CM વિજય રૂપાણીનું સંબોધન, ગુજરાતમાં લૉકડાઉન અંગે શું કહ્યું?

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ફરી સ્પષ્ટતા, 'ખાતરી આપું છું કે હવે નવું લૉકડાઉન થવાનું નથી.'

ઇમેજ સ્રોત, facebook/Vijay Rupani

ઇમેજ કૅપ્શન,

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ફરી સ્પષ્ટતા, 'ખાતરી આપું છું કે હવે નવું લૉકડાઉન થવાનું નથી.'

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણ અંગે આજે સંબોધન કર્યું હતું.

વિજય રૂપાણીએ કહ્યું, "સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધ્યા છે, આપણું ગુજરાત પણ તેમાંથી બાકી નથી."

"સંક્રમણને ફેલાતું અટકાવવું પડે અને એ માટે સરકારે કેટલાંક પગલાં લીધાં છે. મહાનગરોમાં ઑફલાઇન શિક્ષણ બંધ કર્યું છે."

"હોટલ-રેસ્ટોરાં પર અંકુશ લાદ્યા છે અને રાત્રી કર્ફ્યુનો સમય વધારી દીધો છે. હું સમજું છું કે આનાથી રોજિંદા જીવનમાં અગવળતા પડશે. આ નછૂટકે કરવું પડ્યું છે."

"સરકાર પહેલાંથી જ લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ધંધા-રોજગાર પર અસર ન થાય એની તકેદારી રાખી રહી છે."

રૂપાણીએ વધુમાં જણાવ્યું, "હું મુખ્ય મંત્રી તરીકે આપ સૌને ખાતરી આપું છું કે હવે નવું લૉકડાઉન થવાનું નથી."

સાથે જ તેમને કહ્યું, "માસ્કના દંડના રૂપિયામાં સરકારને રસ નથી, આ હાઈકોર્ટનો ઑર્ડર છે કે જેણે માસ્ક નથી પહેર્યા તેમની પાસેથી દંડ વસૂલવાના છે."

ગુજરાતમાં હોળી-ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ વિશે નીતિન પટેલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER / @NITINBHAI_PATEL

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે અને એ વચ્ચે 28-29 માર્ચે હોળી અને ધુળેટીના તહેવાર આવી રહ્યા છે.

કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણને નાથવા સરકાર દ્વારા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે, એ વચ્ચે હોળી-ધુળેટીની ઉજવણી થશે કે નહીં એ અંગે ચર્ચા છે.

ગુજરાત રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું, "ગુજરાતના મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લીધો છે કે હોળી-ધુળેટીની ધાર્મિક રીતે ઉજવણી કરવાની મંજૂરી આપીશું."

"એટલે કે હોળી પ્રગટાવવાની મંજૂરી આપીશું પણ એકબીજા પર રંગ છાટવા અને રંગવા માટે ટોળાશાહી કરવાની મંજૂરી આપવાની નથી."

"હોળી પ્રગટાવવા માટે મર્યાદિત લોકો એકઠા થાય અને ધાર્મિક વિધિ કરે એની મંજૂરી આપવામાં આવી છે."

નીતિન પટેલ ચૂંટણી અને ક્રિકેટ મૅચની ભૂમિકા વિશે શું બોલ્યા?

ગુજરાત રાજ્યમાં ફેલાયેલા સંક્રમણ માટે મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલી ક્રિકેટ મૅચ અને સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓ વખતે યોજાયેલી રેલીઓ જવાબદાર છે કે નહીં?

પત્રકારોના આવા પ્રશ્નોના જવાબમાં નીતિન પટેલે કહ્યું, "લોકો જુદાં-જુદાં અનુમાનો કરે છે, ક્રિકેટ મૅચનું કારણ હોય તો એ તો ફક્ટ અમદાવાદમાં યોજાઈ હતી."

"મૅચ જોવા માટે અમદાવાદની 60 લાખની વસતીમાંથી 40-50 હજાર લોકો ગયા હશે."

ચૂંટણીઓ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, "ચૂંટણીઓની વાત કરીએ તો ગુજરાતમાં નગરપાલિક, મહાનગરપાલિકા પહેલાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાઈ ગઈ. હમણાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રક્રિયા ચાલી રહી છે."

"તામિલનાડુ અને કેરળમાં પણ ચાલી રહી છે. બંધારણીય રીતે કરવાપાત્ર છે, ત્યાં બધે જ ચૂંટણીઓ યોજાઈ રહી છે."

તેઓ કહે છે કે "સંક્રમણ જો મૅચને કારણે વદ્યું હોત તો આખા રાજ્યમાં ન થયું હોત અને ચૂંટણીને કારણે થયું હોત તો આખા દેશમાં ન થયું હોત."

તેઓ ઉમેરે છે, "મુંબઈમાં કોઈ ચૂંટણી કે ક્રિકેટ મૅચ નથી, તોય આખા દેશમાં જેટલા કેસ નોંધાય છે એમાંથી 50 ટકા ત્યાં નોંધાય છે."

ગુજરાતમાં કોરોના સંક્રમણના 1,565 નવા કેસ

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ માહિતી અનુસાર શનિવારે રાજ્યમાં કોરોના વાઇરસના 1,565 નવા કેસ નોંધાયા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં કોરોનાની માંદગીને કારણે છ લોકો મૃત્યુ પામ્યા હતા.

રાજ્યમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ ફરી એક વાર સુરત જિલ્લામાં જ જોવા મળ્યા હતા.

પાછલા 24 કલાકમાં સુરત કૉર્પોરેશન અને સુરત જિલ્લામાં કુલ્લ 484 કેસ જોવા મળ્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ 406 કેસ જોવા મળ્યા હતા.

જે પૈકી 401 કેસ અમદાવાદ કૉર્પોરેશન અને પાંચ કેસ અમદાવાદ જિલ્લામાં જોવા મળ્યા હતા.

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ વિગતો અનુસાર શનિવારે સમગ્ર રાજ્યમાં 6,737 ઍક્ટિવ કેસ હતા. જે પૈકી 69 દર્દીઓ વૅન્ટિલેટર પર હતા.

ઉપરાંત ગત 24 કલાકમાં તુસ 969 કોરોના વાઇરસના દર્દીઓ આ માંદગીમાંથી બેઠા થયા હતા.

રાજ્યમાં રસીકરણ કાર્યક્રમની વાત કરીએ તો અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 28,36,204 લોકોને વૅક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે.

જ્યારે 5,92,712 લોકોને વૅક્સિનનો બીજો ડોઝ અપાયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો