ભારતમાં કોરોનાએ ફરી ઉછાળો માર્યો તે માટે લગ્નસમારોહો જવાબદાર?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અત્યાર સુધી કોરોનાની રસીના ચાર કરોડ કરતાં વધુ ડોઝ અપાયા
શુક્રવારે સમગ્ર ભારતમાં કોરોનાના 40,944 નવા કેસો સામે આવ્યા હતા. શુક્રવારે પાછલા 111 દિવસના સૌથી વધારે કેસો નોંધાયા હતા.
ગુજરાતમાં પણ એક સમયે જ્યાં 300 કરતાં ઓછા નવા કેસો નોંધાતા હતા ત્યાં શુક્રવારે કોરોનાના 1,415 નવા કેસો નોંધાયા. તેમાં પણ સૌથી વધુ 450 કેસો સુરતમાં નોંધાતાં કોરોનાની રોકથામની કામગીરીમાં લાગેલા અધિકારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.
હવે જ્યારે કોરોનાની સ્થિતિ ફરીથી વણસી રહી છે ત્યારે નિષ્ણાતો સહિત સામાન્ય લોકો પણ આ વધારાનાં સંભવિત કારણોની છણાવટ કરતા જણાઈ રહ્યા છે. ઘણા રાજકીય પક્ષોની રેલીઓને તો ઘણા બિનજરૂરી સામાજિક આયોજનોને આ વધારા માટે જવાબદાર ઠેરવી રહ્યા છે.
'હિંદુસ્તાનટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે સરકારી પેનલે લગ્ન સમારોહ જેવી સુપરસ્પ્રેડર ઇવેન્ટોને કોરોનાના કેસોમાં વધારા માટે જવાબદાર ઠેરવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ પરિસ્થિતિના પ્રાથમિક મૂલ્યાંકન પ્રમાણે પાછલા અમુક મહિનાઓમાં ઘણા લોકો કોરોનાને લઈને ઓછી કાળજી રાખતા થઈ ગયા છે.
પંજાબના પણ કેટલાક સરકારી અધિકારીઓએ આવાં સુપર-સ્પ્રેડર ઇવેન્ટોને કોરોનાના કેસોમાં વધારા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
ગુજરાતમાં શું છે સ્થિતિ?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અત્યાર સુધી કોરોનાની રસીના ચાર કરોડ કરતાં વધુ ડોઝ અપાયા
ગુજરાતમાં શુક્રવારે સુરતમાં સૌથી વધુ 450 નવા કેસો નોંધાયા હતા જે અત્યાર સુધી ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
જ્યારે બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના નવા 344 કેસો નોંધાયા હતા. આ સિવાય રાજકોટ અને વડોદરામાં અનુક્રમે 132 અને 146 કેસો નોંધાયા હતા.
ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુ, સંભવિત સંક્રમણ ફેલાવનારા તમામ લોકોનાં પરીક્ષણો અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન સુનિશ્ચિત કરાવવા જેવાં પગલાં લેવામાં આવ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સુપરમાર્કેટ અને ડિલિવરી બૉય માટે RTPCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવી દેવાયું છે. જ્યારે શાકભાજી વેચનારા, મેડિકલ અને કરિયાણાની દુકાનવાળા, ઑટોરિક્ષા ડ્રાઇવરો, મજૂરો અને વાળંદો માટે રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરાયું છે જેથી વાઇરસના પ્રસારને સમયસર રોકી શકાય.
અત્રે નોંધવું કે સુરતમાં પણ બહારથી આવતા લોકો માટે 7 દિવસનું હોમ-આઇસોલેશનનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
વળી રાજ્યમાં સ્કૂલ-કૉલેજનું શિક્ષણ પણ ફરીથી ઑનલાઇન કરી દેવાયું છે. અને મહાનગરોમાં સીટી બસ, બાગ-બગીચા બંધ કરી દેવાયા છે.
વળી સુરત સહિત અમદાવાદમાં જાહેર પરિવહનની બસોના પ્રવેશ પણ સ્થગિત કરી દેવાયા હતા.
ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યુ સુધી કર્ફ્યુ પણ લાગુ કરાયો છે. ઉપરાંત 21 માર્ચે અમદાવાદમાં 136 કેન્દ્રો પર જીપીએસસીની પરીક્ષાઓ યોજાવાની છે. તેને યથાવત્ રખાઈ છે.
જોકે અમદાવાદ પોલીસે પરીક્ષાકેન્દ્ર ધરાવતા વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાંક પગલાં પણ જાહેર કર્યાં છે. જેથી વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે.
ગુજરાતની વાત કરીએ તો સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની બાબતમાં ગુજરાત પાંચમા ક્રમે હતું. જ્યારે પ્રથમ ક્રમે 25,681 કેસો સાથે મહારાષ્ટ્ર હતું.
વિવિધ મીડિયા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હાલ લૉકડાઉનની કોઈ વિચારણા નથી. જનતા ખુદ જ નિયમોનું પાલન કરશે. પરંતુ જો સ્થિતિ સારી નહીં રહે અને નિયમોનું પાલન નહીં થાય તો કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે હાલમાં ગુજરાતમાં કોરોનાના કુલ 6,147 ઍક્ટિવ કેસો છે. જે બે મહિનામાં સૌથી વધુ છે.
ભારતમાં રસીના કેટલા ડોઝ અપાયા?
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતનાં મહાનગરોમાં ફરીથી માથું ઊંચકી રહ્યો છે કોરોના વાઇરસ?
ભારતમાં કોરોનાની રસીના ચાર કરોડ કરતાં વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે
ANI ન્યૂઝ ડોટ ઇનના એક અહેવાલ પ્રમાણે શુક્રવારે ભારતમાં કોરોનાની રસીના 18,16,161 ડોઝ અપાયા હતા. જે સાથે જ કોરોનાની રસીના કુલ અપાયેલા ડોઝોની સંખ્યા ચાર કરોડને પાર કરી ગઈ છે. અત્યાર સુધી સમગ્ર ભારતમાં કુલ 4,11,55,978 કોરોનાની રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
આ રસીના લાભાર્થીઓમાં 76,86,920 હેલ્થકૅર વર્કરો સામેલ છે. જેમણે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 47,69,469 એવા હેલ્થકૅર વર્કરો પણ સામેલ છે જેમણે આ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
બીજી બાજું 79,10,529 ફ્રન્ટલાઇન વર્કરોને અત્યાર સુધી વૅક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે કુલ 23,16,922 ફ્રન્ટલાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો