મહેસાણા : ખુદ માતાપિતાએ એક મહિનાની દીકરીની હત્યા પુત્રના મોહમાં કરી?

  • ભાર્ગવ પરીખ
  • બીબીસી ગુજરાતી માટે
પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Vinay Bhaskare / EyeEm/Getty

ઇમેજ કૅપ્શન,

બાળકી જ્યારે અક મહિનાની થઈ ત્યારે તેનું અવસાન થયું હતું. (પ્રતીકાત્મક તસવીર)

મહેસાણાની પોલીસ એક પુત્રી પછી જન્મેલી બીજી પુત્રીની હત્યાના આરોપમાં તેનાં જ માતાપિતાની શોધખોળ કરી રહી છે.

પોલીસે કડીમાં રહેતા એક પરિવાર પર ચાર વર્ષની એક દીકરી પછી જન્મેલી બીજી દીકરીની હત્યા કરવાના આરોપ લગાવ્યા છે. જોકે પરિવાર પોતાની જ નાનકડી પુત્રીની હત્યા કરી હોવાના આરોપને નકારી રહ્યો છે.

વાત 2019ની છે. પોલીસનું કહેવું છે કે મામલો સામે આવતા જ્યારે અધિકારીઓને બાળકીની હત્યાનો સંદેહ ગયો તો પરિવારની પૂછપરછ હાથ ધરાઈ અને ધરપકડની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પરિવાર ગાયબ થઈ ગયો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મહેસાણાના ડીવાયએસપી એ.બી. વાળંદે કહ્યું કે, ભાગી ગયેલા પરિવારને ઝડપથી પકડી પાડવામાં આવશે.

નવેમ્બર 2019માં મહેસાણા જિલ્લાના કડી શહેરમાં રહેતા રિનાબહેન પટેલે પુત્રીને જન્મ આપ્યો હતો. હાર્દિક પટેલ સાથે તેમનાં લગ્નને છ વર્ષ થયાં હતાં અને આ તેમની બીજી પુત્રી હતી.

તેમની પ્રથમ પુત્રીનો જન્મ 2015માં થયો હતો અને બીજી પુત્રી 16 નવેમ્બરે જન્મી હતી. પરંતુ તે માત્ર એક મહિના અને બે દિવસની થઈ ત્યારે તેનું અવસાન થઈ ગયું.

હવે એક વર્ષથી વધુ સમય વીતી ગયા પછી પોલીસે બાળકીનાં માતાપિતા અને દાદા-દાદી સામે આઈપીસીના ધારા 302,120 (બી) અને 34 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસ કેવી રીતે હત્યાનો કેસ દાખલ કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પોલીસ પ્રમાણે ફૉરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું કે બાળકીનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું હતું

આ કેસની તપાસ કરી રહેલા મહેસાણાના ડી.વાય.એસ.પી. એ.બી વાળંદે જણાવ્યું કે "અમારા કડી પોલીસ સ્ટેશનમાં 20 ડિસેમ્બર 2019માં એક મહિના અને ત્રણ દિવસની બાળકીનું અકસ્માતે મોત થયું હોવાનો ગુનો નોંધાયો."

"આ કેસમાં મારી નજરમાં મૃત્યુના પ્રમાણપત્રમાં ડૉક્ટર દ્વારા લખાયેલી નોંધ આવી. ડૉક્ટરે સ્પષ્ટ લખ્યું હતું કે આ બાળકીનું મૃત્યુ શ્વાસ રૂંધાવાથી થયું છે, એનાં ગળા પરના લાલ નિશાનથી પોસ્ટમૉર્ટમમાં બાળકના મૃત્યુનું કારણ જાણી શકાયું હતું."

તેઓ આગળ કહે છે કે આ નોંધ અમારા માટે મહત્ત્વની હતી. અમે બાળકીનું પોસ્ટમૉર્ટમ ડૉક્ટર્સની પેનલ પાસે કરાવવાનું નક્કી કર્યું.

આ કેસમાં મહેસાણાના બદલે અમદાવાદમાં પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યું હતું.

પોલીસે ફૉરેન્સિક લૅબોરેટરીમાં પણ તપાસ કરાવવાનું વિચાર્યું અને ઑક્ટોબર મહિનામાં જ્યારે ફૉરેન્સિક લૅબોરેટરીનો રિપોર્ટ આવ્યો ત્યારે બાળકીનાં મૃત્યુને લઈને અનેક ચોંકાવનારી વાતો સામે આવી.

પોલીસના જણાવ્યા અનુસાર આ બંને રિપોર્ટમાં સામે આવ્યું કે બાળકીનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું હતું.

એ.બી. વાળંદ કહે છે કે "આખા પરિવારને ફરીથી તપાસ માટે કડી અને પછી મહેસાણા બોલાવ્યો. જ્યારે ઊલટતપાસ કરી ત્યારે સામે આવ્યું કે બાળકીનું જે દિવસે મૃત્યુ થયું એ દિવસે ઘરમાં બહારથી કોઈ આવ્યું નહોતું."

પોલીસ પ્રમાણે બાળકીનાં માતા અને પિતા બંને તેનું કુદરતી મોત થયા હોવાની વાત કહી રહ્યાં હતાં.

એ.બી. વાળંદ કહે છે કે પોલીસને શંકા હતી કે પરિવારને દીકરી પછી દીકરાની આશા હતી. અમે જૂના કેસના કાગળોને તપાસ્યા અને ફરી બાળકીનાં માતાપિતાને પોલીસ સ્ટેશનમાં બાલવવાનું નક્કી કર્યું.

ત્યારબાદ પોલીસે બાળકીના ફૉરેન્સિક રિપોર્ટના આધારે બાળકીના પરિવારમાં માતાપિતા અને દાદા-દાદી સામે ગુનો દાખલ કરવાનું નક્કી કર્યું.

બાળકીના પિતા હાર્દિક પટેલ અને દાદા ઉત્તમ પટેલ (સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ ઉપેન્દ્ર પટેલ) એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

પોલીસના કહેવા પ્રમાણે આરોપી પરિવારજનોને આ વાતની અંદેશો આવી ગયો કે તેમની વિરુદ્ધ કાર્યવાહી થવા જઈ રહી છે અને ધરપકડ થાય એ પહેલાં જ તેઓ ગાયબ થઈ ગયા.

પોલીસનું કહેવું છે કે ફરાર પરિવારજનોની શોધખોળ ચાલુ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તેમને ઝડપી પાડવામાં આવશે.

મૃતક બાળકીનાં માતાએ શું કહ્યું?

મૃતક બાળકીનાં માતા કવિતા પટેલે જણાવ્યું કે તેમના પતિ હાલ તેમની સાથે નથી.

તેમણે દાવો કર્યો, "અમારા પરિવારમાં પુત્ર અને પુત્રી બંને સમાન છે. મારે પહેલી પુત્રી જ છે. જો મારે પુત્ર જોતો હોત તો છ વર્ષ સુધી પુત્રીનો ઉછેર કેમ કર્યો હોત."

તેમનો દાવો છે કે તેમની બીજી પુત્રીને જન્મથી જ ગળા પર લાલ નિશાન હતાં.

તેમણે કહ્યું, "એ સમયે ડિસેમ્બર મહિનો ચાલતો હતો. નવજાત પુત્રીને શરદી થઈ ગઈ, એ બરાબર શ્વાસ પણ નહોતી લઈ શકતી. જે દિવસે તેનું અવસાન થયું એ દિવસે ઘરનું કામ પતાવીને બપોરે એક વાગ્યે મેં એને નવડાવવા માટે માથા પરથી ઊનની ટોપી અને સ્વેટર ઉતાર્યાં. તેનું હલનચલન બંધ થઈ ગયું હતું."

"મેં મારા સાસુને બૂમ પાડીને બોલાવ્યાં અને અમે ડૉક્ટરને ત્યાં જવાનું નક્કી કર્યું. મારા પતિને ફોન કરીને બોલાવ્યા. અમે કડીની હૉસ્પિટલમાં ગયા. નર્સે દવા આપવાની ના પાડી અને ડૉક્ટરને બોલાવ્યા."

તેઓ ઉમેરે છે કે ડૉક્ટરે મારી દીકરીને તપાસી અને અંદરના રૂમમાં જઈને પોલીસને જાણ કરી હતી.

મૃતક બાળકીનાં માતા તેમનાં પર લાગેલા આરોપોને નકારતાં કહે છે, "જો અમારી પુત્રીને મારી જ નાખવી હોત તો ચુપચાપ અંતિમવિધિ કરી હોત, ડૉક્ટર પાસે ગયાં જ ન હોત."

તેમનો દાવો છે કે જ્યારે બીજી પુત્રીનો જન્મ થયો ત્યારે તેમણે પેંડા વહેંચ્યા હતા.

બીજી તરફ બાળકીના દાદાએ ઉત્તમ પટેલ ઉર્ફ ઉપેન્દ્ર પટેલે કહ્યું, "હું રોજ સવારે આઠ વાગ્યે નોકરી પર જતો રહું છું. મને આ વાતની ખબર નથી. મને ફોન આવ્યો એટલે હું હૉસ્પિટલ આવ્યો ત્યારે ખબર પડી કે નાની પૌત્રીનું મૃત્યુ થયું છે."

તેઓ કહે છે કે તેમને ખબર જ નથી કે બાળકીનું મૃત્યુ કેવી રીતે થઈ ગયું છે.

મહેસાણામાં બાળકીઓનું ઓછું પ્રમાણ

મહેસાણા જિલ્લામાં પહેલેથી જ છોકરાઓની સરખામણીમાં છોકરીઓનું પ્રમાણ ઓછું છે.

આ વિસ્તારમાં વર્ષો સુધી સંશોધન કરનાર સમાજશાસ્ત્રી પ્રોફેસર સંગીત પટેલે કહ્યું કે "મહેસાણા જિલ્લામાં છોકરાઓના પ્રમાણમાં છોકરીઓની સંખ્યા ઓછી છે. લગ્ન માટે છોકરી નહીં મળવાથી આદિવાસી વિસ્તારમાંથી છોકરીઓ લાવીને લગ્ન કરાવવામાં આવે છે."

ગુજરાત સરકારના આંકડા મુજબ મહેસાણા જિલ્લામાં 2011ની વસતીગણતરી પ્રમાણે દર 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 926 હતી.

તો બાળકોના જન્મદરના આંકડા સૂચવે છે કે જિલ્લામાં 1000 છોકરાઓ સામે 842 છોકરીઓનો જન્મ થાય છે.

જ્યારે શિક્ષણના ક્ષેત્રમાં સ્ત્રીઓ પુરુષો કરતાં પાછળ છે. મહેસાણાના શહેરી વિસ્તારમાં પુરુષોનો સાક્ષરતાનો દર 93.52 ટકા છે ત્યારે સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર 82.81 ટકા જ છે.

સંશોધનના આધારે પ્રોફેસર સંગીત પટેલ જણાવે છે કે "દંપતીને પ્રથમ પુત્ર હોય તો પરિવાર એક જ બાળકથી સંતોષ માની લે છે પરંતુ જો પ્રથમ પુત્રીનો જન્મ થાય તો બીજા બાળક માટે પ્રયાસ કરતા હોય છે."

તેમનું કહેવું છે કે હજુ પણ એવા પરિવારો ઓછાં જોવા મળશે જેમાં બે છોકરીઓ હોય. જે ગામમાં જાતિનો પ્રભાવ વધુ હોય છે ત્યાં આ વલણ વધારે જોવા મળે છે. દહેજની પ્રથા બંધ કરવાની વાતો જરૂર થાય છે પરંતુ દહેજનો રિવાજ હજુ ચાલુ છે.

"અહીં લોકો ઘડપણની લાકડી અને વંશ આગળ વધારવા છોકરાને વધારે પસંદ કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો