'બદનામ પ્રેમ'નું જીવન જીવવા માટે લાચાર ભારતનાં સમલૈંગિક યુગલો

  • નીલેશ ધોત્રે
  • બીબીસી મરાઠી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

"આપણો દેશ ઘણો સારો છે. અહીં અઢળક તકો મળે છે. તેથી હું તેને છોડીને જવા નથી માંગતો. જોકે, આપણા હાલના કાયદા સમલૈંગિક લગ્નોની મંજૂરી નથી આપતા. સરકાર પણ કાયદામાં સુધારા કરવા માટે તૈયાર નથી. આમ છતાં હું આ દેશ છોડીને નહીં જાઉં." બીબીસી મરાઠી સાથે વાત કરતાં રાઘવે પોતાનો ઇરાદો સ્પષ્ટ જણાવી દીધો.

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટે દાખલ કરાયેલી કેટલીક અપીલો પર સુનાવણી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે સુનાવણી દરમિયાન આવાં લગ્નોને માન્યતા આપવા વિરુદ્ધ દલીલો કરી હતી.

દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, "આપણી સંસદે ઘડેલા કાયદામાં માત્ર મહિલા અને પુરુષ વચ્ચેના લગ્નને જ માન્યતા મળે છે. આ કાયદામાં જુદા જુદા ધાર્મિક સમુદાયો અને તેમના પરંપરાગત નિયમોને પણ માન્યતા આપવામાં આવી છે. આ વ્યવસ્થામાં કોઈ પણ હસ્તક્ષેપ કરવામાં આવશે તો આ કાયદાનું હાલનું સંતુલન ખોરવાશે. તેનાથી અરાજકતા ફેલાશે."

કેન્દ્ર સરકારે તો એક પગલું આગળ વધીને લગ્ન કરવાના અધિકારને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપવાનો પણ ઇનકાર કરી દીધો. સમલૈંગિક લગ્ન ભારતીય મૂલ્યો અને સંસ્કારો સાથે મેળ નહીં ખાય એમ પણ કેન્દ્ર સરકારે કહ્યું.

ભારતમાં સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા નથી મળી. તેથી ઘણાં ગે અને લેસ્બિયન યુગલો બીજા દેશોમાં જઈને પોતાના લગ્ન રજિસ્ટર કરાવે છે. ઘણી વખત તેઓ કાયમી ધોરણે ત્યાં જ વસવાટ કરવા લાગે છે.

પરંતુ રાઘવનો ઇરાદો વિદેશ જતા રહેવાનો નથી. તેમને ભારતમાં જ રહેવું છે.

તેમણે પોતાના પાર્ટનર સાથે ભારતમાં જ લગ્ન કર્યા હતા અને તે પણ બેલગામ (બેલગાંવ) જેવા શહેરમાં. સતત ત્રણ વર્ષ સુધી એકબીજાને મળતા રહ્યા બાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ લગ્નને બંનેના પરિવારોનો ટેકો હતો.

શું મુશ્કેલીઓ આવી રહી છે?

ઇમેજ સ્રોત, AFP

તેમણે એક ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા. આ લગ્ન હિંદુ વૈદિક પદ્ધતિથી અને ખ્રિસ્તી રીત-રિવાજથી થયા હતા. બંનેના લગ્નને નવ વર્ષ વીતી ગયા છે, પરંતુ તેઓ કાયદેસર રીતે આ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શક્યા નથી.

તેના કારણે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવનાર સ્ત્રી-પુરુષને જે કાયદેસરના અધિકારો મળે છે તે પૈકી કોઈ અધિકાર આ દંપતીને મળતા નથી.

લગ્નનાં નવ વર્ષ પછી પણ બંને પોતપોતાનાં માતા-પિતા સાથે રહે છે. બંનેનાં માતા-પિતા પણ ઇચ્છે છે કે તેઓ તેમની સાથે રહે. તેથી રાઘવ અને તેના પાર્ટનર એકબીજાના ઘરે જઈને મળે છે. હજુ સુધી તેમણે પોતાનું ઘર પણ નથી ખરીદ્યું.

રાઘવ કહે છે, "આપણા સમાજમાં તો ઘણીવાર પ્રેમલગ્નનો પણ વિરોધ થાય છે. તેથી સમલૈંગિક લગ્નોને માન્યતા આપવામાં આવે તે બહુ દૂરની વાત છે. આપણાં શહેરોનો માહોલ બે ધર્મોમાં વહેંચાયેલો છે. તેથી સજાતીય સંબંધોને સાર્વજનિક રીતે મંજૂર કરવામાં જોખમ રહેલું છે."

રાઘવ અને તેના પાર્ટનરે ભલે લગ્ન કરી લીધા હોય, પરંતુ તેમને આ સંબંધ છુપાવીને રાખવા પડે છે. ઘણી વાર તેઓ મિત્ર તરીકે ફરવા નીકળે છે.

તેમની પાસે લગ્નના કોઈ પુરાવા નથી. તેના કારણે પેદા થતી સમસ્યા વિશે વાત કરતાં રાઘવ કહે છે, "અમારા લગ્નની કોઈ સાબિતી નથી. તેથી અમે સાથે મળીને કોઈ ઘર નથી ખરીદી શકતા. અમને સરોગેસીની પણ મંજૂરી નથી અને અમે બાળકને દત્તક પણ લઈ શકતા નથી."

રાઘવ પોતાના કોમન પાર્ટનર સાથે મળીને કોમન એલઆઈસી પૉલિસી લેવા માંગતા હતા. પરંતુ એલઆઈસીના અધિકારીએ કહ્યું કે તેમને કોમન પૉલિસી ત્યારે જ મળી શકે જ્યારે તેના પર સહી કરનારે એકબીજા સાથે લગ્ન કર્યા હોય અથવા તેમની વચ્ચે લોહીનો સંબંધ હોય.

એલઆઈસી અધિકારીઓએ તેમને પૂછ્યું કે તેઓ તો માત્ર મિત્ર છે, તો પછી સાથે મળીને વીમા પોલિસી શા માટે લેવા માંગે છે? આખરે બંનેએ પોતપોતાની અલગ પૉલિસી ખરીદવી પડી. તેઓ પોલિસીમાં એકબીજાને નોમિનેટ પણ કરી શકતા ન હતા. તેથી બંનેએ પોતપોતાનાં માતાપિતાને પૉલિસીમાં નોમિની બનાવવાં પડ્યાં.

રાઘવ કહે છે, "ઑફિશિયલ ફૉર્મથી જ ભેદભાવ શરૂ થઈ જાય છે. દરેક જગ્યાએ આવું જ છે. એક સામાન્ય પતિ-પત્નીને જે અધિકારો મળે છે તેનાથી અમે વંચિત છીએ."

રાઘવ કહે છે કે, "અમારા શહેરના લોકો સંકુચિત વિચારો ધરાવે છે. આપણે ત્યાં જે રીતે ધર્મનો પ્રભાવ વધી રહ્યો છે તેમાં અમને અમારા સંબંધોને જાહેર કરવામાં ડર લાગે છે."

"એલજીબીટી અધિકારની વાતો માત્ર મોટાં શહેરો પૂરતી છે. મેં મારી ઑફિસમાં મારી અસલ ઓળખ જણાવી તો તેમણે મને નિશાન બનાવ્યો. મારી મજાક ઉડાવવામાં આવી. આ કારણથી ત્રાસીને આખરે મેં તે નોકરી છોડી દીધી."

વીડિયો કૅપ્શન,

સ્પેનનાં મારિયાએ સંસ્કૃત ભાષા શીખીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

રાઘવના પાર્ટનર ઘણા ઊંચા હોદ્દા પર કામ કરે છે. ઘણા લોકો તેમના હાથ નીચે કામ કરે છે. તેથી તેમણે પોતાના અંગત અને પ્રોફેશનલ જીવનને બિલકુલ અલગ રાખ્યા છે.

લોકોને તો ટ્રાન્સજેન્ડર અને ગે પુરુષ વચ્ચેના ફરકની પણ ખબર નથી હોતી. તેથી રાઘવે લોકોને આ વિશે જાગૃત કરવા માટે એક બ્લોગ લખવાનો નિર્ણય લીધો. પરંતુ તેમની સાથે એવી એક ઘટના બની જેના કારણે તેમણે તરત આ કામ બંધ કરવું પડ્યું.

રાઘવ કહે છે, "મેં સમલૈંગિકતા વિશે લોકોને જાગૃત કરવા માટે બ્લોગ લખવાનું શરૂ કર્યું હતું. પરંતુ 2017 અને 2018માં કેટલાંક સ્થાનિક અખબારોએ બનાવટી અહેવાલ છાપવાના શરૂ કરી દીધા."

"તેમણે લખ્યું કે શહેરમાં મોટી સંખ્યામાં હોમોસેક્સ્યુઅલ લોકો ઘૂસી આવ્યા છે અને તેઓ સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. આ લોકો પુરુષોને તેમની મહિલાઓ સાથે મળવા નથી દેતા અને તેમને હોમોસેક્સ્યુઅલ બનાવી રહ્યા છે. હોમોસેક્સ્યુઅલિટી એક રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. મેં આ અહેવાલ વાંચ્યા ત્યારે મને આંચકો લાગ્યો."

રાઘવ કહે છે, "તે સમયે અમે અત્યંત ગભરાયેલા હતા. પરિવારમાં અમે બહુ ખુલ્લા વિચારો ધરાવીએ છીએ, પરંતુ અમારા પર સતત દબાણ હતું. મારું માનવું છે કે સમાજ અમને સ્વીકારે. સાથે સાથે અમારા માટે કાયદા પણ ઘડાવા જોઈએ. નિયમો હશે તો કમસેકમ અમને કોઈ અધિકાર તો મળશે."

... અને આ રીતે મારી કારકિર્દીને ફટકો લાગ્યો

ઇમેજ સ્રોત, INDERJEET GHORPADE

ઇમેજ કૅપ્શન,

ઈન્દ્રજિત ઘોરપડે

ઇન્દ્રજિત ઘોરપડે આઇ. ટી. એંજિનિયર છે. તેઓ પૂણેમાં રહે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ એક સજાતીય સંબંધમાં છે.

પરંતુ તેઓ કહે છે કે સમલૈંગિક લગ્નોને ભારતમાં કાનૂની માન્યતા નથી મળતી. તેથી તેમની કારકિર્દીને ભારે નુકસાન પહોંચ્યું છે.

ઇન્દ્રજિત જણાવે છે કે બે વર્ષ અગાઉ તેમને આયર્લૅન્ડની એક કંપનીમાંથી બહુ સારી ઑફર મળી હતી. કંપનીએ કહ્યું હતું કે તેઓ પોતાના પાર્ટનરની સાથે આયર્લૅન્ડમાં વસવાટ કરી શકે છે.

આ ઑફર મળતાં જ ઇન્દ્રજિતના આનંદની કોઈ સીમા ન રહી. પરંતુ આ આનંદ થોડો સમય જ ટક્યો.

ઇન્દ્રજિતને જણાવવામાં આવ્યું કે તેમણે પોતાના પાર્ટનર સાથે પોતાના સંબંધના કાનૂની પુરાવા આપવા પડશે. તો જ કંપની તેમને આયર્લૅન્ડના વિઝા અને બીજી સુવિધા અપાવી શકશે.

કંપનીએ ઇન્દ્રજિતને જૉઇન્ટ બૅંક એકાઉન્ટ, પ્રોપર્ટી કાર્ડ અથવા બીજા કોઈ એવા દસ્તાવેજ સોંપવા કહ્યું જેમાં લખ્યું હોય કે તેઓ પાર્ટનર છે.

વીડિયો કૅપ્શન,

ગીરમાં સિંહની દેખરેખ કરવાનું કામ કરનારાં મહિલાઓની કહાણી

ઇન્દ્રજિત કહે છે, "હું તેમને મારા સંબંધોના દસ્તાવેજી પુરાવા આપી ન શક્યો. હું એવું સાબિત ન કરી શક્યો કે તેઓ મારા પાર્ટનર છે. ભારતમાં એવો કોઈ કાયદો નથી જેના હેઠળ અમે કોઈ રજિસ્ટ્રેશન દેખાડી શકીએ, જેના પરથી સાબિત કરી શકાય કે અમે બંને પાર્ટનર છીએ. પરિણામે મારે આયર્લૅન્ડની કંપનીની ઑફર નકારવી પડી."

ઇન્દ્રજિત કહે છે, "અમે લગ્ન નથી કરી શકતા કારણ કે સમલૈંગિક લગ્નોનું ભારતમાં રજિસ્ટ્રેશન નથી થતું. અમે લગ્ન કરી લીધા હોત તો પણ તેને માન્યતા અપાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવા વર્ષો સુધી રાહ જોવી પડી હોત. "

ઇન્દ્રજિત હવે વિદેશ જઈને ત્યાં જ વસવાટ કરવાનું વિચારી રહ્યા છે. તેઓ કહે છે કે માત્ર સામાજિક માહોલ માટે નહીં, પરંતુ મનની શાંતિ માટે પણ આવું વિચારી રહ્યો છું.

ઇન્દ્રજિત કહે છે, "તમને જ્યારે લાગે કે તમારા સંબંધોને કાનૂન માન્યતા નહીં આપે, તો તમે માનસિક રીતે પરેશાન થઈ જાઓ છો. ઘણી વખત સોસાયટીમાં લોકો અથવા સ્વજનોને મળતી વખતે મારા પાર્ટનરનો પરિચય હું મારા બૉયફ્રેન્ડ તરીકે કરાવું છું."

"પરંતુ અમારો સંબંધ તેનાથી આગળ વધી ચૂક્યો છે. અમે એકબીજાના માત્ર બૉયફ્રેન્ડ નથી. તેથી હું જેટલી વખત કહું કે આ મારો બૉયફ્રેન્ડ છે, તેટલી વખત મને હતાશા અનુભવાય છે. આપણે બૉયફ્રેન્ડના કોન્સેપ્ટને ગંભીરતાથી નથી લેતા. તેથી અમે લોકોને એકબીજાનો પરિચય આપતી વખતે કહીએ છીએ કે અમે પાર્ટનર છીએ."

ઇન્દ્રજિતની વાતોમાં તેમનો ગુસ્સો સ્પષ્ટ દેખાય છે.

તેઓ કહે છે, "હેટ્રોસેક્સ્યુઅલ એટલે કે સ્ત્રી-પુરુષના લગ્ન થયા હોય ત્યારે પતિ અથવા પત્નીને સરળતાથી વિઝા મળી જાય છે. પરંતુ મને તેમાં મુશ્કેલી પડી છે."

"કોઈ પણ સંબંધમાં મેડિકલ ઇમરજન્સી, પ્રોપર્ટી અને બીજી ચીજો સાથે સંકળાયેલા મુદ્દા હોય છે. અમારા સંબંધોમાં પણ આ બધું છે. પરંતુ મારી કારકિર્દીમાં તે બહુ મોટો અવરોધ છે. મને ઘણી તક મળે તેમ હતી, પરંતુ મારે તેને છોડવી પડી. અમારા સંબંધમાં કાનૂની અવરોધ નડ્યો ન હોત તો અમે બે વર્ષ અગાઉ આયર્લૅન્ડ જતા રહ્યા હોત."

'મારી બહેનોએ આનો ફાયદો ઉઠાવ્યો'

દીપ 54 વર્ષના છે અને મુંબઈમાં રહે છે. તેઓ એડ ફિલ્મમેકર હતા. તેમણે યુનિસેફ જેવાં સંગઠનોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને એ વાતનો અફસોસ છે કે તેઓ લગ્ન ન કરી શક્યાં.

તેઓ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ સંજોગો તેમની તરફેણમાં ન હતા. દીપક ગે છે અને સિંગલ પણ છે. તેમનાં ભાઈ-બહેન આનો ફાયદો ઉઠાવે છે.

દીપની કહાણી તેમના જ શબ્દોમાં સાંભળો:

"શરૂઆતમાં મને પોતાના પર શંકા થતી હતી. મને પોતાની જાતને સ્વીકારવામાં ઘણો સમય લાગશે. મેં જ્યારે પોતાની જાતને હું જેવો છું તેવો જ સ્વીકારવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે ભારતના કાયદા મુજબ આ ખોટું છે. ગે હોવા બદલ મેં બહુ મોટી કિંમત ચૂકવી છે."

થોડા સમય પછી હું મારા જેવી જ એક વ્યક્તિને મળ્યો. અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ ભારતમાં આ શક્ય ન હતું. તેથી મારા પાર્ટનરે કહ્યું કે આપણે વિદેશ જઈને લગ્ન કરી લેવા જોઈએ.

પરંતુ મારાં માતાપિતા બીમાર હતાં. મારા માટે વિદેશ જઈને લગ્ન કરવાનું શક્ય ન હતું. હું મારાં માતાપિતાને બીમાર હાલતમાં છોડીને વિદેશ જઈ શકતો ન હતો. તેથી મારે સંબંધ છોડવા પડ્યા. મારા પાર્ટનરે કૅનેડામાં બીજી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા.

હકીકતમાં મારા લગ્ન થઈ શકતા હતા. મારી બંને બહેનો અમારાં માતાપિતાની સારસંભાળની જવાબદારીમાં હિસ્સેદારી કરત તો આ શક્ય હતું. પરંતુ બંને બહેનોએ માતાપિતાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો. તેમણે એમ કહીને હાથ ખંખેરી લીધા કે તેમનાં લગ્ન થઈ ગયાં છે અને હવે તેમણે પોતાનાં બાળકોનો ઉછેર કરવાનો છે.

ઇમેજ સ્રોત, Getty Images

"મેં જ્યારે તેમને કહ્યું કે હું એકલો ક્યાં સુધી તેમની સારસંભાળ રાખીશ, ત્યારે મારી બહેનોએ મને કહ્યું કે તમે લગ્ન કેમ નથી કરી લેતા. તેમને ખબર હતી કે હું ગે છું. તેમને મારી પરિસ્થિતિ વિશે બધી ખબર છે. તેઓ જાણે છે કે હું કોઈ સ્ત્રી સાથે લગ્ન નથી કરી શકતો. તેમણે મારી સ્થિતિને પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો."

"આ કારણોથી હું મારી કારકિર્દી પર સંપૂર્ણપણે ફોકસ કરી ન શક્યો. મારે કામ માટે શહેર બહાર જવાનું બંધ કરવું પડ્યું. મારા પર વાલીઓની જવાબદારી હતી. મારે ઘણી સારી ઑફર નકારવી પડી."

"હું ભારતમાં મારા પાર્ટનર સાથે લગ્ન કરી શક્યો હોત તો મારા માટે માતા-પિતાની સારસંભાળ રાખવી ઘણી આસાન બની જાત. ત્યાર પછી હું મારી બહેનોને યોગ્ય જવાબ આપી શક્યો હોત."

"પરંતુ હવે તેઓ કહે છે કે હું એકલો છું. મારા પર કોઈ કામની જવાબદારી નથી. આ રીતે મારી બહેનોએ સંપૂર્ણ જવાબદારી મારા ખભા પર લાદી દીધી."

"મારું પણ પોતાનું જીવન છે. હું પણ મારું જીવન જીવવા માંગું છું. લગ્નની વાત છોડો, મને તો સિંગલ રહેવાનો પણ અધિકાર નથી. પરિણિત ન હોવાના કારણે મારી સાથે સતત અન્યાય થતો રહ્યો."

"તેઓ કાયદેસર પરિણિત છે અને હું કાનૂની રીતે પણ લગ્ન કરી શકતો નથી. તેના કારણે આ સ્થિતિ પેદા થઈ. ક્યારેક તો હું અત્યંત માનસિક તણાવ હેઠળ આવી જાઉં છું. તેનાથી મારા શારિરીક આરોગ્ય પર માઠી અસર થઈ છે."

સમલૈંગિક લગ્નો માટે કાયદો હોત તો મને થોડો ભરોસો મળી શક્યો હોત

ભુવનેશ્વરમાં રહેતાં રુચા કહે છે, "એવું નથી કે સમલૈંગિક લગ્નોને કાનૂની મંજૂરી મળતાંની સાથે જ સમાજ તરત બદલાઈ જશે. પરંતુ કમસેકમ અમને સમાનતાપૂર્વક રહેવાનો અધિકાર તો મળી જશે."

રુચા પોતાનાં પાર્ટનર સાથે લગ્ન કરવા માંગે છે. બંને 14 વર્ષથી રિલેશનશિપમાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી તેમણે સાથે રહેવાનું શરૂ કર્યું છે.

પરંતુ રુચાએ તેની ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. તેમના પરિવારે તેમને ઘર છોડવા માટે કહી દીધું છે. તેમની પાસે કાગળ પર લખાવી લેવામાં આવ્યું કે તેઓ પરિવારની સંપત્તિમાં કોઈ હિસ્સો નહીં માંગે.

રુચા કહે છે, "હું શરૂઆતથી જ પોતાના પરિવારના બિઝનેસમાં લાગેલી હતી. મેં મારાં પાર્ટનર સાથે મળીને જોબ કન્સલ્ટન્સીનું કામ શરૂ કર્યું હતું. પરિવારના બિઝનેસમાંથી થતી કમાણી તેમના બૅંક ખાતામાં જમા થતી હતી."

"મેં મારો અલગ હિસ્સો ક્યારેય નહોતો રાખ્યો. પરંતુ 2018માં મારાં પાર્ટનર એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યાં. તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં. તે સમયે મારા પરિવારને ખબર પડી કે હું લેસ્બિયન છું."

"મારાં માતાપિતા નથી. મારાં કાકા-કાકીએ મને ઘર છોડી દેવા કહ્યું. તેમણે મને એક કાગળ પર લખી આપવા કહ્યું કે હું પરિવારની સંપત્તિમાં હિસ્સો નહીં માંગું. મારા હિસ્સાની સંપત્તિ સોંપી રહી છું. મારી કાર પણ તેમણે રાખી લીધી. કાયદો મારા પક્ષમાં હોત તો હું આવા લોકોની સામે લડત આપી શકી હોત."

"મારાં પાર્ટનર સાથે થયેલી દુર્ઘટના અને મને ઘરમાંથી કાઢી નાખવામાં આવ્યા પછી મારું જોબ કન્સલ્ટન્સીનું કામ બંધ થઈ ગયું. મારે નવું કામ શોધવું પડ્યું. હા, આ દરમિયાન મારી પાર્ટનરનાં માતાપિતાની સહાનુભૂતિ સંપૂર્ણપણે મારી સાથે હતી. હવે અમે ભાડાના ઘરમાં રહીએ છીએ. હું નોકરી શોધી રહી છું."

વીડિયો કૅપ્શન,

કચ્છમાં સ્ટ્રૉબેરીની ખેતી કરતા ખેડૂતની કહાણી

રુચા કહે છે, "પરંતુ અમારા માટે સૌથી મોટી વાત એ છે કે મુશ્કેલીના સમયમાં પણ અમે એક સાથે રહી શકીએ છીએ."

રુચા અને તેમનાં પાર્ટનરના લગ્નને કાનૂની માન્યતા નથી મળી. તેથી તેઓ એલઆઈસીની જૉઈન્ટ પૉલિસી લઈ શકતાં નથી. રુચા પોતાની પૉલિસીમાં પોતાનાં પાર્ટનરને નોમિનેટ કરી શકતાં નથી. તેમણે બધું છૂપી રીતે કરવું પડે છે.

રુચાએ પોતાના એક અનુભવ વિશે જણાવ્યું, "એક વખત અમે એક ગાયનેકોલૉજિસ્ટ પાસે ગયાં. મારાં પાર્ટનરને શરીરમાં આંતરિક બળતરાની ફરિયાદ હતી. અમે જ્યારે ડૉક્ટર પાસે ગયાં ત્યારે તેમણે પૂછ્યું કે હું હંમેશાં પાર્ટનરની સાથે જ કેમ રહું છું."

"અમારા સંબંધોને કાનૂની માન્યતા મળી હોત તો અમે તરત પોતાના સંબંધો વિશે જણાવી શક્યાં હોત. આજે અમે આ વિશે લોકોને જણાવીશું તે લોકો કેવો પ્રતિભાવ આપશે તે ખબર નથી. અમારા સંબંધોને કાનૂની માન્યતા મળી હોત તો અમારી અંદર થોડો વિશ્વાસ જાગ્યો હોત."

રુચાની તકલીફો અહીં જ પૂરી નથી. તેમણે હંમેશાં ભયના ઓછાયા હેઠળ જીવવું પડે છે.

તેઓ કહે છે, "ઘણા પુરુષ મિત્રો મારાં પાર્ટનર પાસે જઈને પૂછે છે કે તે મારી સાથે કેમ રહે છે. તેઓ કહે છે કે અમારી સાથે લગ્ન કરો. અમે સારું કમાઈએ છીંએ. મારાં પાર્ટનરે આ બધું સહન કરવું પડે છે."

રુચા કહે છે, "અસ્પૃશ્યતા એટલે કે આભડછેટને ખતમ કરવા માટે દેશમાં કાયદા છે. પરંતુ તેનાથી આભડછેટ સાવ બંધ નથી થઈ. હા, સ્થિતિ થોડી સુધરી જરૂર છે. કાયદા લાગુ થાય તો અમારી સ્થિતિ પણ થોડી સુધરી શકે. કમસેકમ અમે લોકોના સવાલોનો સીધો જવાબ તો આપી શકીએ."

રુચાને એ વાતની નવાઈ લાગે છે કે કેન્દ્ર સરકાર સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાના વિરોધમાં કોર્ટમાં ભારતીય સંસ્કૃતિની દુહાઈ આપી રહી છે.

તેઓ કહે છે, "મહાભારતમાં પણ સમલૈંગિક સંબંધોની અનેક વાર્તાઓ છે. તો પછી તેને ભારતીય સંસ્કૃતિથી અલગ કઈ રીતે કહી શકાય? ખજુરાહોનાં મંદિરોમાં પણ સમલૈંગિક સંબંધો દર્શાવતી મૂર્તિઓ છે. તે બધી ક્યાંથી આવી?"

રુચા આ અંગે બહુ ગુસ્સામાં છે. તે કહે છે, "કોઈ કાયદો ઘડાય તો મને અને મારાં પાર્ટનરને સુરક્ષા મળી શકે છે. તેનાથી અમને સમાનતાનો અધિકાર મળશે. આજના સમાજમાં અમને હીણપતભરી નજરે જોવામાં આવે છે.

શું પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં સમલૈંગિકતાને માન્યતા મળી હતી?

આ સવાલ પર ઘણી વખત ચર્ચા થઈ ચૂકી છે. બીબીસી ગુજરાતી આ વિશે એક લેખ પ્રકાશિત કર્યો હતો. તેનું શીર્ષક હતું- શું સેક્સ મામલે પ્રાચીન ભારત વિશ્વગુરુ હતું?

તેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અમે તેના કેટલાક અંશ અહીં રજુ કર્યા છે.

બીજા દેશોમાં લોકોએ સમલૈંગિકતાને કાયદેસરની માન્યતા અપાવવા માટે લડત આપવી પડી હતી જ્યારે પ્રાચીન ભારતમાં તેને પહેલેથી સામાજિક માન્યતા પ્રાપ્ત થયેલી હતી.

અમરદાસ વિલહેમ પોતાના પુસ્તક 'Tritiya Prakriti: People of the Third Sex: Understanding Homosexuality, Transgender Identity through Hinduism'માં જણાવે છે કે સમલૈંગિકતા અને થર્ડ જેન્ડર ભારતીય સમાજમાં હંમેશાંથી હાજર રહ્યું છે. મધ્યકાળ અને સંસ્કૃતના ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ તેઓ આ તારણ સુધી પહોંચ્યા હતા.

વિલહેમે કામસૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે પ્રાચીન ભારતમાં સમલૈંગિક સંબંધો ધરાવતી મહિલાઓને 'સ્વરાણી' કહેવામાં આવતી હતી. આ મહિલાઓ બીજી મહિલાઓ સાથે લગ્ન કરતાં હતાં. થર્ડ જેન્ડરનાં સમૂહ અને સામાન્ય સમાજમાં સરળતાથી મંજૂરી અપાતી હતી.

આ પુસ્તકમાં સમલૈંગિક પુરુષોને 'ક્લીવ' કહેવામાં આવ્યા છે. તેમને નપુંસક પુરુષ કહેવામાં આવ્યા છે. સમલૈંગિક પ્રવૃત્તિઓના કારણે તેમને મહિલાઓ પ્રત્યે કોઈ આકર્ષણ થતું ન હતું.

કામસૂત્રનો સંદર્ભ

વાત્સ્યાયને ગુપ્તકાળમાં કામસૂત્ર ગ્રંથ લખ્યો હતો. તેમાં સુંદર પુરુષ સેવકો અને માલિશ કરવાવાળાઓ સાથે બીજા પુરુષોના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કામસૂત્રમાં પુરુષો વચ્ચે ઉન્મત્ત સંભોગનો પણ ઉલ્લેખ છે. તે સમયે મહિલાઓ જેવા હાવભાવ ધરાવતા લોકોને ખરાબ નજરે જોવામાં આવતા ન હતા. તેમને દુષ્ટ કે અપરાધી ગણવામાં આવતા ન હતા. કામસૂત્રમાં મહિલાઓ વચ્ચેના જાતીય સંબંધોનો પણ ઉલ્લેખ છે.

ખજુરાહો અને ઓડિશાનાં મંદિરોમાં આવા પ્રણયસંબંધ દર્શાવતી મૂર્તિઓ જોવા મળે છે. મધ્યકાળમાં બહેનાપાની પરંપરા હતી (સ્ત્રીઓ વચ્ચે બહેન જેવા ગાઢ સંબંધ). તેને પણ સમલૈંગિકતાનું મહિમામંડન ગણી શકાય છે.

(ઓળખ જાહેર ન થાય તે માટે આ અહેવાલમાં કેટલાંક નામો બદલી નાખવામાં આવ્યાં છે. સ્થળનાં નામ પણ બદલવામાં આવ્યાં છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો