પશ્ચિમ બંગાળ ચૂંટણી : મમતા બેનરજીને ભાજપને ટક્કર આપવા ડાબેરી 'કાખઘોડી'ની જરૂર છે?

  • પ્રભાકર મણિ ત્રિપાઠી
  • બીબીસી ગુજરાતી માટે, કોલકાતાથી
શું ભાજપ સામે મમતાને પોતાનો વિજય કપરો જણાય રહ્યો છે?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

શું ભાજપ સામે મમતાને પોતાનો વિજય કપરો જણાય રહ્યો છે?

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મંત્રી મમતા બેનરજી માટે ડાબેરી પક્ષોનો સાથ લેવો જરૂરી છે કે તેઓ સમજીવિચારીને યોજનાપૂર્વક ટીએમસીને વોટ કરવા માટે ડાબેરી મતદારોને અપીલ કરી રહ્યાં છે?

ગત જાન્યુઆરી મહિનામાં મમતા બેનરજીએ આ પ્રકારની અપીલ કરી હતી અને બુધવારે પાર્ટીનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યા બાદ આ અપીલનો પુનર્રોચ્ચાર કર્યો હતો.

મમતાનું કહેવું હતું, "ડાબેરી પક્ષો ચૂંટણી જીતીને પણ સત્તા ઉપર આવી શકે તેમ નથી એટલે ડાબેરી મતદારોએ ડાબેરી મોરચાને મત આપીને તેમના મતને વેડફવા ન જોઈએ. આને બદલે ભાજપને હરાવવા માટે તેમણે ટીએમસીને મત આપવા જોઈએ."

આને કારણે સવાલ ઊઠી રહ્યા છે કે શું ભાજપ સામે મમતાને પોતાનો વિજય કપરો જણાઈ રહ્યો છે, જેના કારણે તેઓ આ પ્રકારની અપીલ કરી રહ્યાં છે?

ડાબેરી મતદારોની મુશ્કેલી

ઇમેજ સ્રોત, DEBAJYOTI CHAKRABORTY/NURPHOTO VIA GETTY IMAGES)

ઇમેજ કૅપ્શન,

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન ટીએમસીને 39.05 ટકા મત મળ્યા હતા

લાંબા સમયથી ટીએમસી (તૃણમૂલ કૉંગ્રેસ)ને કવર કરનારા પત્રકાર પુરકેષ ઘોષને લાગે છે કે મમતા બેનરજીને ડાબેરી મતોની જરૂર નથી.

ઘોષ માને છે, "જ્યાં સુધી ડાબેરી મોરચા અને કૉંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાત હતી, ત્યાં સુધી બધું બરાબર હતું, પરંતુ જ્યારે યુતિએ પીરજાદા અબ્બાસની પાર્ટી ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઈએસએફ) સાથે ગઠબંધન થયું, ત્યારે વાત વણસી ગઈ."

"અમુક લેફ્ટ સમર્થકોનું માનવું છે કે જો કોઈ કોમવાદી પક્ષનો સાથ લેવાનો જ હતો તો આઈએસએફ જ કેમ, અને બીજી કોઈ પાર્ટી કેમ નહીં?"

"આ પ્રકારના મતદારોને આકર્ષવા માટે મમતા બેનરજીએ ભાજપને નહીં, પરંતુ ટીએમસીને મત આપવા માટે અપીલ કરી હતી."

ઘોષ ઉમેરે છે, "ટીએમસી ઉપરાંત ડાબેરી પક્ષો તથા કૉંગ્રેસના નેતા પણ ભાજપને કોમવાદી પક્ષ ઠેરવે છે. એટલે મમતા બેનરજીએ ભાજપને હરાવવા માટે ડાબેરીના અસંતુષ્ટ મતદારોનો સાથ માગ્યો છે."

ટીએમસીના વરિષ્ઠ નેતા તથા પાર્ટીના સંસદસભ્ય સૌગત રૉયે જાન્યુઆરીમાં કહ્યું હતું, "જો ડાબેરી મોરચો અને કૉગ્રેસ ખરેખર ભાજપવિરોધી હોય તો તેમણે ભગવા પક્ષની કોમવાદી અને વિભાજનકારી રાજનીતિની વિરુદ્ધના મમતા બેનરજીના સંઘર્ષમાં તેમની સાથે ઊભા રહેવું જોઈએ. મમતા બેનરજી જ ધર્મનિરપેક્ષ રાજકારણનો અસલી ચહેરો છે."

ત્રિકોણીય ચૂંટણીનો લાભાર્થી કોણ?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઇમેજ કૅપ્શન,

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ટીએમસીને 43.69 ટકા તથા ડાબેરીઓને 6.34 ટકા મત મળ્યા.

ઘોષ કહે છે કે ડાબેરી સમર્થકોની મદદથી જ વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ બે સંસદસભ્યોથી વધીને 18ની સંખ્યા સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન ટીએમસીને 39.05 ટકા, ડાબેરી મોરચાને 29.71 ટકા, ભાજપને 17.02 ટકા તથા કૉંગ્રેસને 9.58 ટકા મત મળ્યા હતા.

એના બે વર્ષ બાદ 2016માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ડાબેરી મોરચાને 25.69 ટકા, કૉંગ્રેસને 12.25 ટકા, જ્યારે ભાજપને માત્ર 10.16 ટકા મત જ મળ્યા હતા.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ટીએમસીને 43.69 ટકા, ભાજપને 40.64 ટકા, કૉંગ્રેસને 5.67 ટકા તથા ડાબેરીઓને 6.34 ટકા મત મળ્યા.

આમ કૉંગ્રેસ તથા ડાબેરીના કુલ મત માંડ 12 ટકા રહ્યા. આથી સ્પષ્ટ છે કે આ યુતિના મતોનો મોટો હિસ્સો ભાજપને મળ્યો છે. મમતા બેનરજીની નજર આ મત ઉપર છે.

છેલ્લાં છ-સાત વર્ષ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓથી સ્પષ્ટ છે કે જો ટીએમસીને ડાબેરી મતોનો એક હિસ્સો મળી જાય તો પણ ચૂંટણીની તસવીર પલટાઈ શકે છે.

મમતા બેનરજીની અપીલની અસર થશે?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC

ઇમેજ કૅપ્શન,

સંયુક્ત મોરચાની સરકાર ત્રીજા વિકલ્પ તરીકે સરકાર બનાવવા માટે મેદાનમાં છે.

સીપીએમ (કૉમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ)નું માનવું છે કે મમતા બેનરજીની અપીલની તેના મતદારો ઉપર કોઈ અસર નહીં થાય.

પાર્ટીના નેતા સુજન ચક્રવર્તીના કહેવા પ્રમાણે, "મમતા બેનરજી સમજી ગયાં છે કે હવે તેઓ સત્તા ઉપર પરત નહીં ફરી શકે. ગત વર્ષ દરમિયાન તેમણે ડાબેરી પક્ષોને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર નહોતી રાખી. હજારો સમર્થકોને બેઘર બનાવી દેવાયા હતા."

"અમારાં ડઝનબંધ કાર્યાલયો પર કબજો કરી લેવાયો છે. રાજ્ય સરકારે ડાબેરી નેતાઓ અને કાર્યકરો સામે ખોટા કેસ દાખલ કર્યા છે. આ સિવાય ટીએમસી પણ ભાજપની જેમ જ ધ્રુવીકરણનું રાજકારણ કરી રહી છે."

"આવા સંજોગોમાં મમતા બેનરજી ડાબેરી પક્ષો દ્વારા સમર્થનની આશા કેવી રીતે રાખી શકે?"

ચક્રવર્તીનું કહેવું છે કે ટીએમસીને અણસાર આવી ગયા છે કે તેઓ ભાજપનો મુકાબલો કરી શકે તેમ નથી અને માત્ર ડાબેરી પક્ષો જ ભાજપને પહોંચી વળે તેમ છે.

સંયુક્ત મોરચાની સરકાર ત્રીજા વિકલ્પ તરીકે સરકાર બનાવવા માટે મેદાનમાં છે. ડાબેરી પક્ષોના મતે ભાજપ અને ટીએમસી એક જ સિક્કાની બે બાજુઓ છે.

સીપીએમનો આરોપ છે કે ટીએમસીને કારણે જ પશ્ચિમ બંગાળમાં ભાજપને પગ પસારવાની તક મળી.

હારની કબૂલાત?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ટીએમસી નેતા સૌગત રાયનું કહેવું છે કે આ અપીલનો 'ખોટો અર્થ' ન કાઢવો જોઈએ.

ભાજપના નેતા શમીક ભટ્ટાચાર્યના કહેવા પ્રમાણે, મમતા બેનરજીની અપીલથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને હારનો અણસાર આવી ગયો છે અને તેમણે ચૂંટણી પહેલાં જ હાર સ્વીકારી લીધી છે.

જોકે ટીએમસી નેતા સૌગત રાયનું કહેવું છે કે આ અપીલનો 'ખોટો અર્થ' ન કાઢવો જોઈએ. રાજ્યમાં ભાજપ જેવી કોમવાદી પાર્ટીને અટકાવવા માટે તમામ ધર્મનિરપેક્ષ દળો એકજૂથ થાય તે જરૂરી છે.

વરિષ્ઠ પત્રકાર તાપસ મુખરજીના કહેવા પ્રમાણે, "ભાજપ તરફથી મમતા બેનરજીને મજબૂત પડકાર મળી રહ્યો છે એટલે તેને સત્તા પર આવતી અટકાવવા માટે મમતા બેનરજી કંઈ પણ કરવા માટે તૈયાર છે."

"આજીવન ડાબેરી પક્ષોનાં વિરોધી રહેલાં મમતા બેનરજીની સમર્થનની અપીલને વ્યૂહરચનાના ભાગરૂપ માનવી જોઈએ. જો આ અપીલની અસર ડાબેરી મતદારોની પર થઈ અને બે-ત્રણ ટકા મત પણ આમતેમ થાય તો પરિણામો પર ઊંડી અસર ઊભી થઈ શકે છે."

વીડિયો કૅપ્શન,

સીરિયા યુદ્ધ : બશર અલ અસદ, રશિયા, અમેરિકા અને ઇસ્લામિક સંગઠનો વચ્ચેની લડાઈની કહાણી

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કૉંગ્રેસ કાં તો પીરજાદા અબ્બાસીની પાર્ટી સાથે ગઠબંધન કરીને ખોવાયેલો જનાધાર પરત મેળવવા માટે ડાબેરી મોરચો પ્રયાસરત છે.

તા. 28મી ફેબ્રુઆરીના દિવસે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાન ખાતે રેલીમાં આવેલી ભીડને જોઈને ડાબેરી નેતાઓ ખુશ છે.

રાજકીય વિશ્લેષક સમીર કુમાર પાલના મતે, "હજુ પણ બંગાળમાં ડાબેરી મોરચાના વફાદાર મતદારોનો વર્ગ બહોળો છે. પોતાના સૌથી ખરાબ પ્રદર્શન (2019) દરમિયાન પણ તેને છ ટકા મત મળ્યા હતા. આમાંનો એક હિસ્સો ભાજપને મળ્યો હતો. જો ટીએમસીને પણ સમર્થન મળે તો ચૂંટણીની તસવીર પલટાઈ શકે તેમ છે."

"કદાચ એટલે જ ચૂંટણી પૂર્વે જ મમતાએ આવી અપીલ કરી છે. આઈએસએફ સાથે ગઠબંધનને કારણે ડાબેરી સમર્થકોનો એક વર્ગ નારાજ છે અને મમતા આ અસંતોષનો લાભ ઉઠાવવા માગે છે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો