ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણી અને સી. આર. પાટીલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER/@CMOGUJ
ગુજરાતમાં શુક્રવારે જ્યારે પાછલા 103 દિવસના સૌથી વધુ કેસો નોંધાયા છે ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કોરોનાના વધતા પ્રસારને કારણે આગામી સમયમાં રાજ્યવ્યાપી લૉકડાઉન લાદવામાં આવશે કે કેમ તે અંગે શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "પાછલા દિવસોમાં સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. માત્ર ગુજરાતમાં જ સંક્રમણ વધ્યું છે એવું નથી."
"દેશનાં અમુક રાજ્યોમાં ગુજરાતની સરખામણીએ વધુ કેસો આવી રહ્યા છે. ઘણાં એવાં પણ રાજ્યો હતાં જ્યાં ગુજરાતની જેમ ચૂંટણી નહોતી તેમ છતાં ત્યાં કોરોનાના કેસો વધ્યા છે."
"જ્યારે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દરરોજના 25 હજાર કરતાં વધુ કેસો આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સમયસર પગલાં ભરીને કોરોનાનું સંક્રમણ નિયંત્રિત કરવાની કોશિશો સમયસર શરૂ કરી દીધી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે રાજ્યમાં કોઈ પણ પ્રકારે લૉકડાઉન લગાવવામાં આવશે."
"રાજ્યમા ક્યાંય પણ આખા દિવસ દરમિયાનનો કર્ફ્યુ પણ નહીં લાદવામાં આવે. માત્ર શનિવાર અને રવિવારે મૉલ અને થિયેટરો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે."
સી. આર. પાટીલે શું કહ્યું?
ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL
ભાજપના ગુજરાત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું કે કોરોના સંક્રમણને રોકવા મહાનગરપાલિકાઓ દ્વારા કામગીરી કરાઈ રહી છે.
ગુજરાતમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસ અંગે ભાજપના ગુજરાત પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે આ અંગે સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા કામગીરી કરાઈ રહી છે.
સાથે જ તેમણે કહ્યું, "સુરત શહેરમાં કેટલીક અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા કામગીરી કરાઈ રહી છે, વૅક્સિન આપવાની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે."
લૉકડાઉન કરવાની શક્યતાઓ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું, "આજે જ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં લૉકડાઉન કરાશે નહીં, હું પણ તમને આ અંગે બાંયધરી આપું છું."
નોંધનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણકાર્ય અને પરીક્ષાના કાર્યક્રમો રદ કરીને પાછા ઠેલવાની જાહેરાત કરી છે.
તેમજ રાજ્યનાં મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધુ ન વકરે તે માટે રાત્રિના નવ વાગ્યાથી માંડીને સવારના છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ જાહેર કરાયો છે.
ગુજરાત સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બૉર્ડ દ્વારા તાજેતરની પરિસ્થિતિને જોતાં ધોરણ 12 સાયન્સની પ્રૅક્ટિકલ પરીક્ષાઓ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ સિવાય ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હાલમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટાઈ આવેલા નવા સભ્યો કોઈ પણ પ્રકારની ઉજવણી કે સમારોહો યોજવાની મનાઈ ફરમાવી છે.
નોંધનીય છે કે આ તમામ નિયંત્રણોને કારણે ગુજરાતમાં સંપૂર્ણપણે લૉકડાઉન લાદવામાં આવશે એવી વાતો થઈ રહી હતી.
જોકે, પાછલા અમુક સમયથી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને સરકારના અન્ય મંત્રીઓ આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. તેમ છતાં લોકોનાં મનમાં સતત સંપૂર્ણ લૉકડાઉનનો ભય પેસી ગયો હોવાથી ફરી વાર મુખ્ય મંત્રી રૂપાણીએ મીડિયા સમક્ષ આવી આ અંગે લોકોને નિશ્ચિંત રહેવા જણાવવું પડ્યું છે.
ગુજરાતમાં શું છે સ્થિતિ?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં અત્યાર સુધી કોરોનાની રસીના ચાર કરોડ કરતાં વધુ ડોઝ અપાયા
ગુજરાતમાં શુક્રવારે સુરતમાં સૌથી વધુ 450 નવા કેસો નોંધાયા હતા જે અત્યાર સુધી ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
જ્યારે બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના નવા 344 કેસો નોંધાયા હતા. આ સિવાય રાજકોટ અને વડોદરામાં અનુક્રમે 132 અને 146 કેસો નોંધાયા હતા.
ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુ, સંભવિત સંક્રમણ ફેલાવનારા તમામ લોકોનાં પરીક્ષણો અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન સુનિશ્ચિત કરાવવા જેવાં પગલાં લેવામાં આવ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સુપરમાર્કેટ અને ડિલિવરી બૉય માટે RTPCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવી દેવાયું છે. જ્યારે શાકભાજી વેચનારા, મેડિકલ અને કરિયાણાની દુકાનવાળા, ઑટોરિક્ષા ડ્રાઇવરો, મજૂરો અને વાળંદો માટે રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરાયું છે જેથી વાઇરસના પ્રસારને સમયસર રોકી શકાય.
વળી રાજ્યમાં સ્કૂલ-કૉલેજનું શિક્ષણ પણ ફરીથી ઑનલાઇન કરી દેવાયું છે. અને મહાનગરોમાં સીટી બસ, બાગ-બગીચા બંધ કરી દેવાયા છે.
વળી સુરત સહિત અમદાવાદમાં જાહેર પરિવહનની બસોના પ્રવેશ પણ સ્થગિત કરી દેવાયા હતા.
જોકે અમદાવાદ પોલીસે પરીક્ષાકેન્દ્ર ધરાવતા વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાંક પગલાં પણ જાહેર કર્યાં છે. જેથી વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે.
ગુજરાતની વાત કરીએ તો સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની બાબતમાં ગુજરાત પાંચમા ક્રમે હતું. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
વિવિધ મીડિયા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હાલ લૉકડાઉનની કોઈ વિચારણા નથી. જનતા ખુદ જ નિયમોનું પાલન કરશે. પરંતુ જો સ્થિતિ સારી નહીં રહે અને નિયમોનું પાલન નહીં થાય તો કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે હાલમાં ગુજરાતમાં કોરોનાના કુલ 6,147 ઍક્ટિવ કેસો છે. જે બે મહિનામાં સૌથી વધુ છે.
આ પહેલાં પણ આપ્યું હતું નિવેદન?
ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP VIA GETTY IMAGES
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં લૉકડાઉન લાદવાની રાજ્ય સરકારની કોઈ ઇચ્છા નથી
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા ફરીથી લૉકડાઉનની ચર્ચા થઈ રહી છે ત્યારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેવી શક્યતા નથી એમ કહ્યું હતું.
જોકે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત આઠ મહાનગરોમાં શાળા-કૉલેજો બંધ કરવાના અને પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાના નિર્ણયની ગુરુવારે જાહેરાત કરી હતી.
બુધવારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો કૉન્ફરન્સ બાદ રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરીને નિર્ણયો કર્યા હતા.
રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં વરિષ્ઠ સચિવોને જવાબદારી સોંપવામાં આવી હતી.
કોરોના વૅક્સિનેશનની કામગીરીને રાત્રે નવ વાગ્યા સુધી કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાનું કહ્યું હતું. ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન ચુસ્તપણે થાય તેની જાહેરાત કરી હતી.
ઇમેજ સ્રોત, ANI
વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં દરરોજ દોઢ લાખ લોકોનું રસીકરણ થઈ રહ્યું છે
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ફેબ્રુઆરીમાં કોરોના વાઇરસના કેસો ઘટતા લોકો બેફિકરા થઈ ગયા હતા અને કોરોના સંબંધિત આદેશોનું પાલન કરવામાં ઢીલાશ વર્તવા લાગ્યા હતા.
જોકે, હવે ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ઢીલાશ નહીં ચાલે એવું તેમણે જણાવ્યું.
કોરોના વાઇરસના સંક્રમણને કાબૂ કરવા માટે રાજ્યમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર ભાર મૂકવાની વાત કરતાં રૂપાણીએ કહ્યું, "રાજ્યમાં દરરોજ દોઢ લાખ લોકોનું રસીકરણ થઈ રહ્યું છે, જેને ત્રણ લાખ સુધી પહોંચાડવા સૂચના અપાઈ છે."
રાજ્યમાં પહેલાંની માફક જ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોરોના વાઇરસના કુલ કેસો કરતાં પાંચ ગણી વધુ પથારીઓ તૈયાર રાખવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.
હાલ રાજ્યમાં કોરોના વાઇસના દરદીઓ માટે છ હજાર પથારીઓ તૈયાર હોવાની તેમણે માહિતી આપી છે.
ગુજરાત અને દેશમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે ફરીથી લૉકડાઉન લાગુ કરી શકાય એવી આશંકાને ફગાવી દેતાં તેમણે ગુજરાતમાં લૉકડાઉન લાદવાની સરકારની કોઈ ઇચ્છા ન હોવાનું જણાવ્યું છે.
રૂપાણીએ કહ્યું, "લૉકડાઉનની અત્યારે કોઈ વાત નથી. ભૂતકાળમાં આપણે આ બધી પરિસ્થિતિ વચ્ચેથી નીકળ્યા છે અને લૉકડાઉન કર્યું નથી એટલે એ અંગેનો કોઈ ભય ન રાખવો."
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો