IND Vs. ENG ચોથી ટેસ્ટ : ઋષભની ફટકાબાજી, ભારત બીજા દિવસના અંતે 294/7 - TOP NEWS

પંત

ઇમેજ સ્રોત, BCCI

અમદાવાદના મોટેરા ખાતે રમાઈ રહેલી મૅચમાં ઋષભ પંતની ધારદાર ફટકાબાજીની મદદથી ચોથી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી દિવસની રમતના અંતે 7 વિકેટના નુકસાને 294 રન કર્યા છે.

જેમાં ઋષભ પંતે સૅન્ચૂરી ફટકારી છે, તેમણે માત્ર 118 બૉલમાં 101 રન ફટકાર્યાં. ઇનિંગ જોઈને ફૅન્સ સોશિયલ મીડિયામાં બોલ્યાં, "'ટેસ્ટમાં ટી-20ની મજા આવી."

ઇંગ્લેન્ડ સામે ભારતે 89 રનની લીડ લીધી છે. અને વૉશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ રમતમાં છે. આજની રમત પૂરી થઈ ગઈ છે.

ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3 વિકેટ જ્યારે બૅન સ્ટૉક્સ અને જેક લીચે 2-2 વિકેટો લીધી છે.

અત્રે નોંધવું કે ભારત ચાર ટેસ્ટની શ્રૃંખલામાં 2-1થી આગળ છે. અને ત્રીજી ટેસ્ટમાં ભારતે મોટેરા પર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું.

અંબાણીના ઘર પાસે વિસ્ફોટક સાથે જે કાર મળી હતી તેના માલિકની લાશ મળી આવી

ઇમેજ સ્રોત, ANI

26 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયા બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કૉર્પિયો કાર મળી આવી હતી. જોકે આજે શુક્રવારે કારના માલિક રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

'ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' ના અહેવાલ અનુસાર કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ રેતીબંદર ખાડી પાસેથી મળી આવ્યો છે. મનસુખ ગુરુવારથી ગાયબ હતા અને શુક્રવારે તેમના પુત્રે પોલીસમાં ગુમ થવાની ફરીયાદ પણ નોંધાવી હતી.

ઍન્ટિલિયા મુંબઇની ટોની એલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે અને વિશ્વની સૌથી કિંમતી ખાનગી રહેણાંક મિલકતોમાંથી એક છે. 27 માળનું ઘર એ ભારતનું સૌથી મોંઘું નિવાસસ્થાન છે.

તાપસી પન્નુ - અનુરાગ કશ્યપ પર આઈ.ટી. રેડ : રૂ. 650 કરોડની ગેરરીતિનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સી.બી.ડી.ટી.)નો દાવો છે કે આવકવેરાવિભાગને બે ફિલ્મનિર્માતા કંપની, બે ટૅલેન્ટ મૅનેજમૅન્ટ કંપની તથા એક અભિનેત્રીના ઘરે પાડવામાં આવેલી રેડમાં રૂ. 650 કરોડ કરતાં વધુની ગેરરીતિ બહાર આવી છે.

'જનસત્તા' અખબારમાં છપાયેલા રિપોર્ટમાં સી.બી.ડી.ટી.એ કોઈનું નામ નથી લીધું, પરંતુ બુધવારથી હાથ ધરવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી હતી.અખબારના રિપોર્ટ મુજબ તાપસી પન્નુ, ફિલ્મનિર્દેશ અનુરાગ બસુ તથા અન્ય કંપનીઓને ત્યાં ગુરુવારે પણ કાર્યવાહી ચાલુ રહી હતી અને જે રીતે પુરાવા મળી રહ્યા છે, તેને જોતાં આગામી બે-ત્રણ દિવસ કાર્યવાહી ચાલશે, એમ જણાય છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે, રૂ. પાંચ કરોડની રોકડ ચૂકવણીની રશીદ અભિનેત્રી તાપસી પન્નુનાં ઘરેથી મળી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, ફૅન્ટમ ફિલ્મસ દ્વારા કરચોરીની તપાસમાં આવકવેરાવિભાગે કરેલી રેડ મહત્ત્વપૂર્ણ છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, આવકવેરાખાતાના અધિકારીઓએ પૂણેની એક હોટલમાં બસુ તથા પન્નુની પૂછપરછ કરી હતી. તાપસી પન્નુના આગામી બે ડઝન જેટલા પ્રોજેક્ટ તથા તેમાંથી થનારી આવક વિશે પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. આવકવેરાખાતાના નિવેદનને ટાંકતા અખબાર લખે છે કે હાલમાં બંધ પડેલા એક પ્રોડક્શન હાઉસના રૂ. 300 કરોડના સોદામાં 'અનિયમિતતા' આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. એ કંપનીમાં કશ્યપ પણ ભાગીદાર હતા.

IndvsEng: વિરાટ કોહલી શૂન્ય રને આઉટ, ભારતે 62 રનમાં 3 વિકેટ ગુમાવી

ઇમેજ સ્રોત, BCCI

અમદાવાદમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ચોથી ટેસ્ટમૅચના બીજા દિવસે ભારતીય ક્રિકેટ ટીમે સવાર સવારમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

પહેલા દિવસના અંતે ભારતે એક વિકેટ ગુમાવીને 24 રન બનાવ્યા હતા. ભારતે હાલ 62 રનમાં 3 વિકેટ ગુમાવી છે.

બીજા દિવસે સવારે ચેતેશ્વર પુજારા 66 બૉલમાં 17 રન બનાવીને આઉટ થયા હતા. જેમને જૅક લીચે એલબીડબ્લ્યૂ કર્યા હતા.

ત્યારબાદ બૅટિંગ કરવા આવેલા કૅપ્ટન વિરાટ કોહલી આઠ બૉલમાં ઝીરો રન બનાવીને આઉટ થયા હતા. બેન સ્ટૉક્સે તેમને આઉટ કર્યા હતા.

હાલ રોહિત શર્મા 99 બૉલમાં 27 રન અને રહાણે 23 બૉલમાં 14 રન બનાવીને ક્રિસ પર છે.

ઇંગ્લૅન્ડની ટીમે પહેલી ઇનિંગ્સમાં 205 રન બનાવીને ઑલાઉટ થઈ હતી.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ વધારો થઈ શકે છે?

ઇમેજ સ્રોત, getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ઑપેક અને બીજા દેશોએ ક્રૂડઑઇલના ઉત્પાદનમાં એપ્રિલ સુધી ઘટાડો કરવાની ફરી જાહેરાત કરી છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ પણ વધારો થઈ શકે છે.

આ પગલાને કારણે દેશના અમુક ભાગોમાં પેટ્રોલની કિંમત રૂપિયા 100 સુધી પહોંચી શકે છે.

સરકારને આશા હતી કે આગામી દિવસોમાં ક્રૂડનું ઉત્પાદન વધતા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો આવશે પરંતુ તે આશા પર પાણી ફરી વળ્યું છે.

હાલ દેશમાં પેટ્રોલની જે કિંમત છે તેમાંથી 60 ટકા ટૅક્સ નાખવામાં આવ્યો છે.

લોકોની નારાજગીને ડામવા માટે આગામી દિવસોમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારે વેટમાં રૂપિયા એકથી સાતનો ઘટાડો કર્યો છે.

5199 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી, આ આઘાતજનક છે : ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાતની 5199 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી તે જાણીને ગુજરાત હાઈકોર્ટની ડિવિસન બૅન્ચે કહ્યું કે આ 'આઘાતજનક' અને 'દુ:ખદ' વાત છે.

કોર્ટે કહ્યું, "આ જાણીને ખૂબ જ આઘાત લાગ્યો અને દુ:ખ થયું કે ગુજરાત રાજ્યની 5199 શાળાઓએ આગને અટકાવવા માટે અને રક્ષણ માટેના સંદર્ભનું કોઈ એનઓસી નથી લીધું."

કોર્ટે વધુમાં કહ્યું, "તમે કેવી રીતે નિર્દોષ બાળકોની જિંદગી સાથે શાળામાં રમી શકો છો?"

"જો આ દિશામાં યોગ્ય સ્ટેપ નહીં લેવાય તો કોર્ટે રાજ્ય સરકારને આ શાળાઓનું રજીસ્ટ્રેશન બંધ કરવા માટે કહી દેવું પડશે."

જેબી પારડીવાલા અને ઇલેશ વોરાની ખંડપીઠે કહ્યું, "વિદ્યાર્થીઓ ઇમરજન્સીમાં શાળામાંથી જલદી બહાર નીકાળવા માટે શાળાઓએ યોગ્ય રીત તૈયાર કરવી પડશે અને ડ્રીલ સમયાંતરે કરવી પડશે."

મહારાષ્ટ્ર વાર કરશે તો, ગુજરાતમાં બુલેટ ટ્રેન પહેલાં શરૂ થઈ જશે

ઇમેજ સ્રોત, Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના જમીન સંપાદનમાં જો વાર લાગશે તો શક્યતા છે કે હાઈ સ્પીડ ટ્રેનને અમદાવાદથી વાપી વચ્ચે 352 કિલોમીટર સુધી દોડાવવામાં આવે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશનના મૅનેજિંગ ડિરેક્ટર અચલ ખરેએ કહ્યું હતું કે અમદાવાદ તાપી વચ્ચે દોડાવાની શક્યતાઓને કાઢી ન શકાય.

હાલ સુધીમાં ગુજરાતના 352 કિલોમીટરના વિસ્તારમાં 95 ટકા જમીનસંપાદનનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે મહારાષ્ટ્રના 156 કિલોમીટરના પટ્ટામાં 23 ટકા કામ પૂર્ણ થયું છે.

ગુજરાતની બાકીની પાંચ ટકા જમીન મે મહિના સુધીમાં સંપાદિત થશે.

તેમણે વધુમાં કહ્યું કે કોરોના વાઇરસની મહામારીના કારણે પ્રૉજેક્ટ 2023ની ડેડલાઇનને ચૂકી જશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને મળેલી મંજૂરીથી ટાઇમલાઇન પર અસર થાય છે.

ઉત્સાહ અને પૈસાની ઘટના કારણે કૉંગ્રેસ ચૂંટણી હારી ગઈ - પરેશ ધાનાણી

ઇમેજ સ્રોત, FB/Paresh Dhanani

ઇમેજ કૅપ્શન,

પરેશ ધાનાણી

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીને મળેલી હાર પર વાત કરી હતી.

પરેશ ધાનાણીએ કહ્યું કે પૈસા અને કાર્યકર્તાઓમાં ઉત્સાહની કમીને કારણે કૉંગ્રેસ પાર્ટી હારી ગઈ.

પોતાના ભાષણમાં પરેશ ધાનાણીએ કહ્યું કે "પેટ્રોલની કિંમતમાં વધારો, મોઘું શિક્ષણ, મોંઘવારી, મોંઘી આરોગ્યસેવાઓ વગેરે સામે અમારી લડાઈ ચાલુ રહેશે."

તેમણે કહ્યું, "કમનસીબે, અમે લોકોની જે સમસ્યાઓ છે તેને અને ભાજપ સરકારના ઘમંડને હરાવવામાં નિષ્ફળ ગયા છીએ. અમને પસ્તાવો છે. અમે આદર સાથે નબળાં પરિણામોનો સ્વીકાર કરીએ છીએ."

તેમણે એવો આરોપ મૂક્યો હતો કે ચૂંટણી પહેલાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના 10 હજાર કૉંગ્રેસ કાર્યકર્તા અને નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જાગૃત નાગરિકો મતદાન પ્રક્રિયાથી દૂર રહ્યા હતા અને મતદારોને ભય અથવા નાણાના પ્રભાવ હેઠળ હતા.

જોકે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટલે પરેશ ધાનાણીના નિવેદનન પર વાંધો ઉઠાવીને તેને ગુજરાતના મતદારોનું અપમાન ગણાવ્યું હતું.

મૅગન માર્કેલે બકિંઘમ પૅલેસ પર ખોટું બોલવાનો આરોપ મૂક્યો

પ્રિન્સ હૅરીનાં પત્નિ ધ ડચેઝ ઑફ સસેક્સ મૅગન માર્કેલે કહ્યું છે કે બકિંઘમ પૅલેસ એ આશા ન રાખે કે તે 'પ્રિન્સ હૅરી ચુપ રહેશે, જો પૅલેસ 'તેમના વિશે જૂઠ ફેલાવશે.'

માર્કેલે આવું ઑપ્રા વિન્ફ્રેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું. વિન્ફ્રેએ તેમને પુછ્યું હતું કે તમને કેવું લાગે છે કે પૅલેસ તેમને "પોતાનું સત્ય બતાવતા" સાંભળી રહ્યું છે.

માર્કેલે કહ્યું, "જો આ કેટલીક વસ્તુઓને ગુમાવવાની બાબતમાં છે...તો કેટલાક વખત પહેલાં ગુમાવી ચૂક્યા છે."

આ ઇન્ટરવ્યુ અમેરિકામાં રવિવારે પ્રકાશિત થશે.

બકિંઘમ પૅલેસ મેગન દ્વારા પૅલેસના સ્ટાફને પરેશાન કરવાના કથિત આરોપોને ચર્ચા કરી રહ્યો છે. આ આરોપ સાથે જોડાયેલી જાણકારી ઇન્ટરવ્યૂ રેકૉર્ડ કર્યા પછી સામે આવી.

પ્રિન્સ હૅરી બ્રિટનનાં મહારાણી ઍલિઝાબેથના પૌત્ર છે. તેઓ પત્ની માર્કેલ સાથે ગત વર્ષથી શાહી પરિવારથી અલગ સ્વતંત્ર રીતે રહી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો