અમિત શાહ બોલ્યા, 'પશ્ચિમ બંગાળને પાંચ વર્ષમાં ઘૂસણખોરોથી મુક્ત કરી દઈશું' - TOP NEWS

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું છે કે પશ્ચિમ બંગાળને પાંચ વર્ષમાં ઘૂસણખોરોથી મુક્ત કરી દઈશું.

અમિત શાહ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લાની ઇગરા વિધાનસભા બેઠકમાં એક સભાને સંબોધવા પહોંચ્યા હતા અને એ વખતે આ વાત કહી હતી.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે તેમણે મતદારોને કહ્યું, "જો અમે સત્તામાં આવ્યા તો તમને કોઈ પણ સરસ્વતી અને દુર્ગાપૂજા કરવાથી રોકી નહીં શકે."

તેમણે કહ્યું, "ટીએમસીના ગુંડાઓ માટે કપરો સમય આવી ગયો છે અને લોકોને આ વખતે મતદાન કરવાની કોઈ રોકી નહીં શકે."

મમતા બેનરજીની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં તેમણે કહ્યું, "આ સરકાર ભ્રષ્ટાચારની સીમા વટાવી ચૂકી છે. ભત્રીજાના પૈસામાંથી કટ દીદી પાસે જાય છે. શું આને રોકવું ન જોઈએ?"

"મમતા દીદી કહે છે કે 500 રૂપિયા આપવામાં શો વાંધો છે, જો અમે સત્તામાં આવ્યા તો તમારા પૈસા કટમાં નહીં જાય."

ગુજરાતમાં 20 ટકા બાળકો RTE અંતર્ગત શાળાપ્રવેશથી વંચિત

ઇમેજ સ્રોત, Getty Images

'ટ્રિબ્યુનઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારે શનિવારે રાજ્ય વિધાનસભા ગૃહમાં કબૂલ્યું કે પાછલાં બે વર્ષમાં રાજ્યમાં ગરીબ બાળકો પૈકી કુલ 20 ટકા બાળકો શિક્ષણના અધિકાર (RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ઍડમિશન મેળવવાથી વંચિત રહી ગયાં છે.

નોંધનીય છે કે આગામી શૈક્ષણિક વર્ષ માટે દેશનાં ઘણાં રાજ્યોમાં ગરીબ બાળકો શિક્ષણના અધિકારનો ઉપયોગ કરીને ખાનગી શાળાઓમાં ઍડમિશન લેવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પરંતુ બીજી બાજુ ગુજરાતમાં RTE ક્વૉટા અંગેની આ માહિતીએ ઘણા પ્રશ્ન ઊભા કરી દીધા છે.

કૉંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં રાજ્ય સરકારે ગૃહમાં માહિતી આપી હતી કે વર્ષ 2019 અને 2020 દરમિયાન રાજ્યમાં કુલ 1,94,783 ગરીબ બાળકો ખાનગી શાળાઓમાં ઍડમિશન મેળવવાપાત્ર હતાં. તેમ છતાં આ વર્ષો દરમિયાન 40,530 ગરીબ બાળકો ખાનગી શાળાઓમાં ઍડમિશન મેળવવાથી વંચિત રહી ગયાં હતાં.

મુસ્લિમ બાળકને મારવાનો મામલો : મુસલમાનોએ કહ્યું, 'એ મંદિર બનાવવામાં અમે મદદ કરી હતી'

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસનામાં પાણી પીવા મામેલ એક મુસ્લિમ કિશોર સાથે મારઝૂડ બાદ ચર્ચામાં આવેલા હિંદુ મંદિરના નિર્માણમાં મુસ્લિમોએ પણ મદદ કરી હતી.

આ મંદિર બહાર હવે મુસ્લિમોનો પ્રવેશ વર્જિત હોવાની માહિતી આપતું બોર્ડ લાગેલું છે.

અખબારના અહેવાલ પ્રમાણે ડાસનાના મુસ્લિમોનું કહેવું છે કે એક સમયે અહીં સાંપ્રદાયિક સૌહાર્દનો માહોલ હતો અને આ મંદિરના નિર્માણમાં મુસ્લિમોએ પણ મદદ કરી હતી.

રિપોર્ટ અનુસાર અહીના મુસ્લિમોનું કહેવું છે કે 80ના દાયકામાં મંદિરના નિર્માણમાં મુસ્લિમોએ પણ ખૂબ જ સહયોગ કર્યો હતો.

ડાસના નગરપંચાયતે પણ મંદિર માટે છ એકર જમીન આપી હતી.

સ્થાનિક મુસ્લિમો પ્રમાણે અમુક વર્ષો પહેલાં સુધી મુસ્લિમો પણ મંદિરપરિસરમાં બનેલા તળાવમાં ડૂબકી મારવા જતા હતા. સ્થાનિક માન્યતા પ્રમાણે આ મંદિરના તળાવમાં ડૂબકી મારવાથી બીમારીઓ ઠીક થઈ જાય છે.

મંદિરપરિસરમાં એક મેદાન પણ છે જેમાં ક્યારેક અખાડો હતો. તેમાં હિંદુ અને મુસ્લિમ બાળકો પહેલવાનીની તાલીમ મેળવતાં હતાં.

સ્થાનિક લોકોનું કહેવું છે કે યતિ નરસિંહાનંદ સરસ્વતી જ્યારથી મંદિરના પ્રમુખ બન્યા છે ત્યાંનો માહોલ બદલાઈ ગયો છે. પહેલાં તેમણે દશેરાના મેળામાં મુસ્લિમોને આવવાથી રોક્યા અને પછી મંદિરની બહાર મુસ્લિમોનો પ્રવેશ વર્જિત હોવાની માહિતી આપતું બોર્ડ લગાવી દીધું.

સ્થાનિકો મુજબ મેળામાં લાઇટ લગાવવાવાળા એક મુસ્લિમ યુવક સાથે પણ ક્રૂરતાપૂર્વક મારઝૂડ કરવામાં આવી હતી. 12 માર્ચના રોજ આ જ મંદિરમાં પાણી પીવા માટે ગયેલા મુસ્લિમ બાળકને ક્રૂર માર મારતો વીડિયો વીડિયો વાઇરલ થયો હતો.

જોકે, મંદિરના પ્રમુખ યતિ નરસિંહાનંદ સરસ્વતીનો આરોપ છે કે બાળક મંદિરનું અપમાન કરી રહ્યું હતું. તેમણે બાળક પર કરાયેલા હુમલાને યોગ્ય ગણાવ્યો હતો.

ગુજરાતમાં કોરોનાના નવા 1,565 કેસ નોંધાયા, સૌથી સુરતમાં

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ માહિતી અનુસાર શનિવારે રાજ્યમાં કોરોના વાઇરસના 1,565 નવા કેસ નોંધાયા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં કોરોનાની માંદગીને કારણે છ લોકો મૃત્યુ પામ્યા હતા.

રાજ્યમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ ફરી એક વાર સુરત જિલ્લામાં જ જોવા મળ્યા હતા.

પાછલા 24 કલાકમાં સુરત કૉર્પોરેશન અને સુરત જિલ્લામાં કુલ્લ 484 કેસ જોવા મળ્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ 406 કેસ જોવા મળ્યા હતા.

જે પૈકી 401 કેસ અમદાવાદ કૉર્પોરેશન અને પાંચ કેસ અમદાવાદ જિલ્લામાં જોવા મળ્યા હતા.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ વિગતો અનુસાર શનિવારે સમગ્ર રાજ્યમાં 6,737 ઍક્ટિવ કેસ હતા. જે પૈકી 69 દર્દીઓ વૅન્ટિલેટર પર હતા.

ઉપરાંત ગત 24 કલાકમાં તુસ 969 કોરોના વાઇરસના દર્દીઓ આ માંદગીમાંથી બેઠા થયા હતા.

રાજ્યમાં રસીકરણ કાર્યક્રમની વાત કરીએ તો અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 28,36,204 લોકોને વૅક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે.

જ્યારે 5,92,712 લોકોને વૅક્સિનનો બીજો ડોઝ અપાયો છે.

ઇશરત જહાં કેસ : ગુજરાત સરકારે ત્રણ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી ન આપી

'ધ વાયર'ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારે ઇશરત જહાં ઍન્કાઉન્ટર કેસમાં ત્રણ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ મુકદમો ચલાવવાની પરવાનગી આપી નથી. આ અંગે સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શનિવારે કોર્ટને માહિતી આપી હતી.

નોંધનીય છે કે CBIએ સ્પેશિયલ જજ વી. આર. રાવળના નિર્દેશાનુસાર ગુજરાત સરકાર પાસેથી આ કામના આરોપી પોલીસ અધિકારી IPS ઑફિસર સિંઘલ, તરુણ બારોટ અને અનાજુ ચૌધરી સામે કેસ ચલાવવાની પરવાનગી માગી હતી.

ક્રિમિનલ પ્રોસિજર કૉડની કલમ 197 મુજબ કોઈ પણ સરકારી અધિકારીએ પોતાની ફરજના ભાગરૂપે કરેલ કોઈ પણ કાર્ય માટે તેમના પર કેસ ચલાવવા માટે સરકારની મંજૂરીની આવશ્યકતા હોય છે.

અહેવાલ મુજબ સ્પેશિયલ પ્રોસિક્યૂટર આર. સી. કોડેકરે કહ્યું હતું કે, "ગુજરાત સરકારે ત્રણ આરોપીઓ સામે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. આ બાબતની જાણ કરતો પત્ર અમે કોર્ટ સમક્ષ મુક્યો છે."

ગુજરાતમાં કોરોનાના રસીકરણ માટે રવિવારે ડ્ર્રાઇવ : ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ

ઇમેજ સ્રોત, @NITINBHAI_PATEL/TWITTER

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક અહેવાલ અનુસાર રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે શનિવારે વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી કે રાજ્યમાં કોરોના સામે રક્ષણ આપતી રસીના લાભાર્થીઓની સંખ્યા વધે તે હેતુસર રવિવારે વૅક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવશે.

તેમણે પોતાના આ નિવેદન દરમિયાન આગળ જણાવ્યું હતું કે, "હાલ સમગ્ર રાજ્યમાં ફેલાયેલાં કુલ 2,500 રસીકરણ કેન્દ્રો પર બુધવાર અને રવિવાર સિવાય દરરોજ અઢી લાખ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવે છે."

રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ આ બાબતે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "વધુમાં વધુ લાભાર્થીઓને રસી મૂકી શકાય તે હેતુસર અમે આ રવિવારે (21 માર્ચ)ના રોજ વૅક્સિનેશન ડ્રાઇવ ચાલુ રાખીશું."

તેમણે તમામ ધારાસભ્યોને પણ શક્ય તેટલું જલદી કોરોનાની રસી લેવા માટેની વિનંતી કરી હતી.

યુએસના સંરક્ષણસચિવે ભારત સાથેની ચર્ચામાં લઘુમતીઓનો મુદ્દો ઉઠાવ્યો

અમેરિકાના સંરક્ષણસચિવે કહ્યું, "ભારત સાથેની ચર્ચા વખતે દેશની લઘુમતી પ્રજાના માનવાધિકારો મામલે વાતચીત થઈ"

અમેરિકાના સંરક્ષણસચિવ લૉયડ ઑસ્ટિને નવી દિલ્હીમાં વિજ્ઞાનભવન ખાતે યોજાયેલી એક પત્રકારપરિષદમાં માહિતી આપી હતી કે તેમણે ભારતની કૅબિનેટના સભ્યો સાથેની ચર્ચામાં ભારતમાં લઘુમતી કોમના લોકોના માનવાધિકારોને લગતા મુદ્દા ઉઠાવ્યા હતા.

જોકે, સામે પક્ષે ભારતના પ્રશાસનિક અધિકારીઓએ આ અંગે કોઈ પણ ચર્ચા ન થઈ હોવાની વાત કરી હતી.

નોંધનીય છે કે લૉયડ ઑસ્ટિન અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડનના ઍડમિનિસ્ટ્રેશનના પ્રથમ એવા સિનિયર સભ્ય છે જેમણે ભારતની મુલાકાત લીધી છે. 'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે ઑસ્ટિન આ મહત્ત્વપૂર્ણ હોદ્દા પર વિરાજમાન થનારા પ્રથમ આફ્રિકન અમેરિકન છે.

ભારત સરકારના અધિકારીઓએ અમેરિકાના સંરક્ષણસચિવ ઑસ્ટિન અને ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ વચ્ચેની વાતચીત તેમજ વિદેશમંત્રી એસ. જયશંકર સાથેની વાતચીતમાં ભારતના લઘુમતી કોમના લોકોના અધિકારો બાબતે કોઈ ચોક્કસ ચર્ચા થઈ નહોતી.

ભારતીય અધિકારીઓના મતે બંને દેશોની સંયુક્ત તાકાત તરીકે માનવાધિકારો અને મૂલ્યો અંગે ચર્ચા થઈ હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો