વિહિકલ સ્ક્રૅપ પૉલિસી : તમારી જૂની કાર ભંગારમાં તો જશે પણ તમને શું મળશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, NATHAN G

ઇમેજ કૅપ્શન,

વિહિકલ સ્ક્રૅપ પૉલિસી શું છે?

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિહિકલ સ્ક્રૅપ પૉલિસી (ગાડીઓનાં ભંગારમાં જવા અંગેની નીતિ)ની જાહેરાત કરી છે. આ નીતિ મુજબ જૂની ગાડીઓને સ્ક્રૅપ કરવા બદલ વાહન માલિકને વિવિધ લાભો આપવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે.

ભારતમાં વિહિકલ સ્ક્રૅપ પૉલિસીની લાંબા સમયથી માગ કરવામાં આવી રહી હતી અને નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વેળા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ પૉલિસી વિશે માહિતી આપી હતી.

નીતિન ગડકરીએ જે વિહિકલ સ્ક્રૅપ પૉલિસીની જાહેરાત કરી છે, તે અંતર્ગત 15 વર્ષ જૂનાં કૉમર્સિયલ વાહનો અને 20 વર્ષ જૂનાં ખાનગી વાહનોનું જો ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તો આવા વાહનોનું રજિસ્ટ્રેશન આપોઆપ રદ થઈ જશે. જો જૂનાં વાહનો માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવું હશે તો વાહન માલિકને મોટી રકમ ચૂકવવી પડશે.

ગડકરીએ જણાવ્યું કે જૂની ગાડીઓને સ્ક્રેપ કરવાથી પ્રદૂષણમાં ઘટાડો થશે, નવા રોજગારીનું સર્જન થશે અને નવા વાહનો માટે માગ ઊભી થશે.

મીડિયા અહેવાલો મુજબ ભારતમાં 15 વર્ષથી વધારે જૂનાં 17 લાખ મધ્યમ અને ભારે વાહનો છે અને 51 લાખ લાઇટ મોટર વિહિકલ છે જે 20 વર્ષથી વધારે જૂનાં છે. 34 લાખ લાઇટ મોટર વિહિકલ છે 15 વર્ષથી વધારે જૂનાં છે.

તેમણે જણાવ્યું નવી પોલીસીના કારણે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને 3.70 કરોડ નોકરીઓનું સર્જન થશે. હાલમાં ભારતીય ઑટોમોબાઇલઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 4.5 લાખ કરોડ રૂપિયા છે અને વિહિકલ સ્ક્રેપ પૉલિસીના કારણે આવનારા પાંચ વર્ષમાં ઑટોમોબાઇલઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 10 લાખ કરોડ રૂપિયા થઈ જશે.

ગડકરીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર, મહાનગરપાલિકાઓ અને બીજી સરકારી સંસ્થાઓ પાસે 15 વર્ષ જૂની ગાડીઓની નોંધણી રદ કરાવવામાં આવશે અને આ વાહનોને સ્ક્રૅપ કરી નાખવામાં આવશે.

વિહિકલ સ્કૅપ પૉલિસીથી તમને શું લાભ કે નુકસાન?

ઇમેજ સ્રોત, Getty Images

નવી પૉલિસીમાં જૂની ગાડીઓને સ્ક્રૅપમાં ફેરવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીઈ) અંતર્ગત સમગ્ર દેશમાં રજિસ્ટર્ડ વિહિકલ સ્ક્રૅપિંગ સુવિધા ઊભી કરશે. જો તમે ગાડી સ્ક્રૅપ કરો તો સ્ક્રૅપિંગ સેન્ટર તરફથી તેમને રકમ આપવામાં આવશે જે ગાડીની કિંમતના 4-6 ટકાની વચ્ચે હશે અને સ્ક્રૅપિંગ સર્ટિફિકેટ આપવામાં આવશે.

વિહિકલ સ્ક્રૅપ પૉલિસીમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે લોકો નવા વાહન ખરીદતી વખતે સ્ક્રૅપિંગ સર્ટિફિકેટ રજૂ કરશે તેમને 5 ટકા ડિસ્કાઉન્ટ ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવશે. જોકે, એ જરુરી નથી કે વાહનોમાલિકોને આ છૂટ મળશે કારણકે કેન્દ્ર સરકારે તેને ફરજિયાત કર્યું નથી. તેને અર્થ થયો કે જો ઑટોમોબાઈલ કંપનીઓ ઇચ્છે તો ગ્રાહકને આ છૂટ મળશે.

પૉલિસીમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે જૂની ગાડી સ્ક્રૅપ કરીને જ્યારે નવી ગાડી ખરીદવામાં આવે ત્યારે રોડ ટૅક્સની છૂટ આપવામાં આવશે. જોકે, રોડ ટૅક્સ પર છૂટ આપવી કે નહીં તે વિશે નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પર નાખી દીધી છે. એટલે એ પણ ચોક્કસ નથી કે વાહન માલિકને રોડ ટૅક્સમાં છૂટ મળશે કે નહીં અને જો મળશે તો કેટલી મળશે.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ભલામણ કરી છે કે જે લોકો પોતાની જૂની ગાડીને સ્ક્રૅપ કરી રહ્યાં છે તેઓ જ્યારે નવી ગાડી ખરીદે ત્યારે રજિસ્ટ્રેશન ફી માફ કરવામાં આવે પરતું રાજ્ય સરકાર તેના પર શું નિર્ણય લે છે, તે જોવું રહ્યું.

કયા દેશોમાં છે વિહિકલ સ્ક્રૅપની નીતિ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા, જર્મની, જાપાન જેવા દેશોમાં પણ વિહિકલ સ્ક્રૅપની નીતિ છે.

બિઝનેસ સ્ટાનડર્ડના અહેવાલ અનુસાર સમગ્ર યુરોપમાં જર્મનીમાં સૌથી સારી વિહિકલ સ્ક્રૅપ નીતિ છે. એ મુજબ, નવ વર્ષથી વધારે જૂની ગાડીના બદલામાં જો નવી ગાડી ખરીદવામાં આવે તો 3320 ડોલરની છૂટ આપવામાં આવે છે. પહેલાં જૂની ગાડીઓને સીધી ભંગારના ગોડાઉનમાં મોકલી આપવામાં આવતી હતી. અહેવાલ અનુસાર હાલે ઇકૉનોમિક ઇન્સટિટ્યુટ મુજબ આ નીતિ માટે જર્મનીની સરકારે 3.4 અબજ ડૉલર ખર્ચ કરવો પડ્યો છે.

અમેરિકામાં ધ કાર એલાઉન્સ રિબેટ સિસ્ટમ (કાર્સ)ની નીતિ હતી જેમાં 25 વર્ષથી ઓછી જૂની ગાડી માટે 4500 અમેરિકન ડોલરની છૂટ આપવામાં આવતી હતી. કાર માલિક જ્યારે નવું વાહન ખરીદે ત્યારે ડિલર આ રકમ વાહનની કિંમતમાંથી બાકાત કરી નાખે છે. બાદમાં ડિલરને આ રકમ અમેરિકન સરકાર તરફથી આપવામાં આવે છે. જે વાહનની કિંમત 45,000 ડોલરથી ઓછી હોય તેમાં જ નિયમ લાગુ પડતો હતો.

જાપાન અને યુકે 2009માં આ પ્રકારની પૉલિસી લઈ આવ્યા હતા જેમાં જૂની ગાડી સામે નવી ગાડી ખરીદવા પર છૂટ આપવામાં આવતી હતી. જાપાનમાં જો ગાડી 13 વર્ષથી વધુ જૂની હોય તો વાહન માલિકને 2500 ડોલરની છૂટ આપવામાં આવતી હતી. યુકેમાં 10 વર્ષથી વધારે જૂની ગાડીના બદલામાં નવી ગાડી ખરીદવા પર 2000 પાઉન્ડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું.

રશિયાએ 2010 અને 2014માં વિહિકલ સ્ક્રૅપિંગ પૉલિસી લાગુ કરી. 2010માં 10 વર્ષ જૂની ગાડી સામે નવી ગાડીઓ ખરીદવા પર 1700 ડોલર આપવામાં આવતા હતા પરતું શરત એ હતી કે કાર રશિયન કંપનીની હોવી જોઈએ. 2014માં 6 વર્ષ જૂની ગાડીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો