક્ષ ફરી સત્તા ઉપર આવ્યો હતો અને જે. જયલલિતાના નેતૃત્વમાં સળંગ બીજી વખત એ.આઈ.એ.ડી.એમ.કે.ની સરકાર બની હતી.

આ વખતે પહેલી વાર એ.આઈ.એ.ડી.એમ.કે. પાસે જયલલિતા, તો ડી.એમ.કે. પાસે કરુણાનિધિ નહીં હોય.

રાજ્ય સરકારે ચૂંટણીની જાહેરાત પૂર્વે સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વધારીને 60 વર્ષ કરી દીધી હતી, જેને ચૂંટણીમાં લાભ મેળવવાના પગલા તરીકે જોવામાં આવે છે.

શાસકપક્ષમાં પન્નિરસેલ્વમ્ અને પલ્લાનિસામી જેવા મુખ્ય જૂથ પ્રવર્તે છે. આ સિવાય એક સમયે જયલલિતાનાં સખી શશિકલા જેલમાંથી છૂટી ગયાં છે.

શશિકલા ચૂંટણી નહીં લડી શકે, પરંતુ પાર્ટીના નેતાઓ ઉપર તેમની ખાસ્સી પકડ છે. તેમણે રાજકારણથી દૂર રહેવાની જાહેરાત કરી છે, જે એ.આઈ.એ.ડી.એમ.કે. માટે રાહતના સમાચાર હશે.

232 ધારાસભ્યોની વિધાનસભામાં એ.આઈ.એ.ડી.એમ.કે.એ 130થી વધુ બેઠક જીતી હતી. જ્યારે ડી.એમ.કે.ને 98 બેઠક મળી હતી. ભાજપને આશા છે કે તામિલનાડુમાં તે પગપેસારો કરી શકે તેમ છે. જોકે તે એ.આઈ.એ.ડી.એમ.નો 'જુનિયર પાર્ટનર' જ હશે.

તામિલનાડુના 38 જિલ્લામાં એક તબક્કામાં છઠ્ઠી એપ્રિલે ચૂંટણી યોજાશે. કન્યાકુમારી સંસદીય બેઠક ઉપર છઠ્ઠી એપ્રિલે પેટાચૂંટણી યોજાશે.

તામિલનાડુની વર્તમાન વિધાનસભાની મુદ્દત 24મી મેના રોજ પૂર્ણ થાય છે. તામિલનાડુમાં ક્ષેત્રવાર અનેક નાના-નાના પક્ષ હોય તે કોઈ પણ મુખ્યપક્ષની ગણતરી બગાડી શકે છે.

કેરળ : ડાબેરીઓનો છેલ્લો ગઢ

ઇમેજ સ્રોત, Reuters

હાલ કેરળમાં પેન્નિર વિજયનના નેતૃત્વમાં ડાબેરી પક્ષોની યુતિ સરકાર છે. જેને કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડૅમોક્રૅટિક ફ્રન્ટ તરફથી પડકાર મળી રહ્યો છે.

140 ધારાસભ્યોવાળી વિધાનસભામાં ડાબેરી યુતિ પાસે 90 જેટલી, જ્યારે કૉંગ્રેસની યુતિ પાસે 40થી વધુ બેઠક છે.

ડાબેરી પક્ષોના પશ્ચિમ બંગાળ તથા ત્રિપુરા જેવા પરંપરાગત કિલ્લા ધ્વસ્ત થઈ ગયા છે, ત્યારે કેરળના રુપમાં અંતિમ ગઢને બચાવી રાખવાનો તેમની સામે પડકાર હશે.

ભાજપને આશા છે કે લોકસભામાં મળેલા 13 ટકા મત તેને પ્રદર્શન સુધારવામાં મદદ કરશે. ગત ચૂંટણી વખતે પાર્ટીને પ્રથમ વખત એક બેઠક મળી હતી. ભાજપે તેના કુમાન્નન રાજશેખરનને રાજ્યપાલ બનાવ્યા હતા, પરંતુ 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે તેમણે રાજીનામું આપીને ફરીથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું.

ભાજપ સબરીમાલા, રામમંદિર તથા પદ્મનાભ મંદિર જેવા મુદ્દે ચૂંટણીની વૈતરણિ પાર કરવા ચાહે છે. અહીંની વર્તમાન વિધાનસભાની મુદ્દત પહેલી જૂને પૂર્ણ થાય છે.

કેરળમાં એક તબક્કામાં તમામ 140 બેઠક ઉપર મતદાન યોજાશે. અહીં છઠ્ઠી એપ્રિલે મતદાન થશે. કેરળમાં મલ્લાપુરમ લોકસભા બેઠક ઉપર પણ ચૂંટણી યોજાશે.

પુડ્ડુચેરી : પૉલિટિકલ પૅચ ઉકેલાશે?

ઇમેજ સ્રોત, @Vnarayanswamy

પુડ્ડુચેરીમાં કૉંગ્રેસ અને ડી.એમ.કે. (દ્રવિડ મુનેત્ર કઝગમ્)ની સંયુક્ત સરકાર હતી, જેના મુખ્ય મંત્રી વી. નારાયણસ્વામી હતા.

જોકે, સરકારના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કૉંગ્રેસ તથા ડી.એમ.કે.ના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં હતાં.

જેના કારણે તેમની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. નારણસામીએ વિશ્વાસમત પૂર્વે રાજીનામું આપી દીધું હતું.

આ પહેલાં ત્યાંનાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદીને કેન્દ્ર સરકારે હઠાવી દીધાં હતાં અને તેલંગણાનાં ગવર્નર તામિલીસાંઈ સૌદર્યરાજનને અધિક પ્રભાર સોંપ્યો હતો.

અહીંની વિધાનસભામાં 30 ધારાસભ્યો બેસે છે. અહીં એક તબક્કામાં છઠ્ઠી એપ્રિલે મતદાન યોજાશે.

ઉલ્લેખનીય છે કે પુડ્ડુચેરી અગાઉ પોંડિચરી તરીકે ઓળખાતું અને તે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. પુડ્ડુચેરી વિધાનસભાની મુદ્દત આઠમી જૂને પૂર્ણ થાય છે.

ચૂંટણીની સાથે-સાથે

ઇમેજ સ્રોત, Hindustan Times

  • દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન પશ્ચિમ બંગાળની 70 ટકા કૃષિઆધારિત વસ્તીને પ્રભાવિત કરી શકવા સક્ષમ
  • ચૂંટણી દરમિયાન કુલ 824 બેઠક ઉપર 18.68 કરોડ મતદાર તેમના અધિકારનો ઉપયોગ કરશે.
  • વેબકાસ્ટિંગ, સીસીટીવી તથા વીડિયોગ્રાફી દ્વારા સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ મતદાનમથકો પર નજર રખાશે.
  • ચૂંટણીખર્ચની બાબતમાં તામિલનાડુમાં ખાસ સતર્કતા વર્તવામાં આવશે.
  • નાગરિકોને C-Vigil ઍપ્લિકેશન દરમિયાન ચૂંટણીપ્રક્રિયામાં ગેરરીતિ તથા આદર્શ આચારસંહિતાના ભંગની માહિતી આપી શકાશે.
  • કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકાને ધ્યાને લઈને ચૂંટણીપંચ દ્વારા સોશિયલ મીડિયા માટેની ગાઇડલાઇન્સનું ઘડતર
  • કેરળ વિધાનસબાની મુદ્દત પહેલી જૂને અને પડ્ડુચેરીની આઠમી જૂને પૂર્ણ થાય છે.
  • નિવૃત્તિ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાની આ અંતિમ ચૂંટણીપ્રક્રિયા હશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો