કોરોના વૅક્સિન : ભારતના રસીઉત્પાદકો રસીની માંગ પૂરી કરી શકે છે?

  • રિયાલિટી ચેક ટીમ દ્વારા
  • બીબીસી ન્યૂઝ
ભારત વિશ્વભરમાં એસ્ટ્રાઝેનેકા રસીની નિકાસ કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારત વિશ્વભરમાં એસ્ટ્રાઝેનેકા રસીની નિકાસ કરી રહ્યું છે.

ભારત, કોરોના વાઇરસની રસીના ઉત્પાદન મામલે વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક છે,જોકે તે તેની નિકાસ પ્રતિબદ્ધતાઓને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યું છે.

ભારતના સૌથી મોટા રસી ઉત્પાદકનું કહેવું છે કે યુકે માટેના સપ્લાય સંબંધિત ડોઝનું આયોજન ખોરવાયું છે, અને નેપાળને સપ્લાય કરવાનો મોટો ઑર્ડર પણ સ્થગિત કરવામાં આવ્યો છે.

રસી અછત કેમ ઊભી થઈ?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

રસી બનાવવા માટે ખૂબ જ ખાસ પ્રકારનો કાચ માલ જરૂરી હોય છે.

'સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા' (એસઆઈઆઈ) - જે નોવાવૅક્સ અને ઍસ્ટ્રાઝેનેકા રસીઓનું ઉત્પાદન કરે છે - તેણે તાજેતરમાં કાચા માલની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે.

તેના ચીફ એક્ઝિક્યુટિવ, આદર પૂનાવાલાએ, આ મુદ્દે યુએસની નિકાસ પ્રતિબંધ નીતિને જવાબદાર ગણાવી હતી, જે ખાસ પ્રકારની બેગ અને ફિલ્ટર જેવી રસી બનાવવા માટે જરૂરી ચીજ વસ્તુઓ પર નિકાસ નિયંત્રણ લાદે છે.

કંપનીએ કહ્યું કે, તેને 'સૅલ કલ્ચર મીડિયા', 'સિંગલ-યુઝ ટ્યુબિંગ' અને યુએસમાંથી વિશેષ રસાયણો આયાત કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

પૂનાવાલાએ જણાવ્યું, "આમાં કાચા માલની વહેંચણી એક નિર્ણાયક મર્યાદિત પરિબળ બનશે - ઉપરાંત કોઈએ હજી સુધી આના પર ધ્યાન આપ્યું જ નથી."

સિરમ ઇન્સ્ટિટ્યૂટે ભારત સરકારને પત્ર લખીને વૈશ્વિક સ્તરે રસીના અવિરત ઉત્પાદન અને રસીઓના સપ્લાયની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરવા જણાવ્યું છે.

જ્હૉન્સન ઍન્ડ જ્હૉન્સનની રસીનું ઉત્પાદન કરનારી અન્ય ભારતીય રસી ઉત્પાદક કંપની 'બાયૉલૉજીકલ-ઈ'એ પણ રસીના ઉત્પાદનને અસર થવાની સંભાવનાની અંગે ચિંતા વ્યક્ત કરી છે.

કંપનીનાં ચીફ ઍક્ઝિક્યુટિવ મહિમા દટલાએ તાજેતરમાં કહ્યું હતું કે યુએસ સપ્લાયરો "તેઓ તેમની ડિલિવરીની સમયમર્યાદાને વળગી રહેશે તે ગેરંટી આપવા માટે તૈયાર નથી."

યુએસ કેમ સપ્લાય પર નિયંત્રણ લાવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વિશ્વમાં કોરોનાના કુલ કેસો મામલે ભારત ત્રીજા ક્રમે છે.

રાષ્ટ્રપતિ જો બાઇડને તેમના વહીવટી તંત્રને રસી ઉત્પાદન માટે જરૂરી સામગ્રીની સંભવિત અછતના મુદ્દે તપાસ કરી મટિરિયલોની યાદી બનાવવા કહ્યું છે.

તેમણે સંરક્ષણ પ્રોડક્શન ઍક્ટ (ડીપીએ), 1950ના દાયકાના કાયદાને સક્રિય કર્યો છે, જે કટોકટીના સમયમાં અમેરિકન રાષ્ટ્રપતિને ઘરેલું અર્થતંત્ર વેગવંતુ કરવાની શક્તિ આપે છે.

ડીપીએ યુએસને એવા ઉત્પાદનોના નિકાસને પ્રતિબંધિત કરવાની મંજૂરી આપે છે જે ઘરેલું ઉત્પાદન માટે જરૂરી હોઈ શકે છે.

બાયડેન પ્રશાસને જણાવ્યું હતું કે યુએસના રસી ઉત્પાદકોને ખાસ પંપ અને ગાળણ માટે ફિલ્ટર એકમો જેવી પ્રાધાન્યતાવાળી વસ્તુઓ મળી રહે એ માટે તે આ કાયદાનો ઉપયોગ કરશે.

ચાવીરૂપ સપ્લાયરોના નિકાસ પ્રતિબંધો વૈશ્વિક ઉત્પાદનને અસર કરી શકે છે. કેટલીક વસ્તુઓનાં ધોરણોય યોગ્ય નથી કે તે ખૂબ જ વિશિષ્ટ છે. આથી અન્ય સ્રોતથી તેની અવેજમાં બીજી વસ્તુ પ્રાપ્ત કરી તેને વાપરવાની વ્યવસ્થા કરવામાં 12 મહિનાનો સમય લાગી શકે છે.

લિવરપૂલની જ્હૉન મૂર્સ યુનિવર્સિટીની રસી સપ્લાય ચેઇનનાં નિષ્ણાત ડૉ. સારાહ શિફલિંગ કહે છે કે ફાર્માસ્યૂટિકલ સપ્લાય ચેઇન ખૂબ જટિલ છે.

તેઓ એમ પણ કહે છે કે યુએસનાં પગલાં હાલની વૈશ્વિક તંગી માટે જવાબદાર છે, કારણ કે તે જ આનું મુખ્ય કારણ છે.

તે કહે છે, "વિશ્વભરમાં અચાનક માગમાં આવી રહેલી વસ્તુ સામે ઉત્પાદન માટે જરૂરી સામગ્રીની અછત વર્તાય એવું તો બનવાનું જ છે."

ભારતના રસીઉત્પાદન પર અસર પડશે?

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

બેંગ્લૂરુમાં રસીને સંગ્ર કરવાના યુનિટ તૈયાર થઈ રહ્યાં છે.

ભારતમાં હાલમાં બે રસી માન્ય છે - ઑક્સફર્ડ-ઍસ્ટ્રાઝેનેકા રસી (સ્થાનિક રીતે કોવિશિલ્ડ તરીકે ઓળખાય છે) અને કોવૅક્સિન, જે ભારતીય પ્રયોગશાળાઓમાં વિકસિત થઈ છે.

જાન્યુઆરીની શરૂઆતથી, એસઆઈઆઈ (સિરમ ઇન્સ્ટિટ્યૂટ) તરફથી કોવિશિલ્ડનાં લગભગ 130 મિલિયન ડોઝ કાં તો નિકાસ કરવામાં આવ્યા છે કાં તો સ્થાનિક રીતે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

ઇન્ડિયન ફાર્માસ્યૂટિકલ કંપનીઓ સ્થાનિક માગને અને વૈશ્વિક પુરવઠાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે હવે કેટલાક મહિનાઓથી નવી સુવિધાઓ ઉમેરીને અથવા હાલની ઉત્પાદન-લાઇનમાં નવા ફેરફાર કરીને ઉત્પાદનમાં વધારો કરી રહી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તે એક સમયે એક મહિનામાં 60થી 70 મિલિયન ડોઝ તૈયાર કરી શકે શકે છે - આમાં કોવિશિલ્ડ અને યુએસ દ્વારા વિકસિત નોવાવૅક્સ (જેને હજી સુધી ઉપયોગ માટે પરવાનો નથી) સમાવિષ્ટ છે.

એસઆઈઆઈએ બીબીસીને એ વખતે કહ્યું હતું કે માર્ચથી તે એક મહિનામાં ઉત્પાદનને 100 મિલિયન ડોઝ સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે - પરંતુ જ્યારે અમે તાજેતરમાં તેમની સાથે વાત કરી ત્યારે ઉત્પાદન હજી પણ 60 થી 70 મિલિયન ડોઝનું હતું અને તેમાં વધારો થયો ન હતો.

કંપનીએ સ્પષ્ટતા નહોતી કરી કે તેમની પાસે પહેલાંથી જ રસીનો કેટલો સંગ્રહ છે અને તેનું કેટલું ઉત્પાદન માત્ર ઘરેલુ ઉપયોગ માટે રાખવામાં આવ્યું છે.

ભારત રસી માટેની ઘરેલુ માગ પૂરી કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, AFP

ભારત સરકારે રસીકરણનો કાર્યક્રમ 16 જાન્યુઆરીએ શરૂ કર્યો હતો, અને સંભવિત કોરોનાની બીજી લહેરના ભય વચ્ચે દેશમાં અત્યાર સુધીમાં 3.9 કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.

દેશના કેટલાક ભાગોમાં સંક્રમણ વધી રહ્યું છે. સત્તાધિશોનું લક્ષ્ય સાત મહિનાની અંદર 600 મિલિયન ડોઝ (60 કરોડ ડોઝ)નો ઉપયોગ કરવાનું છે. એટલે કે 60 કરોડ લોકોનું રસીકરણ કરવાનું લક્ષ્ય છે.- એનો અર્થ કે એક મહિનામાં લગભગ 85 મિલિયન ડોઝ એટલે કે 8.5 કરોડ ડોઝનું લક્ષ્ય છે.

અત્યાર સુધીમાં, સિરમે ભારત સરકારને 100 મિલિયન ડોઝ સપ્લાય કરવાનો કરાર કર્યો છે, તથા બીજી કંપની, ભારત બાયૉટેક, 10 કરોડ ડોઝ પૂરા પાડશે.

ભારતે સ્પુટનિક રસીના 200 મિલિયન ડોઝ બનાવવા માટે રશિયન ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે લાઇસન્સ માટે પણ ડીલ કરી છે.

આ જથ્થો ભારતીય ઉત્પાદકો દ્વારા જ બનાવવામાં આવશે, જેને ભારતીય બજાર અને નિકાસ બંને માટે ઉત્પાદિત કરાશે.

સિરમ ઇન્સ્ટિટ્યૂટના વડા, આદર પૂનાવાલાએ જાન્યુઆરીમાં સંકેત આપ્યો હતો કે કંપની ભારતીય ઘરેલુ જરૂરિયાતોને પ્રાધાન્ય આપશે તે સમજૂતી હેઠળ કોવિશિલ્ડને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી.

જોકે, ભારત સરકારે ત્યારબાદ સ્પષ્ટ કર્યું કે નિકાસ પર કોઈ પ્રતિબંધો નથી.

બાંગ્લાદેશે જ્યારે પૂછપરછ કરી કે શું કોવિશિલ્ડ સપ્લાય કરવા કરાર થાય તો સરકાર મંજૂરી આપશે કે કેમ ત્યારે આ વાતનું સ્પષ્ટિકરણ થયું હતું.

ભારતની રસી કોને મળશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતમાં કોરોના વાઇરસ ફરીથી માથું ઊચકી રહ્યો છે

ભારતની સિરમ સંસ્થાએ યુએન દ્વારા સમર્થિત કોવૅક્સ પહેલ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેમાં ઓછા અને મધ્યમ આવકવાળા દેશોને રસી પહોંચાડવાનો હેતુ છે.

ગયા સપ્ટેમ્બરમાં, સિરમે કોવૅક્સને 200 મિલિયન ડોઝ સપ્લાય કરવાની સંમતિ આપી હતી - તે કાં તો ઍસ્ટ્રાઝેનેકા અથવા નોવાવૅક્સ રસી પૂરી પાડશે.

યુએનના ડેટા અનુસાર સિરમ ઇન્સ્ટિટ્યૂટે ઍસ્ટ્રાઝેનેકા રસીના લગભગ 900 મિલિયન ડોઝ અને નોવાવૅક્સના 145 મિલિયન ડોઝ મામલે દ્વિપક્ષીય વ્યવસાયિક સોદા પણ કર્યા છે.

ભારત સરકારે પણ ઘણા દેશોને રસી દાન કરી છે, જેમાં દક્ષિણ એશિયામાં તેના પડોશીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

યુએનના આંકડા અનુસાર, તે અત્યાર સુધીમાં ચીન કરતાં વધુ રસીનું દાન કરી ચૂક્યું છે. ચીનના 7.3 મિલિયન ડોઝની સરખામણીમાં ભારતનું દાન વધારે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો