દત્તાત્રેય હોસબાલે : ઇંદિરા ગાંધીની કટોકટી વખતે 'જેલવાસ'થી RSSના સરકાર્યવાહ બનવા સુધી

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
દત્તાત્રેય હોસબાલે

ઇમેજ સ્રોત, PTI

દત્તાત્રેય હોસબાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા છે, જે પદ છેલ્લાં 12 વર્ષથી ભૈયાજી જોશી સંભાળી રહ્યા હતા.

બેંગલુરુમાં આરએસએસ દ્વારા આયોજિત અખિલ ભારતીય પ્રતિનિધિસભામાં 65 વર્ષીય દત્તાત્રેય હોસબાલેને સરકાર્યવાહ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ વર્ષ 2009થી સંઘના સહ-સરકાર્યવાહ એટલે કે જૉઇન્સ સેક્રેટરીની જવાબદારી સંભાળી રહ્યા હતા.

19મી માર્ચથી સંઘની બે દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેંગલુરુમાં શરૂ થઈ હતી. સંઘના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં દેશભરમાંથી 450 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ટ્વીટ કરીને જણાવ્યું હતું, "સરસંઘચાલક મોહનજી ભાગવત અને સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ભારત માતાના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરતાં બેઠકનો પ્રારંભ કરાવ્યો."

દત્તાત્રેય હોસબાલે કોણ છે?

દત્તાત્રેય કર્ણાટકના શિવમોગા જિલ્લાના હોસબાલે ગામના વતની છે. કે. એસ. સુદર્શન અને એચ. વી. શેશાદ્રી બાદ દત્તાત્રેય ત્રીજા સંઘના ટોચના પદ સુધી પહોંચનારા કર્ણાટકના નેતા હોવાનું મનાય છે.

દત્તાત્રેય હોસબાલે વર્ષ 1968માં સંઘ સાથે જોડાયા હતા, જે બાદ વર્ષ 1972માં વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયા હતા.

પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી એ વખતે તેમના વિરુદ્ધ મેઇન્ટેનેન્સ ઑફ ઇન્ટરન્લ સિક્યૉરિટી ઍક્ટ (MISA) અંતર્ગત ગુનો નોંધીને જેલમાં બંધ કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે હોસબાલેને સરકાર્યવાહ બનાવવા અંગે અટકળો ઘણાં વર્ષોથી ચાલતી આવી છે.

વર્ષ 2015 અને વર્ષ 2018માં પણ 'હોસબાલે સંઘના સરકાર્યવાહ બની શકે છે' એવા અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા.

ભૈયાજી જોશી બાદ દત્તાત્રેય હોસબાલે

ઇમેજ સ્રોત, Viswa Samvad Kendra

ઇમેજ કૅપ્શન,

સુરેશ ભૈયાજી જોશી વર્ષ 2009થી અત્યાર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ રહ્યા છે.

ભૈયાજી જોશીને 2009થી અત્યાર સુધી સરકાર્યવાહનું દાયિત્વ સંઘ સતત સોંપી રહ્યું હતું.

1947માં મધ્યપ્રદેશના ઇન્દૌરમાં જન્મેલા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં B.A. સુધીની શિક્ષા પ્રાપ્ત કરી ચૂકેલા સુરેશ રાવ ઉર્ફે ભૈયાજી જોશી કેટલીક ખાસિયતો માટે સંઘમાં અલગ અને ખાસ સ્થાન ધરાવે છે.

સંજય રમાકાંત તિવારી બીબીસી માટેના અહેવાલમાં લખે છે કે 2014માં કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ સંઘને લઈને જે કુતૂહલ વધ્યું છે, તેમાં સત્તાપરિવર્તનની સાથે સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત અને સરકાર્યવાહ ભૈય્યાજી જોશીના વિસ્તારવાદનું પણ યોગદાન છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો