અમદાવાદમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, ફાયર-બ્રિગેડનાં 45 વાહનો અને 150 ફાયરકર્મીઓ જોતારાયાં

અમદાવાદમાં આગ
ઇમેજ કૅપ્શન,

અમદાવાદના વટવામાં આવેલી પ્લાસ્ટિકમાં ફેકટરીમાં લાગેલી આગે વિકરાળ રૂપ લીધું હતું

અમદાવાદના વટવામાં આવેલી એક પ્લાસ્ટિક ફેકટરીમાં ગત રાતે ભીષણ આગ ફાટી નીકળી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને આગને ઓલવવાની કામગીરી આદરી દેવાઈ હતી.

અમદાવાદના ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસીને આપેલી માહિતી અનુસાર, "આગ પર પર કાબૂ મેળવી લેવાયો છે, જોકે, હજુ પણ બીજા છથી સાત કલાક સુધી કામગીરી ચાલશે."

આગ જ્યાં લાગી એ એ ફેકટરીમાં પૅકિંગ મટિરિયલ બનાવવામાં આવતું હતું.

રાજેશ ભટ્ટે જણાવ્યું, "ફેકટરીમાં પૅકિંગ મટિરિયલ બનાવવામાં આવતું હતું. પ્રિન્ટિંગ ઇંક, પ્લાસ્ટિકના દાણા, સિલ્વર ફૉઇલ જેવી સામગ્રીનો સંગ્રહ કરાયેલો હતો."

આગ લાગવવાનું પ્રાથમિક કારણ કેમિકલ રિએક્શન હોવાનું જાણવા મળ્યું છે.

રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "કેમિકલ પ્રૉસેસ દરમિયાન ક્યાંક કેમિકલ રિએક્શન થયું હતું. જે દરમિયાન આગ ફાટી નીકળી હતી."

આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી.

હજુ બીજા છ-સાત કલાક લાગશે?

આગ એટલી ભીષણ હતી કે એને ઓલવવા માટે 45થી વધારે ફાયર-બ્રિગેડનાં વાહનો અને દોઢસોથી વધુ ફાયરકર્મીઓ લાગ્યા હતા.

સમાચાર લખાઈ રહ્યા છે, ત્યાં સુધી આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાનું અમદાવાદના ચીફ ફાયર ઑફિસરે જણાવ્યું હતું. એમ છતાં સ્થિતિને થાળે પાડતા બીજા છ-સાત કલાકનો સમય લાગી જશે.

આગે કેમિકલના કન્ટેનરો ભળતાં ભીષણ રૂપ લીધું હોવાનું સ્થાનિક મીડિયા જણાવી રહ્યાં છે.

પરિસ્થિતિ વધુ કફોડી ન બને એ માટે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં આવેલા જ્વલનશીલ પ્રવાહીને હઠાવવાની કામગીરી પણ આરંભી દેવાઈ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો